સોરઠ, તારાં વહેતાં પાણી/૮. માલિકની ફોરમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૮. માલિકની ફોરમ

છ મહિને પિનાકી દિવાળીની રજા ભોગવવા પાછો ફર્યો ત્યારે પહેલા પાંચ ગાઉ સુધીમાં તો એને વચગાળાના પ્રત્યેક ગામડે વાહન બદલવું પડ્યું. અમલદારના દીકરાની વેઠ માટે પ્રત્યેક ગામ સામા ગામડા સુધીનું જ ગાડું કાઢતું. સામા ગામે પહોંચ્યાં પછી ગામનો પોલીસ-પટેલ પોતાને ઘરને ઓટે ઊભો રહી પસાયતાઓને હાકોટા પાડી ચોરેથી બોલાવતો. પસાયતા પટેલને શોધી પાડતા. પટેલ વેઠના વારાની ચિઠ્ઠીઓ તપાસતો, તે પછી વારાવાળા ખેડૂતને જાણ પહોંચાડવામાં આવતી. પછી ખેડુ પોતાના સાંતીએ જોતરેલા બળદોને એક ગાઉ પરના ખેતરેથી ગામમાં લાવવા જતો. તે પછી અમલદારનો પુત્ર આગળ પ્રયાણ કરતો. પરંતુ મહીડા ગામથી પિનાકીને એક ઘોડીનું વાહન આપવામાં આવ્યું. મધ્યમ ઊંચાઈની, કેસરવરણી, બાંકી ગરદન પર ભૂરી કેશવાળી ઝુલાવતી ને કાનોટી માંડતી ઘોડીને નિહાળતાંની વાર જ પિનાકીના દિલમાં કશોક સળવળાટ ઊઠ્યો. ઘોડીના લાદ-પેશાબની સોડમ પણ એને સુખદાયક લાગી. ઘોડીની પીઠ બાજઠ જેવી હતી. તે પર ચારજામાનું પહોળું પલાણ હતું. ચારજામા ઉપર પોચી ગાદી હતી. બાર વર્ષના પિનાકીને જાણે કે ઘોડીએ ક્રીડા રમાડવા પીઠ પર લીધો. રેવાળ ચાલમાં ચાલતી ઘોડી સરોવરનાં બાંધ્યાં નીર પર વહેતી નાવડીની સરસાઈ કરતી હતી. પસાયતાને તો ક્યાંનો ક્યાં પાછળ છોડી દઈ ઘોડીએ થોડી જ વારમાં પિનાકીને પેલાં હસતાં સફેદ ચૂનાબંધ મકાનો દેખાડ્યાં; ને છૈયાને તેડી મા ઊતરે તેવાં સાવચેત ડગલાં ભરતી ઘોડી ઘુનાળી નદીના ઘૂઘવતા પ્રવાહને પાર કરી ગઈ. વટેમાર્ગુઓ ઘોડીને નિહાળી રહેતા, ઓળખી લેતા ને નિશ્વાસ છોડી અર્ધસ્પષ્ટ ઉદ્ગારો કાઢતા: “વાહ તકદીર! આ ઘોડી કેવી પરગંધીલી હતી! મૂછાળો છેલ શેઠિયો એકલો જ એનો ચડનારો, એને ખેલવનારો હતો. આજ એ જ રાંડ ટારડી બનીને વેઠે નીકળી. હટ્ નિમકહરામ!” “અરે, યે લોંડી કાંથી આઈ?” હડમાનજીની જગ્યાના બાવાએ ફરી એક વાર ઢોરા પર ચડી ચલમના દમ દેતાંદેતાં જોયું ને તિરસ્કારથી હસતાંહસતાં કહ્યું. “હે-હે ગધાડી!” કલાલ રંગલાલ પણ પીઠીના ઓરડામાંથી બોલ્યો. “મર રે મર, નુગરી!” ઠાકરદ્વારાના પૂજારીએ ઘોડીને ફિટકાર આપ્યો. “એને માથે કોઈ પીરાણું નહિ હોય.” જમાલશા પીરના તકિયામાંથી ગોદડિયા સાંઈએ ઉદ્ગાર કાઢ્યા. ને થાણામાં પહોંચેલી ઘોડીએ પોલીસ ગાર્ડની