સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મારું ઢણકતું ઢોર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫. મારું ઢણકતું ઢોર

દયારામ

મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં,
સીમખેતર ખળું કાંઈ ન મૂકે;
ના જાવું જાય ત્યાંહાં, ના ખાવું ખાય તે,
રખડવું નિત્ય તે એમાં ન ચૂકે. મારું૦
વાળી લાવું ઘેર ને ઘોતું માંડું ગળ્યું,
લીલું નીરું છ પણ તે ન સૂંઘે;
પહેલાં રાડાંઓ ઘાસ કહ્યું કૂસકા
માર ખાઈને પણ તે જ ઠૂંગે. મારું૦
હેડલો-હોડેરડો મારો માન્ય નહીં,
થયું હરાડું, હાવાં હું તો હાર્યો;
વશ ભારે નથી તદૃપિ મારું કહાવ્યું,
(માટે) રહું છું ભયભીત ચિંતાનો માર્યો. મારું૦
રે ગુરુ આ ગોપાળ મેં અરપ્યું એ આપને,
વશ કરી રાખો નિજ પાસ માગું;
સાધુપણું શીખવી વૃંદાવન ચારજો,
ક્લેશ મારા ટળે પાય લાગું. મારું૦
હે હૃષીકેશ, એ ક્લેશ મુજ મનતન તણા
આપ ટાળો, કરો શુદ્ધ સાચું;
સ્મરણ સેવન બને અહરનિશ આપનું,
અચળ આનંદ માને એહ જાચું. મારું૦
મન મતિ બગડતાં સર્વ કાંઈ બગડિયું,
ડરવું બહુ નાથજી દયા આણો;
જન દયાના પ્રિ’તમ શ્રીગોવરધનધરણ,
કરુણાદૃષ્ટે જુઓ, નિજનો જાણો. મારું૦