સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નરસિંહ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નરસિંહ

[નરસિંહનાં આ ઊર્મિગીતો જુદા જુદા પ્રસંગે આપણી આગળ તાદૃશ કરે છે. ૧. કૃષ્ણ અને ગોપી એ બેમાં સુંદર કોને કહીએ એ મૂંઝવણ આપણા મનમાં પણ, કવિએ કરેલું સુંદર વર્ણન વાંચતાં, થાય છે. ૨. માઝમરાતે – અરધીરાતે ઝાંઝર કેવાં વાગે છે, તેનો ખ્યાલ કવિએ ભારે સરળતાથી અને કુશળતાથી આપે છે. ઝાંઝરનો સુંદર અવાજ થતાં આખું નગર ઊંઘમાંથી જાગી ગયું. જાગીને જુએ છે તો કોઈ મોટી ધાડ ન હતી, કે ન હતા ઢોલતાંસાંના કાન ફાડી નાખે એવા અવાજ. હતો માત્ર ઝાંઝરનો આછો મધુર ઝમકાર. ‘નાનું સરખું’, ‘જાગ્યું ત્યારે’, ‘મારા હરિને ‘, ‘બાઈ મને’, ‘ઉરની વેલ’, વગેરે લાડના ઉદ્ગારો કેટલા કુદરતી અને સરળ છે! ૩. ભરવાડણો કૃષ્ણને વેચવા જાય છે તે દૃશ્ય જાણે કે આપણી નજર આગળ ભજવાય છે. ૪. વૃંદાવનના રાસની ગરબી છે. બહુ ગવાય છે. ૫. ઘણું જ જાણીતું અને ભજનમંડળીઓમાં તથા નવરાત્રમાં બહુ ગવાતું આ ગીત ગોકુળવાસીઓની કૃષ્ણ માટેની મમતા બતાવે છે. ૬-૭. મથુરામાં કંસની એક ખૂંધી દાસી કુબ્જા કૃષ્ણની સેવાબરદાસ કરે છે તે હકીક્ત પર ટોણો મારી, ગોકુળના લોકો કૃષ્ણ કેમ પાછા આવતા નથી તેનું કારણ આપે છે. ‘સરખી મળી છે જોડી’માં હાસ્ય પણ છે. ૮. આ પદ બહુ જ લોકપ્રિય છે. તેમાંની બધી વાત કેટલી સાચી છે એ નજીકમાંના કોઈ પણ વૃદ્ધની દશા તપાસતાં તરત સમજાશે. આ કાવ્યોમાં છેડે ક્યાંક ‘નરસૈંયાચો’ એવો પ્રયોગ આવે છે. ‘નો’ને ઠેકાણે મરાઠી પ્રત્યય ‘ચો’ છે. જૂના વખતમાં મરાઠી અને ગુજરાતી ભાષાને પરસ્પર વિશેષ સંબંધ હતો, તે આ ઉપરથી સમજાય છે.]