સોરઠી બહારવટિયા ભાગ-2/ઐતિહાસિક કથાગીત : બૅલડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઐતિહાસિક કથાગીત : બૅલડ

આ ગીત રચનાર ચારણ કોણ, તે નથી જાણી શકાયું. ભાવનગર રાજના આશ્રિત હશે એમ લાગે છે. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશીભાઈના જૂના ચોપડામાંથી એમના સૌજન્યથી આ પ્રાપ્ત થયું છે. પડ ચડિયો જે દી જોગડો પીઠો,

આકડિયા પાગે અરડીંગ;

જરદ કસી મરદે અંગ જડિયા,

સમવડિયા અડિયા તરસીંગ.[1]

[જોગીદાસ ને પીઠો ખુમાણ યુદ્ધમાં ચઢ્યા. શૂરવીરો ખડ્ગ લઈ આફળ્યા. મરદોએ અંગ પર બખ્તર કસ્યાં. બરોબરિયા સિંહોએ જાણે જંગ માંડ્યો. (સિંહોને ‘તરસીંગ’ ત્રણ શીંગડાંવાળા કહેવામાં આવે છે). જુધ કરવા કારણ રણ ઝૂટા,

સાંકળ તોડ્ય બછુટા સિંહ,

માંડે ખેધ બેધ ખુમાણો,

લોહ તણો સર જાણે લીંહ.[2]

[યુદ્ધના કારણે બહારવટિયા રણમાં ધસ્યા. જાણે સિંહ સાંકળ તોડીને વછૂટ્યા. ખુમાણોએ મરણિયા થઈ વેર માંડ્યું. જાણે એ તો લોઢા ઉપર આંકેલી લીંટી! ભૂંસાય જ નહિ.] કસંપે ખોયા મલક કાઠીએ,

કરિયો ઘરમાં કટંબ-કળો,

સાવર ને કુંડલપર સારુ,

વધતે વધતે વધ્યો વળો.[3]

[પરંતુ કાઠીઓએ કુસંપને કારણે મુલક ખોયો. ઘરની અંદર જ કુટુંબકલહ કર્યો. સાવર ને કુંડલા માટે વેર વધવા જ લાગ્યાં.] મત્ય મૂંઝાણી દશા માઠીએ,

કાંઠી બધા ચડ્યા કડે,

ચેલો ભાણ આવિયા ચાલી,

જોગો આવધ અંગ જડે. [4]

[પણ માઠી દશાને લીધે તેઓની મતિ મૂંઝાણી. કાઠીઓ બધા હઠે ચડ્યા. જસદણનો ચેલો ખાચર અને ભડલીનો ભાણ ખાચર આવ્યા. તે વખતે જોગીદાસ અંગ પર આયુધ કસતો હતો.] વેળા સમો ન શકિયા વરતી,

ફરતી ફોજ જેતપુર ફરંગાણ,

ભાયું થિયા જેતપુર ભેળા,

ખાચર ને વાળા ખુમાણ. [5]

[કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોમેર અંગ્રેજોની ફોજ ફરતી હતી. છતાં બધા ભાઈઓ જેતપુરમાં ભેળા થયા. ખાચર, ખુમાણ ને વાળા ત્રણેય.] વહરા તસર સિંધુ વાજિયા,

સજિયા રણ વઢવા ભડ સોડ,

પાવરધણી બધા પરિયાણે,

મૂળુને સર બાંધો મોડ. [6]

[ઘોર સિંધુડાના રાગ વાગ્યા, સુભટો રણમાં વઢવા માટે સજ્જ થયા. પાવરના સ્વામીઓ (એટલે કે પાવર પ્રદેશમાંથી આવેલા કાઠીઓ) બધાએ પ્રયાણ કર્યું કે કાકા મૂળુ વાળાના શિર પર સરદારીની પાઘ બંધાવીએ.] મૂળુ સાચો અખિયો માણે,

જાણે કોય ન ખાવે ઝેર,

ફરતો ફરે મેરગર ફરવો,

વજમલસું આદરવો વેર. [7]

[મૂળુ વાળાએ સાચી સલાહ આપી કે ભાઈ, મેરુની પ્રદક્ષિણા કરવી જેટલી મુશ્કેલ છે, તેટલું જ વિકટ વજેસંગ સાથે વેર આદરવાનું છે.] હેક વચન સાંભળ તણ-હાદા!

