સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વૈશંપાયનની આપવીતી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વૈશંપાયનની આપવીતી

ભાલણ

૧. પંપાસર અને શીમળવૃક્ષ

તે આશ્રમથી અતિ વેગળું નહિ પંપાસર સુવિશાળ;
જાણે સાગર શોષિયો, બીજો રચ્યો તત્કાળ.
ઉદ્ધરી આદિવરાહે ધરા દાઢે જ્યાંહ;
જાણે શું ગર્ત થયો તે ઉદક-પૂરણ ત્યાંહ.
રક્ત, નીલ ને શ્વેત અંબુજ; કરે ગુંજારવ ભૃંગ;
હંસ વરટા રમે રંગે, બહુ અવર પતંગ.
રમે બહુ શબરાંગના અપ્સરા—ઓપમ અંગ;
દૂર્વાંકુરને લોભે તીરે ચરે કુરંગી કુરંગ.
દેહ પંકે લિપ્ત ત્યાં બહુ કરી ઊભા તીર;
તે જાણે આકાશથી ઘન લેવા આવ્યા નીર.
નિત્ય નિત્યે કરે તપાસ; વેદ કેરા નાદ;
પદ્મસર સોહામણું અવલોકે, કરે આહ્લાદ.
તે સરોવર-તીરે જીરણ તાલ દીસે સાત;
જાજરા કીધા હતા જે રામબાણને ઘાત.
તે તરુખંડની સમીપે શીમળ વૃક્ષ વિશાળ;
મૂળ અજગરે વીંટિયું, જાણે રચ્યો આલવાલ.
શાખાએ નિર્મોક જાણે ઉત્તરીય વસન;
ચહું દિશ વાધી ડાળ જાણે ગ્રહવા માન ગગન.
વેલી વીંટાણી ઘણી તે દીસે એહ પ્રકાર;
જરાજૂરણ દેહ કેરી નીસરી નસ બહાર.
અનેક શાખાએ કરી શશિશેખરનું જે લાસ્ય
સહસ્ર ભુજે કલ્પાંત કાળનું શું દેખાડે હાસ્ય!
જીર્ણ પડવા ભે ભણી પવનને વળગ્યું જાણ;
નંદનવનની શોભા જેવા વાધિયો શું પ્રાણ.
તૂલે કરીને ધવલ શાખા દીસે અતિ આકાશ;
ફીણોટા રવિ-અશ્વે જાણે નાખિયા લઈ શ્વાસ.
ગજે કપોલ ઘસ્યા થકી જે વળગી મધુકર-માળ;
જાણે લોહની શૃંખલાએ બાંધ્યું છે વિકરાળ.
કોટરમાં પંખી કરી એ સજી એમ જણાય;
શકુનિને સંગે કરી તે દુર્યોધન સમ થાય.
દંડકારણ્યનો નાયક જાણે વૃક્ષ તેહ અનુપ;
વૈશંપાયન ઊચરે, સાંભળો સાચું, ભૂપ.

૨. વૈશંપાયનનાં માતાપિતા

ગૂઢ કોટર પત્ર છાયાં; જોઈ વસમો ઠામ,
શુકસમૂહ અનેક આવી કરે ત્યાં વિશ્રામ.
પત્ર વિહોણાં પાંખડી કરી પંખી દીસે પાન;
દિવસ રજની ત્યાં રહે છે જાણી ઉત્તમ સ્થાન.
ભક્ષને ભાવે કરી જ્યારે ઊંડે સઘળાં સંગે;
ઇંદ્રધનુષની ઉપમા આકાશ દીસે રંગે.
હરિણરુધિરે રક્ત જાણે વ્યાઘ્રનખ શુક-ચંચ;
ચણ ગ્રહી સાવક સૌ મુખે આરોપે અતિ સંચ.
એક કોટરમાં રહે ત્યાં મારાં માત ને તાત;
વૃદ્ધ વયે એક પુત્ર હું જણિયો : સુણીએ રાયજી વાત.
પ્રસવતાં પીડાથી મારી માતા પામી મરણ;
પિતાએ શોક વિસારિયો પંખિણીનો મુજ શરણ.
જનક મારો જરાજૂરણ, ક્યાંય પડ્યાં ફલ જેહ;
કીર-કરડ્યાં આણી મુજને ખવરાવે અતિ નેહ્ય.
અલ્પ પિચ્છ ને શિથિલ કાયા, અંગે અતિ ઘન કંપ;
જરાએ સંતાપકારિણી દે તન જાણે ઝંપ.
મને ખાતાં ઊગરે તે કાયે કરે ત્યાં આહાર;
પિતા પોષણ મારું કરે એણી પેર તેણે ઠાર.

