સોરઠી બહારવટિયા ભાગ-2/1.જેસાજી-વેજાજી
આશરે ઈ. સ. 1350માં જૂનાગઢની ગાદી ઉપર રા’ ખેંગાર રાજ કરે : એને ભીમજી નામે એક કુંવર હતો. કુંવર ભીમજી વેરે પોતાની કન્યાના સગપણ માટે ઈડર રાજે શ્રીફળ મોકલેલું. ભીમજીએ પિતાને કહ્યું કે “બાપુ! તમે પોતે જ વધાવો તો?” રા’ની નિષ્ઠા ભીમજીને ભાસી ગઈ હશે. રા’ બોલ્યા, “ભાઈ ભીમજી, તો પછી ઈડરનો ભાણેજ કાંઈ ફટાયો રહી શકે ખરો?” ભીમજી : “ના, બાપુ! નહિ જ, નવાં રાજમાતાને જો દીકરો જન્મે તો મારે રાજ ન ખપે. મારો કોલ છે, બાપુ!” રા’ ખેંગારજી પરણ્યા, પુત્ર થયો, એટલે પાટવી કુંવર ભીમજી ચારસો પચાસ ગામડાં લઈ સરવાની ગાદીએ ઊતર્યો. કોઈ કહે છે કે ચારસો પચાસ નહિ, પણ ચાર ચોરાસી : એટલે એકસો છત્રીસ : રા. સા. ભગવાનલાલ સંપતરામ લખે છે એક જ ચોરાસી. ભીમજીના છત્રસંગજી ને સુરસંગજી થયા. છત્રસંગજીના તે સરવૈયા અને સુરસંગજીના તે ચુડાસમા :
આખી સરવૈયાવાડ આ બધાની. પણ રા’ માંડળિકના સમયમાં જ ઘણો ગરાસ જૂનાગઢે દબાવી દીધો, તેથી બહારવટું મંડાયેલું. ગંગદાસજી રા’ની સામે બહારવટે હતા. ઈ. સ. 1472-73માં માંડળિકને મહમદ બેગડાએ પદભ્રષ્ટ કર્યો, મુસલમાનનું તખ્ત મંડાયું. એણે સરવૈયાઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા કહ્યું. એટલે બહારવટિયાઓએ નવી સત્તા સામે મોરચા માંડ્યા. વીસ વરસ બહારવટું ચાલ્યું. આખરે ઈ. સ. 1493માં સમાધાની થઈ. પાદશાહે ચોક હાથસણીના બે તાલુકા, કુલ 64 ગામ દીધાં. રા. સા. ભગવાનલાલના ઇતિહાસમાં અમરેલી પરગણામાં 144 ગામ આપ્યાં લખેલાં છે.