સોરઠ, તારાં વહેતાં પાણી/લીલાભૂમિ અને પાત્રસૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લીલાભૂમિ અને પાત્રસૃષ્ટિ

જ્યારે જ્યારે રાજકોટ જાઉં છું ત્યારે હજુ યે મને વધુમાં વધુ મન એ જગ્યાઓ જોવાનું થાય છે કે જેની સાથે મારું શૈશવ સંકળાયું છે. શહેનશાહ સાતમા એડવર્ડની તખ્તનશીની વખતે જ્યુબિલીમાં દીપમાળા પ્રગટેલી. તેના કાચના ગ્લાસ રાત્રીએ ચોરીને ઉપાડી ગયાનો આનંદ પુનર્જીવિત બને છે, અને પુણ્યશ્લોક લાખાજીરાજ કુંવરપદે હતા તે વખતના તેમના પાતળિયા દેહની જીમખાનાના મેદાન પર ક્રિકેટ-રમત તેમ જ તેમના કાનમાંથી ચમકતી હીરાની ચૂની ચોક્કસ જોયેલી મને યાદ આવે છે. બાલ્યાવસ્થાના દિનો પછી તો રાજકોટ મેં ઘણાં વર્ષે જોયું હશે. આજે ક્વચિત્ જ જોઉં છું. પણ એનું વશીકરણ વધતું જ ચાલ્યું છે. એ વશીકરણે મારી સર્જનસૃષ્ટિ પર પણ ઊંડી અસર પાડી છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં એ રાજકોટને મેં મુખ્ય પાત્રોની લીલાભૂમિ તરીકે ૧૯૩૯માં આલેખ્યું છે. આલેખન કરતી વેળા હું એ ચાલીસ વર્ષના રાજકોટમાં કેવળ નાનો શિશુ બની જઈ ફરી વાર ફરતો હતો, એટલું જ નહિ પણ એની માટીને પણ જાણે કે સૂંઘતો હતો. એ વાર્તામાં રાજકોટ જ છવાઈ ગયું છે. મારી કલ્પનાનું લાડીલું રાજકોટ ‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં મેં પેટ ભરીને ઝબકોળી નાખ્યું છે. સૈકા જૂનું ન્યાય મંદિર ‘વહેતાં પાણી’માં મેં એક ચાલતી અદાલત તરીકે ચીતર્યું હતું. બહારવટે ચડેલી સોરઠી સુંદરી સિપારણ મામીનો મુકદ્દમો ચલાવતા ગોરા ન્યાયમૂર્તિને તેમાં આલેખેલાં છે. [૧૯૪૨માં એ અદાલતમાં હાજર થવાનું બન્યું ત્યારે] મોટી ફાંદાળા ફોજદારોનું, વકીલોનું, ગામડાંના ગરીબ સાહેદોનું, વગેરેનું એ ચિત્ર અદાલતના ચોગાનમાં આવતાં જ તલેતલ જીવતું થયું ને મારું મન એ સપારણના છેક જ કલ્પિત પાત્રની શોધમાં પિનાકી બનીને દોડવા લાગ્યું. આ કોનોટ હોલ: નાનપણમાં કુટુંબીજનોના મેળા સાથે હું અહીં આવતો, રાજાઓની આ મોટી મોટી તસવીરો સામે તેમ જ તેમની વચ્ચે ઉપર અને નીચે ગોઠવેલાં શસ્ત્રાયુદ્ધો સામે હું તાકીતાકીને જોઈ રહેતો. આ દાઢીવાળા ને મૂછાળા સમશેરધારી રાજવીઓની કદાવર ચિત્રાકૃતિઓ મારા નાનકડા હૃદયને ડારીડરાવી, પોતાના મૂંગાપ્રભાવે સ્તબ્ધ કરી દેતી. અહીં તો દબદબાભર્યા રાજવીદરબારો ભરાતા. મુંબઈનો ગવર્નર અહીં આવતો ત્યારે