સોરઠી ગીતકથાઓ/8.પીઠાત — વેજલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
8.પીઠાત — વેજલ

કામળિયા શાખના આહીરોનો જ્યાં વસવાટ છે, તે પ્રદેશને કામળિયાવાડ કહે છે. એ રસાળ કામળિયાવાડના ઊજળ નામે ગામડામાં ભોજો નામે બહાદુર કામળિયો આહીર રહે; અને જૂનાગઢ નજીકના સોરઠ પ્રદેશમાં માળિયા (હાટીના) નામે ગામમાં પીઠાત નામનો એક હાટી કોમનો જોરાવર નર રહે. ભોજો અને પીઠાત બંને ગરાસદાર: નામાંકિત: જાતે જુદા, છતાં વીરતાએ કરી એકબીજાના દિલોજાન ભાઈબંધો દૂર રહેતા, તેથી મળવાનો અવસર બહુ આવતો નહીં. એક દિવસે ભોજો ઘેરે નહીં, ને તેના ગામને પાદર થઈ પીઠાત હાટી મુસાફરીમાં નીકળ્યો છે. પીઠાતે ખબર પુછાવ્યા, પણ ભાઈબંધ ઘેર ન હોવાથી રોકાયા વગર ચાલી નીકળ્યો. ભોજા કામળિયાની સ્ત્રી વેજીએ આ સમાચાર સાંભળતાં જ પીઠાત હાટીની પાછળ ઘોડાં દોડાવ્યાં, કહાવ્યું કે ‘મારો આહીર ઘેર નથી, પણ ભરથારનો ભાઈબંધ રોટલા ખાધા વિના કેમ જઈ શકે?’ પાછો વાળીને પીઠાતને રાત રોક્યો. મીઠી મહેમાની કરી. વળતે દિવસ પીઠાત વિદાય થયો. ભોજો કામળિયો મુસાફરીથી ઘેર આવ્યો, ત્યારે વેજીએ પીઠાત આવ્યાની વાત કરી. ધણીની પાસે ધણીના ભાઈબંધનાં વખાણ પણ કર્યાં. રાત પડી. ભોજો અને વેજી સૂઈ ગયાં. વેજી તો ભરનિંદ્રામાં પડી, પણ ભોજાની ઊંઘ ઊડી ગઈ હતી. એને અંદેશો પડ્યો છે કેમ કે પોતાની રૂપાળી સ્ત્રીએ એક પરપુરુષનાં ગુણગાન કર્યાં છે. વળી એ પુરુષ પોતાની ગેરહાજરીમાં આવીને રહી ગયો છે. તે જ વખતે, એની બાજુમાં જ સૂતેલી વેજી ભરનિંદ્રામાં બોલી ઊઠી ‘વાહ પીઠાત! વાહ પીઠાત! વાહ પીઠાત!’ સાંભળીને ભોજો ઢોલિયા ઉપરથી નીચે ઊતરી ગયો. પગનો અંગૂઠો ખેંચીને એણે વેજીને જગાડી કહ્યું કે, “વેજી, એ ઢોલિયો ત્રણ જણાંનો ભાર ખમી શકશે નહીં.” વેજીએ મર્મવચન સમજી નહીં. પૂછ્યું, “ભોજા, ત્રીજું કોણ દીઠું?” ભોજો કહે કે “પીઠાત હાટી : સ્વપ્નામાંય તું જેને ઝંખી રહી છે તે ભાઈબંધ. હવે તો તું ત્યાં જ શોભીશ : માળિયાને ઓરડે.” વેજીના હૃદયમાં પીઠાતની વીરમૂર્તિ કેવે ભાવે વસી ગઈ હતી તે તો એ જ જાણે. પણ વેજીએ ભોજાને લળી લળી સમજાવ્યો કે “મારા પેટમાં પાપ નહોતું, પીઠાતને મેં વખાણ્યો છે, તે તો ચોખ્ખા ભાવથી.” પણ આ બધી સમજાવટથી ભોજાના મનની ચિરાડ ન પુરાઈ. એણે વેજીને ઘરમાં સંઘરવાની ના જ પાડી. કહ્યું કે “વેજી, હવે તો પીઠાતનું જ ઘર માંડો.” વેજીના મનનો કાળ ફૂંફાડી ઊઠ્યો. સાચેસાચ એણે ભોજા ઉપર વેર વાળવાનાં પગલાં ભર્યાં. જૂના જમાનાની રીત પ્રમાણે એણે