સોરઠ, તારાં વહેતાં પાણી/૫૪. કલમી દુનિયાનો માનવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૪. કલમી દુનિયાનો માનવ

કેટલી નિરાંત કરીને આ માથું મારે ખોળે ઊંઘે છે! એને કોઈનો ભય નથી શું? એણે મને કલંકિતને લઈ પોતાના કપાળમાં તિલકને સ્થાને ચડાવી. એને મારી જોડે જોઈને કોઈ સંઘરશે નહિ તો? મારો ભાઈ એના પ્રાણ લેવાનું કાવતરું કર્યા વગર કંઈ થોડો રહેવાનો છે? હજી પોલીસે થોડાં જ અમને છોડી દીધાં છે? આટલી બધી ગાંઠડીઓના બોજ ફગાવીને આ માથું નીંદર કરે છે! પુષ્પાને એ માથું જરા તોછડું લાગ્યું. એણે એને ખોળામાં નજીક ખેંચ્યું. ખેંચતી વેળા એના બે હાથની વચ્ચે એ માથું કોઈ લીલા શ્રીફળ જેવું લાગ્યું. સૂતેલી આંખોના ગોખલામાં ભરાયેલી ધૂળને પુષ્પા ઓઢણના છેડા વડે લૂછવા લાગી. કાનનાં પોલાણોને પણ દેવતાના થાનક પેઠે સ્વચ્છ કર્યા. પોતે નવી પરણીને આવેલી જાણે કે પોતાનો ખંડ શણગારતી હતી. ચાલી જતી બેલગાડીના પછડાટ પિનાકીને પુષ્પાના ખોળામાં વધુ ને વધુ મુકાવવામાં મદદ કરી રહ્યા હતા. ગાડીવાન વોરો બેવકૂફ હતો, તેથી થોડો ઈમાનપ્રેમી પણ હતો. વગર કામે પોતાના ગાડાની અંદર બેઠેલ મુસાફરોની ચેષ્ટા ન જોવી એવો એનો નિયમ બંધાઈ ગયો હતો. આજે એ નિયમ એને વધુમાં વધુ સાલવા લાગ્યો. આખા રાજકોટને ચકડોળે ચડાવનાર આ બે જુવાનિયાંનાં પૂરાં મોઢાં પણ પોતે જોયાં નથી, બેઉ આટલાં બધાં નજીક છતાં પણ પોતે એ લાભથી વંચિત રહ્યો છે, તેમ સમજી પોતે દાઝમાં ને દાઝમાં બળદનાં પૂછડાંને વળ ચડાવતો હતો. આખરે એ પોતાના કૌતુકને ન રોકી શક્યો, તેમ એને કારણ પણ જડ્યું. “એ... મોટો રોદો આવે છે હો ભાઈ, ધ્યાન રાખજો.” કહેતાં એણે પછવાડે જોયું કે તત્કાળ પુષ્પાના હોઠ છેક પિનાકીના ગાલને અડુંઅડું થવા જેટલા નીચા નમેલા; પણ શિકારીનો સંચર થતાં નવાણને કાંઠેથી મોં પૂરું પલાળ્યા વગર જ નાસી છૂટતાં હરણાંની પેઠે એ હોઠ પાછા વળી નીકળ્યા. બીજી જ ક્ષણે ગાડાના પૈડા નીચે ઊંડો રોદો આવ્યો. ગાડું પટકાયું. પુષ્પાના હોઠ અનાયાસે પિનાકીના ગાલને મળ્યા. બે-ત્રણ મોટરો ધૂળના ગોટા ઉરાડતી ગાડા પાસેથી ઘસાઈને આગળ નીકળી ગઈ, તોપણ પિનાકી જાગ્યો નહિ, ને ગાડું હજુ ચારેક ગાઉ પછવાડે હશે ત્યારે — એટલે કે હાલારી નદીનાં પાણીમાં નમતા સૂરજની ભગવી પિછોડી બોળાતી હતી તે ટાણે — મોટરો રાજવાડાના ખેડૂત શેઠને ઝાંપે ભેંસોને ભડકાવતી