સ્ટેચ્યૂ/ઝળઝળિયાનું વરદાન લાવતી પારદર્શકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.




ઝળઝળિયાનું વરદાન લાવતી પારદર્શકતા



શ્રીકૃષ્ણની બાળલીલાના અનેક પ્રસંગો છે. એકવાર કૃષ્ણ ધૂળ ખાતા હતા. ત્યારે યશોદાએ ગળે આવી જઈને બાળકૃષ્ણનું મોઢું ઉઘાડ્યું ત્યારે એ મોઢામાં યશોદાને આખું બ્રહ્માંડ દેખાયું. આ પ્રસંગ ઉપર વિચાર કરું ત્યારે લાગે છે કે કૃષ્ણ જેવી પારદર્શકતા બીજા કોઈમાં નથી. મને કૃષ્ણ હંમેશાં પારદર્શક કાચ જેવા લાગ્યા છે. એ આપણી વચ્ચે રહીને આપણને બધું બતાવે છે. એ ક્યાંય આડા આવતા નથી. એ પ્રેમ પાસે પાતળા પાણી જેવા પારદર્શક થઈ જાય છે. આપણને કૃષ્ણના મોઢામાં ક્યારેય બ્રહ્માંડ નહીં દેખાય. કારણ કે આપણે બધા દુષ્યંતપુત્ર ભરતની અદાથી કૃષ્ણ પાસે જઈએ છીએ અને કહીએ છીએ કે 'ઉઘાડ તારું મોઢું! મારે તારા દાંત ગણવા છે.' યશોદાના મનમાં એવી ગણતરી નથી એટલે કૃષ્ણ યશોદા પાસે પારદર્શક કાચ જેવા બની જાય છે. ઘણીવાર હું બારીના કાચમાંથી બદામનું વૃક્ષ જોઉં છું, ત્યારે એ વૃક્ષમાં એટલો બધો ખોવાઈ જાઉં છું કે હું પોતે જ બદામ થઈને ડાળીએ ઝૂલવા લાગું છું. એ ક્ષણે હું બારીના કાચને ભૂલી જાઉં છું. હું કાચસોંસરવો બદામનું વૃક્ષ જોઈ શકું છું, પણ બારીના કાચને જોતો નથી. મારી અને બદામના વૃક્ષની વચ્ચે કાચનો પારદર્શક પરદો પડી ગયો છે. એ કાચ મને બહારનાં દૃશ્યો જોવામાં ક્યાંય આડો આવતો નથી. આપણે બધાં દૃશ્યોના જીવ છીએ. એટલે જેમાંથી દૃશ્યો દેખાય છે એ કાચના અસ્તિત્વને વિસરી જઈએ છીએ. કોઈ માણસ ચશ્માંનો કાચ જોવા માટે ચશ્માં પહેરતો નથી પણ બાહ્યજગત જોવા માટે ચશ્માં પહેરે છે. છાપું વાંચવા ચશ્માં પહેરે છે. અહીં મારે એ કહેવું છે કે કૃષ્ણની પારદર્શકતા આપણી વચ્ચે જ પડી હોય છે, પણ આપણી આંખ દૃશ્યલીન છે, અક્ષરલીન છે એટલે એ પારદર્શકતા આપણી નજરે ચડતી નથી. સાવ સીધી અને સરળ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે કોઈ નાસ્તિક માણસ તમારી પાસે આવીને એવી જીદ કરે કે 'મને અત્યારે કૃષ્ણ બતાવો' તો તમારે એને કાચ ચડાવેલી બારી પાસે લઈ જવો અને પૂછવું ; 'તને શું દેખાય છે?' એ માણસ કાચની બારીમાંથી દેખાતી બધી વસ્તુઓનાં નામ આપશે. વર્ણન કરશે પણ 'મને કાચ દેખાય છે' એમ નહીં કહે. એ વખતે તમારે બારીના કાચ ઉપર આંગળી મૂકીને કહેવું કે, 'આ રહ્યા કૃષ્ણ.' આપણે બારીના કાચની વાત કરીએ છીએ ત્યારે આપણી આંખના કાચને ન ભૂલીએ - મનુષ્યની આંખ ઘણીવાર કાચ ચડાવેલી બારી જેવી લાગે છે. આંખમાં જ કૃષ્ણની પારદર્શકતા કાજળરૂપે રહેલી છે. સૂરદાસે બહારનાં દૃશ્યોને નકારીને આંખના કાચને જ જોયો એટલે એ કૃષ્ણની વધુ નજીક ગયા. કબીર સાહેબે પણ ‘આંખો કી દેખી’માં પારદર્શક કાચને જ ઓળખી લીધો પછી 'કાગઝ કી લેખી' જોવાની શું જરૂર છે? મને નવાઈ એ વાતની લાગે છે કે આપણી આંખ જ દૃશ્ય બની ગઈ છે. એ દૃશ્ય આપણે કૃષ્ણને શોધવા નીકળીએ છીએ ત્યારે હાથમાં કશું જ નથી આવતું. કૃષ્ણ એ હાથમાં આવવાની વસ્તુ નથી પણ આંખમાં ઝળઝળિયાનું વરદાન લઈને આવનારી પારદર્શકતા છે. આપણે આંખની બારીને આંસુનો કાચ ચડાવી દઈએ છીએ ત્યારે એ આંસુના ટીપાની પારદર્શકતામાં કૃષ્ણ છુપાયા છે. બાલમુકુંદ પીપળના પાંદડા પર સૂઈ શકે છે અને કાચની પારદર્શક્તામાં અદૃશ્ય પણ થઈ શકે છે. બારીનો કાચ કે ચશ્માંનો કાચ જે રીતે હોવા છતાં અદૃશ્ય છે એ રીતે કૃષ્ણ અદૃશ્ય છે. તમે એને જોઈ શકતા નથી પણ અનુભવી શકો છો. યશોદાને કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ દેખાય છે. એ ઘટના પાછળ કેટલાં બધાં રહસ્યો રહ્યાં છે? યશોદાએ કૃષ્ણના મુખના ભોગે બ્રહ્માંડ નથી જોયું પણ બ્રહ્માંડના ભોગે કૃષ્ણનું મુખ જોયું છે. આપણે બારીના કાચના ભોગે દૃશ્યો જોઈએ છીએ પણ દૃશ્યના ભોગે બારીનો કાચ જોતાં નથી.