સ્વાધ્યાયલોક—૧/પ્રવાહી પદ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રવાહી પદ્ય

૧૯૪૬થી આજ લગી સતત મને અંગ્રેજી પિંગળનો અભ્યાસ કરવા-કરાવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, અંગ્રેજી પિંગળ એ મારે માટે માત્ર શોખનો વિષય નથી, પણ વ્યવસાયનો વિષય પણ છે. આ અભ્યાસના એક અંતર્ગત અંશ રૂપે અને આ વ્યવસાયના આ વ્યવસ્થિત ભાગ રૂપે મને અંગ્રેજી છંદોનું અને એમાંયે મુખ્યત્વે બ્લેંક વર્સનું પૃથક્કરણ (scansion) કરવા-કરાવવાનો તથા લૉંગ પ્લેઇંગ રેકોર્ડ્ઝ પર વારંવાર કેટલાક ઉત્તમ અંગ્રેજ નટો તથા પાઠકોના કંઠે કેટલાંક ઉત્તમ અંગ્રેજી પદ્યનાટકો તથા કાવ્યોના બ્લેંક વર્સના પઠનનું શ્રવણ કરવાનો અંગત અનુભવ છે. અને એથી અંગ્રેજી બ્લેંક વર્સ સાથે મારે કંઈક નિકટનો સંબંધ છે. એના વ્યક્તિત્વનો, એની પ્રતિભાનો મને કંઈક વ્યાપક અને પ્રત્યક્ષ પરિચય છે. આ પશ્ચાત્‌ભૂમિકામાંથી આજ લગીમાં મને ગુજરાતી કવિતાના પ્રવાહી પદ્ય પર પાંચેક વાર વાંચવા-લખવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે. પ્રથમ વાર ૧૯૫૨માં બલવંતરાયને અંજલિ રૂપે ‘કવિતાનું સંગીત’ એ વિષય પર આ નાનકડો નિબંધ લખ્યો હતો એ નિમિત્તે, બીજી વાર ૧૯૭૫માં કલકત્તામાં જાણે કે એ નિબંધના અનુસંધાનમાં ‘કવિતાનું સંગીત’ એ વિષય પર અનેક પ્રસિદ્ધ ગુજરાતી કાવ્યોના પઠન સહિત ચાર વ્યાખ્યાનો આપ્યાં હતાં એ નિમિત્તે, ત્રીજી વાર ૧૯૭૬માં ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ — ગ્રંથ ૩’માં ‘બલવંતરાયની કવિતા’ એ વિષય પર એક પ્રકરણ લખ્યું હતું એ નિમિત્તે, ચોથી વાર ૧૯૭૭માં અમદાવાદમાં સાહિત્ય અકાદમીના ઉપક્રમે ન્હાનાલાલ જન્મશતાબ્દી મહોત્સવમાં ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં મુક્ત છંદ, ગદ્યકાવ્ય અને અન્ય છંદોપ્રયોગો’ એ વિષય પર કેટલાંક પ્રસિદ્ધ ગુજરાતી કાવ્યોના પઠન સહિત અંગ્રેજીમાં આ નિબંધ વાંચ્યો હતો એ નિમિત્તે અને પાંચમી વાર ૧૯૭૮માં મુંબઇમાં “આરોહણ’નો રસાસ્વાદ એ વિષય પર ‘આરોહણ’ના પઠન સહિત એક વ્યાખ્યાન આપ્યું હતું એ નિમિત્તે. આજે ‘કવિલોક’ના આ પ્રયોગ વિશેષાંકને નિમિત્તે એક વધુ પ્રસંગ પ્રાપ્ત થાય છે. પૂર્વે પ્રવાહી પદ્ય પર જે કંઈ લખ્યું છે એમાંથી મોટા ભાગનું લખાણ પ્રગટ થયું છે, બાકીનું યથાસમયે પ્રગટ થશે. એમાંથી કશાનું અહીં પુનરાવર્તન નહિ કરું. અહીં તો માત્ર એમાં પૂર્તિ રૂપે કેટલાક મુદ્દાઓ અને સૂચનો જ રજૂ કરીશ. પ્રવાહી પદ્ય એ અર્વાચીન ગુજરાતી કવિની સર્જકપ્રતિભાને મોટામાં મોટું આહ્વાન છે. પ્રવાહી પદ્ય એ અર્વાચીન ગુજરાતી કવિનો મહાનમાં મહાન પ્રયોગ છે. અંગ્રેજી કવિતા અને અંગ્રેજી બ્લેંક વર્સ એ આ આહ્વાન અને આ પ્રયોગની પ્રેરણા છે. આ આહ્વાન અને આ પ્રયોગના યોગ્ય અને યથાર્થ મૂલ્યાંકન માટે અંગ્રેજી બ્લેંક વર્સ અને એની પૂર્વભૂમિકાનો પરિચય આવશ્યક છે. પ્રાચીન (ઈ.સ. ૫૦૦–ઈ.સ. ૧૧૦૦) અંગ્રેજી કવિતા પર ડેનિશ આક્રમણ પછી જર્મેનિક અસર હતી. આ કવિતા મુખ્યત્વે ગવાતી હતી. એના પિંગળમાં જર્મેનિક પિંગળમાં જેનું વર્ચસ્ હતું તે અનુપ્રાસની અસરમાં મુખ્ય અને મહત્ત્વનો છંદ અનુપ્રાસયુક્ત છંદ (alliterative metre) હતો. એમાં પ્રત્યેક પંક્તિમાં સ્વરભારયુક્તશ્રુતિ (accented syllable)નું નિયંત્રણ છે, પણ સ્વરભારમુક્ત શ્રુતિ (unaccented syllable)નું નિયંત્રણ નથી. પ્રત્યેક પંક્તિમાં ચાર સ્વરભારયુક્ત શ્રુતિ છે, પણ પંક્તિએ પંક્તિએ ભિન્નભિન્ન સંખ્યાની સ્વરભારમુક્ત શ્રુતિ છે. એથી આ પિંગળ એ સ્વરભારયુક્ત પિંગળ — accentual prosody — છે. પ્રત્યેક પંક્તિમાં ચાર સ્વરભારયુક્ત શ્રુતિમાંથી ઓછામાં ઓછી ત્રણ શ્રુતિમાં અનુપ્રાસ (alliteation) છે, પણ અંત્યપ્રાસ (rhyme) નથી. પ્રત્યેક પંક્તિમાં બે સ્વરભાર પછી એટલે કે પંક્તિના મધ્યભાગમાં એક મધ્યયતિ (caesura) છે, પણ અંત્યયતિ (end-pause) નથી. એથી એમાં અર્થ-પ્રવહણ (run-on, overflow, enjambement) છે. વાક્યનો આરંભ અને અંત પંક્તિમાં યથેચ્છ શક્ય છે. વાક્યનો આરંભ પંક્તિના આરંભે અને વાક્યનો અંત પંક્તિના અંતે અનિવાર્ય નથી. એથી એમાં મહાવાક્ય (period) શક્ય છે. આમ, એમાં અંત્યપ્રાસ નથી, અંત્યયતિ નથી અને મહાવાક્ય શક્ય છે એથી એમાં શ્લોક નથી પણ વાક્યોચ્ચય (verse-paragraph) છે. આમ, એમાં ‘બીવુલ્ફ’ આદિ તે સમયનાં ગેય ‘મહાકાવ્ય’ — વીરરસકાવ્ય માટે પર્યાપ્ત એવું પ્રવાહી પદ્ય છે. એનું પઠન થતું ન હતું, એ ગવાતું હતું અને એમાં મધ્યયતિ છે એથી એમાં બ્લેંક વર્સ જેવું અને જેટલું પ્રવાહી પદ્ય નથી, પણ એમાં મર્યાદિત પ્રમાણનું પ્રવાહી પદ્ય તો છે જ. બ્લેંક વર્સ સાથે એનું અત્યંત સામ્ય છે. મધ્યકાલીન (ઈ.