સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ખટપટને ખટપટવા દે
Jump to navigation
Jump to search
૨. ખટપટને ખટપટવા દે
અખો
ધામધૂમ તે ધનનો ધગા, મોહઅહંકાર મેલીને ગા;
માવઠે મે’ વરસે ગડગડે, ફળ ન ઊમટે ને લાગ્યાં પડે.
રત વિના કરશણ ક્યાંથી ફળે? એમ અખા હરિ ક્યાંથી મળે?
ખટપટને ખટપટવા દે, તું અળગે આવી પ્રીછી લે.
જંગી ઢોલ ઘણા ગડગડે, ત્યાં ઝીણી વાત ન કાને પડે;
નિરદાવાના જનને ખોળ, તે અખા બેસારે બોલે બોલ.
પાને પોથે લખિયા હરિ, જેમ વેળુમાં ખાંડ વીખરી;
સંતે ખાધી કીડી થઈ, અને વંચકે તો સબુધી વહી.
તે માટે તે તેવા રહ્યા, અખા સંત પારંગત થયા.
વાત અલૌકિક અનુભવ તણી, પ્રપંચ પારે રહેણ આપણી;
પંખી ઓછાયો પડિયો જાળ, પણ પોતે ઊંડે અલગ નિરાળ;
અખા જ્ઞાનીની એવી કળા, વર્ત્યા જાય તે ઉપરછલા.
ઉપરછલો મારગ લે અખા, નહિ કો સાથી, નહિ કો સખા,
ધણી થયામાં સઘળો ધંધ, જેમ રૂપ નહિ દેખે અંધ;
ગગનગામીને નહિ અટકાવ, ભૂવર્તીને બહુ ભેદભાવ.