સોરઠી સંતવાણી/પ્રેમલક્ષણા ભક્તિના ગાયક દાસી જીવણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રેમલક્ષણા ભક્તિના ગાયક દાસી જીવણ

‘જીવણદાસજી : બાપ જલા ભગત : દીકરો દેસા ભગત : ભંડારી (સ્ત્રી) બે : (1) જાલુ માતા જૂનાગઢનાં.’ ‘દાસી જીવણ’ નામે જાણીતા, પ્રેમલક્ષણા ભક્તિ ગાતા ચમાર સંત જીવણદાસ વિશેનું આ ટાંચણ, ’28ની સાલમાં એ સંતના ગામ ઘોઘાવદરના પ્રવાસનો સ્મરણ-ખાંભો છે. ગોંડળના વિદ્યાધિકારી, ને મારા કૉલેજ-કાળના એક સ્નેહી-સહપાઠી શ્રી ચંદુલાલ બહેચરલાલ પટેલના સૌજન્યને આભારી આ ઘોઘાવદરની યાત્રા હતી. સોએક વર્ષ પૂર્વે થઈ ગયેલા આ સંતનું ઘર, ચમારોનાં બીજાં ખોરડાંની સાથે એક આંબલીઓના ઝુંડ વચ્ચે ઊભું હતું. ચામડાં ધોવાનો એ સંતનો કુંડ પણ ત્યાં બતાવવામાં આવ્યો. ટાંચણમાં એના ચહેરાનું ટૂકું વર્ણન છે : ‘દાઢીના કાતરા : મોટી મૂછો : માથે રૂમાલ બાંધે.’ આંબલીઓના ઝુંડ નીચે એક ચમાર બાઈ ત્યાં ઊભી હતી. મીઠે સાદે એણે તો દાસી જીવણનું પદ ગાવું શરૂ કરી દીધું —

ચકચૂર ઘેલીતૂર,
બાયું, મુંને જોગીડે કરી છે ચકચૂર,
બાયું, મુંને શામળીએ કરી છે ચકચૂર,
કો’ક તો વલાતીડે મુને કેફ કરાયો રે,
તે દી’ની ફરું છું ઘેલીતૂર. — બાયું.

‘દાસી જીવણ’નું થાનક જોવા માટે જ ગયો હતો. માણસોએ ભેગા થઈ વાતો કહેવા માંડી. મુખ્ય વાત સંતની સોહામણી આકૃતિ વિશે ને મીઠા કંઠ વિશે કહી : ગામ બંધિયામાં ગરાસિયાને ઘેર લગ્ન : દાંડિયા-રાસ રમાય : એમાં જીવણદાસજીએ પોતે ચાર રાસ લેવરાવ્યા : મોહી પડેલ કેટલીક સ્ત્રીઓ પાછળ ચાલી (બીજે ઠેકાણે ટાંચણ છે તેમાં તો એ મેળાપ સુલતાનપુરને માર્ગે થયાનો સુધ્ધાં નિર્દેશ છે) અને એમને પોતાના દેહ અર્પણ કરવાની વાત કહી. ત્યારે સંતે એ બાઈઓને નીચેના પદમાં ઉપદેશ દીધો :

બેની! શું કરું સુખ પારકાં?
બેની! માંડ્યાં હોય ઈ થાય;
એવાં શું કરવાં સુખ પારકાં બાયું!
કરમે માંડેલ થાય જી.
સામે મંદિરીએ મહીડાં ઘૂમે,
ભૂખ્યા તણું મન થાય જી;
દીઠેથી તૃષ્ણા ન છૂટે,
પત પોતાની જાય જી.
શું કરીએ સુખ પારકાં બાઈ!
માંડેલ હોય ઈ થાય જી.