પાણીની હેલ્ય ભરી, માથા પર ઉપાડી, પગપાળા ચાલવા માંડી. ચાલતી ચાલતી હાટીના માળિયા ગામે પહોંચી. પીઠાતની ડેલીએ જઈ ઊભી રહી. પીઠાતે દેખી, ઓળખી. અચરજ પામ્યો. પૂછ્યું, “તમે આંહીં ક્યાંથી?” વેજી કહે “પીઠાત, ભોજાએ તારી–મારી વચ્ચેના વહેમ પરથી મને જાકારો દીધો છે. મેં તને શૂરવીર માન્યો, શૂરવીર તરીકે તારા ઉપર મારો ભાવ ઊપજ્યો, એ મારું પાપ ઠર્યું છે, ભોજાએ મને એબ દીધી છે. મારે વેર લેવું છે. મારી હેલ્ય ઉતરાવી લે! નહીં તો હું આંહીં મારા પ્રાણ કાઢીશ.” હેલ્ય ઉતરાવવી એટલે એ હેલ્ય લઈ આવનાર સ્ત્રીને પોતાના ઘરમાં બેસાડવી. પીઠાત મૂંઝાયો : ના કહે તો પોતે બાયલો ઠરે છે અને સ્ત્રીહત્યા ચડે છે, પરણે તો મિત્રદ્રોહી બનાય છે અને વસમાં વૈર બંધાય છે. આ સ્ત્રીને સંઘરવામાં છેવટે વિનાશ જ છે, પણ મને મર્દને એ વિચાર શોભે નહીં. પીઠાતે હેલ્ય ઉતરાવી. વેજી અને પીઠાતનો ઘર-સંસાર ચાલ્યો. ભોજાને જાણ થઈ. એના દિલનો વહેમ પાકો થયો. પોતાનું ઘર ભાંગનાર ભાઈબંધ ઉપર વેર વાળવા માટે એ નીકળ્યો. ભેગો ફક્ત એક ભાણેજ જ હતો. અકેક તલવાર હતી. હાટીને માળિયે એક દિવસ સમી સાંજે છાનામાના પહોંચ્યા. ગામની બહાર એક શિવાલય છે. પીઠાતને રોજ સાંજે ત્યાં માળાના જપ કરવા આવવાનું વ્રત છે. ભોજો અને ભાણેજ ત્યાં રહીને પીઠાતને એકલો ભેટવાનો લાગ તપાસે છે. થોડે દિવસે લાગ ફાવ્યો. પીઠાતની મા મરી ગયેલી તેના કારજનો (ઉત્તરકાર્યનો) દિવસ છે. ઘેરે નાતીલા–જાતીલા પરોણાઓની ઠઠ જામી છે. કામકાજમાંથી પરવારતાં ઠીક ઠીક મોડું થઈ ગયું છે. હજુ પરોણાઓને વાળું કરાવવાની થોડીક વાર છે. પીઠાત શિવાલયનું દર્શન પતાવી લેવા માટે એકલો ને જરા અસૂરો નીકળ્યો પડ્યો. દર્શન કરીને પીઠાત પાછો વળે છે તે વખતે મામો અને ભાણેજ ઉઘાડી તલવારે આડા ફરી વળ્યા. અરસપરસ ઓળખાણ થવામાં તો એક ઘડીની જ વાર લાગી. “કોણ, ભોજો ભાઈ કે?” “હા, પીઠાત! એ જ.” “ભોજાભાઈ, આવી પહોંચ્યા ને? ફિકર નહીં. તમારો હક્ક છે. ખુશીથી પતાવો. હું તૈયાર છું.” “ના પીઠાત, એમ નહીં. હું કસાઈખાનું કરવા નથી આવ્યો. એમ હોત તો તો પડકાર્યા વિના છાનોમાનો જ તને વાઢી નાખ્યો હોત. પણ હું તો તને સામે પગલે મળવા આવ્યો છું. કાઢ તલવાર. પહેલો ઘા તારો.” “ના ભોજાભાઈ, પહેલો અપરાધીનો ન હોય. માટે તમે તમારે ટૂંકું કરો. પણ ભોજાભાઈ, એક માગણી કરું છું. ઘેરે માના કારજનું વાળું કર્યા વિના મહેમાનો મારી વાટ જોઈને ભૂખ્યા બેઠા રહેશે, તમે રજા આપો તો હું પાછો જઈ સૌને જમાડી, પોઢાડી, શાંતિથી પાછો