હતી. ભૂંકણગાડીનું કૌતુક હજુ ગામડાંનાં લોકોમાંથી ગયું નહોતું. માણસો ટોળે વળીને એ આશ્ચર્યને નિહાળતાં હતાં. ને વડલાના છાયડામાં શેઠ આ પરોણાઓને લઈ બેઠા હતા. “અમે તો એવી ખાતરીથી જ આવેલ છીએ કે આ ઢેઢવાડાને તમે તો નહિ જ સંઘરો.” મહેમાનોમાંથી એક જણે કહ્યું. બીજાઓએ પણ બીજું ઘણુંઘણું કહી નાખ્યું હતું. અને શેઠ જાણે કે એ તમામ વાતોમાં મળતા થતા હોય તે રીતે મોઢું હલાવતા, જરા મલકાયા કરતા બેઠા રહ્યા હતા. “છોકરીની ઉંમર કેટલી છે?” આખરે શેઠે પ્રશ્ન કર્યો. “અઢાર વરસની, પણ સાવ પશુડું!” “તો તો પછી પત્યું. એને ફાવે એમ કરવા દો ને!” શેઠે જાણે કે કોઈ કાદવના ખાડામાં પથ્થર પછાડ્યો. સર્વ મહેમાનો ચમકી ઊઠ્યા. “તમે ઊઠીને આમ બોલો છો? હાંઉ! ધરતીનું સરું આવી રહ્યું.” “ધરતીનાં સરાં એમ ન આવે. ને, ભાઈ, તમે આવતા દિવસની એંધાણી ઓળખો. જુવાનોને છંછેડો મા. હશે, બેય ઠેકાણે પડ્યાં.” શેઠ બોલતા હતા ત્યારે એના પેટમાં પાણી પણ હાલતું નહોતું. “ત્યારે તો તમે એને આંહીં સંઘરશો, એમ ને?” “મારે ત્યાં તો ડાકાયટીઓ ને ખૂનો કરનારાઓ પણ સચવાયા છે.” “ડાકાયટી અને ખૂનને પણ લજવે એવો આ અપરાધ—” “જુઓ ભાઈ,” શેઠે કહ્યું: “મારે ત્યાં તો વનસ્પતિનું જગત છે. મારા આ બે હાથે કૈક કલમોને આંહીંથી ત્યાં ને ત્યાંથી આંહીં લાગુ કરી નવાનવા રસ, રંગ અને ગંધના મેળ નિપજાવેલ છે. હું અખતરાથી ડરતો નથી. મારી દુનિયા નિરાળી છે. હું માનવીના સમાજનો માણસ નથી. મારી દુનિયા ઝાડવાંની છે. હુંય ઝાડવું છું. ઝાડવું બનીને અહીં આવનારનો હું ન્યાતભાઈ છું. હવે ઝાઝી માથાકૂટ મને ન કરાવો.” “સાંભળો, શેઠ: મારી સામે જુઓ.” એક વકીલ જેવા જણાતા માણસે વાચાને અક્કડ કરી. શેઠે કહ્યું: “આ જોયું. લ્યો ફરમાવો.” “આ અરધું રાજકોટ જે શાક-પાંદડું ઉપાડે છે ને—” “હા.” “તેની વખારો નહિ ભરી શકાય: ખબર છે?” “તો સીમમાં જાનવરોને ચારી દઈશ. રાજકોટને કહી દેજો કે આ વાણિયાની દયા ન ખાય. જાવ, કરી દો મારા શાકનો બહિષ્કાર.” બોલતાં બોલતાં શેઠની આંખોએ મહેમાનોની સામે જ જોવું બંધ કર્યું. એ આંખો ઊંચે ઝૂલતી શેરડી તરફ જ જોઈ રહી. “સારું ત્યારે, શેઠ; બીજી તો એમાં શી આશા રાખી શકાય!” એક નગરજને નિશ્વાસ નાખ્યો. “ધૂળનાં ઢેફાં સાથેનો સહવાસ છે તમારો, ભાઈ!” બીજાએ સ્પષ્ટીકરણ માંડ્યું: “એટલે મતિ પણ જાડી બની જાય. નીકર રાજકોટના ફરજંદને...”