૩. મૃગયા વર્ણન

એક સમે રવિ ઊગતે અતિ સંધ્યા રોહિત-રાગ;
આથમે શશી હંસ જાણે વૃદ્ધતા પરભાગ.
રવિ કિરણથી રક્ત દીસે ઉપરિશાખા નગ;
કરે કલરવ ઊડતાં શુક પિક નાના ખગ.
શ્યામ નભ અગ્નિહોત્ર-ધૂમે, ચક્રચક્રી અશોક;
કમળ-કળી વિકાસ થાય, ઉલૂક નહિ અવિલોક.
સુગંધ પરિમલે પુષ્પને મંદ મંદ વાય પવન;
શુક સરવ ઊડી ગયા ને અન્ય સરખું વન.
તેણે સમે મૃગયા તણો અતિ કોલાહલ થાય;
શશક સૂકર મૃગ તણાં જે જૂથ દિશિદિશિ જાય.
શબ્દ સાવજ કરે ભયના; કલભના ચિત્કાર;
ભીત થયો જે તાત મારો સુણી હાહાકાર.
પેઠો તાતની પંખમાં હું રાખવા નિજ પ્રાણ;
ઠામઠામથી આવતાં નગ-ટોચે દીસે બાણ.
ભયે આકુલ હું થયો, ને નયને ચાલે નીર;
શબ્દ એવા સાંભળીને અતિ ઉકાંટ્યો શરીર:
‘ભાઈ, આ તો મારગ ગજનો, મહિષ મોટાં શૃંગ;
ખડગનો તો એહ મારગ, સૂકર, રોઝ, કુરંગ.
તેતર તો અહીં બોલતાં, ચડકલાં, લાવાં, મોર;
અહીં મૃગલી વ્યાઈ છે, જેણે રુધિરે ભૂમિ કઠોર.
વૃક્ષે ચડો; ભાઈ, જાળ બાંધો; મેલો ને મહાશ્વાન;
વાટ રૂંધો સૂકરની, કો કરો ધનુષ-સંધાન.
ધરો એ મૃગ, રખે જાય; રહો, મેલો તીર;
એણી દિશે કાંઈ સાંભળો, રે શબ્દવેધી ધીર.
પંખીની જેષ્ઠિકા સાધો, મેલો શકરા બાજ;
મૌન કરો રે નાસશે; ચણ કાંઈ મેલો સાજ.’
એમ માંહોમાંહે બોલતા મેં સાંભળ્યા નિષાદ;
કાંઈ તાં દીઠું નહિ, તેણે ઊપનો વિષાદ.
ગુફામાંહ્યથી, બાણ વાગ્યે, નાદ કરે મૃગરાજ;
જૂથ નાસે ગંજ તણાં, ને સૂકર રોઝ સમાન.
કરતળ વાજે, કરી ગાજે; પંખી ઉલ્કાપાત;
બાણ છૂટે, પણછ ત્રૂટે, ધનુષના આઘાત.
ધ્રૂજે ધરણી, નાસે કરિણી, હરિણી ગર્ભનો દ્રાવ;
મહૂરત માત્રે મંદ થયો તે કોલાહલ વિદ્રાવ.