આવું.” ભાણેજ અવિશ્વાસુ છે. ના પાડે છે. પણ ભોજો પીઠાતને ઓળખે છે. કોલ દઈને ગયેલો પીઠાત, મોતથી ડરીને પડ્યો રહે નહીં. ભલે જઈ આવે. નીકર મહેમાનોનાં વાળુ રઝળે, પીઠાતની માનું કારજ બગડે, જનેતાના જીવની અસદ્ગતિ થાય. “ભલે, પીઠાત, જઈ આવ. અમે વાટ જોશું.” પીઠાત ઘેર ગયો. ધીરજથી, ગુલતાનથી, જાણે કાંઈ જ બન્યું નથી તેવો તૉર રાખી તમામ વાત પતાવી દીધી. ફક્ત વેજીએ જ પીઠાતના મુખમંડળ ઉપર આફતની વાદળી પારખી હતી. સહુ જંપી ગયા પછી જ્યારે પીઠાત એકલો પાદર તરફ ચાલ્યો, ત્યારે પાછળ પાછળ વેજી પણ છેટી છેટી રહીને ચાલી નીકળી. વાટ જોઈ બેઠેલા મામા–ભાણેજે પીઠાતને દીઠો. ભોજાનું દિલ ફુલાયું : “જો ભાણેજ, મારો વિશ્વાસ સાચો પડ્યો. શૂરવીર કોલ પ્રમાણે આવે છે મરવા સાટુ.” ભાણેજ કહે : “ભૂલો છો મામા, નીરખીને જુઓ. એક નહીં બે જણા આવે છે. ભુજનો બળિયો હાટી એક બીજા જણની મદદથી આપણને જ રાત રાખશે. મામા! વિશ્વાસે વહાણ બૂડ્યાં.” ત્યાં તો પીઠાત લગોલગ આવી ગયો. ભોજાએ મેણું માર્યું, “પીઠાત, દગો કે? એકના બે બનીને આવ્યા કે?” પીઠાતે પણ ચોંકીને પછવાડે જોયું, એણે અંધારામાં બીજો આદમી દીઠો. આદમી નજીક થાતાં પરખાયો : એ તો વેજી! વેજી બોલી, “કામળિયા! તમે આવ્યાની તો મને જાણ નહોતી, પણ પીઠાત ઉપર કાંઈક આફત જાણીને હું આવી છું, હવે હું સમજી ગઈ છું. મને કાંઈ ઓરતો નથી. તમે ખુશીથી તમારી લેણદેણ ચુકાવો. પણ પીઠાત! તને મારીને પછી આ બે જણા પાળા કેટલેક પહોંચી શકશે? તું ખરો વીર હો, તો એને ભાગવા માટે બે ઘોડાં તો દેવાં જોઈએ ને!” આ રીતે ભોજાની, પીઠાતની ને વેજીની ખાનદાની દીપી ઊઠી. ભોજાનો કાળ નીતરી ગયો. સહુનાં મન નિર્મળ થયાં. વેજી ને પીઠાત ભોજાને ગામમાં લઈ ગયાં. મહેમાન કરી ઝાઝા દિવસ રોક્યો. ત્યારથી બેઉ જણા પાકા ભાઈબંધ થઈ પડ્યા. વેજી તો પીઠાતને જ રહી. ભોજાને અંતરે હવે એ વાતનું ઝેર છાંટો પણ નથી રહ્યું. એક દિવસ પીઠો અને ભોજો પોતપોતાનાં કુટુંબોને લઈ એક સાથે દ્વારિકાની જાત્રાએ નીકળ્યાં છે. રસ્તામાં એક વાર પીઠાતની ઘોડી પરસેવે ભીંજાઈ ગઈ છે. પાસે ભોજો ઊભો છે. પીઠાત ઉપર ભોજાને એટલી બધી માયા ઊપજેલ છે, કે પોતે પોતાની ભેટ પર બાંધેલી પછેડીના છેડા વડે પીઠાતની ઘોડીનો પરસેવો લૂછવા લાગ્યો. વેલડીના પડદામાંથી જોઈ રહેલી વેજીએ આ દેખાવ દેખીને પોતાના વેરની તૃપ્તિ અનુભવી. પીઠાતની વીરતાના તાપથી ભોજા જેવા ભડવીરો પણ કેવા રાંક બની ગયા છે! — એવું એને લાગ્યું. એનાથી ન રહેવાયું, એણે મેણું માર્યું કે —