દરવાજાની નજીક આવતાં એકાએક કશીક ફોરમ આવી હોય તેમ નસકોરાં ફુલાવી અતિ કરુણ સૂરે હીંકોટા ઉપર હીંકોટા કરવા માંડ્યાં, ત્યારે લોક-અપમાંથી સામા ઓચિંતા હોંકારા ઊઠ્યા: “બાપો કેસર! બેટા કેસર! મા મારી! આંહીં છું.” ટેલતો સંત્રી થંભ્યો. નાયક અને બીજા બે પોલીસો આરામ લેતા ઊભા થઈ ગયા અને કમરપટા બાંધતાં ‘લોક-અપ’ તરફ દોડ્યા. નાયકે એવા બોલ બોલનાર કેદી પ્રત્યે ઠપકાનાં વચનો કહ્યાં: “હાં-હાં, શેઠ! આંહીં જેલખાનામાંથી હોંકારા કરાય? અમલદારો સાંભળશે તો અમને તો ઠપકો મળશે.” તેટલામાં તો ઘોડીની હણહણાટીએ એકધારા અખંડ સૂરો બાંધી દીધા હતા. ઘોડીના પગ તળે પૃથ્વીનું પેટાળ કોઈ અગ્નિરસે ઊભરાઈ રહ્યું હોય એવી આકુલતા ઘોડીના ડાબલાને છબછબ પછડાવી રહી હતી. ઘોડીના ગળામાં આહ હતી, આંખોમાં આંસુ હતાં, અંગે પસીનો ટપકતો હતો. એ જાણે હવામાંથી કોઈક સુગંધને પકડવા મથતી હતી. થાણાનાં માણસોનો આખો બેડો (જથ્થો) ત્યાં જમા થઈ ગયો. સહુ મળીને ઘોડીને ઠંડી પાડનારા બોલ બોલવા લાગ્યા. કેટલાકે જઈને ઘોડીને થાબડી, લલાટે હાથ ફેરવી પંપાળી, માણેક-લટમાં ખજવાળ કરી, ને પિનાકીને ઘોડી પરથી ઉતારી લેવામાં આવ્યો. ભમરાને ફૂલની ગંધ આવે છે કે નહિ તે તો ખબર નથી, પણ ઘોડાંને માનવીની ઘ્રાણ આવે છે. કેસર ઘોડી પોતાને ઝાલનાર ચાર લઠ્ઠ સિપાઈઓને ઘસડતી ઘસડતી લોક-અપ તરફ ખેંચાવા લાગી. થાણદાર સાહેબનું મકાન કચેરીને ડાબે છેડે હતું. જમણા છેડા પર તિજોરી તેમ જ લોક-અપ હતાં. કાચા કામના કે સજા પામેલા કેદીને રાંધવાનું એક છાપરું હતું. કચેરી બાજુની ખડકીનું કમાડ જરા જેટલું જ ઊઘડ્યું. બન્ને બારણાંની પાતળી ચિરાડમાંથી ગોરા ગોરા ઊંચા ભરાવદાર શરીરનો વચલો ભાગ, પગથી માથા સુધીના એક ચીરા જેવો દેખાયો. “શી ધમાલ છે?” એમણે પૂરા બહાર આવ્યા વિના જ પૂછ્યું. નાયકે કહ્યું: “સાહેબ, ખૂનના કેદીની ઘોડી તોફાન મચાવી રહી છે.” “શા માટે?” “એના ધણીને મળવા માટે.” “એવી મુલાકાત તે કાંઈ અપાતી હશે? આ તે શું બજાર છે? આ તો કહેવાય કેન્ટોનમેન્ટ.” એટલું કહીને સાહેબે બારણાં બીડ્યાં. પણ તેટલામાં તો થાણદાર સાહેબની ત્રણ નાની-મોટી દીકરીઓ બહાર નીકળી પડી હતી, ને પિનાકી પણ ગાર્ડ-રૂમના દરવાજા બહાર થોભીને કેદીનો દીદાર જોવા ડોકું તાણતો હતો. “આ જમાદાર સાહેબ આવ્યા.” નાયકે ત્રણેય પોલીસને ‘ટં...