સ. ૧૧૦૦ — ઈસ. ૧૫૦૦) અંગ્રેજી કવિતા પર નૉર્મન આક્રમણ પછી ફ્રેન્ચ અસર હતી. આ કવિતા પણ મુખ્યત્વે ગવાતી હતી. એના પિંગળમાં ફ્રેન્ચ પિંગળમાં જેનું વર્ચસ્ હતું તે પ્રાસયુક્ત અષ્ટશ્રુતિયુક્ત છંદ (octosyllable) અને પ્રાસયુક્ત દશશ્રુતિયુક્ત છંદ (decasyllable)ની અસરમાં ચતુઃસંધિયુક્ત યુગ્મ (four-foot couplet) અને પંચસંધિયુક્ત યુગ્મ (five-foot couplet) એ બે મુખ્ય અને મહત્ત્વનાં યુગ્મબદ્ધ સ્વરૂપો હતાં. આ સંધિ એટલે એક સ્વરભારમુક્ત શ્રુતિ પછી આ સ્વરભારયુક્ત શ્રુતિ એમ કુલ બે શ્રુતિની આયંબિક સંધિ. અનુપ્રાસયુક્ત છંદમાં પ્રત્યેક પંક્તિમાં જે ચાર સ્વરભારયુક્ત શ્રુતિનું નિયંત્રણ છે એનો સ્વીકાર, પણ એમાં પ્રત્યેક પંક્તિમાં જે સ્વરભારયુક્ત શ્રુતિનું નિયંત્રણ નથી એનો અસ્વીકાર અને એને સ્થાને ચાર સ્વરભારયુક્ત શ્રુતિ સાથે સમતોલન માટે અનુરૂપ એવું ચાર સ્વરભારમુક્ત શ્રુતિનું નિયંત્રણ; એથી હવે આ પિંગળ એ સ્વરભારયુક્ત-શ્રુતિયુક્ત પિંગળ — accentual-syllabic prosody છે. પરિણામે એમાં અવરોહયુક્ત કૃતક-ટ્રૉકેઈક સંધિને સ્થાને તે સમયે અંગ્રેજી ભાષામાં અને એના ઉચ્ચારણમાં જે પરિવર્તન થયું હતું તેને અનુકૂળ એવી આરોહયુક્ત ચાર આયંબિક સંધિ; અનુપ્રાસનો અને મધ્યયતિનો અસ્વીકાર અને એને સ્થાને અંત્યપ્રાસનો સ્વીકાર; સાથે સાથે ફ્રેન્ચ અષ્ટશ્રુતિયુક્ત છંદની અસર — સરવાળે અંગ્રેજીમાં ચતુ:સંધિયુક્ત યુગ્મ સિદ્ધ થયું. કાલાક્રમે એના જ અનુસંધાનમાં એનું ચાર સંધિનું કદ અપર્યાપ્ત હોય એથી વિલંબન, એમાં એક સંધિની વૃદ્ધિ, સાથે સાથે ફ્રેન્ચ દશશ્રુતિયુક્ત છંદની અસર — સરવાળે ચૉસર આદિએ અંગ્રેજીમાં પંચસંધિયુક્ત યુગ્મ સિદ્ધ કર્યું. આ બન્ને પ્રકારનાં યુગ્મોમાં પ્રાસ છે. એ એકમાત્ર કારણથી એમાં મર્યાદિત પ્રમાણનું અર્થપ્રવહણ છે, પણ મહાવાક્ય નથી; એમાં શ્લોક છે, પણ વાક્યોચ્ચય નથી. આમ, એમાં પ્રવાહી પદ્ય નથી. અર્વાચીન (ઈ.સ. ૧૫૦૦થી આજ લગી) અંગ્રેજી કવિતા પર યુરોપના પુનરુત્થાન(renaissance)ની, એક મહાન બૌદ્ધિક ક્રાંતિની અસર છે. આ કવિતા ગવાતી નથી. પદ્યનાટક, મહાકાવ્ય, સુદીર્ઘ કાવ્ય, ચિન્તેનોર્મિકાવ્ય કથનોર્મિકાવ્ય નાટ્યોર્મિકાવ્યનું પઠન થાય છે એટલું જ નહીં પણ ૧૬મી સદીના અંતમાં બેન જૉન્સનનાં ઊર્મિકાવ્યોનું અને ૧૭મી સદીના આરંભમાં જ્હૉન ડન આદિની મેટાફિઝિકલ કવિતાનું સર્જન થયું પછી તો ઊર્મિકાવ્યનું પણ પઠન થાય છે. આરંભમાં ગ્રીક અને લૅટિન પિંગળની અસરમાં ક્લાસિકલ એવો પ્રાસરહિત પણ લગાત્મક (ક્વૉન્ટિટેટિવ) ષટ્સંધિયુક્ત છંદ (hexameter) સિદ્ધ કરવાનો પ્રયોગ થયો. પણ આ પ્રયોગ નિષ્ફળ ગયો. અંગ્રેજી ભાષામાં તીવ્ર સ્વરભાર (accent) છે. અંગ્રેજી ભાષાના લયમાં આરોહ છે. એથી આયંબિક લય એ અંગ્રેજી ભાષાનો સહજ, સરલ, સ્વાભાવિક લય છે. આયંબીક સંધિનાં ચાર કે પાંચ આવર્તનોની પંક્તિ એ અંગ્રેજી કવિતામાં સૌથી વધુ અનુકૂળ કદની — નહિ બહુ લાંબી નહિ બહુ ટૂંકી એવી — પંક્તિ છે, આ કારણે એ પ્રયોગ નિષ્ફળ ગયો. પણ આ જ કારણે જ્યારે ૧૫૪૦માં હેન્રી હાવર્ડ, અર્લ ઑફ સરેને લૅટિન મહાકવિ વર્જિલના મહાકાવ્ય ‘ઇનીડ’ (Aeneid)- નો — ‘ઇનીડ’ના બાર સર્ગ (liber)માંથી બે સર્ગનો, દ્વિતીય અને ચતુર્થ સર્ગનો — અનુવાદ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે એનો બ્લેંક વર્સનો પ્રયોગ સફળ થયો. હાર્વી આદિ સમકાલીન અંગ્રેજ કવિઓના પૂર્વોક્ત ષટ્સંધિયુક્ત છંદની અનુકરણશીલતા પ્રત્યેના અને પ્રાચીન અંગ્રેજી કવિઓના પૂર્વોક્ત અનુપ્રાસયુક્ત છંદની અરાજકતા પ્રત્યેના અણગમાને