જંક્શનની સડકે હું પણ બધાં છોકરાં જોડે કોઈ બંગલાની વંડી પર બેઠો બેઠો એ ભીડાભીડમાં રાહ જોતો. ગવર્નરની આગળ આગળ આવતી સોલ્જરોની પલટન મને યાદ આવી ગઈ. અચરજ તો એ હતું કે ગવર્નર સાહેબ જે ઘણા ઘોડાની ગાડીમાં બિરાજતા તે ઘોડાની પીઠ પર પાછો અક્કેક સોલ્જર બેઠેલો હતો. કેટલું મોટું વિસ્મય! આવું એક મહાવિસ્મય મારી બાલસ્મૃતિના ખૂણામાં પડ્યું છે! અને ત્યાં ચકચકી રહ્યાં છે એ ઘોડેસવાર સોલ્જરોનાં માથાં પરના સફેદ ટોપની ટોચે સોનાનાં પીળાં પીળાં અણીદાર ટોપકાં. આવી કૈંક સવારીઓ બતાવવા શિક્ષકો નિશાળમાંથી બારોબાર લઈ જતા. અમે તાળીઓ પણ પાડી હશે, ગવર્નરોનાં સ્વાગતના શોભાશણગારો પણ બન્યા હઈશું, પણ મને તો એ બધાની સાથે મીઠામાં મીઠું સ્મરણ થાય છે મીઠાઈના એકાદ પડાનું. એ મીઠાઇના પડાની સ્મૃતિને અપમાન દેવાનો આજે પણ કોઈનો અધિકાર નથી. ગવર્નરનું આગમન, ગાડી ખેંચતા ઘોડા ઉપર બેઠેલા સોલ્જરોનાં શિર-ટોપકાં કે મીઠાઈના પડા, એ બધાં કરતાં એક આકર્ષણ મારા અંતરમાં વધુ પ્રબલ બની રહ્યું છે — આ કોનોટ હોલમાં ગવર્નર સાહેબની નિગાહ સામે ભરાતા દબદબાભર્યા રાજવી દરબારોને જોવાનું. પેલી મોટી તસવીરોમાં બેઠેલા અડીખમ ઠાકોરો માયલા ઘણાય તે કાળે હયાત હતા. તેઓ પણ જે દરબારમાં બકરી જેવા બની તાબેદારીની વિધિ ભજવતા હશે તે દરબાર કેવો જોવા જેવો હશે? એ તો ન જોઈ શકાયું, પણ મારું બાળમન એક વાતે બહુ હરખાતું, કે અમુક ઠાકોરસાહેબ ઠરાવેલા સમયથી એક જ મિનિટ મોડા પડતાં એની ચાર કે છ ઘોડાળી ગાડીને અદના એક એજન્સી પોલીસે જ્યુબિલી બાગના દરવાજે રોકી પાડેલી. આ વાત ખરી હો યા ન હો, મારા બાળમાનસમાં એક વાત એક ન ખેસવી શકાય તેવા સત્યરૂપે જડ ઘાલી ગઈ છે. એજન્સીનો સામાન્ય પોલીસ ચમરબંધી રાજવીઓ પર પણ આટલો કડપ દાખવી શકતો એ વાતનું મને સાચું ખોટુંયે ગુમાન રહી ગયું છે. કારણ? શું હું એક એજન્સી પોલીસનો પુત્ર હતો માટે? એક કેન્દ્રસ્થ સત્તા પોતાના નાના એવા નોકર દ્વારા પણ આ શીખળવીખળ રાજવીહકૂમતો પર શાસન કરી શકતી તેવા કોઈ રાજદ્વારી ડહાપણને દાવે? ન કહી શકું. એ વૃત્તિને કોઈ કારણોની જરૂર નથી. કોને ખબર છે, બહારના માણસોની હાજરીમાં કે ગેરહાજરીમાં, માતાપિતા કે મોટેરાં ભાઈબહેનો પણ નાનાં બાળકોની જે પટકી રોજ ઊઠીને પાડતાં હોય છે તેના જખમની વૈરની લાગણીને બાળક આ રીતે જગતમાં બનતા પારકા તેજોવધના બનાવોથી તૃપ્ત કરતું હશે.

