સોરઠ, તારાં વહેતાં પાણી/૯. શુકન
દીપડિયો વોંકળો થાણાની ભેખડને ઘસીને વહેતો હતો. પાણીનો પ્રવાહ સાંકડો ને છીછરો, છતાં કાંઠાની ઊંચાઈ કારમી હતી. તાજું જન્મેલું હરણું જો માને બે-પાંચ વાર ધાવ્યું હોય તો જાણે કે વોંકળો ટપી જવાના કોડથી થનગની ઊઠે.
પ્રભાતનાં તીરછાં કિરણો દીપડિયાના ઊંચા એક ધોધ ઉપર પડતાં ત્યારે ધોધના પછાડામાંથી લાખો જળ-કણોની ફરફર ઊઠીને પ્રભાત સામે ત્રણ થરાં મેઘધનુષ્યોની થાળી ધરતી.
થાણું નહોતું ત્યારે ત્યાં વાઘ-દીપડા રાતનું મારણ કરીને ધરાઈ ગયા પછી પરોઢિયે છેલ્લું પાણી પીવા ઊતરતા, તે ઉપરથી એ વોંકળાનું નામ દીપડિયો પડ્યું હતું.
રાતભર દીપડિયો જાણે રોયા કરતો. એનું રોવું ગીરના કોઈ ગાંડા થઈ ગયેલા રબારીના રોવા જેવું હતું.
સામે કાંઠે શિયાળોની દુત્તી ટોળી રોવાનો ડોળ કરી કોણ જાણે કેવીય જીવનમોજ માણતી; કેમકે હવાલદાર તથા ઘોડેસવાર-નાયકનાં કૂકડાંમાંથી હમેશનાં એક-બે ઊપડી જતાં. હડકાઈ થયેલી એક શિયાળે હમણાં હમણાં આખો વગડો ફફડાવી મૂક્યો હતો.
આઘેઆઘે ઘુનાળી નદી રોતી. રાતના કલાકે કલાકે સંધાતી પોલીસોની ત્રણ-ત્રણ આલબેલો ઝીલતાં કૂતરાં રોતાં.
આવી ‘ખાઉં-ખાઉં’ કરતી રાત, પિનાકીને એકને જ કદાચ, થાણાના સો-પોણોસો લોકોમાં, મીઠી લાગતી.
પ્રભાતે ઊઠીને પિનાકી ઓટલા ઉપર દાતણ કરવા બેઠો ત્યારે કચેરીના દરવાજા ઉપર પહોળું એક ગાડું જોતરેલ બળદે ઊભું હતું, ને વચ્ચોવચ રૂખડ વાણિયો પાણકોરાની ચોતારી પછેડી ઓઢીને બેઠો હતો. એના માથા પર કાળા રંગની પાઘડી હતી. ઘણા દિવસથી નહિ ધોવાયેલી પાઘડીના ઉપલા વળ ઉખેડી માંયલા ઊજળા પડની ઘડી બહાર આણી જણાતી હતી. પાઘ બાંધવાનો કસબ તો રૂખડનો એટલો બધો સાધેલો હતો કે માથાની ત્રણ બાજુએ એણે આંટીઓ પાડી હતી. ગરદન ઉપર વાળનાં ઓડિયાં જાણે દુશ્મનના ઝાટકા ઝીલવા માટે જૂથ બાંધીને બેઠાં હતાં.
“ક્યાં લઈ જશે?” પિનાકીએ પિતાને પૂછ્યું.
“રાજકોટ.”
રૂખડ શેઠ સહુ પહેરેગીરોને કહેતા હતા: “બોલ્યુંચાલ્યું માફ કરજો.”
પહેરેગીરોનાં મોંમાં ફક્ત આટલા જ બોલ હતા: “એક દિન સૌને ત્યાં મળવાનું જ છે, ભાઈ! કોઈ વે’લા, તો કોઈ બે વરસ મોડા.” પોલીસોની આંગળીઓ આકાશ તરફ નોંધાતી હતી.
ગાડામાં બેઠે બેઠે રૂખડ શેઠ આ તરફ ફર્યા ને મૂંગે મોંએ એણે મહીપતરામને બે હાથની સલામો ભરી; છેલ્લી સલામ પિનાકીને પણ કરી.
ભાણેજ અને મોટાબાપુ — બેઉના હાથમાં દાતણ થંભી ગયાં.
ત્રણ પોલીસની ટુકડીએ આવીને જમાદાર પાસે ‘હોલ્ટ’નાં કદમો પછાડ્યાં. નાયકે કહ્યું: “સા’બ! એક કેદી ને એક કાગળનો બીડો બરાબર મળ્યા છે.”
