સોરઠી બહારવટિયા ભાગ-2/ટીલાવડ નીચે
સને 1858નો જાન્યુઆરી મહિનો છે. વહેતાં વહેણ પણ થંભી જાય એવી ટાઢ સુસવાટા મારે છે. અધરાત ભાંગી નથી પણ સોપો પડી ગયો છે. વગડામાં કોઈ વિલાપ કરતું હોય એવા સૂર કાઢતો પવન બોરડીઓ અને આંબલીઓનાં પાંદડાંને ખખડાવી, પછાડી, માવછોયાં બાળકો જેવાં બનાવી ઉપાડી જાય છે અને એ બધુંય, ઓખામંડળનાં રાભડિયાં, કદાવર કૂતરાં ટૂંટિયા વાળીને પડ્યાં પડ્યાં સાંભળે છે, પણ ભસવાનું જોર બતાવી શકતાં નથી. ગામની તદ્દન નજીક ધુતારાં શિયાળવાં લુચ્ચાઈની લાળી કરી વગડો ગજાવે છે. તેવે ટાણે ઓખામંડળના ધ્રાશણવેલ ગામના પાદરમાં ટીલાવડ નામે ઓળખાતા ચામુંડાના વડલા નીચે અંધારામાં પાંચ-છ મોટી સગડીઓ સળગી રહી છે. એ સગડીને વીંટી પચીસ જણા, પાંચેક હોકા પંગતમાં ફેરવતાં ફેરવતાં, ઊભા ગોઠણ સાથે કસકસીને પછેડીની પલોંઠી ભીડી સજ્જ હથિયારે બેઠા છે. મોંએ બોકાનાં ભીડ્યાં છે. પચીસેયનો પોશાક જાડેજા રજપૂતો પહેરે છે તેવી જ ઢબનો છે પણ પહેરવેશમાંથી રાજવટને શોભે તેવી રિદ્ધિસિદ્ધિ ઊડી ગઈ દેખાય છે. પાઘડીઓમાં પડેલા લીરા ગડીની અંદર સંતાડી દીધેલા છે. અને સુરવાળોનાં થીંગડાં પલોંઠી ભીડેલ પછેડી હેઠે દબાવેલાં છે. ઓખામંડળના રાજાઓની એ અધરાતે એવી હાલત હતી. “સહુ આવી ગયા?” એમાંથી મોટેરા દેખાતા એક વાઘેરે ચારેય બાજુ પોતાની ચિત્તા સરખી ચકચકતી આંખ ફેરવી. “હા, રવા માણેક, આવવાના હતા એ સંધા આવી ગયા,” બીજાએ જવાબ દીધો. “સાંઢિયો સંધેય ગામે ફેરવ્યો’તો ને?” “તમામ ગામે. નેસડુંયે બાકી નહિ.” “અમરાપરથી કોણ કોણ હાજર છે?” “હું જોધોભા, બાપુભા અને મૂરુભા : ત્રણ જણા.” ગરવા અને ઓછાબોલા છતાં મીઠાબોલા મુખી જોધા માણેકે જવાબ વાળ્યો. “બસ? માપાણી ટોળામાંથી ત્રણ જ જણ? ઠીક, શુમણિયામાંથી?” “હું ખીમો, ઘડેચીવાળો.” “ભલા. જોધાણી કોઈ?” “હું ભીમો, મેવાસેથી.” “ઠાવકી વાત. કુંભાણી કોણ છે?” “હું હભુ, મકનપરથી.” “બીજા કોણ કોણ માડુ છે?” “કરસન જસાણી ને ધુનો જસાણી મુળવાપરથી : દેવા છબાણી ને રાયદે ભીમાણી શામળાસરથી : ધંધો અને સાજો પીંડારિયા; અને વશીવાળામાંથી તું રવો, પાળો, રણમલ અને દેવો, એટલું થારાણી ખોરડું.” મોં મલકાવીને રવો બોલ્યો, “ત્યારે તો અમારા માડુ સંધાયથી વધુ. એમ છે, જોધા! માથાં વાઢી દેવાં ઈ છોકરાંની રમતું નથી. વશીવાળાને ઓખો જાય તેની ઊંડી દાઝ છે, ભા!” “સાચું કહ્યું, રવા માણેક!” જોધા માણેકે આ વશીવાળા ચારેય જણાના ચહેરાની ખુન્નસભરી કરડાકી અને દોંગાઈની રેખા પારખીને ટૂંકો જવાબ વાળ્યો. “ત્યારે હવે લાવો દારૂ.” “હાજર છે, ભા!” કહીને ધ્રાશણવેલના વાઢેલ ગરાસિયા દાદાભાઈ ને રામભાઈ ઊઠ્યા. સહુને થાળી