કરમ તાહરાં કોય, પીઠિયા! પા’ણ ફાટે. [ઓ પીઠાત! કેવાં મહાન પરાક્રમ છે તારાં, કે પથ્થરો પણ ફાટી જાય છે.]

ભોજાના દિલમાં આ વચનનું તીર ભોંકાઈ ગયું. એણે પીઠાતને કહ્યું “પીઠાત, ભોજો પીઠાતની ઘોડીનો પરસેવો પોતાને લૂગડે લૂછે, એ પીઠાતના ડરથી ખરું ને?” પીઠાત કહે, “ના, ના, ભોજાભાઈ, સ્ત્રીના બોલ સામે જોશો મા. તમે મારી આંખ માથા ઉપર છો. વેજીની મતિ ઓછી, કે આવું બોલી.” “ના પીઠાત, હવે તો નથી સહેવાતું. ઊઠ, હવે તો તલવાર લે.” બંને જણાં વેદના ભરેલે હૈયે ત્યાં દ્વંદ્વ-યુદ્ધ લડીને માર્યા ગયા. 

1. જૂના પીઠાતનું સ્મરણ ઓ પળ ફરી આવે નહિ, રૂડી જલમરી રાત, હવે મરને હાટીઓ! પાડો નામ પીઠાત. [1] [હાટી કોમમાં કોઈ નવા અવતરેલા બાળકનું નામ ‘પીઠાત’ એવું પાડવામાં આવ્યું, ત્યારે ચારણ મર્મ કરીને કહે છે કે ‘ઓ હાટીઓ! ભલેને તમે તમારા બાળકોનું પીઠાત એવું નવેસર નામ પાડો, પણ એ પુરાતન શૂરવીર પીઠાત હાટીની પ્રતાપી જન્મ-રાત્રિ, અને એ પુરુષના જન્મની સુંદર પળ કંઈ હવે પાછી નથી આવવાની. નામ ફરીને પાડશો, પણ ગુણકર્મ ક્યાંથી લાવશો?’]

2. પીઠાતને વેજીનું રોકવું હાટી ચાલ્યો જાય, પાદર અમારે પીઠિયો, પીઠો અમણો પ્રાણ, સગો નાડ્યું સાસની. [2] [વેજી પોતાનાં માણસોને કહે છે કે આજ મારા ગામના પાદરમાંથી પીઠાત હાટી જેવો મહેમાન મહેમાની વિના ચાલ્યો જાય છે. પીઠાત તો અમારા પ્રાણતુલ્ય છે, અમારા શરીરની નાડી સમાન સંબંધી છે. માટે એને રોકો.]