૪. શબર સૈન્ય

કુતૂહલથી જોવાને મેં કોટ કાઢી બહાર;
એ છે શું, એ દીસે શું? જોવા લાગ્યો તે ઠાર.
ત્યાં સૈન્ય દીઠું શબરનું મેં મહા ભયંકર ઘોર;
જાણે એ જમદૂત ટોળે મળ્યા કરતા શોર.
જાણે હૈહયે બાહુ સહસ્ત્રે આલોડ્યું અતિ ક્રૂર;
ઊલટ્યું દોદશે થકી નર્મદા કેરું પૂર.
જાણે ટોળે મળીને આવી બહુ કાલરાત;
પ્રગટ્યું પાતાળેથી શું દાનવકુલ કરી ઘાત!
જાણે અંજન શિલાના બહુ સ્તંભ ટોળે જાય;
ખરદૂખરનું સૈન્ય શું પરગટ્યું ભૂમિ જણાય.
જાણે શું ગાજે ઘન, એમ વન દીસે અંધકાર;
પિશાચ પ્રૌઢા અતિઘણા તે કરતા ‘માર, માર.’

૫. સેનાપતિ માતંગક

સેનાપતિ તવ શબરનો મેં દીઠો સૈન્ય મોઝાર;
પ્રથમ વય; અતિ કર્કશ, માટે લોહ ઘટિત આકાર.
એકલવ્ય જાણે અવતર્યો, એ મોટો ને મૂછાળ;
શ્યામવપુ ને વક્ર કુંતલ, ભયંકર જાણે કાળ.
રક્ત લોચન; પ્રૌઢ નિલવટ; જાનુલંબિત પાણ;
અરુણ અંબર પહેરિયાં ને ધર્યાં ધનુષ ને બાણ.
શ્વાન સંગે અતિ ઘણા ને નિષાદ છે બહુ સાથે;
કોણે ચમરી વાળ ગ્રહ્યા, ગજદંત ગ્રહ્યા કોણે હાથે.
મધના પૂડા પર્ણે કોકને, કુંભ કોકને મદ્ય.
કો એકે આમિષ ધર્યું જે મારિયા મૃગ સદ્ય.
મયૂર પિચ્છના ભાર કરમાં, દિગંબર જાણે સોય;
કાતી કરમાં કો એકને, જાણે ક્રૂર રાક્ષસ હોય.
કાકપીછાં માથે કોએકને, નીલ તરુનાં પત્ર;
સાહવા કારણે સાવજને કોએ ધર્યું છે છત્ર.
સેવક કહેતાં મેં સાંભળ્યું ‘માતંગક’ નામ.
ચાલી વેગે તે આવિયો શીતલ તરુને ઠામ.
મેં મને જાણ્યું: એ પાપિયો! ધિ:ક્ ધિ:ક્ અવતાર!
જણાય છે જે વને આવ્યો કરવાને સંહાર.
ધરમ કરમ એવાં કરે : નરમાંસ ઉપહાર;
નિંદિત જે અતિ સાધુને મદ્ય આમિષ આહાર.
શાસ્ત્ર સાંભળવાં એહને બોલે જે શિયાળ,
ગુરુ ઉપદેશક એહના તે તો ઘૂડનું જાળ.
રાજ્ય અરણ્ય – અટવી તણું, સિંહ શું સહવાસ,
વિચાર વાટ રૂંધ્યા તણો. માળા ગળે તે પાશ.
પશુ રુધિરથી આચરે દેવતાઅરચન,
માંસ નિવેદન દેવને, ચોરી એ જીવન.
શકરાને ખવડાવવું તે જ તાં બલિદાન.
હોમ જે પાવકે શેકવું, પાસે અતિથિ તે શ્વાન.
ભૂષણ મણિ મહા સર્પના, મિત્ર તે મહા-ચાપ.
શિલીમુખ સહાય, તે જાણે છે શું સાપ!
એણી પેર હું ચિંતવી ને કોટરમાં પેઠો.
તે તરુપલ્લવ પાથરીને વૃક્ષ હેઠળ બેઠો.
એટલે એકે આપિયું તેના કરમાં આણી
પડિયે પલાશના પત્રને તેણે પીધું પાણી.
વિસામો કરી ઊઠિયો સેના તે સૌ સંગ.
ઇચ્છાએ આઘો સાંચર્યો અતિ દારુણ અંગ.

