સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નાકર
[આપણા જૂના કવિઓમાં જે બહુ જ આગળ પડતા કવિઓ છે તેમાંનો એક નાકર છે. એણે મોટાં મોટાં આખ્યાનોની રચના કરી છે. ખુદ પ્રેમાનંદ જેવાએ પણ નળાખ્યાન લખતી વખતે નાકરના નળાખ્યાનમાંથી સારી એવી ચીજો ઉપાડી છે. . . . નીચે આપેલો ટુકડો નાકરે કરેલા મહાભારતના ભાષાંતરમાંથી છે. આપણા કવિઓ મૂળ સંસ્કૃતનું શબ્દેશબ્દ ભાષાંતર કરવાને બદલે મૂળનો ભાવાર્થ બરોબર સચવાય એ રીતે આપણી ભાષામાં ઉતારતા. એથી કુશળ કવિના હાથમાં તે વસ્તુ સ્વતંત્ર રચના જેવી જ બની જતી. પાંડવોની સભા જોતાં જોતાં સ્થળને ઠેકાણે જળ અને જળને ઠેકાણે સ્થળનો ભુલાવો ખાઈ દુર્યોધન હેરાન થાય છે, એનું વર્ણન કવિએ કેવી સ્વાભાવિક, સરળ અને સચોટ વાણીમાં કર્યું. છે, એ સહેજમાં સમજાશે. ‘અંધ તણા અંધ જાણો’ એટલા સીધા સરળ ત્રણ ચાર શબ્દોમાં જે ટોણો અને ફિટકાર છે તે આ પ્રસંગને મહાભારતના ભાવિ યુદ્ધ-દાવાનળને ચેતાવનાર તણખારૂપ બનાવી મૂકે છે. . . . ર. રફતે રફતે પરિબ્રહ્મરૂપ કૃષ્ણે પૂર્ણ બનાવ્યા. ૩-૪. કૃષ્ણની કૃપા વડે પિતા પાંડુનો પણ ઉદ્ધાર થયો. રાજસૂચ યજ્ઞ અને સભાની રચના દ્વારા (‘થકા’) પાંડવોના પિતૃઓને મુક્તિ મળી, એમ સૂચવવાનો આશય લાગે છે. ૬. મને - મનમાં. ૮. તાં - જૂની ગુજરાતીમાં ‘તો’ સિવાય આ ‘તાં’ શબ્દ પણ વપરાય છે. બંનેનો અર્થ એક નથી. ‘તો’ સં. ततःમાંથી અને ‘તાં’ સં. तावत्માંથી આવેલ છે. ‘તાં’નો અર્થ ‘આમ’, ‘આ રીતે’, એવો કરવો ઠીક પડશે. ૧૮. ઈન્દ્રપુરી ઉછાપી – (૧) ઉપાડી લાવીને જાણે કે અહીં છાપી દીધી. (૨) ઇન્દ્રપુરીને પાછળ મૂકી દીધી. (સં. उत्स्थापितમાંથી ‘ઉછાપી’ સાધીએ તો). ૩૨. ઠબકાણું — પછડાયું. પછડાતાં ‘ઠબ્બ’ અવાજ થાય તે ઉપરથી યોજાયેલો શબ્દ. છેડે ‘આણું’ છે તે હવે શિષ્ટ ભાષામાં વપરાતું નથી. ગામડિયું ગણાય છે. પણ તે પ્રયોગ જૂની ગુજરાતીમાં વ્યાપક લાગે છે. ૩૪. હાથ્ય - હાથે – હાથ વડે. ૩૮. પહાણ્ય — પહાણ ઉપર. ૩૪ અને ૩૮માં અનુક્રમે ત્રીજીનો અને સપ્તમીનો પ્રત્યય ‘ય’ (મૂળ પ્રત્યય ‘ઇ’નું રૂપાંતર થતાં ‘ય’) છે. આ પદ્યખંડની ભાષા નાકરની રાખી નથી. અત્યારની ભાષાનું એને રૂપ આપ્યું છે. પણ નમૂના દાખલ આ પ્રત્યય રહેવા દીધા છે. ‘હાથ’ અને ‘પહાણ’ કરી દઈએ તો તેમને પદચ્છેદ કરતાં અનુક્રમે લુપ્તતૃતીયાન્ત અને લુપ્તસપ્તમ્યન્ત (જેના અંતના તૃતીયાના ને સપ્તમીના પ્રત્યયો લુપ્ત થયા છે) કહેવા જોઈએ. ૪૬. મંત્ર - મંત્રણા. ૪૮. વૈરીની, પાંડવોની સ્થિતિ આંખ વડે એવા પ્રકારની જોઈ. તેમની તેવી સ્થિતિમાં પોતાની સ્થિતિ કેવી હતી? જેવી ચંદ્ર અને સૂર્યના પ્રકાશ વડે (‘પ્રકાશ્ય’) અથવા પ્રકાશમાં રાહુની દશા થાય. ૫૧. ઠામ્ય - ઠામે. તે જગાએ જ. પર. પહોંચો – પહોંચ, શક્તિ. ‘મારી પહોંચ નથી’માં પહોંચ સ્ત્રીલિંગ છે. પહોંચો પુલ્લિગ છે. પાંડવોને ઠામ્ય મારું, પણ એકલો નહિ, આપણ પાંચ વડે પહોંચો (શક્તિ) સબળો કરીને મારું. બીજો અર્થ એમ પણ થઈ શકે કે, હાથનો પહોંચો પાંચ આંગળીએ બળવાળો છે, તેમ પાંડવોની સામે એકલો હું નહિ પણ આપણે બધા જઈએ?]