સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૮. પાછા જવાશે નહિ!

સોરઠમાં બે સ્થળોને ‘માનાં પેટ’ કહેવામાં આવતાં: એક જળવાસીઓ માટેનું માનું પેટ, ને બીજું થળવાસીઓનું. ‘બેટ તો માનું પેટ છે, ભાઈ!’ એ કહેવાય છે દ્વારકાના બેટ શંખોદ્ધારના દરિયાને માટે. ચોમાસાનો દારૂડિયો સમુદ્રદેવ જ્યારે હોડકાંને, મછવાને અને સફરી વહાણોને મોતના સંદેશા સંભળાવે છે, ત્યારે સાગર ખેડતા વહાણવટીઓ પોતાનાં નાવ લાવીને બેટની ખાડીમાં નાંગરે છે. મોટો મહાસાગર થોડે જ છેટે પડ્યોપડ્યો ‘ખાઉં-ખાઉં’ના હુંકાટા કરે છે, પણ માતાના પેટમાં સચવાતાં બાળકો સમાં આ વહાણોને સાગરની એક નાનકડી થપાટ પણ વાગતી નથી. બીજું છે ‘ગિર માનું પેટ’. ભયાનક શિશુઓ એ માના ઉદરનો આશરો લેતાં. નદીઓની ખોપો, પહાડોના ગાળા, વનરાઈની ઘટાઓ, ઊંટ ઓરાય તેટલાં ઊંચા ઘાસ અને ગિરવાસીઓનાં નેસડાં — એમાં એક વાર ગાયબ થનારું માનવી મોટી ફોજોને પણ થકવી શકતું. લખમણભાઈ અને પુનરવ છૂટા પડ્યા પછી રૂખડ શેઠની ઓરતે જખમી વાશિયાંગનું શરીર એક નેસડેથી બીજે નેસડે ખસેડી ખસેડી સંઘર્યું હતું. એને પાણીઢોળ કર્યા પછી ઓરતે એકાંત શોધી વાશિયાંગને પૂછ્યું: “કેમ, જુવાન! ક્યાં જવું છે હવે?” “તમે રાખો તો તમારી પાસે.” “નહિ તો?” “ઈશ્વર આગળ.” “તું શા માટે મારી પાછળ પડ્યો છે?” “ત્યારે કેની પાછળ જાઉં?” “તારે ને મારે હવે શું રહ્યું છે?” “તમારે નથી રહ્યું: મારે તો રહી ગયું છે.” “આયરનો છોકરો આટલો નમાલો!” “મને ‘નમાલો’ કહીને તો તમે આપણાં લીધાં લગ્ને ભાગ્યાં, ખરું?” “તને કહીને ભાગી’તી ને — કે મને તારા માથે હેત નથી છૂટતું.” “મેં તમારા પગ આંસુએ પખાળ્યા તોય?” “તેથી જ.” “કાં?” “મારે આંસુ પાડનાર નો’તો જોતો. હું ભાગેડુ બની મારાં રૂપ છુપાવવા માટે ઠેકઠેકાણે મજૂરી કરતી રહી. મેં વીરને ગોત્યો.” “તોપણ મેં તમને ગોતી લીધાં.” “છોડી દે એ વાતને. સાત વરસ થઈ ગયાં. મારો તો આ ભવ પૂરો થયો.” “નવો ભવ માંડીએ.” “તારી જીભ કપાય! નવું ઘર માંડીશ કોઈક શેઠથી સવાયા મરદની સાથે જે મારીયે જાણે ને મરીયે જાણે. તમારી ત્રણેયની તો હું બેન છું.” જેમ એ ઓરત વિકરાળ બનતી ગઈ, તેમ જુવાન વાશિયાંગ એના જૂના રૂપને ભાળવા લાગ્યો. પડી ગયેલા ખંડેર વચ્ચે જાણે કોઈક પોલાણ રહી ગયું હતું, ને એ પોલાણમાં જાણે એક તેલની કૂંપી એવી ને એવી અનામત બેઠી હતી. “મારું તો તમે સત્યાનાશ વાળ્યું છે.” “શી રીતે? તારે ઘરસંસાર છે ને!” “પણ એ તો બળજબરીથી સૌએ મંડાવેલો સંસાર.” “બળજબરીથી?” ઓરતે જાણે કે તિરસ્કાર-વૃત્તિનો ઘૂમટો મોં પર તાણી લીધો. “બાયલો તો છો, પણ ઉપર જાતાં ઠગ પણ છો! પરણેલી સ્ત્રી સાથે આ સંસાર સેવ્યો તે શું બધી લબાડી જ કરી!” “હું ક્યાંથી આંહીં આવ્યો!” “પાછા જવું છે?” “હા જ તો; બીજું શું થાય?’ “વાર છે, વાર.” “કાં?” વાશિયાંગને કૌતુક થયું. “એક વાર આંહીં આવેલને માટે પાછા જવાનો રસ્તો નથી.” “કારણ?” “કારણ તારું દિલ પોચું છે. આંસુડાં પાડી શકછ ને? અમારાં ગળાં પણ એટલી જ સહેલથી તું સોંપી દે એવો છો.” “જોરાવરીથી મને રોકશો?” “જોરાવરીથી તને પરણાવી શકાણું તો પછી જોરાવરીથી રોકવામાં શી મુશ્કેલી છે?” “ઠીક, હું તો હસતો હતો. હવે મારે જઈને શું કરવું છે? આંહીં તમારી છાયામાં જ મરવું મીઠું સમજીશ.” વાશિયાંગે બોલ તો ગોઠવ્યા, પણ એ બોલમાં પોતે સ્વસ્થતાના સૂર ન પૂરી શક્યો. એના ઉદ્ગારમાં ગભરામણ હતી. ઓરતની રૂપાળી આંખોમાં એણે ભયાનકતા ભાળી. લાગ્યું કે પોતે કોઈ મગરના ડાચામાં પેઠો હતો. “ધજાળાની જગ્યામાં તેં કહ્યું’તું ને, કે દોણ ગઢડાના મકરાણીને મારવો છે.” ઓરતે ભગવા ઓઢણાની ગાતરી પોતાના અંગ ઉપર ભીડતાં ભીડતાં પૂછ્યું. “હા.” વાશિયાંગે એ ગાતરીની ગાંઠ ઓરતનાં બે સ્તનોની વચ્ચોવચ્ચ ભિડાયેલી જોઈ. માથાના કેશ પર ઓરતે લીલો રૂમાલ લપેટીને ગરદન સાથે બાંધી લીધો હતો તે પણ જોયો. “તો ઊઠ, વીરા! સાસરે ગયેલી ઓલી માલધારીની દીકરી ચૂંથાઈ ગઈ છે. ચૂંથનાર મકરાણી ઈસ્માઈલ છે.” વાશિયાંગનું પાણી મરી ગયું હતું. એનાં રૂવાડાં ફરક્યાં નહિ. મીઠા સ્વજનની ગોદમાં મળતી હૂંફ સમી જે લાગતી હતી તે આ ઓરત હવે એને ત્રિદોષના તાવ જેવી લાગી. “ચાલો.” એણે બનાવટી જવાબ વાળ્યો. ધરતીનો તે વખતે વિધવા-વેશ બન્યો હતો. ભૂખરા ડુંગરા ખાખી બાવાઓ જેવા બેઠા હતા. સૂરજ કોઈ વાટપાડુની પેઠે ડુંગરા પાછળ સંતાઈ બેઠો હતો. હીરણ નદીને તીરેતીરે બેઉ જોડે ચાલ્યાં. પુરુષ પછવાડે ચાલતો હતો. વધુ ને વધુ અંતર એ પાડતો હતો. ઓરતે પણ પતંગનો દોર છૂટો મૂકનાર બાળકની પેઠે વાશિયાંગને છેટો ને છેટો પડવા દીધો. એક નાની કેડી નોખી પડતી હતી. ઓરત એને વટાવી ગઈ. પણ કેડીની ને ઓરતની વચ્ચે વાશિયાંગે એક ધાર આડી સૂતેલી દેખી. વાશિયાંગ કેડી ઉપર થંભ્યો. પળવાર થરથર્યો. પછી ભાગ્યો. પાછળથી એણે પોતાની પીઠ સોંસરો કંઈક સુંવાળો સંચાર થતો અનુભવ્યો. ભડાકો સંભળાયો. છાતી ચિરાઈ ગઈ. વાશિયાંગ ફરંટી ખાઈને થોરના જથ્થા પર ઢળી પડ્યો. ધાર ઉપર ઊભીને ઓરત હસતી હતી. એના હાથમાં બંદૂક હતી. બીડી પીને પછી ઊંડાણમાંથી છેલ્લા ધુમાડા કાઢતી હોય તેવી કોઈ વાઘરણ જેવું એ બંદૂકનું રૂપ હતું. એ વાશિયાંગના શબની પાસે ગઈ. મુડદાના મોંમાંથી પાણી નીકળતું હતું. હજુ તો હમણાં જ આવીને માળામાં લપાયેલાં પક્ષીઓ ભડાકાના ગભરાટથી ઊડીઊડીને કિકિયાણ મચાવવા લાગ્યાં. ફરી પાછાં ઝાડઝાંખરાં શાંત પડ્યાં. વનરાઈએ જાણે કે કોઈને વઢી લીધું. ઓરતે પોતાની છાતી પર પંજો મૂકી જોયો. મનમાં કોઈક કારખાનાના ધડાકા ચાલતા હતા. પણ આંખો ન ફાટી પડી. કંપારી એક વાર છૂટીને રહી ગઈ. હું આટલી તો ઘાતકી બની શકી છું, એક મોટી તૈયારી થઈ ચૂકી છે — એવી એક લાગણી લઈને એણે પગને વહેતા મૂક્યા. ‘પણ એનાં બાયડી-છોકરાં...’ એ વિચાર રસ્તામાં એની કાંધ પર ચડ્યો. ‘તને પણ હું રૂંધી નાખીશ.’ ઓરતે પોતાના જ એ વિચારનો જવાબ વાળ્યો. ડુંગરાને પણ એ જવાબ ન સંભળાયો.