સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સર્વ સરખું નથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. સર્વ સરખું નથી

શામળ

સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જોય.
એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુને કર ચડ્યો.
એક શિપ શંખલા સમતુલ્ય, બીજીમાં મોતી અણમૂલ્ય.
એક પથ્થર દેવળ પૂજાય, બીજો પરિયટ શલ્યા થાય.
એક કવિ પાખંડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે.
એક મણિનું ક્રોડે કામ, બીજા મણિનું દોકડે દામ.
એક નારી હોયે શંખિણી, બીજી પદ્મિણી કે ચિત્રિણી.
એક પુત્રથી પરિયા તરે, બીજો કુળ-સંહારણ કરે.
એક પુત્ર ગયા શ્રાદ્ધે જાય, બીજો કુળ ડુબાડવા જાય.
એક કણબી પસાયતું કરે, બીજો ચોરી ચાડીએ ધન હરે.
એક વિપ્ર તે ખેતી કરે, બીજો ચાર વેદ ઉચ્ચરે.
‘એક નીર સરોવર તીર, બીજું ગંગા કેરું નીર.
એક બંધુ દુર્બલ હવાલ, બીજો તે બેસે સુખપાલ.
એક કાષ્ઠ તણાં ઈધણાં, બીજાં બાવના ચંદનતણાં.
એક સૂત્ર સવાયે શેર, બીજું બેસે મોંઘું મેર.
એક તિલ ઘાણી પિલાય, બીજે શિવશંકર પૂજાય.
એક ડાબો કર અશુદ્ધ ગણાય, બીજે જમણે ભોજન થાય.
એક અગ્નિ હુતદ્રવ્ય હોમાય, બીજો ઠામ કુઠામે જાય.
એક ધોરી તે હળને વહે, બીજો રાજદરબારે રહે.
એક જળ તે ખાળનું નીર, બીજું ગંગોદક સુચીર.
એકને પાંચ પુત્ર જ હોય, બીજો વાંઝિયો સુત વિણ હોય.
એકને વહાણ તણો વેપાર, બીજો શિર ઉપાડે ભાર.
એક તો નાગરવેલનું પાન, બીજાં રખડે આડે રાન.
એક અમરે ફૂલ શ્રીકાર, બીજું ફૂલ આવળનો હાર.
એક ઘર ઘર ભીખે જોડલાં, બીજો લે ઘણાં ઘોડલાં.
એકને ગામ પોતાનું જાય, બીજો રાય પૃથ્વીપતિ થાય.
એક તુંબીએ જોગી ભિક્ષા ભરે, બીજી જંત્ર દરબારે ઉચ્ચરે.
એક લોઢું શેર પૈસે ઘણું, બીજું અમૂલખ સમશેર તણું.
એક વસ્તુ તે દોકડે ગજ, બીજી વસ્તુ અમૂલખ ધજ.
એક નર શૂરાતન ભણે, બીજો કાયર પોબારા ગણે.
એક શાળ અમૂલખ પ્રમાણ, બીજો સામો કણકી જાણ.
એક ઓદન ભલું ભોજન, બીજું કુશકા કેરું અન્ન.
એક જન પરમારથ કરે, બીજો પ્રાણ લોકોના હરે.
એક સદાવ્રત આપે શીખ, બીજો ઘર ઘર માંગે ભીખ.
એક શાસ્ત્ર નવ નિત્યે ભણે, બીજો ભૂલી ફરી સ્વર ભણે.
એક અનેરાં વાસે ગામ, બીજો ઉદ્વસ્ત ટાળે ઠામ.
એક રોપાવે વૃક્ષો આજ, બીજો કાપે સર્પણ કાજ.
એક કુંજમાં મહાલે રોજ, બીજો રણમાં ઉપાડે બોજ.
એવાં કહું દૃષ્ટાંત અનેક, જોજો મનમાં કરી વિવેક;
સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહાપાપ.