સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભાલણ
[‘વૈશંપાયન એણી પેર બોલ્યા’ એ વૈશંપાયનની આ વાત નથી. આ તો તે નામના એક પોપટની કહાણી છે. સંસ્કૃતમાં બાણ કવિની ‘કાદંબરી’ નામે પ્રસિદ્ધ ગદ્ય-કથા છે. તેનું ભાલણે પદ્યમાં ભાષાંતર કર્યું છે. દુનિયાની કોઈ ભાષામાં કાદંબરીનું પદ્યમાં ભાષાંતર થયું નથી. અને ગુજરાતીમાં આટલી સફળતાથી થયું છે એ આપણી ભાષા માટે ગૌરવ લેવા જેવી ઘટના છે. બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે, હજી ગુજરાતી ભાષાનો જન્મ થયાને બહુ સમય થયો ન હતો ને આવું ભગીરથ કાર્ય ભાલણ સિદ્ધ કરી શક્યો. ગુજરાતી ગદ્યની ગઈ સદીમાં શરૂઆત થયા પછી ત્રીસ વરસમાં જ આપણને સરસ્વતીચંદ્ર જેવો મહાન ગ્રંથ ગદ્યમાં મળ્યો હતો, તે સફળતા પણ એ જ પ્રકારની છે. પાઠમાં ભાષા મૂળની જૂની રાખી નથી. કાદંબરીની કથાની શરૂઆત જ વૈશંપાયન પોપટને પાંજરામાં લઈને એક ચાંડાલિની શૂદ્રકરાજાના દરબારમાં હાજર થાય છે ત્યાંથી થાય છે. રાજા પછી પાછલે પહોરે પોપટને એની જીવનકથા પૂછે છે ત્યારે પોપટ વિગતે પોતાની આપવીતી સંભળાવે છે. શરૂઆતમાં વૃક્ષનું વર્ણન અત્યંત સુંદર છે. થોડાક શબ્દોના અર્થ સમજી લીધા એટલે એનો રસ પામવામાં કશી મુશ્કેલી નહિ રહે. તે પછીના પ્રસંગો વધારે સરળતાથી વર્ણવાયા છે. વૈશંપાયનની દુઃખિત દશામાં આપણે પણ ભાગીદારી પડાવતા થઈ જઈએ એટલું હૂબહૂ એનું વર્ણન છે. શબ્દોની મુશ્કેલીથી ગભરાયા વગર આ કાવ્યનો રસ પામવા પ્રયત્ન કરવો. ૨. દા. ત. અગસ્ત્યે સમુદ્ર શોષ્યો હતો. ૩-૪. વરાહાવતારે પૃથ્વીને દાઢથી પકડીને પ્રલયમાંથી બચાવી લીધી હતી. દાઢનો જ્યાં ખાડો (ગર્ત) પડેલો ત્યાં પાણી ભરાઈ જવાથી તો આ સરોવર થયું ન હોય! ૬. વરટા- હંસણી. પતંગ-પક્ષી. ૭. શબરાંગના – શબર એક જંગલી જાત છે તેની સ્ત્રીઓ. ૯. કરી- હાથી. ૧૦. મેઘ પાણી પીવા આવ્યા ન હોય એવો દેખાવ થાય છે, એમ उत्प्रेक्षा થી કહે છે. ૧૧. નિત્ય - નિત્યકર્મ. ૧૪. જાજરા - જર્જરિત, ખખડી ગયેલા. ૧૬. અજગર થડનાં મૂળિયાં પર વીંટાવાથી આલવાલ (ક્યારો)નો દેખાવ થતો હતો. ૧૭. નિર્મોક – સાપની કાંચળી તે ઉત્તરીય - ઉપર ઓઢવાના વસન (વસ્ત્ર) જેવી લાગતી. ૧૮. માન-ગગન - આકાશનું માપ. ૨૧. કરી – લીધે. (આગળ પંક્તિ ૨૫, ૨૯, ૩૦, ૩૫માં પણ આ જ અર્થ છે.) પ્રલયકાળે હજાર હાથથી, શશિ જેના શેખર (મુગટ) પર વિરાજે છે એવા મહાદેવ લાસ્ય - તાંડવનૃત્ય કરતા ન હોય. ૨૩. ભે ભણી – ભયને લીધે. પવનને વળગવા જાણે ન કરતું