સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નરભેરામ
[ગયા સંગ્રહમાં આ હાસ્યરસિક કવિનો પરિચય થયેલો જ છે. આ પદથી વળી એનો વિશેષ અનુભવ થશે. ‘લૂંટાયા વિષે’માંથી આપણે જાણ્યું હતું કે નરભેરામને દર પૂનમે ડાકોર જવાની નેમ હતી, પણ એના જેવા ભગત માણસ દ્વારકા ગયા વગર પણ રહે? પોતે અમદાવાદમાં રહેતા હતા. એ એક પદમાં કહે છે : ‘ગોમતીપુર વડપોળમાં વાસ રે, અમદાવાદ શહેરની પાસ.’ તો ઠેઠ અમદાવાદથી ચાલતા ચાલતા ‘પચાસ જોજન’ દૂર દ્વારકાને મંદિરે નરભેરામ એક વાર જઈ પહોંચ્યા. જઈને જુએ છે તો અમલદારો એમની પાસે લાગાના પૈસા માગે છે. જેને ભેખ (સાધુનો વેશ) હોય તેની પાસે કોઈ કાંઈ માગતું ન હતું. નરભેરામ તો સાદા ગૃહસ્થના વેશમાં રહેનારા. એમને માથે પાઘડી જોઈને રાજના માણસોએ પૈસા માગ્યા. નરભેરામ પાસે હતું શું? પોતે કહે છે તેમ, હતી એક ‘હરિ! હરિ!’ જપવાની માળા. હવે કરવું શું? આટલું ચાલીને આવ્યા અને દ્વારકાની છાપ (સૌ ભક્તોને શરીર ઉપર દ્વારકા ગયાની નિશાનીરૂપે ત્યાં મળતી તે) વગર જ પાછા જવું પડશે? નરભેરામ એમ હારી ખાય એવા તો હતા જ નહિ. ગોમતીજીના ઘાટ ઉપર જઈને એમણે તેં દ્વારકાધીશ કૃષ્ણને સંભળાવવા માંડી. એવી તક એ હાસ્યરસિક ભક્ત ચૂકે પણ ખરા કે? એમણે આ પદ ગાવા માંડ્યું : હે ધોળી ધજાવાળા, તારે પૈસાની તાણ પડી છે? તો લે, આ નરભો તને આજે નાણું આપવા તૈયાર છે. હું આપું એ પૈસા પાછા બરોબર સાચવી રાખજે. તાણીને ગાંઠે બાંધી રાખજે. ને પછી મન ફાવે એમ એ વાપરજે. મારે ભગવાં નથી એટલે હું ભગત નહિ એમ કે? તેં આવી જ પરીક્ષા કરીને છેવટે?...... એ રીતે શ્રીકૃષ્ણને એણે બરોબર ઊઘડા લીધા. કૃષ્ણે એની મીઠી ઠેકડી સાંભળી કે કેમ તે તો કોણ જાણે, પણ ત્યાં લાગો ઉઘરાવનાર અમલદાર હતો તેણે જોયું કે આ માણસ જુદો જ છે અને એણે નરભાને દર્શનની રજા આપી. છેલ્લે નરભેરામે પોતાની જોડે ગુરુનું નામ કાવ્યમાં ગૂંથ્થું છે, એ ધ્યાનપાત્ર છે.]