એવું ઘણું ઘણું યાદ આવે છે. મરી ગયેલાં ભાઈબહેનો, કૌટુંબિક દુ:ખ પામેલા દાદા અને મોટા ભાઈઓ, સોળ શેરની બંદૂકડી ઉપાડી પરેડમાં જતા, દૂર દૂરને નાકે રાત્રે રોનો ફરતા તેમ જ આગો ઓલવવા બળતી ઇમારતો ઉપર ચડતા સિપાહીગીરી કરતા મારા સ્વ. પિતા, તેમના સાથીઓ, દ્વેષીઓ, તેમની સંકડામણો, અને એવી સંકડામણોમાંથી તેમને ઉગારી ઊંચકી લેનાર ગોરા સૂટર સાહેબ યાદ આવે છે. સૂટર સાહેબ! કાઠિયાવાડ એજન્સી પોલીસના ચાલીસ વર્ષ પૂર્વેના ઉપરી હજુ જીવે છે? એટલું જ નહિ, પણ પોતાની હાકેમીના અર્ધી સદી જૂના સ્થાનમાં જૂની સ્મૃતિઓ લઈને જાતે મહેમાન બને છે? સૂટર સાહેબ! મારી ચાર વર્ષની બાલ્યાવસ્થાનું એ એક પ્રિય સ્મરણ: મારા મન પરથી ભૂંસાયેલી એની છાપ: મારા ઘરમાં ત્રીસ વર્ષથી ટીંગાતી સૂટરની આ તસવીર મારી માતાએ હજુ પણ લટકતી રાખી છે! મારા પિતા મને સાંભરશે ત્યાં સુધી મને સૂટર નહિ વિસરાય. સૂટર સાહેબની નીચેના એક અદના સિપાહી મારા વણિક પિતા: બીલખા નાજાવાળા કેસમાં સૂટરની સાથે હતા. થાણાગાલોળ ખૂન કેસમાં હતા. સૂટર સાહેબનું નામ પડે છે ને ભૂતકાળમાંથી સ્મૃતિઓની દોટાદોટ આવે છે: કરડા, ખૂની આંખોવાળા બીલખા દરબાર નાજા વાળા: બે સ્ત્રીઓને ઠાર મારી, ત્રીજી પટારા નીચે લપાઈ ગઈ: નાજા વાળા પર મુકર્દમો: અહમદનગરમાં કાળું પાણી: મોત થતાં મુર્દાને આંહીં લાવ્યા: ગંધાઈ ગયેલો દેહ: પેટી ઉઘાડતાં જ બાઇઓ ખસી ગઈ, વગેરે મારા ઘરમાં મંડાતી વાતો. સૂટર સાહેબ! નાજા વાળા કેસમાં ફિરોજશા મહેતાએ જેને ‘સોરઠનો રાજા’ કહ્યો હતો: કટાક્ષ હશે. છતાં સાચી વાત: એજન્સી પોલીસની સ્થાપના મેકે સાહેબથી થઈ પણ એનો કડપ, એનો દમામ, એની શિસ્ત, અને ખૂની કાઠિયાવાડના ચમરબંધીઓને પણ ધૂળ ચાટતા કરવાની એની ખુમારી પાનાર તો સૂટર સાહેબ. સૂટરની વિદાય: પોલીસની ટી-પાર્ટી એક પછી એક નિરક્ષર પોલીસ પાસે સૂટરે કવિતા ગવરાવી: કોઈએ ગાયું ‘છજાં જાળિયાં’ને કોઈએ ગાયું ‘ભેખ રે ઉતારો!’ મને યાદ છે છ વર્ષની વયની એ કૂણી સ્મૃતિ. સૂટર સાહેબ! ફરીથી કેટલે વર્ષે મને એ નામ યાદ કરાવનાર સોરઠી બહારવટિયા કથા-સંગ્રહો: સૂટર ધ્રાંગધ્રાના પોલીસ-ઉપરી વાગડના મિયાણા બહારવટિયા જુમલા ગંડને માર્યો. સૂટરના વફાદાર, માથું મૂકીને એની ભયાનક ખૂન તપાસમાં સાથ પૂરનારા જૂના પોલીસ અધિકારીઓ — કેટલાય મરી ખૂટ્યા, જૂનામાંથી બેઠા છે — પંથકી સાહેબ અને એમ. પી. એમ. પી. (મોહનલાલ પોપટભાઈ) વાતો કરતા કે સૂટરની ઓફિસમાં એની નિમણૂંક — એની જુવાન વય — લખવામાં કાંઈક ભૂલ ને વાત્સલ્યવંતા સૂટરે મીઠો ઠપકો આપ્યો: ‘આઇ હેવ એડ્ડેડ વન મોર ઇડિયટ ટુ માય ઓફિસ!’ સૂટરના શાસનકાળમાં ભરતી થયેલ એ બ્રાહ્મણ વાણિયા ને મિયાણા પોલીસોની એકસરખી ખુમારી, જોખમોની બરદાસ્ત, સંકટસાહસોથી મસ્ત બનેલો જીવનકાળ... સિપાહીગીરીને પુનર્જીવિત કરનારો એ સૂટરનો કાળ. એ તમામ વાતાવરણથી હું જ્યારે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ની કથા દોરી રહ્યો હતો, તેમાં પણ વિશેષે કરીને જ્યારે સૂટર સાહેબની સ્મૃતિઓમાંથી હું એક પ્રિય પાત્ર ખડું કરી રહ્યો હતો, ત્યારે મને ખબર પણ નહોતી કે સૂટર જીવતાં છે. સ્વપ્ન પણ નહોતું કે સૂટર કાઠિયાવાડમાં એની બુઢ્ઢી પાંપણોના નેત્રભાર પર છાજલી કરીને જૂના અવશેષોની ઝાંખી કરવા આવી ચડશે.