રાતે મેં ઘોઘાવદરની નવી ચણાયેલી ગુજરાતી શાળાના મકાનમાં બેસી ચમાર ભજનિક પાસે ભજનો ગવરાવી ગવરાવી ટાંચણ કર્યું. રાત ભાંગી ત્યાં સુધી બેઠા. આ ટાંચણમાં એક કીમતી મુદ્દો છે. લખ્યું છે કે : ‘રસ્તે જ્યારે કાવ્યની લહેર આવે ત્યારે સંત ખાખરાના પતામાં શૂળથી લખતા આવે. ઘેર આવીને પછી મોંયે કરી લ્યે.’ સૌરાષ્ટ્રના ઘોઘાવદર ગામથી મુંબઈ ઘણું દૂર છે. ક્યાં દાસી જીવણનો ચમારવાડો અને ક્યાં રૉયલ એશિયાટિક સોસાયટીનું ગ્રંથાલય! છતાં ટાંચણપોથીમાં બેઉ એકબીજાની નજીક નીકળી પડ્યાં! સિત્તેરેક પાનાં ભરીને અંગ્રેજી અવતરણો છે : કવિ [વૉલ્ટર] સ્કૉટના ‘બૉર્ડર મિન્સ્ટ્રલ્સી’માં, ‘ફોક-સૉંગ્ઝ ઑફ અપર ટેમ્સ’ (આલ્ફ્રેડ વિલિયમ)માંથી, ‘ધ મિસ્ટિક્સ, એસેટિક્સ એન્ડ સેઇન્ટસ ઑફ ઇન્ડિયા’ (જે. કૅમ્પબેલ ઉમાન)માંથી, ‘ફોક-સૉંગ્ઝ ઑફ સધર્ન ઇન્ડિયા’ (ચાર્લ્સ ગોવર)માંથી, ‘સ્પેનિશ ફોક-સૉંગ્ઝ’ (એસ.ડી. મેડેરીઆગા)માંથી. યાદ આવે છે એ ’28ની સાલના મુંબઈના દિવસો, જ્યારે રૉયલ એશિયાટિકના ગ્રંથાગારના કોઈ મિત્ર સભાસદના મહેમાન તરીકે જઈ હું ડરતો ડરતો આ બધાં પુસ્તકો કઢાવતો, કારકુન ઘૂરકશે એવી બીક લાગતી. (ભૂલથી છત્રી અંદર લઈ ગયેલ તે પટાવાળાએ આવી બહાર મૂકી જવા ઉઠાડેલો.) પંડિતોના મહાલયમાં પરિભ્રમણકારની થોડીક માઠી દશા હતી. બેસી બેસીને ટાંચણો ઘસડ્યે જ ગયો હતો : ‘ફીલ્ડવર્ક’ અને ‘ટેબલવર્ક’ એ બે મારી પાંખો બની. સંત જીવણદાસ પરથી પ્રસ્તુત વિષય પર આવું. ‘ધ મિસ્ટિક્સ ઍન્ડ સેઇન્ટ્સ ઑફ ઇન્ડિયા’ના વાચને મને મારા સોરઠી સંતોનું કાર્ય વિશાળ પીઠિકા પરથી જોતો કર્યો, આ લોકસંતો–ભજનિકોનું સ્થાન જગત-ઇતિહાસની ભોંય પર નિહાળવાનાં નેત્રો દીધાં. માર્ટિન લ્યૂથર નામના ક્રાંતિકાર યુરોપી સંતની વાત વાંચી હતી, ઇંગ્લંડના ઇતિહાસમાં — મૅટ્રિકની પરીક્ષા માટે — પણ આ સંતજાગ્રતિનું પ્રકરણ તો આંતરરાષ્ટ્રીય હતું એ કોઈએ નહોતું શીખવ્યું. માર્ટિન લ્યૂથર ફરી સોળ વર્ષે જ્યારે રૉયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાગારમાં મળ્યા ત્યારે તે વિદેશી ને એકાકી વીર મટી ગયો, કારણ કે પુસ્તકોમાં મેં ટપકાવેલું ટાંચણ બોલે છે આજે — માર્ટિન લ્યૂથરનો યુગ એ હિંદ ખાતે પણ જોરદાર ધાર્મિક પ્રવૃત્તિનો કાળ હતો. કારણ કે એ કાળે મુખ્ય મુખ્ય હિંદુ સંપ્રદાયોના કમમાં કમ ત્રણ સ્થાપકો એવા હતા કે જે આ મહાન યુરોપી સુધારકના સમકાલીનો હતા. ત્રણેય ઉત્તર ભારતના હતા. વલ્લભાચાર્ય કાશીમાં પ્રબોધતા, ચૈતન્ય બંગાળાના નદિયામાં, ને નાનક પંજાબમાં. વલ્લભ : જન્મ 1479માં. બાળ ગોપાળની પૂજા ને પ્રતિષ્ઠા કરી. વલ્લભે એમ નિરૂપ્યું કે માનવ-આત્મા દિવ્ય સત્ત્વનો એક તણખો છે. સંપ્રદાયસ્થાપક પૂર્વગામીઓથી ઊલટી રીતે વલ્લભે દેહદમનનો વિરોધ કર્યો, અને એવું સ્થાપિત કર્યું કે દેહ દમવાને