હોય! ૨૪. વૃક્ષનો પ્રાણ ઊંચે સ્વર્ગના નંદનવનની શોભા જોવા જાણે ચહાતો હતો. એ રીતે તેની ઊંચાઈનો ખ્યાલ આપ્યો છે. ૨૫. તૂલ - રૂ. શીમળા પર થાય છે તે. ૨૬. સૂર્યને સાત ઘોડા છે એમ કહેવાય છે તેમનાં ફીણ. ૨૭-૮. હાથીનાં લમણાંનો મદ થડ પર લાગ્યો, તે મદ પર કાળા ભમરાની લાર લાગી ગઈ અને એમ લોઢાની સાંકળનો દેખાવ થયો. ૨૯. કોટર - બખોલ. તેમાં પંખીઓનો વાસ હોવાથી વૃક્ષ સજી (સજીવ) લાગતું હતું. ૩૦. શકુનિ - ૧. પંખી, ૨. દુર્યોધનનો મામો. શકુનિને લીધે આ વૃક્ષ દુર્યોધન હોવાનો ભાસ થતો હતો. શકુનિ શબ્દ ઉપર श्लेष છે. તેમ જ ‘દુર્યોધન’ ઉપર પણ. વૃક્ષ દુર-યોધન (દુ:ખથી મુશ્કેલીથી જેની સાથે યુદ્ધ થઈ શકે એવું) હતું. ૩૫. ઝાડ પર ક્યાંક પાંદડાં ન હતાં છતાં પોપટોની પાંખ (પાંખડી)ને લીધે હોય એવો દેખાવ થતો. ૩૯. પોપટની ચાંચ તે મૃગના રુધિરથી ખરડાયેલા વાઘનખ જેવી ભાસતી. અતિસંચ– અતિશય સાચવટ (જાળવણી)થી બચ્ચાંનાં મુખમાં ચણ મૂકે છે. ૪૬. નેહ્ય - નેહથી. ૪૭. ઘન – ઘણો, ઘન એ પહેલાં અવિકારી વિશેષણ હતું. ૪૮. જરા – ઘડપણને લીધે એ ઊડે ત્યારે જાણે તેનું શરીર ઝંપાપાત (કૂદકો) કરતું હોય એમ લાગતું. ૪૯. કાયે – શરીરે (= પોતે). ૫૧. રોહિત-રાગ – લાલ રંગવાળી પ્રભાતની સંધ્યા વખતે આથમતો ચંદ્ર જાણે વૃદ્ધતાની અત્યંતતા (પર ભાગ)વાળા એટલે બહુ વૃદ્ધ એવા હંસ જેવો લાગતો હતો. ૫૩. નગ - વૃક્ષ. તેની ઉપરની શાખાઓ. ૫૫. ચક્રવાક અને ચક્રવાકી, જેઓને સૂર્યની ગેરહાજરીમાં વિખૂટાં રહેવું પડે છે એમ કહેવાય છે, તેઓ હવે અ-શોક શોક વગરનાં થયાં. ૫૬. ઉલૂક-ઘૂવડને અવિલોક (જોવાની શક્તિ) ન રહી. ૬૦. સસલાં, ભૂંડ, પક્ષી (સાવજ), હાથીનાં બચ્ચાં (કલભ). ૬૬. ઉકાંટ્યો - કાંપવા લાગ્યો, રોમાંચ થયાં. ૬૭. અહીંથી શિકારીઓના શબ્દો શરૂ થાય છે. ૬૭. મહિષ - પાડા. ૬૮. ખડગ - ગેંડો ૭૫. પંખી પકડવાની લાકડી તૈયાર રાખો. ૭૭. નિષાદ - પારધી. દૂરથી તેમનો અવાજ સંભળાય છે. હજી કોઈ દેખાતું નથી. ૭૯, મૃગરાજ — સિંહ. ૮૧. કર-સૂંઢ તેનો અવાજ થાય છે. ૮૪. વિદ્રાવ -ભાગાભાગ. ૮૯-૯૦. હૈહય - સહસ્રાર્જુન રાજા. તેણે હજાર હાથ વડે નર્મદાને રોકી હતી. આલોડ્યું — વલોવ્યું, ડખોળ્યું. ૯૧. બધી કાળરાત્રિઓ આવી ન હોય. શબરો કાળા હતા તે કહે છે. ૯૨. ઘાત કરી - પૃથ્વી ફાડી દાનવો ધસી આવ્યા શું? ૯૩. અંજનશિલા કાળી અને કઠણ હોય છે તેના જાણે થાંભલા. ૯૪. ખરદૂષણનું જાણે સૈન્ય. ૯૮. પ્રથમ વય –યૌવન. ૯૯. એકલવ્ય – દ્રોણાચાર્ય જેને વિદ્યા આપવા ના