સોરઠ, તારાં વહેતાં પાણી/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન
[પહેલી આવૃત્તિ]

નાયક નહિ, નાયિકા નહિ; પ્રેમનો ત્રિકોણ નહિ: એવી આ સોરઠી જીવનની જનકથા છે. એ કથાનો નાયક આખો જનસમાજ છે. ગયા બે દાયકા ઓળંગીને તમે સોરઠના સીમાડા પર ઊભા રહેશો તો તે પૂર્વેના વીસેક વર્ષોને પોતાના પ્રવાહમાં ઝીલીને વહેતું આ કથાનું વહેણ તમે સ્વચ્છ જોઈ શકશો. નામનિર્દેશ કરવાની જરૂર નથી એવી કેટલીએક જીવતી વ્યક્તિઓ આ કથાનાં પાત્રોમાં પોતાની છાયા પાડે છે. બીજાં કેટલાંક એવાં પાત્રો છે કે જેમને કોઈ વ્યક્તિવિશેષ પરથી નહિ પણ સોરઠી સમૂહજીવનની સાચી માટીમાંથી ઘડી કાઢવાનો મારો પ્રયત્ન છે. આ કથાને મેં તો ઇતિહાસ-કથા લેખે જ આલેખી છે. એ ઇતિહાસ વ્યક્તિઓનો છે અને નથી યે; પણ સમષ્ટિનો ઇતિહાસ તો એ છે જ છે. કેમ કે ઇતિહાસ જેમ વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઈ શકે છે. અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે — જો એ જનસમૂહનો ઇતિહાસ બનવા માગતો હોય તો જ, બેશક. કથાની શરૂઆત તો વિગતો નક્કી કર્યા પૂર્વે જ એક દિવસ અચાનક ‘જન્મભૂમિ’ના મારી છાતી પર ઊભેલા એક શનિવારને માટે કરી નાખેલી. તે પછી તો કથા પોતાનાં વહેતાં પાણીને વાસ્તે પોતાની જાતે જ સોરઠની તાસીર અનુસાર પોતાનો માર્ગ કરતી ગઈ. માર્ગે આ પ્રયત્નના કેટલાક અનુરાગી સ્નેહીઓ મળતા ગયા. તેમણે પણ આ કથાનાં પાણીને જોઈતાં કેટલાંક નાનાંમોટાં ઝરણાં પૂરાં પાડ્યાં. તેમના સંગાથમાં આ વહેતાં પાણીને આરે આરે કરેલી આ લાંબી મજલ વધુ મીઠી બની છે. એજન્સી-પોલીસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પોતે પીધેલા વાતાવરણની આ કથામાં ઊંડી છાયા પડી છે. નાજા વાળા, હીપા વાળા, ઝવેરભાઈ ફોજદાર અને બીજા કેટલાક: તેમને વિશે બનેલી ઘટનાઓના વહેળા આ ‘વહેતાં પાણી’માં મળ્યા છે. દરબારશ્રી ગોપાળદાસ અને પારેવાળાના ખેડુ શેઠશ્રી છગનભાઈ મોદીના જીવનમાંથી સૂચન મેળવીને સરજેલી વિભૂતિઓ ઘણા ઘણા સોરઠવાસીઓએ આ કથામાં ઓળખી કાઢીછે. એક મિત્ર લખે છે: ‘પ્રેમત્રિકોણના હંમેશના પંથ કરતાં આ નવલકથા જુદા પ્રકારની હોઈ, વહેતા જનપ્રવાહની આ કથા હોઈ, સપારણના પાત્રને તેમજ પિનાકીને અને શેઠને આગળ ચલાવી છેક અસહકારના જુવાનો સુધી આવી શકો તો બીજો ભાગ લખી શકાય તેવી તાકાત આમાં છે.’ આ સલાહને હું શુભાશિષ સમજું છું. બોટાદ: ૧૫-૫-’૩૭
ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