૬. વૈશંપાયનના પિતાનો વધ

એક વૃદ્ધ વ્યાધ બેઠો રહ્યો, જે ખાતો’તો વિસામો;
રહ્યો રહ્યો તે ચિંતવે : ‘હું કાંઈ માંસ ન પામ્યો.’
પીતો હોય જેમ અમ અસુ, તેમ દૃષ્ટિને વાળે;
ચડવા કેરે કારણે કોટર, રહ્યો, નિહાળે.
સીંચાણાની પેર ઘણો આમિષનો લાલસ,
વેગે વૃક્ષ ઉપર ચઢ્યો છાંડીને આળસ.
બૂંબારવ બહુ ખગ કરે દેખી કરમાં ફાંસી.
જેને પાંખ આવી હતી, તે તાં ગયા નાસી.
જીવ ગયા કેટલા તણા તેહ દેખી પ્રાણી,
કેટલાએક હેઠા પડ્યા તેનો ભય મન આણી.
મારો તાત રુદન કરે: ‘હવે શી પેર થાશે?
પાંખ પૂરી આવી નથી; આણે કેમ નસાશે?’
નાનાં નાનાં બાચડાં ચગચગતાં તે માર્યાં.
લોલા જાણે માંસના તેવાં કરમાં ધાર્યાં.
વૃક્ષ થકી વસુધા તળે મારી મારી નાખે.
બીતો મારો બાપજી મુને પાંખમાં રાખે.
ખૂણે અમો બેસી રહ્યા, પાપી પાસે આવ્યો.
ઝાલવા કારણે તાતને વામ પાણિ ચલાવ્યો.
ભુજ ભયંકર અતિ ઘણો, જાણે અજગરબાલ;
શકુનિ ગ્રસવા કારણે આવ્યો જાણે કાળ.
જાણે દંડ શું જમ તણો, કરે ચંચુના ઘાત;
પ્રાણ રહિત તેણે કર્યો તવ તે મારો તાત.
હું પાંખમાં પેસી રહ્યો, અતિ સૂક્ષ્મ તનુ,
દીઠો નહિ તેણે વ્યાધે હું, ભયે પિંડ તન બન્યું.
આયુ શેષ માટે, વળી દૈવે જાણું રાખ્યો.
મૂઓ જાણી મારો તાત તે મહી ઉપર નાખ્યો.
હું પગ વચ્ચે પેઠો થકો સાથેથી તાં પડિયો.
ભૂપ, સુણો. ભાવી ભણી તેની મીટે ન ચડિયો.
પુંજ ત્યાં સૂકાં પત્રનો કીધો હતો સમીરે,
તે ઉપર આવી પડ્યો, વાગ્યું નહીં શરીરે.
વ્યાધ જ્યાં લગી ઊતરે, સંભાળ્યું મેં આપ,
હું ભયે નાઠો ત્યાં થકી. મૂઓ મેલ્યો બાપ!
કઠિણ હૃદય તવ મેં કર્યું; મેલી ચાલ્યો સ્વામી.
સ્નેહધર્મ જાણ્યો નહિ પ્રાણ તજવા ઠામ્ય.
કાંઈ એક પાંખ જે પરગટી, તેણે ભયથી ત્રાઠો,
તમાલ તરુના મૂળમાં છાનો જઈને નાઠો.
પાપી હેઠો ઊતર્યો, પંખી પડિયાં લીધાં;
શબરની પૂંઠે સંચર્યો; વેગે પગ તે દીધા.
તેણે હું દીઠો નહિ, કાંઈ આયુનો યોગ.
કેમે ટાળ્યો નવ ટળે ભાગ્ય કેરો ભોગ.
હું અતિ દુ:ખે આકળો; કાંઈયે નવ સૂઝે;
મૂળ માંહે પેસી રહ્યો, કાયા અતિ ઘણી ધ્રૂજે.