પીરસાણી. “ભારી દાખડો કર્યો, દાદાભા!” બે હાથ જોડીને પોતાના વાઘેર ભાઈઓની સામે દાદોભા વાઢેલ ઊભો રહ્યો. “આપ તો ઘણ જોગ, પણ અસાંજી સંપત એતરી, ભા” [આપ તો ઘણા મોટા આદરમાનને યોગ્ય છો, પણ અમારી સંપત્તિ જ આટલી થોડી છે!] સગડીએ પોતાના હાથપગ શેકતા સહુ વાળી કરીને બેઠા. એટલે વશીવાળા રવા માણેકે પોતાના બઠિયા કાનની બૂટ ખજવાળતાં વાત ઉચ્ચારી : “ત્યારે હવે શું ધાર્યું છે સંધાએ?” “હવે તો ગળોગળ આવી ગયા છીએ.” જોધાણી કુંભાણીએ વાતને વેગ આપ્યો. “ઓખામંડળના ધણી હતા તે તો મિટાવી દીધા. પણ રાબ-રોટલો ખાવા જેટલી જિવાઈ બાંધી આપી છે તે પણ વહીવટદાર છો મહિનાથી ચૂકવતો નથી.” “હાથે કરીને પગે કુવાડો આપણે જ માર્યો છે ને?” “કોણ છે ઈ માડુ! જોધો માણેક ને? જોધાએ કાયમ આપણી જ કસૂર કાઢી છે.” “હું જૂઠ નથી બોલતો, ભા! આપણે રાજા મટી ચોર ઠર્યા તે આપણે જ લખણે. પોણોસો વરસથી સંભારતા આવો : આપણે કેવાં કામાં કર્યાં! નગર, પોરબંદર ને ગોંડળ જ એવાં રજવાડાંમાં લૂંટ આદરી : એટલે માર ખાધો, ને ફક્ત પાંચ ગઢ ને સત્તાવીસ ગામડાં રિયાં.” “હા, પછી શું, જોધા ભા?” રવો દાઢવા લાગ્યો. “પછી શું? પચાસ વરસ ઉપર આપડે જ વડવે ભેળા થઈ રાણી સરકારના વેપારનું વહાણ લૂંટ્યું અને એમાંથી ગોરાને ને એક બાપડી મઢમને દરિયામાં ફેંક્યાં. ફેંક્યાં તો ફેંક્યાં પણ એ લૂંટ ને એ ખૂનના વળતર રૂપિયા સવાલાખ ચૂકવવાનું કબૂલીને પછી ખૂટલાઈ કરી ન ચૂકવ્યા. ત્યારથી વાઘેર ઇજ્જત ગુમાવીને ચાંચિયા ઠર્યા. દરિયામાં લૂંટવા સિવાય આપણા વડવાઓએ કર્યું શું? ઓખાના બારામાં ટોપીવાળાનાં વહાણ પેસી ગયાં તો આપણા જ પાપે.” “રંગ છે વાઘેરાના પેટને! બલોયાં પહેરો બલોયાં, જોધા ભા! “હવે તો ક્યારનાંયે બલોયાં કાંડામાં પડી ગયાં, રવા ભા!” તું ને હું જીવીએ છીએ, ને ઓખો ખાલસા થઈ ગયો. આપણે ધણી હતા તે જિવાઈદાર થયા. આપણે માથે લશ્કરનાં બટાલિયન બેઠાં, ઠેર ઠેર થાણાં થપાણાં. કપ્તાનો, રેસિડેન્ટો ને પોલિટિકલોનું તો કીડિયારું ઊભરાણું! અને આ ગાયકવાડીનો જુલમ તો હવે જોયો જાતો નથી.” “ગઈ ગુજરી જવા દ્યો, જોધા ભા! અને હવે કહો, આપણે કરવું શું?” જોધા માણેકના આજ્ઞાવશ વાઘેરોએ અગ્નિ ઉપર રાખ વાળી. “આપણે કરીએ છીએ તેના ઉપર આ વશીવાળા ભાઈઓ ધૂળ વાળી દે છે એનું શું કરવું?” જોધાએ કહ્યું. “શું ધૂળ વાળી?” રવો ડોળો ફાડીને બોલ્યો. “તમે વગર કારણે આરંભડું ભાંગ્યું. તોરમાં બેટનો કિલ્લો કબજે લીધો, એમ સાત ગામડીના ગરાસિયાએ ઊઠીને સમંદરના પાણી જેવી સરકારની સત્તા સામે ઉતાવળી બાથ ભરી. એમાં સરકારની ધૂંવાધાર તોપું આવીને આપણા બારામાં ડાચાં ફાડી ઊભી છે. અને જાત્રાળુઓ રણછોડરાયજીનાં દર્શને ન આવી