‘વહેતાં પાણી’ પછીનાં ચાર વર્ષોમાં બીજી સાત વાર્તાઓ આલેખવા શક્તિમાન બન્યો છું. અને એ સાતને વત્તા-ઓછા પ્રામાણમાં સફળ જાહેર કરનાર જવાબદાર અભિપ્રાયો પણ પડ્યા છે. ‘વેવિશાળ’, ‘તુલસી-ક્યારો’, ‘સમરાંગણ’ અને ‘અપરાધી’ તો ઘણું મોટું માન ખાટી ગયાં છે; તે છતાં ‘વહેતાં પાણી’નું સ્થાન મારાં વાર્તા-સર્જનોમાંના એક વિશિષ્ટ પ્રકાર તરીકે મને નિરાળું જ લાગ્યું છે. આપ્તજનોનો આગ્રહ છે, ને મારીયે મુરાદ રહી છે, કે ‘વહેતાં પાણી’ને આગળ વહાવું. પણ એક ભય એ લાગે છે કે એમ કરવા જતાં સોરઠનો સર્જાતો ઇતિહાસ વાર્તાસ્વરૂપના કલાત્મક રહસ્યાલેખનને કદાચ શુષ્ક બનાવી મૂકે એટલો બધો નજીક તો નહિ આવી જાય? આ વાર્તાના વહેનમાં પહેલી આવૃત્તિમાં સરતચૂકથી, ને બીજીમાં તો અશક્તિથી, એક પાત્ર લટકતું જ રહી ગયું છે: મહીપતરામના વૃદ્ધ પિતાનું પાત્ર. એને હું ન તો જીવાડી શક્યો કે ન મારી શક્યો! વાસીદામાં સાંબેલું ગયું છે. એના પ્રથમ ઉઘાડ વખતે બેહદ દુ:ખી જીવન ખેંચીને મૂએલા મારા દાદાનું સ્મરણ મારા મનમાં ઘોળાયું હતું. પણ આજે ઓગણત્રીસ વર્ષ પરની એ દુ:ખમૂર્તિની જંપેલી ચિતાને હું નહિ ફેંદું. સર્વ પાત્રો વચ્ચેથી જાજરમાન ખેડુસ્વરૂપે ખીલી ઊઠતા મારા વીર-પાત્રોનો આદર્શ પૂરો પાડનારા શ્રી છગનભાઈ મોદી (પારેવાળા)ને તો મેં અણદીઠા ને અણસુણ્યા જ સદાને માટે ગુમાવ્યા છે. બે’ક વર્ષ પર એમને કાળે ઝડપ્યા; ને મને એમના જાણકારોએ લખ્યું કે એમને પ્રત્યક્ષ દીઠા—અનુભવ્યા હોત તો એ ખેડુ-વણિકનું પાત્ર હું વધુ દીપાવી શક્યો હોત. જેના પરથી એક દિલેરદિલ ગોરા પોલીસ-અધિકારીનું પાત્ર આલેખાયું છે તે કાઠિયાવાડ એજન્સીના માજી પોલીસ સુપરીન્ટેન્ડન્ટ સૂટર સાહેબ ચારેક વર્ષ પર એકાએક રાજકોટમાં ઝબક્યા હતા, ને મારા પિતાના એક સમકાલીન પોલીસ-અધિકારીના પુત્ર ભાઈશ્રી હિંમતલાલ દલપતરામ પારેખે એમની મુલાકાતમાં એમનો આ ઉપયોગ થયાનું જણાવતાં બૂઢા ગોરાએ ઊંડી લાગણી અનુભવેલી. રાણપુર: ૧૫-૫-’૪૧
ઝવેરચંદ મેઘાણી

[ત્રીજી આવૃત્તિ]

આ પ્રિય કૃતિને ત્રીજી આવૃત્તિમાં પ્રવેશતી દેખી આનંદ પામું છું. કથાને આગળ ચલાવવાની ઉત્કંઠા ફરી પાછી મનમાં ઘોળાય છે. ક્યારે કરી શકીશ — કરી શકીશ કે નહિ — એ કહી શકતો નથી. ૧૯૪૪
ઝવેરચંદ મેઘાણી