સોરઠ, તારાં વહેતાં પાણી/૨૭. બાપુજીનું તત્ત્વજ્ઞાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૭. બાપુજીનું તત્ત્વજ્ઞાન

“ત્યારે આ લ્યો આ મારો ખરડો.” એમ કહીને એ બૂઢા લોક-કવિએ પિનાકીના હાથમાં એક કાગળ મૂક્યો. કાગળ તેલથી ખરડાયેલો ને ગંદો હતો. તેમાં બોડિયા અક્ષરોથી કાવ્ય ટપકાવેલાં હતાં. “કે’જો લખમણ બા’રવટિયાને—” મીરનો અવાજ આષાઢના મોરલાની માફક ગહેક્યો: “કે’જો કવિ મોતી મીરે તમને રામરામ કહ્યા છે. કે’જો કે — મીતર કીજે મંગણાં, અવરાં આળપંપાળ; જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર. “તું વીર નર છે. માગણિયાત મીરો-ભાટોની દોસ્તી રાખજે; કારણ કે એ મિત્રો તારા જીવતાં સુધી તો તારા જશડા ગાશે, પણ મૂવા પછીય તને કવિતામાં લાડ લડાવશે એ કવિઓ. બીજાની પ્રીત તો તકલાદી છે, ભાઈ! મૂવા પછી તને કોઈ નહિ ગાય.” “પણ મને એ ક્યાં મળશે?” પિનાકીએ માન્યું કે બહારવટિયાના મુકામ પર તો કોઈ સીધી સડક જતી હશે. “જુઓ ને ભાઈ!” મીરની આંખો ઘેરાવા લાગી. “આ અહીંથી ઊપડો તે નીકળો જમીને ધડે. ત્યાંથી તુળશીશ્યામ. ત્યાંથી નાંદીવેલે. ત્યાં ન હોય તો પછી સાણે ડુંગરે. ત્યાંય ન જડે તો પછી ચાચઈને ગઢે, જેસાધારે, વેજળકોઠે...” કહેતો કહેતો મીર ઝોકાં ખાવા લાગ્યો. બહારવટિયાનાં સ્થાનોની નામાવલિ સાંભળતો સાંભળતો પિનાકી મોં ફાડી રહ્યો. એણે પૂછ્યું: “એ બધાં ક્યાં આવ્યાં?” “એ કાંઈ મેં થોડાં જોયાં છેં, બાપ!” મીર હસ્યો. “ત્યારે તમને ચોક્કસ ઠેકાણાંની જાણ નથી?” “તો તો પછી હું જ ન જાત? તમને શા માટે તસ્દી આપત?” મીરની આંખો દુત્તી બનતી ગઈ. એક આંખ ફાંગી થઈ: જાણે એ કોઈ નિશાનબાજની માફક બંદૂક તાકતો હતો. પિનાકીને મીર પક્કો ધૂર્ત લાગ્યો. “લાવો લાવો મારો ખરડો, તમે જઈ રિયા બહારવટિયાને મુકામે.” કહીને મીરે પોતાનો કવિતાનો કાગળ પાછો ખેંચી લીધો. “સિકલ તો જુઓ, સિકલ!” મીરની ગરદન ખડી થઈ. એનું માથું, ફસકી પડેલા કોળા જેવું, છાતી પર ઝૂક્યું. એ વધુ વિનોદે ચડ્યો: “નિશાળ ભેળા થઈ જાવ, ભાઈ, નિશાળ ભેળા.” પિનાકીએ પોતાની કમતાકાતનો મૂંગો સ્વીકાર કરી લીધો; અને એને નિશાળનું સ્મરણ થયું. એ ચમક્યો: ‘આજે હેડમાસ્તર કાલના તોફાનવાળા વિદ્યાર્થીઓની શી વલે કરશે? સદાના એ ગભરુ છોકરાઓને ગઈ કાલે કશાકથી પાણી ચડી ગયું હતું; પણ આજે તો રાતની નીંદે એમના જુસ્સાને શોષી લીધો હશે. મને નહિ દેખે એટલે એ બધા મૂંગામૂંગા ઊભા માર ખાશે, બરતરફ થાશે ને એમનાં માબાપો વડછકાં ભરશે તે તો જુદું.’ આખી દયાજનકતાનો ચિતાર પિનાકીની કલ્પનામાં ભજવાવા લાગ્યો. પાછો જવા એ તલપાપડ થયો. મોટાબાપુજીની બીકના માર્યા નાસી છૂટવામાં પોતે પોતાની પામરતા અનુભવી. હેડ માસ્તરના જાલિમ સ્વરૂપની એણે ઝાંખી કરી. એનાથી ન રહેવાયું, ‘જે થાય તે કરી લે. મારે પાછા જઈ આજે સ્કૂલમાં જ ખડા થવું જોઈએ. નહિ તો ધિક્કાર મને! મામી જો સાંભળે તો જરૂર ધિક્કાર આપે’. વળતી ગાડીમાં એ પાછો ચાલ્યો. બારીમાંથી એ જોતો હતો. ગિરનારની મૂછો ઉપર વાદળીઓ ગેલ કરતી હતી. શ્વેત દહેરાં બુઝર્ગ ગિરનારના બોખા મોંના કોઈકોઈ બાકી રહેલા દાંત જેવાં જણાતાં હતાં. એનીયે પાછળ, કેટલે આઘે, ગીરના કયા પહાડગાળા બહારવટિયાઓને ગોદમાં લઈ બેઠા હશે! એ હાઈસ્કૂલના વિદ્યાર્થીને ભમવાની ભાવના-પાંખો ફૂટવા લાગી. નાના બાળક જેવા બનીને એને ડુંગરા પરની વાદળીઓમાં બાચકા ભરવા મન થતું હતું. સૂર્યનો ઊગતો ગોળો નજીક રમતા મિત્ર જેવો ભાસતો હતો. નવાગઢ સ્ટેશનના પુલ નીચે પડેલી ભાદર નદી, આ રેલગાડી અકસ્માત્ પડે તો તેથી ચેપાઈ જવાના કશા જ ભય વગર, નાનાં છોકરાંને માટે પાંચીકા ઘડતી હતી. પિનાકીના હૃદયમાં ભાદર જીવતી હતી. એ ક્યાંથી આવી, એનું ઘર ક્યાં, એનાં માબાપ કોણ, એને ક્યાં જવું છે, આટલી ઉતાવળે કોને મળવું છે, કેટલાં ગામડાં એનાં સ્તનો પર ચડી ધાવે છે, કેટલી કન્યાઓ એને કાંઠે વ્રતો રહે છે, કેટલી પનિહારીઓ એનાં પાણીની હેલ્યો ઉપાડી ભેખડો ચડે છે, વાઘરીઓના વાડામાં પાકતી સાકરટેટીને અને તરબૂચોને આ ભાદરની વેકૂરી કેમ કરીને અમૃત પાય છે — આવા પ્રશ્નોની એના મોં પર કતાર ને કતાર લખાઈ ગઈ. પ્રકૃતિના ધ્યાનમાં એ નીરવ બન્યો. અંતરના ઘોડા પહાડો તરફ દોડવા લાગ્યા. ઊલટી દિશામાં દોડતી ગાંડીતૂર ગાડી ચીસાચીસ પાડતી હતી, કેમકે રસ્તામાં ઊંડું કપાણ આવ્યું હતું. એમ કરતાં રાજકોટ આવ્યું. ઘરમાં દાખલ થતી વેળા પિનાકીએ પોતાની પીઠ અને છાતી સજ્જ રાખ્યાં હતાં. મોટાબાપુજીની ગઠ્ઠાદાર લાકડીને એ ઓળખતો હતો. બાપુજીને એણે જોયા. રિવોલ્વરની નાળીને એ સાફ કરતા હતા. “તું આવ્યો?” બાપુજીએ સાદા અવાજે પૂછ્યું. પિનાકીએ જવાબ ન દીધો. “તું ન આવ્યો હોત તો હું તને નામર્દ માનત.” બાપુજી બોલતાં બોલતાં રિવોલ્વરની ‘ચૅમ્બર’માં કારતૂસો ભરતા હતા. “વિક્રમપુરનાં રાણી સાહેબે...” એટલું બોલીને બાપુજીએ ચૅમ્બર બંધ કરી અને રિવોલ્વરની ‘સેફ્ટી-કી’ (સલામતીની ઠેશી) જોર કરી બેસારી. પિનાકીની છાતીમાં છેલ્લા ધબકારા ઊઠ્યા. બાપુજીએ વાક્ય પૂરું કર્યું: “રાણીસાહેબે તારા માટે પંદર રૂપિયાની માસિક સ્કોલરશિપ કરી આપી છે.” પિનાકીને શંકા પડી કે પોતાના કાન ખોટા પડી ગયા છે. “હું તો અત્યારે ઊપડું છું.” બાપુજીએ રિવોલ્વર ચામડાની ‘કેઈસ’માં નાખતાં નાખતાં કહ્યું: “તું ને તારી ડોસી સાચવીને રહેજો, દાદાજીને બરાબર સાચવજો, હું જાઉં છું બહારવટિયા પાછળ. પાછો આવું કે ન યે આવું. જા, નાહીધોઈને ઝટ નિશાળે પહોંચી જા. માસ્તરે માર્યો એમાં નાસવા જેવું શું હતું! અમારા