નર માદા થઈ દીઓ નમી,

પડખા માંય કુંપની પેઠી,

જાવા બેઠી હવે જમીં. [8]

[હે હાદાના તનય! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમ કે હવે ભાવનગરના પડખામાં અંગ્રેજોની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.] બરબે હાદા-સતણ બોલિયો,

કાકા, ભીંતર રાખ કરાર,

જોગો કહે કરું ધર જાતી,

(તો) વંશ વાળા લાજે અણવાર. [9]

[હાદા-સુતન જોગીદાસ ઉશ્કેરાઈને બોલ્યો કે હે કાકા, તું હૃદયમાં ખાતરી રાખજે. હું જોગીદાસ જો ધરતી જવા દઉં તો તો અત્યારે આપણો અસલ વાળા ક્ષત્રિયોનો વંશ લાજે.] મૂળુ કને આવિયા માણા,

કો’ મુંઝાણા કરવું કેમ,

વાળો કહે મલકને વળગો,

જેસા વેજા વળગ્યા જેમ. [10]

[જેતપુર મૂળુ વાળાની પાસે માણા (કાઠીઓ) આવ્યા. પૂછ્યું કે કહો, હવે શું કરીએ? વાળાએ કહ્યું કે જેસા-વેજા જેમ બહારવટે નીકળી દેશને ધબેડતા તેમ તમે પણ ધબેડો.] મરદાં સજો થાવ હવ્ય માટી!

આંટી પડી નકે ઉગાર,

અધિપતિઓના મલક ઉજાડો,

ધાડાં કરીને લૂંટો ધરાર. [11]

[હે મરદો, હો બહાદુર થઈને સાજ સજો. હવે એવી આંટી પડી છે કે ઉગાર નથી; હવે તો રાજાઓના મુલકને ઉજ્જડ કરો. ધાડ પાડીને ધરાર લૂંટો.] એ કથ સુણી ભરિયા ઉચાળા,

ગરના ગાળામાંય ગિયા,

વાંસેથી ખાચર ને વાળા,

રાળા ટાળા કરી રિયા. [12]

[જેતપુર મૂળુ વાળાનું આવું કથન સાંભળીને ખુમાણોએ ઉચાળા ભર્યા. ભરીને ગીરની ખીણોમાં ગયા. પણ પાછળથી ખાચરો અને વાળાઓ ખટપટ કરવા લાગ્યા.] પરથમ એ ખૂટામણ પેઠું,

બેઠું સહુ ગ્રહી ઘરબાર,

જોગો કરે ખત્રવટ જાતી,

(તો) ભૂવણ શેષ ન ઝીલે ભાર. [13]

[પ્રથમ જ ખુટામણ પેઠું. બધા પોતાનાં ઘરબાર ઝાલીને બેસી ગયા. ફક્ત એક જોગીદાસે કહ્યું કે જો હું ક્ષત્રીવટ જાતી કરું, તો તો શેષનાગ પૃથ્વીનો ભાર ન ઝીલે.] જૂસણ કસીઆ જોધ જુવાણે,

ખૂમાણે સજિયા ખંધાર,

પૃથ્વી કીધી ધડે પાગડે,

બાધે દેશ પડે બુંબાડ. [14]

[જુવાન જોદ્ધાઓએ બખ્તરો કસ્યાં. ખુમાણોએ અશ્વો સજ્યા. પૃથ્વીમાં નાસભાગ કરાવી મૂકી. આખા મુલકમાં બૂમ પડી.] દીવ અને રાજુલા ડરપે,

શેષ ન ધરપે હેઠે રાસ,

આવી રહે અચાનક ઊભો,

દી ઊગે ત્યાં જોગીદાસ. [15]

[દીવ અને રાજુલા શહેરો ડરે છે. શેષનાગ જાણે કે નીચો શ્વાસ નથી મેલી શકતો. દિવસ ઊગે છે ત્યાં ઓચિંતા આવીને જોગીદાસ ઊભો રહે છે.] આઠે પહોર ઉદ્રકે ઊના,

ઘર જૂના સુધી ઘમસાણ,

પાટણરી દશ ધાહ પડાવે,

ખાગાં બળ ખાવે ખુમાણ. [16]

[ઊના શહેર આઠે પહોર ઉચાટમાં રહે છે. જૂનાગઢ સુધી ઘમસાણ બોલ છે. પાટણની દિશામાં પણ બહારવટિયા પોકાર પડાવે છે. તરવારના જોરે ખુમાણો ખાય પીએ છે.] એ ફરિયાદ વજા કન આવી,

અછબી ફોજ મગાવી એક,

લૂંટી નેસ નીંગરુ લીધા,

ત્રણ પરજાંરી છૂટી ટેક. [17]

[આવી ફરિયાદ વજેસંગની પાસે આવી. એણે એક મોટી ફોજ મગાવી. કાઠીઓનાં નેસડાં ઉચાળા લૂંટી લીધા. કાઠીઓની ત્રણેય શાખાઓની ટેક છૂટી ગઈ.] ભૂખ્યા ગિરે ડુંગરે ભમિયા,

સોહડ જોખમિયા ભાઈયાં શાથ.

