સિગ્નેચર પોયમ્સ/પગલાં કુમકુમ ઝરતાં – રાજેન્દ્ર શુક્લ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પગલાં કુમકુમ ઝરતાં

રાજેન્દ્ર શુક્લ


દૂર દૂર પરહરતાં સાજન
વરસો આમ જ સરતાં, સાજન.
કારતકના કોડીલા દિવસો–
ઊગી આથમી ખરતા, સાજન!
માગશરના માઝમ મ્હેલોમાં
નેવાં ઝરમર ઝરતાં, સાજન.
પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા, સાજન!
માઘવધાવ્યા પંચમ સ્વર તો
કાન વિશે કરકરતા, સાજન!
છાકભર્યા ફાગણના દ્‌હાડા–
હોશ અમારા હરતા, સાજન!
ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન!
એ વૈશાખી ગોરજવેળા,
ફરીફરીને સ્મરતા, સાજન!
જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા, સાજન!
આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં, સાજન.
શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન!
ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન!
આસોનાં આંગણ સંભારે
પગલાં કુમકુમ ઝરતાં, સાજન!