બદલે સન્માનવો જોઈએ. ચૈતન્ય : એના આગમનકાળે લોકોનો ધર્મ, મહદ્ અંશે ખુલ્લેખુલ્લા દુરાચારમાં પરિણમ્યો હતો. તાંત્રિકોના વ્યભિચાર-અખાડાઓએ અને નિર્લજ્જપણે નગ્ન બનાવેલી સ્ત્રીની પૂજાએ ચૈતન્યનો પુણ્યપ્રકોપ જન્માવ્યો, અને પ્રજાના શીલ ઉપરના આ ઊંડા ડાઘને દૂર કરવા એની શક્તિને જાગ્રત કરી. એણે ભાગવતને એક રૂપક તરીકે ઘટાવ્યું, અને વ્યભિચારને ભાવના વડે દબાવી દેવા વિચાર્યું૰ : એણે ભક્તિ-રાધાઉપાસના પ્રબોધી, સખ્ત વનસ્પતિ-આહાર ને મદ્યત્યાગ પ્રબોધ્યો, પશુબલિનો નિષેધ કર્યો, અને એણે વિધવાના પુનર્લગ્નની તરફેણ કરી. નાનકે હિંદુ અને ઇસ્લામ ધર્મનો સમન્વય કર્યો. ઇસ્લામનું વધતું જતું પરિબળ, કટ્ટર એકોપાસના અને મૂર્તિપૂજા પ્રત્યેનો તિરસ્કાર દેશમાં જોશથી પ્રવર્તી રહ્યાં હતાં, અને વિજેતાઓના આ વટાળપ્રધાન પંથમાં પરાધીન પ્રજાના સંખ્યાબંધ માણસો વટલી જતા હતા. હિંદુ રાજ્યો છિન્નભિન્ન થતાં હતાં, ને દેવતાની સહાય તેમ જ એના ઉન્મત્ત પુરોહિતોની શક્તિમાંથી વિશ્વાસ ગુમાવી બેઠેલી વિભ્રમમુક્ત પ્રજાની શ્રદ્ધા હજુ પણ પકડી રાખવાને માટે હિંદુ ધર્મને એવી રીતે સુધારવો જોઈએ કે જેથી ઇસ્લામના આગમને જાગ્રત કરેલી નવી વિચારસરણીને એ અનુકૂળ બને : અથવા તો એમાં એવો ફેરફાર કરવો જોઈએ કે જેથી કાંઈ નહિ તો બહિરંગ પૂરતો એ મુસ્લિમ ધર્મને મળતો બને અને એ રીતે ધિક્કાર અને ધાર્મિક પીડનથી ઊગરી જાય. આની ત્રણ સ્પષ્ટ અસરો જન્મી — 1. રાધા અને કૃષ્ણ બેઉની પૂજાને સંયોજતો સંપ્રદાય ઊઠ્યો. નિમાત, રાધાવલ્લભી અને ચૈતન્યાનુયાયીઓ, એ ત્રણ આ સંપ્રદાયના છે. 2. હિંદુ અને મુસ્લિમ ધર્મો વચ્ચેના ભેદને પૂરવાની નેમથી પ્રેરિત નાનકનો પંથ જન્મ્યો. 3. મૂર્તિપૂજાના વિરોધી બે હિંદુ સંપ્રદાયોની રચના : દાદુપંથી (1550-1600) અને રામ સાન્ચી (1718), બન્ને રાજપૂતો. [મૂળ નોંધનો ગુજરાતી અનુવાદ]
‘ફોક-સૉંગ્ઝ ઑફ સધર્ન ઇન્ડિયા’નું મારું ટાંચણ : દ્રવિડી લોકો જે સાહિત્ય ધરાવે છે તે નૈતિક દૃષ્ટિને હિસાબે જગતે જોયેલ સર્વોત્કૃષ્ટ સાહિત્યોમાંનું એક છે. કોઈ પણ ભાષામાં આના કરતાં વધુ સામર્થ્ય અને સંક્ષિપ્તતાનો સંયોગ કદાચ નહિ જડે. અને ખુશીથી કહી શકાય કે કોઈ પણ બીજી ભાષા માનવ-મનને વ્યક્ત કરવામાં આનાથી અધિક નિકટગામી અને તત્ત્વદર્શી નહિ હોય. પાદરી ટેલર કહે છે કે તમિલ એ સર્વ માનવબોલીઓમાંની સર્વોત્કૃષ્ટપણે સમૃદ્ધિ ભરપૂર, સુઘડ અને ફરસી વાણી છે. — ડૉ. કાલ્ડવેલને મતે તમિલ એ એક જ એવું દેશજ ભાષા-સાહિત્ય છે કે જેણે સંસ્કૃતના અનુકરણથી સંતુષ્ટ ન થતાં એને ટપી જવાનો માનભર્યો યત્ન કર્યો છે. તમિલ ભાષા અને દ્રવિડી સાહિત્યની આવી અદ્વિતીય સિદ્ધિઓથી આપણે બેનસીબ હોઈએ એવો ખ્યાલ ઉપલી આંગ્લજનોની પ્રશસ્તિથી આવે છે. અંગ્રેજી ભાષામાં મુકાયેલાં આ અહોગાન સુંદર લાગે છે!