૭. વૈશંપાયનની અનાથ દશા

તાત શોકનો પડતાં પ્રહાર, તરષા લાગી તેણી વાર.
મુખ સૂકે ને ધ્રૂજે દેહ; હા હા! કષ્ટ તણો નહિ છેહ.
વ્યાધ વેગળો ગયો જાણિયો, જલ વિણ રહે નહિ પ્રાણિયો.
કાઢી કોટ નિહાળું બહાર, વ્યાધ ગયો તો પણ, દિશ ચાર.
તરણું હાલે તાં જેટલે, જાણું દુષ્ટ આવ્યો તેટલે.
બીતો બીતો હું નીસર્યો; જલ જોવા કારણે પરવર્યો.
ડગલે ડગલે હું અડવડું; પાંખ વિના મુખ ભણી આખડું;
નયન થકી ચાલે અતિ નીર; ધૂળે ભરાણું સર્વ શરીર;
કાયાને અતિ કષ્ટ તે થાય, તોય જીવવા કરું ઉપાય.
રાય, ઘણું શું કહીએ કથી? પ્રાણશું કાંઈ વહાલું નથી.
તેથી તત્ક્ષણ, મૂઓ તાત, તે સૌ વિસારી મેં વાત.
તેહ વેદના દારુણ સહી. મુજ સમો કો નિષ્ઠુર નહિ.
ભૂખ્યા રહી જેણે દીધું ભક્ષ, પાળ્યો સ્નેહ કરી સમક્ષ,
ને દોહલે ઉછેર્યો અપાર, તે મુજ વીસરિયો ઉપકાર.
જનની જનક ગયાં પરલોક, તે મેં વિસાર્યો સૌ શોક.
દેહ રાખવા કર્યો ઉપાય. કોઈ દુષ્ટ મુજ સરખો, રાય?
શ્રાંત થકાં મેં નવ હીંડાય; વિષમ વાટ; તન ધૂળ ભરાય.
દુ:ખાતુર અતિ; થાક્યા ચરણ; ઘણુંય વાંછું નાવે મરણ.
આવે અંધારાં લોચન; ધૂજે હૃદય; ન ચાલે મન;
પીડે પિપાસા; વેગળું વારિ; ઢળીઢળી પડું, રા,’ તેણે ઠાર.

૮. આશાનું કિરણ

તેણે સમે સર તણી સમીપ તપોવન યુત-પાદપ-નીપ.
ઋષિ રહે તાપસ જાબાલિ, વનનો પતિ, જેમ વાનર વાલી.
તેનો સુત સુંદર હારીત, વેદવિદ્યા-વિનોદે પ્રીત,
વિદ્યાર્થી સરખા સંનિધાન, આવ્યો કરવા કારણ સ્નાન.
પ્રત્યક્ષ જાણે સનત્કુમાર. જાણે પાવકનો અવતાર.
તપ્ત કનક સરખો તન-રંગ; તપને તેજે વિરાજિત અંગ.
દક્ષિણ શ્રવણ સ્ફટિક-મણિમાલ, ભસ્મ ત્રિપુંડ્ર ત્રિરેખા ભાલ.
સ્ફટિક મણિનું સુઘટિત કર્યું વામ કરે કમંડલુ ધર્યું,
કૃષ્ણાજિન ઓઢ્યું; કરે દંડ; તેજે અતિ ભાસે બ્રહ્માંડ.
ઉરે ઉપવીત; કરમાં ઉપહાર, ગોમય, માટી, તલ, કુશ સાર;
કોમલ વનકલ પહેર્યું અંગ; મૃગનાં બાલક ચાલે સંગ.
વાટે કરતો બ્રહ્મવિચાર, ચાલી આવ્યો તેણે ઠાર,