3. હેલ્ય લઈને વેજીનું પીઠાત-ઘેર જવું

ઉજળમાંથી આવતી, વાટે ન કરી વેલ્ય, હાટી ઉતાર હેલ્ય, (નીકર) પગથી નીસર, પીઠિયા! [3] [હે પીઠાત! હું છેક ઊજળ ગામથી પગપાળી ચાલી આવું છું, મેં રસ્તામાં કશું વાહન નહોતું રાખ્યું. આટલી વેદના વેઠીને આવું છું, કેમ કે તારી સ્ત્રી બનવું છે. માટે હે હાટી! કાં તો મારું બેડું ઉતરાવીને મને સ્વીકારી લે, નહીં તો તું ભીરુ, નામર્દ છે એવું કબૂલ કરીને મારા પગ નીચેથી નીકળી જા!]

ગર બાધી ગોતી કરી, (મેં) સીંધી સીસોદરા! તોંથી ત્રોવર ઓરા, પરા ન ભાળ્યા, પીઠિયા! [4] [હે સિસોદિયા ક્ષત્રિય! હું આખી ગિરમાં શોધી વળી, પણ તારાથી વધુ નજીક બીજું એક પણ તરુવર-છાયાનું સ્થાન મેં દીઠું નહીં.]

કામળિયા હાટી કહાં, તવીએં બેને તડાં, મસાણથી મડાં, પાછાં નો જાય, પીઠિયા! [5] [હે પીઠાત! હું તો કામળિયાને અને હાટીને, બંનેને સરખાં જ મર્દ ને ખાનદાન કુળ સમજું છું. એટલે ભોજાની સ્ત્રી મટી તારી થવામાં મને હીણપ નથી. ને હવે શું હું તારી સમજાવી પાછી વળીશ? ના ના, મસાણમાં આવેલાં મુડદાં પાછાં ન જાય, તેમ તારો સંકલ્પ કરીને આવેલી વેજલ પણ તને તજીને પાછી નહીં જાય.]

કાંકરિયાળા કોટ, પીઠા! તેં કૈંક પાલટ્યા, ગડગડિયાળા ગઢ, વસમા છે વેજી તણા. [6] [ને હે પીઠાત! મને સંઘરવામાં તારા ઉપર મહાન શત્રુ ઊભો થાય છે તે પણ સમજી લેજે. તેં શૂરવીરે અત્યાર સુધી કેટલાયે શત્રુઓને ઉથલાવ્યા, પણ તે બધા તો નાની કાંકરીઓના ચણેલા કોટ જેવાં, જ્યારે આ ભોજો કામળિયો તો મોટા ગડગડિયા પથ્થરોના કિલ્લા જેવો ભયંકર છે!] 4. શિવાલયમાં શત્રુઓ ઘેરી વળે છે ત્યારે

મરણ મેવાડા! પીઠિયા પાની ખૂંદતું, (એની) લાંપે લાખાણા! મરવું મોરીક–ધણી! [7] [વેજલ કહે છે : હે પીઠાત! મૃત્યુ તો દરેક માનવીનાં પગલાં પાછળ ચાલ્યું જ આવે છે. એટલે કે મોરીસક ગામના ધણી! એની છલંગે મરવું તો નિર્માયું જ છે.]

5. દ્વારકાને રસ્તે વેજલનો મર્મ-પ્રહાર

વાઢે દળ વેરી તણાં, જાતાં ને વળતાં જોય, કરમ તાહળાં કોય, પાણા ફાટે, પીઠિયા! [8] [હે પીઠાત! તું તો વેરીઓના સૈન્યને વાઢનાર બહાદુર છે. તારાં પરાક્રમ એવાં છે કે એના તાપથી પથ્થરો પણ ચીરાઈ જાય છે. વ્યંગ્યાર્થ એ છે કે ભોજા કામળિયા સરીખો કાળમીંઢ નર પણ તારી ઘોડીનો પરસેવો લૂછવા પોતાની પછેડી વાપરી રહ્યા છે.]

6. અંતનું દ્વંદ્વયુદ્ધ

તેં અચંબો ઉઠાડિયો, કામળિયા! કટકે, ઘી નામીયું ઘડે, ભડકા માઝું ભોજલા! [9] [હે કામળિયા! તેં તો અજાયબી કરી. વૈર રૂપી ભડકો વેજલે સળગાવ્યો હતો, તેમાં તેં તારા શૌર્યનું ઘી ઘડા ભરી ભરીને ઠલવી દીધું.]