પણ આ અંગ્રેજી ટાંચણ દ્વારા હું જે શોધું છું તે તો કાઠિયાવાડના ઘોઘાવદર ગામના દાસી જીવણ અને દૂર પડેલા દક્ષિણ હિંદ વચ્ચેનો સંબંધતંતુ છે. ટાંચણ કહે છે કે ‘દક્ષિણ હિંદના લોકગીત રચનારાઓ અને ગાનારાઓ ઉચ્ચ વર્ણના લોકો નહીં પણ ધાર્મિક ભિક્ષુક જમાતોના રોટી માગતા રઝળુ સાધુઓ હતા; અને એમાંના પણ મોટે ભાગે દેવદાસીઓના દીકરાઓ હતા. તેમના પિતા કોણ અને તેમની જાતિ કોણ તેની તેમને ખબર નહોતી. દેવમંદિરમાં પ્રભુને સમર્પિત થયેલી નર્તિકાઓના આ પુત્રો હતા. સમાજ એ નબાપાઓને પાછા અપનાવી લેતો અને લગ્નસંસાર પણ માંડવા દેતો. દેવના આ દાસોને કોઈ તિરસ્કારી શકતું નહીં, તેમ મુઠ્ઠી ભાત કે બે ચપાટી આપવાની ના પાડી શકતું નહીં. લગ્નમાં અને જમણોમાં, ઉપવાસોમાં અને મરણપ્રસંગોમાં, વાવણી અને કાપણીનાં પર્વોમાં, પૂર્ણિમા અને સંક્રાંતિ પર આ દાસને નોતરવામાં આવતો. એનાં કીર્તનોનું શ્રવણ થતું, અને એને પુરસ્કાર અપાતો. લગ્ન વખતે એ કૃષ્ણનાં ગાન ગાતો અને મૃત્યુ પ્રસંગે યમનાં; કુમારિકાઓ પાસે કામદેવનાં અને પુરુષો પાસે રામનાં. ભીખતો ભીખતો એ શીલ અને સ્વધર્મનાં ગીતો ગાય છે.’ આ દ્રવિડી ‘દેવોનો દાસ’ ગુજરાતના માર્ગી સાધુને ઘણોખરો મળતો આવે છે. જેની ગુપ્ત સમૂહક્રિયાઓને માટે ઘણું ઘણું અનાચારયુક્ત સંભળાય છે તે બીજમાર્ગી સંપ્રદાયનું ફરજંદ આ માર્ગી સાધુ એકતારો લઈને ઘેરઘેર ઊભો રહે છે ત્યારે દ્રવિડી દેવદાસના જેટલો જ આતિથ્યને પાત્ર બને છે. એક શબ્દનો પણ ફેરફાર કર્યા વિના આપણે નીચેનું વર્ણન આપણા આ તંબૂરાવાળા માર્ગીને લાગુ પાડી શકીએ : સાંજના શીતળ સમયે આ દાસ અન્નની અને રાતવાસાની શોધમાં એકાદ શાંત ગામડામાં પ્રવેશ કરે છે. સીધેસીધો એ ‘મંટપમ્’ અથવા મંડપ એટલે કે મંદિરના બહુસ્થંભી ચોકમાં જાય છે, ઓટા પર બેસે છે, વીણાના તાર મેળવે છે. તુંબડાનું ભિક્ષાપાત્ર પોતાની આગળ મૂકે છે. લોકો ત્યારે થાક્યાંપાક્યાં ખેતરોમાંથી આવતાં હોય છે. સમાચાર ઝડપથી ફરી વળે છે કે ભજનિક આવ્યો છે; એટલે સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનાં પગલાં ‘મંટપમ્’ તરફ વળે છે. ત્યાં તેઓ ભોંય પર બેઠાં બેઠાં ભજનના પ્રારંભની વાટ જુએ છે. ભજનિક જે પદ ગાય છે તે પદ જો જાણીતું હોય તો તમામ ગામડિયાં તેનું ધ્રુવપદ ઉપાડી લે છે, અને એ સમૂહગાન સંધ્યાની લહરીઓ ઉપર પથરાઈ રહે છે અને પછી તો પ્રત્યેક ટૂંકને અંતે ધ્રુવપદ વધુ ને વધુ ઘેરું બને છે; પછી એનું તુંબડું ચારે તરફ ફેરવવામાં આવે છે અને એમાં પૈસા ટપકી પડે છે. પછી અંધારું થાય છે ત્યારે ગામનો પટેલ ભજનિકને નોતરે છે, પેટ ભરીને જમાડે છે અને પથારી આપે છે.

