સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ગરવાને માથે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. ગરવાને માથે

ઝવેરચંદ મેઘાણી

રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે મોરલીને માથે નાગ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે તેતરને માથે બાજ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે કૂવાને માથે કોસ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે બેટાને માથે બાપ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે નરને માથે નાર જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
જેમ ઝળુંબે ગોપીને માથે કાન જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો,
જેમ ઝળુંબે ધરતી માથે આભ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
‘રઢિયાળી રાત-૨’માંથી

સ્વાધ્યાય

૧. ઘણ અને એરણનો સંવાદ ગદ્યમાં લખો; મૂળ ભાવને વફાદાર રહીને.
૨. ‘ઘણ રે બોલે’માંથી કટાક્ષની ને કરુણરસની પંક્તિઓનો નિર્દેશ કરો.
૩. વેણે રે વેણે, કણકણ, ભીંસોભીંસ, ખાંડીખાંડી, ખંડખંડો, ખન ખન, ભાંગો હો ભાંગો, ઘાયે ઘાયે, ક્રોડ ક્રોડ, – આમ શબ્દોને બેવડાવીને કવિએ કેવી સચોટતા અને આરજૂ સાધી છે તે તપાસો. આ કળા ‘લોકગીતો’ના સહવાસથી કવિને આપોઆપ લાધી હશે એમ તમે લોકગીતોમાંથી પુનરુક્તિનાં દૃષ્ટાંત આપી સમજાવી શકશો?
૪. બંને કાવ્યોમાં જે ચિત્રો ઊભાં થતાં હોય તે બતાવો.
૫. બેનડ, રોટા, સોઈ(નર), દેવે, આજુથી, નવેલાં, આપણ (તેડાં), વિયાતલ, પાવળડાં, સંભાર્યે, – એ શબ્દપ્રયોગોમાં રહેલી સજીવતા સમજવા પ્રયત્ન કરો. ઝળુંબિયો, ગરવો, માથે, રૂખડિયો (લાડનું અલ્પતાવચન) — એ પ્રયોગોમાં રહેલા પ્રાણ સાથે ઉપરનાની સરખામણી કરો.
૬. મેઘાણીના લોકગીતોના સંગ્રહોમાંથી બીજાં ગીતોનો પરિચય કરો.
૭. કોઈ પુસ્તકમાં સંગ્રહાયું ન હોય એવું એકેક લોકગીત શોધી લાવવા પ્રયત્ન કરો. વર્ગમાં ભેગાં થયેલાં આવાં ગીતોનું ટકાઉ કાગળનું હસ્તલિખિત પુસ્તક કરી તે શાળાના પુસ્તકાલયમાં શિક્ષક દ્વારા સંગ્રહાવો.