કારણે અને સમકાલીન ઇટાલિયન કવિ મોલ્ઝાએ ૧૫૩૯માં વેનિસમાં ઇટાલિયન ભાષામાં ‘ઇનીડ’નો અનુવાદ જે પ્રાસરહિત એકાદશ્રુતિયુક્ત છંદ — (unrhymed hendecasyllable)-પ્રવાહી પદ્ય વેર્સિ સ્કિઓલ્તિ (versi sciolti)માં પ્રસિદ્ધ કર્યો હતો એની પ્રશિષ્ટતા અને પ્રવાહિતા પ્રત્યેના આકર્ષણને કારણે એણે ચૉસર આદિએ જે પંચસંધિયુક્ત યુગ્મ સિદ્ધ કર્યું હતું એને પ્રાસમુક્ત કર્યું અને પ્રાસરહિત પાંચ આયંબિક સંધિની પંક્તિ — unrhymed iambic pentameter — માં બ્લેંક વર્સ સિદ્ધ કર્યો. આ છે ટૂંકમાં અંગ્રેજી બ્લેંક વર્સની પૂર્વભૂમિકા. આમ, એક પ્રશિષ્ટ મહાકાવ્યના અનુવાદ અર્થે અંગ્રેજી બ્લેંક વર્સનો જન્મ થયો છે. જે પૂર્વોક્ત કારણે બ્લેંક વર્સનો પ્રયોગ સફળ થયો એ જ કારણે અંગ્રેજી ભાષાની બેતૃતિયાંશ કવિતા અને સર્વશ્રેષ્ઠ કવિતા બ્લેંક વર્સમાં છે. અંગ્રેજી બ્લેંક વર્સ એ આ મહાન બૌદ્ધિક ક્રાંતિની સરજત છે. એથી એમાં માનવચિત્તની એકેએક ગતિ-વિધિને અનુકૂળ અર્થ અને ભાવના એકેએક આરોહ-અવરોહને અનુરૂપ એવી મુક્તિ અને મોકળાશ છે, એવી પ્રવાહિતા છે. અંગ્રેજી ભાષાના ત્રણે ઉત્તમ કવિઓ શેક્‌સ્પિયર, મિલ્ટન અને વર્ડ્ઝવર્થની કવિતા અને ત્રણે પ્રકારની ઉત્તમ કવિતા- પદ્યનાટકમાં, મહાકાવ્ય અને ચિન્તનોર્મિકાવ્ય બ્લેંક વર્સમાં છે. શેક્‌સ્પિયરનાં પદ્યનાટકોમાં, મિલ્ટનના મહાકાવ્ય ‘પૅરેડાઇઝ લૉસ્ટ’માં, વર્ડ્ઝવર્થના સુદીર્ઘ કાવ્ય ‘ધ પ્રીલ્યુડ’માં અને ચિન્તનોર્મિકાવ્ય ‘ટિન્ટર્ન એબી’માં તથા ટેનીસન અને બ્રાઉનિંગનાં લઘુમધ્યમ કદનાં નાટ્યોર્મિકાવ્યોમાં બ્લેંક વર્સની શ્રીમત્તા અને ઊર્જિતતા પ્રગટ થાય છે. અલબત્ત અગેયતા પ્રાસરહિતત્ત્વ, યતિસ્વાતંત્ર્યસહિતત્વ, અર્થપ્રવહણ મહાવાક્ય, વાક્યોચ્ચય અને વિપુલ ગણવિકલ્પ — આ અંગ્રેજી બ્લેંક વર્સનાં મુખ્ય લક્ષણો છે. આ લક્ષણોને કારણે અંગ્રેજી બ્લેંક વર્સ એ જગતકવિતામાં સર્વશ્રેષ્ટ પ્રવાહી પદ્ય છે. અર્વાચીન ગુજરાતી કવિઓમાં એકમાત્ર બલવંતરાયને જ ગુજરાતીમાં મિલ્ટનની પરંપરાનું મહાકાવ્ય સિદ્ધ કરવાની મહત્ત્વાકાંક્ષા હતી. એથી એમણે ગુજરાતીમાં અંગ્રેજી બ્લેંક વર્સ જેવું પ્રવાહી પદ્ય સિદ્ધ કરવાનો સર્વપ્રથમ પ્રયોગ કર્યો છે. અને અહીં મારે એ પણ તરત જ ઉમેરવું જોઈએ કે સર્વશ્રેષ્ઠ પ્રયોગ કર્યો છે. બલવંતરાયમાં મહકવિની પ્રતિભા ન હતી, પણ એક મહાન ઊર્મિકવિની પ્રતિભા તો હતી જ. એથી એમણે ગુજરાતીમાં મિલ્ટનની પરંપરાનું મહાકાવ્ય તો સિદ્ધ ન કર્યું પણ વર્ડ્ઝવર્થની પરંપરાનું ચિન્તનોર્મિકાવ્ય તથા સૉનેટ, ઓડ આદિ લઘુમધ્યમ કદનું ચિન્તનોર્મિકાવ્ય તો સિદ્ધ કર્યું જ. એમણે પૃથ્વીમાં ગુજરાતીમાં અંગ્રેજી બ્લેંક વર્સ જેવું પ્રવાહી પદ્ય તો સિદ્ધ ન કર્યું પણ લઘુમધ્યમ કદના ચિન્તનોર્મિકાવ્ય માટે પર્યાપ્ત એવું પ્રવાહી પદ્ય તો સિદ્ધ કર્યું જ. ત્યાર પછી અનુકાલીન કવિઓમાં રામનારાયણ, સુન્દરમ્ અને ઉમાશંકરે બલવંતરાયના પ્રવાહી પદ્યની પરંપરામાં સવિશેષ પ્રયોગ કર્યો અને પ્રવાહી પદ્યને વધુ સધ્ધર અને સમૃદ્ધ કર્યું છે. આ અનુકાલીન કવિઓમાં એકમાત્ર ઉમાશંકરને જ ગુજરાતીમાં પદ્યનાટક — શેક્‌સ્પિયર આદિની અંગ્રેજી પદ્યનાટકની પરંપરાનું પદ્યનાટક — સિદ્ધ કરવાની મહત્ત્વાકાંક્ષા છે. એથી એમણે ગુજરાતીમાં પદ્યનાટકને માટે પર્યાપ્ત એવું પ્રવાહી પદ્ય સિદ્ધ કરવાનો પ્રયોગ કર્યો છે. એથી દૂર અ-દૂરના ભવિષ્યમાં ગુજરાતી પદ્યનાટક અને એને માટે પર્યાપ્ત એવું પ્રવાહી પદ્ય — અલબત્ત, હજી અનેક વિશેષ પ્રયોગ પછી — સિદ્ધ થશે એવી આશા અવશ્ય પ્રગટે છે બલવંતરાયે ગુજરાતીમાં પ્રવાહી પદ્ય સિદ્ધ કરવાનો સર્વપ્રથમ પ્રયોગ કર્યો એટલું જ નહિ પણ એમણે ગુજરાતીમાં પ્રવાહી પદ્ય વિશે સર્વપ્રથમ તાત્ત્વિક વિવેચન પણ કર્યું છે, અને અહીં મારે એ પણ તરત જ ઉમેરવું જોઈએ કે સર્વશ્રેષ્ઠ તાત્ત્વિક વિવેચન કર્યું છે. એમણે ૧૯૧૭માં ‘ભણકારમાં આરંભે શુદ્ધ (અગેય) પદ્ય’ એ શીર્ષકથી જે લઘુનિબંધ પ્રગટ કર્યો તે ગુજરાતીમાં પ્રવાહી પદ્ય વિશે સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ તાત્ત્વિક વિવેચન છે. ત્યાર પછી રામનારાયણે ૧૯૩૩માં ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’માં પ્રવાહી પદ્ય વિશે વધુ વિગતથી અને વધુ વિસ્તારથી, વધુ દાખલા-દલીલો સાથે અને વધુ ઐતિહાસિક ભૂમિકા સાથે એવું જ તાત્ત્વિક વિવેચન કર્યું છે. આ બે વિવેચનોમાં પૃથ્વીમાં યતિસ્વાતંત્ર્ય શક્ય છે અને એથી પ્રવાહી પદ્ય શક્ય છે એ વિશે સહમતી છે. પણ પૃથ્વીમાં યતિસ્વાતંત્ર્યની બે વિગતો — સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય અને સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય — વિશે મતભેદ છે, એટલે કે પૃથ્વીમાં કેવું અને કેટલું યતિસ્વાતંત્ર્ય શક્ય છે, કેવું અને કેટલું પ્રવાહી પદ્ય શક્ય છે એ વિશે મતભેદ છે. બલવંતરાય જેમાં અર્થપ્રવાહની આશા પ્રમાણે પંક્તિમાં ગમે તે શ્રુતિએ યથેચ્છ યતિ આવે, વળી એકથી વિશેષ બે, ત્રણ, ચાર યતિ પણ આવે એવી એકવીસ પંક્તિઓનાં ઉદાહરણોથી પૃથ્વીમાં સંપૂર્ણ મધ્યયતિ- સ્વાતંત્ર્ય શક્ય છે એ સ્પષ્ટ કરે છે. અને પછી જેમાં પંક્તિને અંતે છંદવિરામ આવે ત્યાં કોઈ પણ પ્રકારનો — પૂર્ણ, અર્ધ કે અલ્પ — અર્થવિરામ ન આવે એવી ચાર પંક્તિઓના ઉદાહરણોથી પૃથ્વીમાં ‘પંક્તિના અંતની યતિ સૌથી વધારે દૃઢ અને દીર્ઘ એ નિયમ સામાન્ય રીતે જ પળાય છે; એક આવશ્યક નિયમ તરીકે નહિ. અને અપવાદરૂપ પંક્તિઓ વિરલ નહિ પણ છૂટથી આવે છે. તેમાં કેટલીક વાર એમ પણ બને છે કે પંક્તિના અંતની યતિ છેક અછડતી કે નહિ જેવી થઈ જાય છે.’ એવું વિધાન કરે છે એમાં, પૃથ્વીમાં યતિસ્વાતંત્ર્ય વિશેની એમની સમગ્ર ચર્ચાવિચારણાના સંદર્ભમાં, પૃથ્વીમાં મધ્યયતિસ્વાતંત્ર્ય જેવું અને જેટલું જ અંત્યયતિસ્વાતંત્ર્ય એટલે કે સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય છે એવું એમનું સૂચન છે. રામનારાયણ બલવંતરાયના જ ઉદાહરણોનું સ્મરણ કરી-કરાવીને ‘તેની પંક્તિમાં ગમે ત્યાં યતિ મૂકી શકાય છે.’ એવું વિધાન કરે છે એમાં પૃથ્વીમાં સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય શક્ય છે એ સ્પષ્ટ કરે છે. પણ પછી ‘એની પંક્તિમાં પિંગલનો યતિ નથી એ સાચું, એની પંક્તિની અંદર યતિ રમી શકે એ સાચું, પણ એની પંક્તિના અંતનો યતિ તદ્દન ઉડાવી દેવાય એમ હું માનતો નથી.’ એવું વિધાન કરે છે એમાં પૃથ્વીમાં મધ્યયતિસ્વાતંત્ર્ય જેવું અને જેટલું જ અંત્યયતિસ્વાતંત્ર્ય એટલે કે સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય નથી એવું એમનું સૂચન છે. અને પછી બલવંતરાયના પૂર્વોક્ત વિધાનનું અવતરણ આપીને ‘પ્રો. ઠાકોરે પણ અંત્ય યતિ સર્વથા ઉડાવી શકાય એવો દાવો કર્યો નથી’ એવું વિધાન કરે છે અને પછી ‘અર્થાત્ અંત્ય યતિ તદ્દન ઉડાવી શકાતો નથી.’ એવું પુનરુચ્ચારણ કરે છે. અલબત્ત, બલવંતરાયે અહીં પૃથ્વીમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય છે એવો દાવો કર્યો નથી, પણ હમણાં જ કહ્યું તેમ, એવું એમનું સૂચન છે. રામનારાયણે પણ અહીં, અલબત્ત, પૃથ્વીમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય નથી એવો દાવો કર્યો નથી, એવું એમનું સૂચન છે. રામનારાયણ આ સૂચન પછી તરત જ ‘પિંગલનાં સંસ્કૃત વૃત્તો સામાન્ય રીતે ચાર ચરણનાં ગણાય છે, પંરતુ પિંગલના એવા કેટલાક નિયમો છે જેથી એમ પણ કહી શકાય કે એ બધાં વૃત્તો દ્વિદલ છે; એટલે કે ચતુષ્પદ નહિ પણ દ્વિપદ છે.’ એવું સ્મરણ કરી-કરાવીને ‘આ રીતે જૂના પૃથ્વીમાં પણ બે પંક્તિ ભેગી બોલાઈ શકાતી અને આપણી પૃથ્વીમાં પણ એવી રીતે એક પંક્તિ અંતની યતિ વિના બીજી જોડે અર્થવેગથી સાંધી શકાય. પણ બે પંક્તિથી વધારે દૂર હું ધારું છું ન જઈ શકાય.’ એવું વિધાન કરે છે એમાં એમના પૂર્વોક્ત સૂચનનો પુનર્વિચાર કરે છે અને એમાં પૃથ્વીમાં એકસાથે એક પંક્તિમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય છે પણ પૃથ્વીમાં એકસાથે એકથી વધુ પંક્તિઓમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય નથી એવું એમનું એક નવું સૂચન છે. જોકે બલવંતરાયે ૧૯૪૬માં ‘કવિતાશિક્ષણ’ની બીજી આવૃત્તિમાં અંતે ‘શુદ્ધ (અગેય) પદ્ય’નું પુનર્મુદ્રણ કર્યું છે. એમાં ચાર પંક્તિઓનાં ઉદાહરણો પછી તરત જ ‘અને આમ પંક્તિ છેડે યતિ છેક ઊડી પણ જાય, અને બે પાસે પાસેની પંક્તિઓ સંધાઈ જઈ રચના પરંપરિત અથવા પ્રવાહની સળંગતાવાળી બને.’ એવું નવું વિધાન ઉમેર્યું છે. સ્પષ્ટ જ છે કે રામનારાયણે ૧૯૩૩માં જે વિધાન કર્યું તે બલવંતરાયે વાંચ્યું જ હોય. એટલેસ્તો બલવંતરાયે રામનારાયણના જ વિધાનમાંના કેટલાક શબ્દો દ્વારા આ નવું વિધાન ઉમેર્યું છે. એથી જાણે બલવંતરાયનું આ નવું વિધાન એ રામનારાયણના વિધાનના પ્રત્યુત્તર રૂપે, પ્રતિકાર રૂપે ન હોય! એમાં તો બલવંતરાયે પૃથ્વીમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય છે એવો દાવો જ કર્યો છે. જોકે એમણે પૃથ્વીમાં એકસાથે એકથી વધુ પંક્તિઓમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય છે એવો દાવો કર્યો નથી, એવું સૂચન કે વિધાન પણ કર્યું નથી. પણ એમણે ૧૯૧૭માં ‘ભણકાર’માં પૃથ્વીમાં એકસાથે બે પંક્તિઓમાં પાંચ વાર અને એકસાથે ત્રણ પંક્તિઓમાં એક વાર સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય સિદ્ધ, અલબત્ત, કર્યું છે. પણ રામનારાયણે ૧૯૫૫માં ‘બૃહત્ પિંગલમાં પણ ‘...કોઈ પણ અનાવૃત્ત સંધિ વૃત્તને સળંગ કરતાં મુશ્કેલી એ આવે છે કે એના સંવાદનું એકમ પંક્તિના આદિથી શરૂ થઈ અંતે યતિ આવે છે ત્યાં પૂરું થાય છે... વૃત્તોની રચનામાં મેળનું એકમ વ્યક્ત થવા પંક્તિનો અંત વ્યક્ત થવો જ જોઈએ. વૃત્તોમાં...ખરો વિરામ શ્લોકાર્ધ એટલે બે પંક્તિએ આવે છે એટલે સામાન્ય રીતે વૃત્તોની પંક્તિઓ બે સુધી સળંગ કરી શકાય એવું’ વિધાન કર્યું છે. એમાં એમણે ૧૯૩૩માં જે પૂર્વોક્ત વિધાન કર્યું એનું જ પુનરુચ્ચારણ છે. એમાં પણ પૃથ્વીમાં એકસાથે આ પંક્તિમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય છે પણ પૃથ્વીમાં એકસાથે એકથી વધુ પંક્તિઓમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય નથી એવું એમનું પુનશ્ચ સૂચન છે બલવંતરાય જેમ પૃથ્વીમાં યથેચ્છ મધ્યયતિ અને યથેચ્છ અંત્યયતિ એટલે કે સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય અને સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય છે એ સ્પષ્ટ કરે છે તેમ જ એના જ અનુસંધાનમાં, એના જ અનિવાર્ય પરિણામ રૂપે ‘વાક્યાન્ત, શ્લોકાર્ધને અન્તે કે પંક્તિને અન્તે જ આવે એવી કશી આવશ્યકતા નથી. અર્થ અને ભાવના વહન પ્રમાણે વાક્યાન્ત જ્યાં આવવાનો હોય ત્યાં ભલે આવે.’ એવું વિધાન કરે છે એમાં પૃથ્વીમાં યથેચ્છ વાક્યાન્ત એટલે કે સંપૂર્ણ વાક્યાન્તસ્વાતંત્ર્ય શક્ય છે અન્ય શબ્દોમાં કહેવું હોય તો પૃથ્વીમાં મહાવાક્ય (period) અને વાક્યોચ્ચય (વાક્યકલાપ પરિચ્છેદ, paragraph) શક્ય છે એ સ્પષ્ટ કરે છે. અલબત્ત, એમણે ઉદાહરણો — ૧૯૪૫માં પૂર્વોક્ત પુનર્મુદ્રણ કર્યું ત્યારે પાદટીપરૂપે ઉમેર્યું છે ‘મૂલ નિબંધ લખતાં આવાં દાખલા પણ અહીં મૂકવા તારવેલા, પરંતુ ટૂંકાણ માટે નિબંધને છેવટનું રૂપ આપ્યું ત્યારે છોડી દીધા. તે કારણે — આપ્યાં નથી, પણ ‘ભણકાર’(૧૯૧૭)માં એનાં કેટલાંક ઉદાહરણો છે. રામનારાયણ જેમ પૃથ્વીમાં એકસાથે આ પંક્તિમાં સંપૂર્ણ અંત્યયતિ- સ્વાતંત્ર્ય શક્ય છે પણ પૃથ્વીમાં એકસાથે એકથી વધુ પંક્તિઓમાં સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય શક્ય નથી એવું સૂચન કરે છે તેમ જ એના અનુસંધાનમાં, એના જ અનિવાર્ય પરિણામ રૂપે ‘જોકે વાક્યો એક પંક્તિમાંથી વહી બીજીમાં જઈ શકે છે, અને વાક્યનાં અર્થવિરામો પંક્તિમાં ગમે ત્યાં લાવીને પાઠ થઈ શકે છે, છતાં પંક્તિ વચ્ચે જ્યાંથી વાક્ય શરૂ થતું હોય ત્યાંથી જ ઉપાડી તેનો પાઠ શરૂ કરી શકાતો નથી...પૃથ્વીનો સંવાદ પંક્તિને શરૂથી અંત સુધી વાંચો તો જ અખંડ રહે છે. વચમાંથી ઉપાડી બીજી પંક્તિની વચમાં છોડી દો તો તે પંક્તિ સંવાદ વિનાની રહેશે... વાક્ય સ્વતંત્ર બોલવું હશે તો એમાં સંવાદ નહિ આવે. સંવાદ લાવવો હશે તો આગલો ભાગ મનમાં જોડીને પછી લાવી શકાશે. એટલે પૃથ્વીમાં ત્રણ-ચાર પંક્તિને અંતરે વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવું જ પડશે. નહિતર પઠન સ્ખલિત થશે અને ઘણીવાર વાંચનાર પઠનના મૂળ સંવાદથી ભૂલો પડી જશે.’ એવું વિધાન કરે છે એમાં પૃથ્વીમાં પંક્તિની વચમાં વાક્યનો અર્ધવિરામ કે અલ્પવિરામ જ શક્ય છે, પૂર્ણવિરામ શક્ય નથી, અન્ય શબ્દોમાં કહેવું હોય તો પૃથ્વીમાં મધ્યયતિસ્વાતંત્ર્ય વાક્યના અર્ધવિરામ કે અલ્પવિરામમાં સીમિત છે. પૃથ્વીમાં વાક્યના પૂર્ણવિરામ દ્વારા મધ્યયતિસ્વાતંત્ર્ય શક્ય નથી, એટલે કે યથેચ્છ વાક્યાન્ત, સંપૂર્ણ વાક્યાન્તસ્વાતંત્ર્ય શક્ય નથી. પૃથ્વીમાં યથેચ્છ મધ્યયતિ, સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય શક્ય નથી એવું એમનું સૂચન છે. વળી એમાં પૃથ્વીમાં ત્રણ-ચાર પંક્તિઓનું જ વાક્ય શક્ય છે, ત્રણ-ચારથી વધુ પંક્તિઓનું વાક્ય શક્ય નથી એટલે કે મહાવાક્ય શક્ય નથી એવું પણ એમનું સૂચન છે. રામનારાયણે અંગ્રેજી બ્લેંક વર્સના સંદર્ભમાં (અને બલવંતરાયે અંત્યયતિસ્વાતંત્ર્ય અંગે જે ચાર પંક્તિઓનાં ઉદાહરણો આપ્યાં હતાં એમાંની જ એક પંક્તિના ઉદાહરણથી) આ વિધાન કર્યું છે. અંગ્રેજી બ્લેંક વર્સની પંક્તિમાં એટલે કે આયંબિક પૅન્ટામીટરમાં, એનું નામ સૂચવે છે તેમ, એક નિશ્ચિત સંધિ (બીજ, લયએકમ, unit)-આયંબનાં પાંચ આવર્તનો છે. એથી ગુજરાતી પિંગલની પરિભાષામાં કહેવું હોય તો એ આવૃત્તસંધિ વૃત્ત છે. એથી એમાં ‘ગમે ત્યાંથી વાક્ય ઉપાડી પાઠ કરો તો પણ તેનો સંવાદ એક જ તરેહનો હશે.’ એ સાચું. જ્યારે પૃથ્વીમાં કોઈ એક નિશ્ચિત સંધિનાં આવર્તનો નથી. એથી એ અનાવૃત્તસંધિ વૃત્ત છે. એમાં સમગ્ર પંક્તિ જ લયએકમ છે. એથી ‘પૃથ્વીનો સંવાદ પંક્તિને શરૂથી અંત સુધી વાંચો તો જ અખંડ રહે છે.’ એ સાચું પણ એ માત્ર સિદ્ધાંતમાં જ (in theory) સાચું. તર્ક તરીકે જ (notional) સાચું. ‘વાક્ય સ્વતંત્ર બોલવું હશે તો તેમાં સંવાદ નહિ આવે.’ એ સાચું. પણ વ્યવહારમાં, વાસ્તવમાં ક્યારેય આમ ‘પંક્તિ વચ્ચે જ્યાંથી વાક્ય શરૂ થતું હોય ત્યાંથી જ ઉપાડી તેનો પાઠ શરૂ કરવાની’ અને ‘વચમાંથી ઉપાડી બીજી પંક્તિની વચમાં છોડી દેવાની’ પરિસ્થિતિ ઉપસ્થિત થતી જ નથી; ક્યારેય આમ ‘વાક્ય સ્વતંત્ર બોલવાનો’ પ્રસંગ પ્રાપ્ત થતો જ નથી; કારણ કે જ્યારે કાવ્યનું પઠન થાય છે ત્યારે વચમાંથી કોઈ એકાદ વાક્યનું સ્વતંત્ર પઠન થતું જ નથી, સમગ્ર કાવ્યનું આદિથી અંત લગી સતત પઠન થાય છે. એથી ત્યારે કાવ્યમાં જે વાક્યનો આરંભ પંક્તિની વચમાં અને અંત પંક્તિની વચમાં થાય એ વાક્યની પૂર્વે અને એ વાક્યની પછી વાક્ય તો હોય જ છે. અને પૂર્વેના વાક્યનું પઠન થાય પછી જ પ્રસ્તુત વાક્યનું પઠન થાય છે. એથી વ્યવહારમાં, વાસ્તવમાં ‘સંવાદ લાવવો હશે તો આગલો ભાગ મનમાં જોડીને પછી જ લાવી શકાશે.’ એ સાચું નથી. કારણ કે ત્યારે સંવાદ અસ્તિત્વમાં હોય જ છે. અને પ્રસ્તુત વાક્યનું પઠન થાય પછી પણ તે પછીનું વાક્ય તો અસ્તિત્વમાં હોય જ છે. એથી વ્યવહારમાં, વાસ્તવમાં ‘વચમાંથી ઉપાડી બીજી પંક્તિની વચમાં છોડી દો તો તે પંક્તિ સંવાદ વિનાની રહેશે’ અને ‘પૃથ્વીમાં ત્રણ-ચાર પંક્તિને અંતરે વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવું જ પડશે. નહિતર પઠન સ્ખલિત થશે અને ઘણીવાર વાંચનાર પઠનના મૂળ સંવાદથી ભૂલો પડી જશે’ એ સાચું નથી. કારણ કે પછીનું વાક્ય અસ્તિત્વમાં હોય જ છે અને એનું પઠન થાય છે. એથી સંવાદ અસ્તિત્વમાં હોય જ છે. વ્યવહારમાં, વાસ્તવમાં એ એકમાત્ર કાવ્યના કે કાવ્યના કોઈ પણ પરિચ્છેદના પ્રથમ વાક્ય અને અંતિમ વાક્યના સંદર્ભમાં જ આ વિધાન સાચું છે. પણ કોઈપણ કવિ, શું પૃથ્વીમાં કે શું અંગ્રેજી બ્લેંક વર્સમાં, કાવ્યના કે કાવ્યના કોઈ પણ પરિચ્છેદના પ્રથમ વાક્યનો આરંભ અને અંતિમ વાક્યનો અંત પંક્તિની વચમાં ક્યાંય યોજતો નથી. અંગ્રેજી બ્લેંક વર્સ તો આવૃત્તસંધિ વૃત્ત છે છતાં પ્રત્યેક અંગ્રેજ કવિ — અંગ્રેજી બ્લેંક વર્સમાં સૌ પ્રકારનું અને સૌથી વધુ પ્રમાણનું સ્વાતંત્ર્ય સિદ્ધ કરનાર કવિ મિલ્ટન સુધ્ધાં — કાવ્યના કે કાવ્યના કોઈ પણ પરિચ્છેદના પ્રથમ વાક્યનો આરંભ પંક્તિના આરંભથી જ અને અંતિમ વાક્યનો અંત પંક્તિના અંતથી જ યોજે છે. આમ, રામનારાયણના આ વિધાનમાં અતિતર્ક અથવા તર્કનો અતિરેક છે. વળી, પૃથ્વીમાં વાક્યનો આરંભ અને અંત પંક્તિની વચમાં શક્ય નથી એવું એમનું સૂચન છે. એથી પૃથ્વીમાં વાક્યનો