ગેલો હાદલ ચાંપો. ગમિયા,

નમિયા નહિ ખુમાણા નાથ. [18]

[બહારવટિયા ભૂખ્યા ભૂખ્યા ગીરનાં ડુંગરામાં ભમ્યા. બહુ જોખમો ખમ્યાં. ગેલો ખુમાણ, હાદો ખુમાણ ચાપો ખુમાણ વગેરેના જાન ગુમાવ્યાં છતાં પણ ખુમાણોનો નાથ જોગીદાસ ન નમ્યો.] ઠેરોઠેર ભેજીઆં થાણાં,

કાઠી ગળે ઝલાણા કોય,

જસદણ અને જેતપર જબદી,

ડરિયા મૂળુ ચેલો દોય. [19]

[વજેસંગે ઠેર ઠેર થાણાં મોકલ્યાં. કાઠીઓની ગરદન ઝલાઈ ગઈ. જેતપુર અને જસદણ પર પણ જપ્તી આવી એટલે મૂળુ વાળો અને ચેલો ખાચર બન્ને ડરી ગયા.] મૂળુ ચેલો બેય મળીને,

અરજ કરી અંગ્રેજ અગાં,

વજો લે આવ્યો સેન વલાતી,

જાતી કણ વધ રહે જગ્યા. [20]

[મૂળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસંગ ઠાકોરે વિલાયતી સેના, એટલે કે આરબોની સેના, ઉતારી. તો હવે અમારો ગરાસ શી રીતે રહેશે?] અંગરેજે દીયો એમ ઉત્તર,

સૂતર ચાલો છોડ સ્વભાવ,

આશા કરો જો ગરાસ ઉગરે,

(તો) જોગીદાસ લે આવો જાવ. [21]

[અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લૂંટારુ સ્વભાવ છોડીને સીધા ચાલો. ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ, જોગીદાસને લઈ આવો!] જોગા કને ગિયા કર જોડી,

ચેલો મૂળુ એમ ચવે,

ચરણે નમો વજાને ચાલો,

(નીકર) હાલો પાવર દેશ હવે. [22]

[ચેલો ને મૂળુ જોગીદાસ પાસે જઈ, હાથ જોડી કહે છે કે કાં તો તમે વજેસંગને ચરણે નમો. નીકર ચાલો પાછા આપણા પૂર્વજોના વતન પાવર દેશમાં. કેમ કે આંહીં આપણને રહેવા નહિ આપે.] જોગીદાસે મનમાં જાણ્યું,

તાણ્યું વેર ન આવે તાલ,

આવ્યો શરણે વજો ઉગારે,

મારે તોય ધણી વજમાલ. [23]

[જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી. વજેસંગજીને શરણે જ જઈએ, ઉગારશે ને કદાચ મારશે તો પણ માલિક છે.] ખાળા ચાળા મેલ્ય ખુમાણે,

વાળાનો લીધો વિશવાસ,

કૂડે દગો કાઠીએ કીધો,

દોરી દીધો જોગીદાસ. [24]

[ખુમાણોએ તોફાન મૂકીને વાળા (મૂળુ)નો વિશ્વાસ કર્યો. કાઠીએ (મૂળુએ ને ચેલાએ) જૂઠું બોલીને દગો દીધો. જોગીદાસને દોરી જઈ શત્રુના હાથમાં સોંપી દીધો.] જોગો ભાણ કહે કર જોડી,

કરડી દેખી પરજ કજા,

ગજરી વાર કરી ગોવિંદે,

વાર અમારી કર્યે વજા. [25]

[ભાણ જોગીદાસે હાથ જોડીને કહ્યું કે, હે વજેસંગજી! અમારી પરજની (જ્ઞાતિની) કુટિલતા અમે જોઈ લીધી. હવે તો ગજની વહાર જેમ ગોવિંદે કરી હતી, તેમ તું અમારી વહાર કર.] મોટા થકી કદી ન મરીએ,

અવગણ મત કરીએ અતપાત,

માવતર કેમ છોરવાં મારે,

છોરુ થાય કછોરુ છાત. [26]

[હે મહારાજા! ભલે અમે અવગુણો કર્યા છે, છતાં મોટા દિલના પુરુષને હાથે અમને મરવાની બીક નથી. છોરુ કછોરુ થાય પણ માવતર છોરુને કેમ મારે?] અવગણ તજી લિયા ગુણ અધપત,

મહેપત બાધા એમ મણે,

જોગીદાસ વલ્યાતે જાતો,

તે દી રાખ્યો વખત તણે. [27]

[અધિપતિએ — રાજાએ — અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે, જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહજીના પુત્ર વજેસંગ જ હતા.] પીડ ખુમાણાં તણી પિછાણી,

ધણીઅત જાણી વડા ધણી,

મારૂ રાવ! વજો મહારાજ!

તું માજા હિન્દવાણ તણી. [28]

[તેં ખુમાણોની પીડા પિછાની; અને હે સમર્થ માલિક! તેં તારો સ્વામી ધર્મ સમજી લીધો. હે મારુ (મારવાડથી આવેલા સેજકજીના વંશજ) રાવ! હે વજેસંગ મહારાજ! તું હિન્દુઓની શોભારૂપ છે.]