૯. ઋષિપુત્રને હાથે પુનર્જીવન

સહજે સાધુ તણાં જે ચિત્ત, દયારૂપિયું રાખે વિત્ત.
હું પડતો દીઠો જેટલે, બોલ્યો શિષ્ય પ્રતિ તેટલે :
‘જાણું વૃક્ષ થકો શુકબાલ ઝાલ્યો છે સીંચાણે કાલ.
છૂટ્યો છે ચંચાથી; આજે એ જીવતો રાખ્યો મહારાજે.
પૂરી આવી છે નહિ પાંખ; કરે ઊડવાને અતિ ધાંખ;
સમી નથી રહી શકતી કોટ, દે છે વારિ ભણી પણ દોટ;
મીંચ્યાં લોચન, મુખે નિઃશ્વાસ, વળી વળી ચાંચ કરે છે પ્રકાશ.
જાણે એ તરસ્યો છે ઘણું, ધૂળે મુખ ભર્યું એ તણું.
માતપિતાનો પડ્યો વિજોગ; રહ્યો જીવત તે દૈવી જોગ.
હીંડી શકે ન; ડગેડગ પડે; એને ના ઊડતાં આવડે.
લઈ મેલીએ પાસે નીર, પાણી પી સુખ પામે શરીર.’
દયાળુ મુનિએ હાથે કર્યો, લેઈ હું જલ પાસે ધર્યો.
સમી કરી હાથે શું ચંચ, ઉદકબિંદુ મુખ મેલ્યા સંચ;
પાંખ પખોડી; છાંટ્યો દેહ; જાણે જીવતો કીધો તેહ.
કાંઠે કમળ તણા જ્યાં તંતુ, છાયાએ મેલ્યો એકાંત.
વળી વળી મુજ સામું જોય; જાણે જીવતો હર્ષિત હોય.
મેલી દંડ કમંડલુ પાસે, નિત્યકર્મ કર્યું ઉલ્લાસે.
કમંડલુ ભરિયું શુચિ વારિ, સાથે મુનિબાલક પરિવાર.
મને ગ્રહી ત્યાંથી નીસર્યો, તપોવન સન્મુખ સંચર્યો.

સ્વાધ્યાય

૧. નીચેનાનું વર્ણન કરો:
(अ) ૧. પંપાસર, ૨. શીમળવૃક્ષ, ૩. માતંગક, ૪. હારીત.
(आ) ૧. શબરસૈન્ય, ૨. વૈશંપાયનના પિતાનું મૃત્યુ, ૩. વૈશંપાયનનું રક્ષણ.
૨. આ કાવ્યમાંથી ઉપમા, ઉત્પ્રેક્ષા, શ્લેષ, વર્ણસગાઈ, ઝમક, વગેરે અલંકારના નમૂના જુદા તારવો.
૩. તમે જોયેલા કોઈ પણ સરોવર, વૃક્ષ કે જંગલના માણસનું વર્ણન કરો.
૪. આ કાવ્યમાં અદ્ભુતરસ, ભયાનકરસ, કરુણરસ, હાસ્યરસ, અને શાંતરસ જ્યાં આવતો હોય તે પંક્તિઓનો નિર્દેશ કરો. વાત્સલ્યનો રસ કયા ભાગમાં આવે છે?
૫. પર્યાયદ્વંદ્વના વધુ નમૂના આપો.
૬. પંક્તિ ૧૮૪ અથવા ૨૦૭ ઉપર નિબંધ લખો.
૭. પંક્તિ ૩૮માંનું ઇન્દ્રધનુષ્ય કોના કોના રંગોને કારણે થતું હશે?