સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
[નાનપણમાં ભણેલી ચોપડીઓ આગળ ઉપર યાદ આવ્યા વગર રહેતી નથી. તમે વૃદ્ધ માણસોને પૂછશો તોપણ તેઓને બાળપોથીના પાઠ હજી યાદ છે એમ માલૂમ પડશે. એનો અર્થ એ છે કે નાનપણમાં વાંચેલાં પુસ્તકોનો આપણું જીવન ઘડવામાં મોટો ફાળો છે. આચાર્યશ્રી ધ્રુવે આવા અસાધારણ મહત્ત્વવાળાં પાઠ્યપુસ્તકોને સકારણ ‘નાનપણના સાથી’ તરીકે ઓળખાવ્યાં છે. આ લેખ ઈ.સ. ૧૯૧૩માં તેઓશ્રીએ લખેલો. પણ ફરીથી પાછો ‘વસન્ત’માં ઈ.સ. ૧૯૩૮માં છાપ્યો હતો. ત્યારે તેમણે નોંધ કરી હતી તે અહીં ઉતારીએ છીએ: ‘આજથી લગભગ ૨૫ વર્ષ ઉપર લખેલો આ લેખ અહીં ઉતારું છું તે એમ બતાવવાને કે અમે અંગ્રેજીના પાઠમાં પણ રસ લેતા, અને એમાંથી જીવનભર કામ આવે એવું ઘણું શીખેલા. આપણા દેશના ઋષિઓનાં અને સન્તોનાં ચરિત્રો મેં વાંચ્યાં છે, પણ એ જ સંત ચરિતાવલિમાં ડૉ. પ્રિમરોઝને એક સાંખ્યયોગી તરીકે ઉમેરું અને એમ કહું કે અંગ્રેજીએ પણ મને લાભ કર્યો છે તો એમાં ખોટું છે?’ ઉપરના ઉતારામાં બે વાર ‘પણ’ આવે છે તે લક્ષમાં લેવા જેવું છે. સંસ્કૃત-ગુજરાતી એ તો લાભ કર્યો જ છે, સાથે અંગ્રેજીએ પણ કર્યો છે એમ કહેવાનો આશય છે. આપણને સંસ્કૃત-ગુજરાતી પણ લાભ કરે છે કે કેમ એ તપાસવા જેવું નથી?]