પાડતાં, તેમને નમન કરી, વનમાં જઈ તેમની માટીની મૂર્તિને ગુરુપદે સ્થાપી જેણે અસ્ત્રવિદ્યા સાધી હતી. મૃગયા કરવા નીકળેલા પાંડવકૌરવના કૂતરાનું મુખ તેણે સાત બાણથી, તેને માર્યાં વગર, બંધ કરી દીધેલું તે ઉપરથી દ્રોણે ત્યાં આવીને ગુરુદક્ષિણામાં, અર્જુનને એ ટપી ન જાય માટે, એ બાણાવળીનો અંગૂઠો માગી લીધો હતો. એકલવ્યે ખુશીથી એ આપ્યો હતો. ૧૦૦. કુંતલ - કેશ. ૧૦૧. નિલવટ - લલાટ, કપાળ. નિલવટનું નિલાડ થઈ લલાટ શબ્દ થયો. ‘ન’ નો આપણે ‘લ’ ઘણી વાર કરીએ છીએ. સુરત તરફ ‘મારી નાખ્યો’નું ‘મારી લાઈખો’ વગેરેમાં ‘ન’નો ‘લ’ બોલવાનું વલણ દેખાય છે. જાનુલંબિત – ઢીંચણ સુધી લાંબા, પાણ-હાથ, કોકને જ હોય છે. અકબરને હતા. એવાઓને ‘આજાનબાહુ’ કહે છે. ૧૦૫. પર્ણે—પાંદડાંમાં. ૧૦૭. હાથમાં મોરપીંછ હોઈ દિગંબર સાધુ જેવા. ૧૦૮. કાતી - છરી. ૧૧૫. નરમાંસનો ઉપહાર (ભેટ) દેવને માનતામાં ઘરે છે. ૧૧૬. આમિષ – માંસ. ૧૧૭-૧૨૫. માતંગકનું કટાક્ષ-વર્ણન છે. ૧૧૮. જાળ - ટોળું. ૧૧૯. અરણ્યઅટવી- અરણ્ય=અટવી=વન. આવા એક જ અર્થનાં જોડકાં (પર્યાયદ્વંદ્વ) આપણે બહુ વાપરીએ છીએ. સર૰ પૈસોટકો, ધન-દોલત, સેવાચાકરી, મોજશોખ, કુશળક્ષેમ, રાજીખુશી, આદરસત્કાર, કાગળપત્ર, છૈયાંછોકરાં, વગેરે. ૧૨૬. શિલીમુખ—બાણ. સહાય-મદદકર્તા. આપણે ‘સહાય’ (=મદદ) વાપરીએ છીએ તે ‘સાહાય્ય’નું તદ્ભવ રૂપ છે. ૧૩૫. અમારા અસુ-પ્રાણ પીતો હોય તેમ. ૧૪૬. લોલા-લોચા. ૧૫૬. ભયથી શરીર ગોળો થઈ ગયું. ૧૬૦. ભણી —ને લઈને. મીટે – દૃષ્ટિએ. ૧૬૫. સ્વામી—વડીલ. ઠામ્ય-ઠામે (=વખતે) ૧૬૭. ત્રાઠો — ત્રસ્ત. ૧૭૬. છેહ — છેડો. ૧૮૪. શું – જેવું. ૧૯૧. થકાં –હોવાથી. સર૰ પંક્તિ ૧૫૯માં થકો. શ્રાંત - થાકેલો. ૧૯૫. પાદપ -ઝાડ (પાદ-પગ-મૂળથી જે પીએ છે તે). યુત- જોડાયેલું, વાળું. નીપવૃક્ષો-વાળું તપોવન. સનત્કુમાર -બ્રહ્માના પુત્ર, બ્રહ્મવિદ્યામાં પ્રવીણ. ૨૦૧. દક્ષિણ – જમણે. શ્રવણ—કાન. ૨૦૨. સુઘટિત – સુઘડ. ૨૦૩. કૃષ્ણાજિન — કાળા મૃગનું ચામડું. અત્યંત તેજથી વિશ્વ ઝગમગે છે. ૨૦૪. છાતી પર જનોઈ, હાથમાં ભેટ (વિધિસરના સ્નાન માટે). શેની? તો ગોમય — છાણ વગેરેની. ૨૦૫. મૃગબાળ સાથે ચાલે છે તે ચિત્ર કેટલું મનોહર છે! ૨૦૭. વિત્ત - ધન. ૨૦૮. પડતો - ઉપર પંક્તિ ૧૮૧ અને ૧૯૪માં કહ્યું છે તેમ. ૨૦૯. કાળરૂપ બાજે. ૨૧૦. મહારાજે - પ્રભુએ. ૨૧૧. ધાંખ – ધખના, ઇચ્છા ૨૧૩. પ્રકાશ -ખુલ્લી. ૨૧૭. નીરની પાસે. ૨૧૯. શું —– વડે. સંચ - સાચવટથી. ૨૨૦. પખોડી— ખંખેરી.]