આરંભ પંક્તિના આરંભથી અને વાક્યનો અંત પંક્તિના અંતથી જ શક્ય છે એવું પણ એમાં એમનું સૂચન છે. એથી વાક્યનો અંત પંક્તિના અંતે એટલે કે ‘વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવું જ પડશે’ એ સતર્ક છે. પણ ‘ત્રણચાર પંક્તિને અંતરે’ જ કેમ? ત્રણચારથી વધુ પંક્તિઓને અંતરે કેમ નહિ? વાક્યાન્ત ચરણાનન્તે લાવી મૂકવું અનિવાર્ય છે. પણ ત્રણચાર પંક્તિને અંતરે વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવું અનિવાર્ય નથી. ત્રણચારથી વધુ પંક્તિઓને અંતરે પણ વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકી શકાય. એથી ‘એટલે પૃથ્વીમાં ત્રણચાર પંક્તિને અંતરે વાક્યાન્ત્ ચરણાન્તે લાવી મૂકવું જ પડશે.’ એ વિધાનમાં પણ અતર્ક અથવા તર્કનો અભાવ છે. એથી સ્તો બલવંતરાયે ૧૯૪૨માં ‘ભણકાર’માં ‘ટિપ્પણ’માં ‘આરોહણ’ પરના ટિપ્પણમાં, કાન્ત આદિ મિત્રો સાથેની બ્લેંક વર્સ તરીકે પૃથ્વીની યોગ્યતા વિશેની ચર્ચાવિચારણાનું સ્મરણ કરી-કરાવીને ‘પંક્તિના આરંભથી જ નહિ, પંક્તિમાં લગભગ ગમે તે સ્થાનના અક્ષરથી આરંભિયે તો પણ આગળ ચાલતા પૃથ્વીનો જ લય મળી રહે છે, આ વૃત્તમાં જ. ...છંદના લયને ઈજા વગર વિરમી પણ શકિયે લગભગ ગમે ત્યાં, એક પૃથ્વી વૃત્તમાં જ. વળી ગમે ત્યાં એટલે અર્થભાવાદિ માગી લે ત્યાં.’ એક એવું વિધાન કર્યું છે. એમાં એમણે ૧૯૧૭માં વાક્યાન્ત વિશે જે પૂર્વોક્ત વિધાન કર્યું છે એનું જ પુનરુચ્ચારણ છે. અહીં પણ સ્પષ્ટ જ છે કે રામનારાયણે ૧૯૩૩માં જે વિધાન કર્યું તે બલવંતરાયે વાંચ્યું જ હોય. એટલે સ્તો બલવંતરાયે રામનારાયણના જ વિધાનમાંના શબ્દ ‘સંવાદ’ના પાઠાન્તરે ‘લય’ શબ્દ દ્વારા આ પુનરુચ્ચારણ કર્યું છે. એથી જાણે બલવંતરાયનું આ પુનરુચ્ચારણ એ રામનારાયણના વિધાનના પ્રત્યુત્તર રૂપે, પ્રતિકાર રૂપે ન હોય! એમાં પણ પૃથ્વીમાં સંપૂર્ણ વાક્યાન્તસ્વાતંત્ર્ય શક્ય છે એ સ્પષ્ટ કર્યું છે. તો રામનારાયણે ૧૯૫૫માં ‘બૃહત્ પિંગલ’માં પણ ‘પૃથ્વીનો મેળ આવર્તનાત્મક નથી, તેમાં આદિ, મધ્ય અને અંત છે, એટલે તેમાં વાક્ય ગમે ત્યાંથી શરૂ કરી ગમે ત્યાં પૂરું કરતાં તેનો મેળ અખંડ આવી શકશે નહીં...એ મેળનું એકમ પંક્તિના આદિથી અંત સુધી બોલતાં જ વ્યક્ત થાય છે.’ એવું વિધાન કર્યું છે. એમાં એમણે ૧૯૩૩માં જે ઉદાહરણથી વાક્યાન્ત વિશે જે પૂર્વોક્ત વિધાન કર્યું છે એનું જ એ ઉદાહરણથી જ પુનરુચ્ચારણ કર્યું છે. એમાં પણ પૃથ્વીમાં યથેચ્છ વાક્યાન્ત, સંપૂર્ણ વાક્યાન્તસ્વાતંત્ર્ય શક્ય નથી, પૃથ્વીમાં યથેચ્છ મધ્યયતિ સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય શક્ય નથી એવું એમનું સૂચન છે. બલવંતરાય ૧૯૧૭માં ‘ભણકાર’માં ‘શુદ્ધ (અગેય) પદ્ય’માં પૃથ્વીમાં યથેચ્છ મધ્યયતિ, સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય યથેચ્છ અંત્યયતિ સંપૂર્ણ યતિસ્વાતંત્ર્ય યથેચ્છ વાક્યાન્ત, સંપૂર્ણ વાક્યાન્તસ્વાતંત્ર્ય અને મહાવાક્ય શક્ય છે એ સ્પષ્ટ કરે છે અને ૧૯૪૨માં ‘ભણકાર’માં ‘ટિપ્પણ’માં અને ૧૯૪૫માં ‘કવિતાશિક્ષણ’માં શુદ્ધ (અગેય) પદ્ય’ના પુનર્મુદ્રણમાં એનું પુનરુચ્ચારણ કરે છે. રામનારાયણ ૧૯૩૩માં ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’માં પૃથ્વીમાં મધ્યયતિ વાક્યના અર્ધવિરામ કે અલ્પવિરામમાં સીમિત છે, અંત્યયતિ એકસાથે એક પંક્તિમાં સીમિત છે, વાક્યાન્ત ચરણાન્તમાં સીમિત છે અને વાક્ય ત્રણચાર પંક્તિઓમાં સીમિત છે એથી પૃથ્વીમાં યથેચ્છ મધ્યયતિ સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય, યથેચ્છ અંત્યયતિ, સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય, યથેચ્છ વાક્યાન્ત, સંપૂર્ણ વાક્યાન્તસ્વાતંત્ર્ય અને મહાવાક્ય શક્ય નથી એવું સૂચન કરે છે અને ૧૯૫૫માં ‘બૃહત્ પિંગલ’માં એનું પુનરુચ્ચારણ કરે છે. આમ, બલવંતરાય અને રામનારાયણના વિવેચનમાં પૃથ્વીમાં યતિસ્વાતંત્ર્ય અને વાક્યાન્ત વિશે મતભેદ છે અને હંમેશનો મતભેદ છે. બલવંતરાયે ૧૯૧૭માં એમનું વિવેચન કર્યું ત્યારે એમની સમક્ષ ‘ભણકાર’માં પૃથ્વીમાં પોતાનાં અગિયાર કાવ્યોની ત્રણસો ને ત્રાણું પંક્તિઓ હતી. એમાંથી ત્રણ કાવ્યોમાં