“ભૂલો છો તમે,” શેઠે કહ્યું: “રાજકોટના ફરજંદો જમાનાને પિછાનવામાં પહેલે મોરચે રહ્યાં છે. આખા સોરઠે રાજકોટની દીકરીઓને માથે માછલાં ધોયાં છે, કેમ કે એ ભણવા માટે પહેલી ચાલી. રાજકોટના મોહનદાસે દરિયો ઓળંગ્યો એટલે એનાં પીંછડાં પીંખ્યાં’તાં સોરઠે. આજ એ દુનિયાનો ‘મહાત્મા’ બનીને આવ્યો, એટલે એના ખોરડાની ધૂળ મસ્તકે ચડાવો છો બધા! રાજકોટને હું નહિ લજવું, ને મોટા થોભિયા ધારણ કરનારા, દીવાનપદાં ઠોકનારા, કોરટોની ભીંતો ફાટી જાય તેટલા અવાજ કરનારા તમે સહુ, તમારામાંથી એક તો ઊઠો. આ લ્યો: હું મારી બે-જોટાળી ભરીને હાથમાં આપું, જાય છે કોઈ પ્રવીણગઢના રાજ-ચોક વચ્ચે? છે કોઈની છાતી આ રાજકોટની કુંવારકાનું શિયળ રોળનારના મોઢામાં ચપટી ધૂળ નાખી આવવાની? છે કોઈ તમારા માયલો તૈયાર એ રાજકુંવરડે ચૂંથેલી આ રાજકોટની દીકરીને પોતાના દીકરાની કુળવધૂ કરવા માટે? બોલો, કઈ મૂછોનાં ગૂંચળાં માથે લીંબુડાં લટકાવીને તમે મને કહેવા આવ્યા છો કે તમારાથી કોઈથી ન સંઘરી શકાઈ તેવી એક બાળકીને શરણ આપનાર એક જુવાનની સામે મારે મારાં ઘરબાર બંધ કરવાં, ભાઈ? કઈ મૂછોમાંથી એટલું પાણી ટપકે છે? પાણી હોય તો પહોંચો પરબારા પ્રવીણગઢ: લ્યો આ બે-જોટાળી. ઉપર મારું નામ કોતરેલું છે. કોરટમાં આવીને કહીશ કે ‘હા, હા, મેં જ દીધી’તી એ બંદૂક! મેં મૂકી હતી એને મારા બહાદરિયા રાજકોટિયાના હાથમાં, ને મારી છાતી ફાટે છે એ જોઈને કે મારી બે-જોટાળીનો રંગ રહી ગયો છે.’ છે કોઈ માટીમાર? તો આ લ્યો.” એમ કહેતાં કહેતાં શેઠે પોતાની બાજુમાં પડેલ બંદૂકને ઉઠાવી હાથ મહેમાનો તરફ લાંબો કર્યો, સામે એક પણ હાથ ન લંબાયો. એકેક મહેમાને મોં બગાડી શેઠની નજર ચુકાવી. બાગમાંથી અને વાડીમાંથી શેઠના સાથીદારો ટોળે વળી ગયા હતા. તેઓ જ્યાં ઊભા હતા ત્યાં થીજી ગયા. તેઓએ તે દિવસે પહેલી જ વાર પોતાના ધણીને ઉશ્કેરાયેલો દીઠો. છેલ્લા આખા મહિનામાં શેઠ નહિ બોલ્યા હોય તેટલા બોલ તે વખતે એકસામટા બોલી ગયા હતા. ધીરે રહીને એણે બંદૂક પોતાના ખોળામાં ધરી દીધી. એણે પોતાનો અવાજ ધીરો પાડી દીધો. એની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. એણે દુપટ્ટા વડે મોં લૂછીને કહ્યું: “મને તો લ્યાનત છે કે હું આ બધો મામલો જાણતો જાણતો પણ અહીં સમસમીને બેસી રહ્યો છું. મેં મારાં હથિયારને લજવ્યાં છે. મેં મારા પૂર્વજોને આજ પાણી વિના ‘પાણી! પાણી!’ પોકારતા કર્યા હશે. પણ શું કરું? મેં આજ આંહીં આટલો પથારો કર્યો છે. મેં પારકાના — મારી બહેનોના ને ફઈઓના, મારા ભાઈબંધોની રાંડીરાંડોના — રૂપિયા લઈલઈને આ ધરતીમાં રેડ્યા છે. એ સૌનાં નાણાં દૂધે ધોઈને હું પાછાં પહોંચતાં ન કરું ત્યાં સુધી હું મારી આ શેરડીના ભર્યા સાંઠામાં કળોયાંનું લોહી ભાળું છું. મેં મારી શેરડીને હજુ મોંમાં નથી નાખી. હું તો કેદી છું મારી ઈજ્જત-આબરૂનો, ને મારાં વિશ્વાસુ માણસોનો, એટલે કે હું અત્યારે કંગાલ છું, મરદ નથી રહ્યો. કંગાલ છું તેથી જ હું એ બે છોકરાંને માટે આથી વધુ કાંઈ કરી શકીશ નહિ. બાકી તો આ ધરતી મારા એકલાની મા નથી. એનામાં જેટલી પહોળાશ હશે તેટલી તો એ એનાં બચ્ચાંને છાંયડી કાઢી જ આપશે.” “આ તો બધી આડી વાતે ઊતરી ગયા તમે, શેઠ! કાંઈ નહિ. ખેર! અમે રજા લઈએ છીએ.” કહીને મુખ્ય મહેમાન ઊઠ્યા. તેમની પછવાડે બીજા સહુ ઊઠ્યા. સહુને શેઠે હાથ જોડ્યા. બહારથી કંઈક નવી સંતલસના ગુસપુસ અવાજો આવ્યા. શેઠે એ સૂર પકડ્યા. એમણે બહાર નીકળીને મોટરોને વળાવતાં વળાવતાં પૂર્ણ ગંભીર ચહેરે કહ્યું: “જો આપ હવે રાવળજી બાપુને મળવા જવાનો વિચાર કરતા હો તો નવલખાનો મારગ આ સામે રહ્યો. અહીંથી ત્રીસ ગાઉ થાય છે. રસ્તો લાંબો છે ને વાંકો પણ છે. ઉતાવળ હોય તો મારા ચોકિયાતને ભેળો મોકલું. રાત રોકાઈને સવારે નીકળવું હોય તો વાળુપાણીને તૈયાર થતાં વાર નહિ લાગે. પથારીઓ પણ તૈયાર છે.” “ના ના. રાજકોટ જ જશું.” “મારી દયા ન ખાતા, હો કે! રાવળજી બાપુ મને દબાવી તો નહિ જ શકે. બાકી, હાં, કાઢી મૂકી શકશે.” એ શબ્દોના ધગધગતા ડામ અનુભવતા મહેમાનો વધુ વાતનો પ્રસંગ શેઠને ન દેતાં પાછા વળ્યા. “આ ચાલ્યાં આવે બેય જણાં.” ચાલતી મોટરે મહેમાનોએ રસ્તામાં બળદગાડીમાં પિનાકી-પુષ્પાને આવતાં દીઠાં. “સાલાંને આંહીં ઠમઠોરવાં જોઈએ.” “થોડાક પાણકા લઈ લીધા હોત, તો દોડતી મોટરે એનાં માથાં રંગી શકાત.” “બહુ થયું હવે, ભાઈ!” અંદરથી એક વૃદ્ધના શબ્દો જુદા તરી નીકળ્યા. “કેમ, કાકા?” “આપણે નામર્દો છીએ. મને શેઠના બોલના ભણકારા વાગે છે: આપણે નામર્દો છીએ. આ છોકરા સામે તો જુઓ! સાચો મર્દ તો એ છે. હવે આપણા બબડાટ બંધ કરો.” તે પછી કોઈ કશું જ બોલ્યું નહિ. મોટરો ગાડાને વટાવી ગઈ.