શકે, તે પાતક કાંઈ ઓછું!” “અને જોધા! તું ડાહ્યો ડમરો, તું વળી સરકારની સાથે નેકી જાળવીને શી કમાણી કાઢી આવ્યો? કપિલા છઠ્ઠની જાત્રામાં અમે તો જાત્રાળુ પાસેથી કરોડુંનો માલ કબજે કરત. પણ તું સરકારનો હેતનો કટકો થાવા ગિયો. તેં જાત્રાળુની ચોકી કરીને ગાયકવાડને ચાર લાખ કોરીનો કર પેદા કરાવ્યો, તેનો સિરપાવ તને શું મળ્યો? તું ચોર હોય તેમ તારા જામીન લેવાણા. તે દિન તને કચેરીમાં બોલાવી ભૂંડે હાલે કેદ કરવાની પણ પેરવી થઈ’તી. અને હવે તારી જિવાઈ પણ રોકી રાખી. લે, લેતો જા, ગાયકવાડી પાઘડી! બોલ, રણછોડજીના કસમ ખાઈને કહે, તેં રાજકોટ છાવણીમાં પણ ખબર કહેવરાવ્યા છે કે નહિ?” “હા, ભાઈ, પંદર દા’ડાની મે’તલ આપી હતી.” “પંદર દિવસ થઈ ગિયા?” “હા.” “બસ, ત્યારે બોલો હવે, જે રણછોડ!” “જે રણછોડ!” ટીલાવડ કાંપી ઊઠે તેવા વિકરાળ ધીરા અવાજે પચીસ ગળાં ઘોરી ઊઠ્યાં. “જોધા ભા!” જોધાનો ભાઈ બાપુ માણેક બોલ્યો. “હું હજી આજ જ મારી રોજની ઉઘરાણી કરીને બાપુ સખારામ પાસેથી હાલ્યો આવું છું. અને મને શું જવાબ દીધો ખબર છે? મોંમાંથી ગાળ કાઢી.” “હેં, ગાળ કાઢી? જબાન કાપી લેવી’તી ને?” “શું કરું, ભા! તારો ડર લાગ્યો, નીકર હું વાઘેરનો બચ્ચો, ઈ ચટણાની ગાળ કાંઈ ખમું? એણે તો સામેથી કે’વરાવ્યું છે કે અમરાપરને પાદર અમારા બે મકરાણીનાં ખૂન કર્યાં છે, માટે હવે તૈયારીમાં રહેજો, અમરાપરને તોપે ઉડાડવા આવું છું.” “મકરાણીનાં ખૂન! શા સારુ?” “હા, જોધા ભા! મકરાણી ખભે બંદૂકું ટીંગાડીને નીકળ્યા’તા અને પાદરની આંબલી માથે મોરલો બેઠો’તો તેને માથે ગોળી છોડી. મોરલો તો ભગવાનનું વાહન : એનું શાક કરીને બચારા મકા ખાતા’તા! અમે દોડીને બેય મકાનું કાચું ને કાચું શાક સમળીયુંને ખવરાવી દીધું. તેનો બદલો લેવા બચાડો બાપુ સખારામ તોપુંના રેંકડા હાંકી લાવશે!” “હા, આજ અમરાપરનો વારો, ને કાલ બીજાં પચીસેય ગામના પાયા ખોદી નાખશે. અને માપાણી ખોરડાના દીવડા જેવા ત્રણેય જણા, જોધો, બાપુ ને મૂળુ માણેક જેવા દાઢીમૂછના ધણી બેઠ્યે ઓખો રાંડી પડશે, ખરું ને જોધા?” રવો બોલ્યો. “અરે, હજી જોજો તો ખરા, રણછોડરાયનાં દેરાંની મૂરતિયુંને માથે પણ ગોળા આફળશે,” વસઈવાળો રણમલ ધૂધકારી ઊઠ્યો. “તે પહેલાં મૂળુ માણેકને માથે માથું નહિ હોય, ભા!” ખૂણામાં છાનોમાનો મૂળુ માણેક બેઠો હતો તેણે મૂછે તાવ દઈને પહેલી જ વાર આ વચન કાઢ્યું. કોઈ ફણીધરની ફૂંકે જાણે વડલામાં લા લાગી હોય તેવો સુસવાટો થયો. “ત્યારે હવે પરિયાણ શું કરી રહ્યા છો? કરો કેસરિયાં.” હાથ ઉપર માથું નાખી જોધો વિચારમાં પડી ગયો. એણે ધીરેથી કહ્યું, “હજી વાર છે, ભાઈ, અથર્યા મ થાવ.” “કાં?” “ગાયકવાડની