“બરાબર? ઠીક; રસ્તે ખબરદાર રહેજો. ને જુઓ: તોફાન કરે તેમ તો નથી ને?”
“ના રે ના, સાહેબ! એને શેનો ભો છે!”
“તો પછી ગામ વચ્ચે રસીબસી ન રાખશો.”
“મહેરબાની આપની. અમનેય એ બાબત મનમાં બહુ લાગતું’તું, સાહેબ.”
“જોઈએ તો ગામ બહાર બાંધજો, પણ પાછું વચ્ચે દેવકીગામ આવે છે ત્યાં છોડી લેજો.”
“સારું, સાહેબ!... ગાટ! સ્લોપ-હામ્સ! આબોટ ટર્ન! ક્વીક માર્ચ!” કરતો નાયક પોલીસ-પાર્ટીને કૂચ કરાવી ગાડા પાછળ ચલાવી ગયો. તે જ વખતે સંત્રીએ રેતીની કલાક-શીશી ખલાસ થતી જોઈ. ‘ગાટ’માં ઝૂલતી ઝાલર પર નવના ડંકા લગાવ્યા. ને તરત મહીપતરામના વૃદ્ધ પિતાએ નિશ્વાસ નાખ્યો: “અરે રામ!”
“કેમ, દાદા!” પિનાકીએ પૂછ્યું.
“નક્કી રૂખડ શેઠને લટકાવી દેશે. આ તો કાળડંકાનું શુકન.”
“ત્યાં રાજકોટમાં શું થશે?”
“કેસ ચલાવશે.”
“કોણ?”
“સેશન જડજ.”
“પણ એમાં આમનો શો વાંક? પેલા પટેલે તો આમની મરી ગયેલી માને ગાળ આપી હતી ને?”
“આ ભાણોય પણ, બાપુ, જડજ જ જનમ્યો દેખાય છે.” મહીપતરામે ટોળ કર્યું.
“હા, ભાઈ, ભાણો જડજ થાશે તે દી પછી કાયદાકલમોની જરૂર જ નહિ રહે!” દાદા હસ્યા.
બાપ-દીકરો ખૂબ હસ્યા. આ હાંસી પિનાકીને ન ગમી. એણે એક પણ વધુ પ્રશ્ન પૂછ્યા વિના ચૂપચાપ દાતણ કરી લીધું.
ગળામાંથી જાલિમ ઊબકા કરતેકરતે ઊલ ઉતારીને મહીપતરામે બે ચીરો ચોકમાં ફગાવી. બંને ચીરો ચોકડી આકારે એકબીજાની ઉપર પડી. એ જોઈને મહીપતરામે કહ્યું: “આજ કંઈક મિષ્ટાન્ન મળવાનું હોવું જોઈએ.”
“આજ હું કશું જ મિષ્ટાન્ન નથી ખાવાનો, બાપુજી!” પિનાકીએ દુભાયેલા સ્વરે કહ્યું.
“પણ તને કોણે કહ્યું? હું તો મારી વાત કરું છું.”
થોડી વાર થઈ ત્યાં જ બે ગાઉ નજીકના ગાયકવાડી ગામડેથી એક પીળી પાટલૂન અને કાળાં કોટ-ટોપીવાળા પોલીસ-સવારે આવી પોતાનો તાડ જેવો ઊંચો, પેટની પ્રત્યેક પાંસળી ગણી શકાય તેવો ઘોડો લાવીને ઊભો રાખ્યો. જમાદારને લિફાફો આપ્યો. કવર ફોડીને અંદરનો કાગળ વાંચી મહીપતરામ જમાદારે મોં મલકાવ્યું.
બાપે પૂછ્યું: “કાં? વળી કાંઈ દંગલ જાગ્યું કે શું?’
“હા, ચૂરમેશ્વરનું.”
“ક્યાં?”
“રુદ્રેશ્વર મહાદેવમાં.”
“કોણ?”
“ગાયકવાડી મોટા ફોજદાર અને ઈન્સ્પેક્ટર પેલા ભીમા વાળાની ડાકાઈટીની તપાસ માટે આવેલ છે, તે ગોઠ્ય ઊડવાની છે.”
“ઠીક, કરો ફતે! તમને તો દાતણની ચીર-માતા ફળી.”
ને એક કલાકમાં તો મહીપતરામ જમાદાર ઘોડે બેસી ઊપડી ગયા.
લાડુ અને ‘ડાકાઈટી’ વચ્ચે તે સમયમાં આટલું જ છેટું હતું.