આ દ્રવિડી ‘દેવ-દાસ’ની ગ્રામ્ય મહેમાનીના કરતાં આપણા માર્ગી સાધુની શુશ્રૂષામાં એક વિશેષતા પણ સંભળાય છે. યજમાનનો છેલ્લો પ્રશ્ન સૂવાટાણે એમ હોય છે કે ‘સેવામાં જેને કહો તેને મોકલું’. અતિથિ યજમાનઘરની હરકોઈ મનપસંદ સ્ત્રીની માગણી કરી શકે છે ને એ સ્ત્રીની સેવા પામી શકે છે. અનેક અતિથિઓ આવી ‘સેવા’ની બિલકુલ ના પાડે છે. ભજનવાણીના ગાયકો આ ‘માર્ગીઓ’ના નામે ચડાવવામાં આવતો અનાચાર કેટલો તથ્યવાળો છે ને કેટલો કલ્પનાસર્જિત છે તેની તપાસનો મુદ્દો પ્રસ્તુત નથી, પણ આવા વ્યાપક અનાચારની સાથે વળગેલી હોવી જોઈએ તેવી ઉન્મત્તતા, તેવી નશાખોરી, માંસમદ્યાદિનો બહેકાટ, ચેનચાળા ને કુચેષ્ટાઓ જેવું કશું આપણી નજરે આવતું નથી. માર્ગીની નમ્રતા, શાંતિમયતા, મિતભાષિતા, ભજનપ્રેમ, વિગલિતપણું, સેવાપરાયણતા ને ગાંભીર્ય સર્વત્ર તરવરતાં હોય છે; લંપટપણું પોતાનાં ભોગ થઈ પડેલાંની ચોપાસ જે બિભીષિકા જન્માવે છે તે મેં માર્ગી ગૃહો–કુટુંબોમાં જોયું નથી. આંગણાં સ્વચ્છ, નરનાર આનંદી, સ્ત્રીશરીરો સ્વસ્થ ને સુઘડ, વાણીમાં ગંદાપણાનો સદંતર અભાવ, હેતાળ ને હસમુખાં, શ્રમપ્રધાન જીવન, અને ભજન ગાવાની ભાવપૂર્ણ છટા, એ તો નજરે જોવાતાં લક્ષણો છે. બીજે પાસે નાનો પાટ અને મોટો પાટ એ નામની તેમની સામૂહિક ધર્મક્રિયાઓ, ‘મોટા પાટ’ની સાથે સંલગ્ન કહેવાતી ગુપ્તતા ને સામૂહિક વ્યભિચારની જુગુપ્સકતા, એ પણ નિશ્ચિતપણે કહેવાની બાબતો છે. મૂંઝવણ એ રહે છે, કે આ બે તત્ત્વોનો સમન્વય શી રીતે સચવાય છે? લંપટતાનો બહેકાટ કેમ ન પ્રવર્ત્યો, દંપતીજીવન અને કુટુંબવ્યવસ્થા છિન્નભિન્ન બનવાને બદલે સમધારણ ગતિએ શા માટે ચાલ્યા કરે છે? ગામનાં અનાથ, રોગી કે દુઃખી જનોની પાસે જ્યારે કોઈ બીજું ન જાય તેટલી ગંદકી થઈ પડી હોય છે ત્યારે ત્યાં જઈ પહોંચીને રસી મળ–મૂત્ર ધોનારા આ માર્ગીઓ જ કેમ હોય છે? ઘરઘરથી રામરોટીના ટાઢા–ઊના ટુકડા ભીખી લાવીને ક્ષુધાર્તોને ખવરાવનાર આ માર્ગી જ કેમ હોય છે? માર્ગી સાધુના હૃદયનું માર્દવ સૌથી જુદું શાને પડી જાય છે? માનાપમાન રાગદ્વેષથી એ કેમ મુક્ત હોય છે? [‘પરકમ્મા’]