બાદશાઈ સામે બાથ ભરાશે?” “ગાયકવાડી બાદશાઈ તો રહી છેટી, ઠેઠ વડોદરે. અને આંહીં તો લશ્કર વહીવટદારથી તોબા કરીને બેદિલ બેઠું છે. વાઘેરની ફૂંકે સૂકલ પાંદડાં ઊઠે તેમ ગાયકવાડનો વાવટો ઉડાડી દેશું.” “પણ ભાઈ! વાંસે સરકાર જેવો વસીલો છે. પાંચ સો વહાણ તોપું ભરીને ઓખાને ચુડેલું રાસડા લ્યે તેવો કરી મેલશે,” જોધે ભવિષ્યમાં નજર નાખીને કાળની વાણી કાઢી. “કંપની સરકાર તો હિંદુસ્તાનને કાંઠેથી હોકો ભરીને હાલી, જોધા ભા!” મૂળુએ મોં મલકાવ્યું. “કાં” “કાં શું? બળવો ફાટી નીકળ્યો છે. પલટનો સામે થઈ ગઈ છે. મરાઠાના ભાલાની અણીએ, સોયમાં મોતી પરોવાય તેમ ગોરાનાં મડ્યમ-છોકરાં પરોવાય છે. સરકારના અંજળ ઊપડ્યાં.” “કોણે કહ્યું?” “એકેએક જાત્રાળુ આંખે જોયેલી વાત કરી રિયાં છે.” “હું ન માનું. અંગ્રેજ જાય નહિ. એની ખીલી તો શેષનાગની ફેણ માથે જડાઈ ગઈ છે ભાઈ, મ ભરાઓ, અને સબૂર કરો. તેલ જુઓ, તેલની ધાર જુઓ.” “જોધા ભા! તારા પગુમાં પડીએ છીએ. હવે તું અવળાં વેણ મ કાઢ. હવે આડા હાથ મ દે, અમથી સંખાતું નથી.” “ઠીક, ભાઈ, તમને સૂઝે એમ કરો. હું જાઉં છું, અમરાપરનો ઉગાર કરવા આદમી ભેળા કરી આવું. લ્યો, જે રણછોડ!” “જે રણછોડ, જોધા ભા! હવે ફરી વાર ટીલાવડ હેઠે નહિ મળીએ. રણરાયની છાયામાં મળશું, હો!” જોધો ઊઠ્યો. દાયરો વીંખાણો. જોધાએ મૂળુને પડખે બોલાવીને શિખામણ દીધી કે, “બેટા મૂળુ!” “બોલો કાકા!” “આ વસઈવાળાનો ચડાવ્યો ચડીશ મા, હો. એનાં પરિયાણ પાપનાં છે. બાકી તો બેટા, જ્યાં તું ત્યાં જ હું. હું હવે આ ટાણે મારાં ધોળામાં ધૂળ નહિ ઘાલું.” હનુમાનજતિ જેવાં પગલાં ભરતો જોધો અંધારામાં ધાબળો ઓઢીને અદૃશ્ય થયો. જુવાન મૂળુભાએ અમરાપર જઈ પોતાના વફાદાર રાયકાને હુકમ કર્યો : “રાયકા! વાઘેરોનાં પચીસેય ગામડાંમાં ફરી વળજે અને કહેતો જાજે કે શ્રાવણ સુદ એકમની અંધારી રાતે, દ્વારકાના કિલ્લાની પાછલી રાંગે, ઉગમણી દશ્યે, જસરાજ માણેકના પાળિયા પાસે પાઘડીનો આંટો નાખી જાણનારા સહુ વાઘેર બચ્ચા હાજર થઈ જાય. જા ઝટ, જે રણછોડ!” “જે રણછોડ!” કહીને રાયકે સાંઢિયાની દોરી હાથમાં લીધી. રાતોરાત સંદેશો ફેરવીને પ્રાગડ વાસ્યે પાછો અમરાપરના દરબારગઢની ડેલીએ સાંઢિયો ઝોકાર્યો. “કહી આવ્યો?” “હા, ભા.” “શો જવાબ?” “જે રણછોડ!” “સંધાએ?” “એકોએકે બાઈયું પણ બચ્ચાં ઝોળીએ નાખીને સાથે નીકળશે.” “ખમા! ખમા રણછોડરાયને! હવે અમરાપર ગામમાં સહુથી લાંબાં બે ખોરડાં હોય તેના આડસર ખેંચી કાઢો.” બે આડસરો કાઢીને તેની ઊંચી આભને અડતી નિસરણી બનાવી. શ્રાવણ સુદ એકમની સાંજે અંધારાં ઊતર્યાં પછી મૂળુ માણેકે ગઢની અંદર જઈને ઓરતોને છેલ્લા જુહાર લીધા-દીધા.