ચન’ ફરમાવ્યું. ‘ટંચન’ એટલે ‘એટિન્શન’; આજે આપણી વ્યાયામ-તાલીમમાં એને માટે વપરાતો આદેશ-બોલ છે ‘હોશ્યાર’. મહીપતરામના મોં પર ગામડાંના રસ્તાઓની પડસૂંદીના લોટ જેવી મુલાયમ બારીક ધૂળ છંટકોરાઈ ગઈ હતી. એણે પૂછ્યું: “શું છે?” નાયકે એમને વાકેફ કર્યા. કેદીની કેસર ઘોડી હજી જંપી નહોતી. એની અને એના ઝાલનારાઓ વચ્ચેનો ગજગ્રાહ ચાલુ હતો, ને ઝાડુ કાઢેલા કચરાના જુદાજુદા ઢગલાઓને સળગાવતા ભંગી જેવો શિયાળાનો સૂરજ આભનાં ભૂખરાં વાદળાંને આગ મૂકતો ઊંચે ચડતો હતો. “તે શું વાંધો છે?” જમાદારે કહ્યું: “ફિકર નહિ, લઈ જાવ ઘોડીને લોક-અપના સળિયા સુધી.” “પણ થાણદાર સાહેબે...” “હવે ઠીકઠીક: વેવલા થાઓ મા. નાયક, હું કહું છું ને કે લઈ જાવ.” “જેસા હુકમ!” નાયકે સલામ કરી. સિપાઈઓનો સારો બેડો ઉલ્લાસમાં આવી ગયો. ને ચૂપ ઊભેલા પિનાકીને ખબર પણ ન પડી, કે ક્યારે પોતે અંદર ચાલ્યો ગયો અને ક્યારે એનો હાથ થાણદાર સાહેબની વચેટ પુત્રી પુષ્પાના હાથમાં પરોવાઈ ગયો. સહુ છોકરાં ને સિપાઈઓ જોઈ રહ્યાં: ઘોડી ‘હં-હં-હં-હં-હં-હં, હં-હં-હં’ એવા હણહણાટો કાઢતી છેક પરસાળ પર ચડી. પરસાળના કાળા પથ્થરોની લાદી ઉપર એના પોલા ડાબલા વેરાગીના હાથમાં બજતા ડફ જેવા ગુંજ્યા, ને એના હોઠ કેદખાનાના કાળા સળિયા ઉપર રમવા લાગ્યા. કેદી પોતાનું મોં પાછલી બાજુ ફેરવી ગયો હતો. નાયકે કહ્યું: “લ્યો શેઠ, હવે તો મળો.” પુષ્પાને ખેંચતો પિનાકી આગળ વધ્યો. કેદીનું મોં આ તરફ ફર્યું, એટલે પિનાકીએ કેદીને ઓળખ્યો: દેવકીગામવાળા રૂખડભાઈ — જેને ઘેર બા જીવતી થઈ હતી. કેદીએ ઘોડીને બોલાવી: “બાપ! કેસર! મજામાં?” કેદીની આંખો તાજી લૂછેલી હતી, પણ ગાલ ઉપર ઓસનાં મોતિયાં ભૂલથી બાઝેલાં રહી ગયાં હતાં. એના હાથ કેસર ઘોડીની માણેક-લટ ઉપર કાંચકીની માફક ફર્યા. ઘોડીના કપાળ પર માણેકલટમાં એણે પાથી પાડી. ઘોડીના લલાટમાં લાંબું સફેદ ટીલું હતું. તેની ઝીણી રુંવાટીમાંથી કેદીએ એક નાની ઈંતડી ખેંચી કાઢી. “ક્યાંથી — રાજકોટથી આવી લાગે છે!” નાયકે પૂછ્યું. ભારે અવાજે કેદીએ કહ્યું: “હા, હું ત્યાં રજૂ થયો’તો.” કેદીએ ઘોડીને કહ્યું: “કેસર, બાપ, હવે તો તું ઘેર જઈશ ને? ડાહીડમરી થઈને રે’જે, પછાડી બાંધવા દેજે રોજ. ને જોજે હો, સીમમાં છોડે તોય કોઈ ટારડા ઘોડાને પડખેય ચડવા દેતી નહિ. ને-ને ખુશી-ખબર દેજે!” બધા જ બોલ કેદી ફક્ત ઘોડી સાંભળી શકે તેવી જ હળવાશથી બોલ્યો. એકઠા થયેલ સિપાઈઓ તદ્દન ચૂપ હતા. ત્યાં