બરડા પર તો હજુય નાનપણના સોળા છે.” પિનાકીને એવું થયું કે બાપુજીના પગમાં પડી રડી નાખું. મોટીબા આવીને ઊભાં રહ્યાં. એની પાંપણે આંસુના તારા ટમટમતા હતા. બાપુજીએ એને દેખી ભાણાને કહ્યું: “એ તો તારા નામનું મોં વાળીને બેઠી’તી. ફકીર પાસે દોડતી’તી કાજળી જોવરાવવા, ને જોષી પાસે જતી’તી ટીપણામાં તને ગોતવા. આખી રાત મને ઊંઘવા ન દીધો. હું તો ખુશ થયો કે તેં એકલા નીકળી પડવાની હામ ભીડી. આખરે તો સહુને એકલા જ જવાનું છે ને!” “મોટા તતવજ્ઞાની!” મોટીબાના મોં પર હર્ષ અને વેદનાની ધૂપછાંય રમવા લાગી. “મારું તત્ત્વજ્ઞાન તો, આ જો, આમાં ભર્યું છે.” મોટા બાપુજીએ રિવોલ્વર બતાવી. “હું રોતલ નથી. મારા છોકરાને રોતલ બનાવવાય નથી માગતો. પૂછી જો બાપુને; માર ખાઈને હું ઘેર આવતો ત્યારે મને ઘરમાં પેસવા જ નહોતા દેતા. માસ્તર હતો જાલિમ. એને સ્લેટ મારીને હું ભાગ્યો’તો. બાપુજીએ મને ગોતીને શાબાશી આપી હતી.” બહારની પરસાળમાંથી એક ખોંખારો આવ્યો અને હસવું સંભળાયું. એ તો દાદાજી હતા. પિનાકી એ વાર્તાલાપનો લાગ જોઈ બીજા ખંડમાં સરી ગયો. ‘ઓરડરલી’ સિપાઈ શેખફરુકની જોડે કૂદાકૂદ કરવા લાગ્યો. શેખફરુક ખોટા સિક્કા પાડવા બાબત પકડાયો હતો, ને પછી ગુનાની કબૂલાત કરવાને પરિણામે નોકરીમાં ભરતી પામ્યો હતો. એટલો નેકીદાર હતો કે આ માણસ ખોટા સિક્કા પાડતો હતો એવું, એ પોતે કહે તો પણ, ન માની શકાય. મહીપતરામ કપડાં ચડાવીને બહાર નીકળ્યા, પણ પોતે જીવસટોસટના જંગમાં જઈ રહેલ છે એવી કશી જ ડંફાસ એના દીદારમાં ન દેખાઈ. મોટીબાએ આવીને કહ્યું: “અંબાજી માનો દીવો કર્યો છે, તે જરા પગે તો લાગતા જાવ.” “હવે ઠઠારો મૂક ને, ઘેલી, એવી શી ધાડ મારી નાખી છે હજુ!” એમ કહી ફરી પાછી બૂટની વાધરી છોડી. અંદર જઈ પગે લાગી, વળી કંઈક બીજું લફરું પત્ની કાઢી બેસશે એ બીકે વાધરી બાંધી—ન બાંધી ને ઊપડ્યા. “એક વાત ન વીસરજો.” પત્નીએ કહ્યું. “શું?” “જેની પાછળ ચડો છો એનો આપણા માથે ઉપકાર છે.” “હા. હા; સરકારને હું કહેવાનો છું કે એને ઘીએ ઝબોળેલી રોટલી પહોંચાડવાનો બંદોબસ્ત કરે! ભલી થઈને ક્યાંય આવા બબડાટ કરતી ફરતી નહિ.” રાવસાહેબના એ શબ્દોમાં તોછડાઈનો આડો આંક હતો. પત્નીએ અંદર જઈ દીવાને પ્રણામ કરતે કરતે ઉચ્ચાર્યું: “હે અંબાજી મા! સ્વામીની આબરૂ રાખજો, ને પેલાંઓની પણ રક્ષા કરજો!” બેવડી પ્રાર્થનાના આંચકા એના અંતરમાં લાગતા હતા. પિનાકી સ્કૂલે ગયો. અજાયબ થયો. વર્ગો શરૂ થઈ ગયા હતા. હંમેશની રસમ ચાલુ હતી. છોકરાઓનાં મોં પર ગંભીરતાનું વાદળ ઘેરાયું હતું. કંઈક થવાનું છે, ઝટ નથી થતું એ વધુ ભયાનક છે, હેડ માસ્તર કોણ જાણે શા મનસૂબા ગોઠવી રહેલ હશે — એવા એવા ભાવોનો મૂંગો ગભરાટ ઘેરો બન્યો હતો. પણ કશું જ ન થયું.