જાણે કે કોઈ પીર અથવા દેવ પ્રગટ થયા હતા. ઘોડીએ માથું નીચે નમાવી નાખ્યું. કેદીએ છેલ્લી વાર પંપાળીને કહ્યું: “જા બચ્ચા હવે! આને લઈ જાવ, ભાઈ!” બન્યું તેટલા બધાએ ઘોડીની રેશમી પૂંઠ પર હાથ ફેરવ્યા. માણસો વિખેરાયા. પુષ્પાના હાથમાં હાથ જોડી પિનાકી હજુ પણ ઊભો હતો. એ જેલની કોટડીના દરવાજા સુધી ગયો. એણે કેદીને બોલાવ્યો: “તમે દીપડો મારેલો તે જ ને?” કેદીએ કહ્યું: “ઓહો, ભાણાભાઈ, તમે તો ખૂબ ગજું કરી ગયા ને શું!” પુષ્પાએ પિનાકી તરફ ખાસ નિહાળીને નજર કરી. છ-આઠ મહિનાના ગાળામાં પિનાકી જબ્બર બની ગયો હતો, એ વાત પુષ્પાને સાચી લાગી. “હું તમારી ઘોડી પર ચડીને આવ્યો.” “સારું કર્યું, ભાણાભાઈ!” “મને બહુ ગમ્યું.” “હું બહાર હોત તો તમને ખૂબ સવારી કરાવત.” “હવે બહાર નીકળો ત્યારે—” “હવે નીકળવાનું નથી.” “કેમ?” “મને ફાંસી જડશે. મેં ખૂન કર્યું છે.” પિનાકીની યાદદાસ્ત ઊઘડતા પ્રભાત જેવી તાજી બની: “તમે તો પેલાને માર્યો હશે — તમને કાઠીના દીકરા કહ્યા’તા તેને.” “મને કાઠીનો દીકરો કહ્યો હોત તો તો બહુ વાંધો ન હતો. પણ એ ગાળ તો મારી વાણિયણ માને પડી. મા અત્યારે જીવતી પણ નથી. મરેલી માને ગાળ પડે તે તો શે ખમાય!” આ દલીલોમાં પિનાકીને કંઈ સમજ ન પડી. એને હજુ ભણકારા તો રૂખડ શેઠની ઘોડીના જ વાગી રહ્યા હતા. રૂખડ શેઠની ઘોડી પર પોતે સવાર થયો હતો, એ ગર્વ પોતે અલક્ષ્ય રીતે પુષ્પા પર છાંટતો હતો. “હું હવે તમારી ઘોડીને ખડ-પાણી નિરાવવા જાઉં છું. હું એને બાજરો પણ આપીશ, હો!” એમ કહી પિનાકી ચાલ્યો. “આવજો, ભાણાભાઈ!” “હેં, તમે ક્યારે આવ્યા, પિનાકીભાઈ?” પુષ્પાએ હવે નિરાંતે પૂછ્યું. “પછી કહીશ. પહેલાં ઘોડીને જોઈ આવું.” એમ કહી પિનાકી દોડ્યો ગયો. દરમિયાનમાં થાણદાર સાહેબની ઘર-કચેરીમાંથી ઉગ્ર બૂમો ઊઠતી હતી: “થાણાનો ઉપરી કોણ? એ કે હું? આ તો ઠીક છે, પણ કોક દી આમાંથી ખૂન થઈ જશે, ખૂન! તોહમતદારોને ફટવી મૂકે છે!” ને જમાદારની ઓફિસ ત્યાંથી બહુ દૂર નહોતી. આ બરાડા ત્યાં સાંગોપાંગ પહોંચતા હતા. એના જવાબમાં મહીપતરામ પોતાના માણસોને કહેતા હતા: “જોયું? મૅજિસ્ટ્રેટ ઊઠીને કહે છે કે ખૂન થઈ જાશે, ખૂન! છે અક્કલ! જો, માજિસ્ટરી ઉકાળે છે કોડો! જો, એમાં સરકારનાં માટલાં ઊંધાં વળી ગયાં!” — ને ઘરમાં પિનાકી મોટી બાથી છાનો-છાનો કેસર ઘોડીને માટે એક મોટી તાસકમાં બાજરાનો આખો ડબો ઠાલવતો હતો.