એમાંની બેતાલીસ પંક્તિઓમાં એકે પંક્તિમાં અંત્યયતિસ્વાતંત્ર્ય ન હતું. બાકીનાં આઠ કાવ્યોમાં એમાંની ત્રણસો ને એકાવન પંક્તિઓમાં પચાસ પંક્તિઓમાં એકસાથે એક પંક્તિમાં સાડત્રીસ વાર, એકસાથે બે પંક્તિઓમાં પાંચ વાર અને એકસાથે ત્રણ પંક્તિઓમાં એકવાર એમ ત્રેંતાલીસ વાર અંત્યયતિસ્વાતંત્ર્ય હતું. વળી એમાંથી ચાર કાવ્યોમાં એમાંની છપ્પન પંક્તિઓમાં ચારથી વધુ પંક્તિઓ પછી એક પણ વાર વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવામાં આવ્યો ન હતો. બાકીનાં સાત કાવ્યોમાં એમાંની ત્રણસો ને સાડત્રીસ પંક્તિઓમાં પાંચ પંક્તિઓ પછી પાંચ વાર, છ પંક્તિઓ પછી ચાર વાર, સાત પંક્તિઓ પછી બે વાર, આઠ પંક્તિઓ પછી બે વાર, અગિયાર પંક્તિઓ પછી એક વાર અને સોળ પંક્તિઓ પછી એક વાર એમ પંદર વાર ચારથી વધુ પંક્તિઓ પછી વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવામાં આવ્યો હતો. વળી એમાંના એક કાવ્યમાં એક વાર વાક્યનો આરંભ પંક્તિની વચમાં અને વાક્યનો અંત તે પછીની જ પંક્તિની વચમાં યોજ્યો હતો. પછી રામનારાયણે ૧૯૩૩માં એમનું વિવેચન કર્યું ત્યારે એમની સમક્ષ બલવંતરાયની આ પંક્તિઓ ઉપરાંત બલવંતરાયના ‘ભણકાર ધારા-ર’ (૧૯૨૮)માં પૃથ્વીમાં આઠ કાવ્યોની એક સો ને બાર પંક્તિઓ હતી. એમાંથી બે કાવ્યોમાં એમાંની અઠ્ઠાવીસ પંક્તિઓમાં એકે પંક્તિમાં અંત્યયતિસ્વાતંત્ર્ય ન હતું. બાકીનાં છ કાવ્યોમાં એમાંની ચોર્યાસી પંક્તિઓમાં પચીસ પંક્તિઓમાં એકસાથે એક પંક્તિમાં ત્રણ વાર, એકસાથે બે પંક્તિઓમાં આઠ વાર અને એકસાથે ત્રણ પંક્તિઓમાં બે વાર એમ તેર વાર અંત્યયતિસ્વાતંત્ર્ય હતું. વળી એમાં આ કાવ્યમાં એમાંની ચૌદ પંક્તિઓમાં ચારથી વધુ પંક્તિઓ પછી એક પણ વાર વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવામાં આવ્યો ન હતો. બાકીનાં સાત કાવ્યોમાં એમાંની અઠ્ઠાણું પંક્તિઓમાં પાંચ પંક્તિઓ પછી ત્રણ વાર, છ પંક્તિઓ પછી ચાર વાર અને આઠ પંક્તિઓ પછી એક વાર એમ આઠ વાર ચારથી વધુ પંક્તિઓ પછી વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવામાં આવ્યો હતો. એમાંના એકે કાવ્યમાં વાક્યનો આરંભ પંક્તિની વચમાં અને વાક્યનો અંત પછીની કોઈ પંક્તિની વચમાં યોજ્યો ન હતો. આ ઉપરાંત ‘શેષના કાવ્યો’માં (‘ઉદધિને’ ૧૯૩૩ પૂર્વેનું કાવ્ય હોય તો) પૃથ્વીમાં ૧૯૩૩ પૂર્વેનાં પોતાનાં પાંચ કાવ્યોની એક સો ને સાત પંક્તિઓ હતી. (એમાં એકે પંક્તિમાં અંત્યયતિસ્વાતંત્ર્ય ન હોય એવું એકે કાવ્ય ન હતું.) એમાં પાંત્રીસ પંક્તિઓમાં એકસાથે આ પંક્તિમાં એકવીસ વાર, એકસાથે બે પંક્તિઓમાં પાંચ વાર અને એકસાથે ચાર પંક્તિઓમાં એક વાર એમ સત્તાવીસ વાર અંત્યયતિસ્વાતંત્ર્ય હતું. વળી એમાં એક કાવ્યમાં એમાંની ચૌદ પંક્તિઓમાં ચારથી વધુ પંક્તિઓ પછી એક પણ વાર વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવામાં આવ્યો ન હતો. બાકીનાં ચાર કાવ્યોમાં એમાંની ત્રાણું પંક્તિઓમાં પાંચ પંક્તિઓ પછી એક વાર, છ પંક્તિઓ પછી બે વાર, આઠ પંક્તિઓ પછી એક વાર, નવ પંક્તિઓ પછી એક વાર, અગિયાર પંક્તિઓ પછી એક વાર અને સત્તર પંક્તિઓ પછી એક વાર એમ સાત વાર ચારથી વધુ પંક્તિઓ પછી વાક્યાન્ત ચરણાન્તે લાવી મૂકવામાં આવ્યો હતો. એમાંના એકે કાવ્યમાં વાક્યનો આરંભ પંક્તિની વચમાં અને વાક્યનો અંત પછીની કોઈ પંક્તિની વચમાં યોજ્યો ન હતો. (આ ઉપરાંત સુન્દસમ્‌ના ‘કાવ્યમંગલા’માં પૃથ્વીમાં ચાર કાવ્યોમાં બસો ને તેર પંક્તિઓ તથા ઉમાશંકરના ‘ગંગોત્રી’માં પૃથ્વીમાં તેર કાવ્યોની ત્રણસો ને સત્યાશી પંક્તિઓ અને વળી એમના ‘વિશ્વશાંતિ’માં પૃથ્વીની આડત્રીસ પંક્તિઓમાં પણ કેટલીક પંક્તિઓમાં વધુ અંત્યયતિસ્વાતંત્ર્ય અને વધુ વાક્યાન્તસ્વાતંત્ર્ય હતું.) આમ, ૧૯૩૩ લગીમાં પૃથ્વીમાં આટલી જ કાવ્યો (કુલ બેતાલીસ કાવ્યો) અને એમાંની આટલી જ પંક્તિઓ (કુલ બારસો ને પચાસ પંક્તિઓ)માં આવું અને આટલું જ અંત્યયતિસ્વાતંત્ર્ય અને વાક્યાન્તસ્વાતંત્ર્ય હતું. એમાંથી પણ પૃથ્વીમાં સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય હતું. સંપૂર્ણ વાક્યાન્તસ્વાતંત્ર્ય અને મહાવાક્ય શક્ય છે એ કંઈક સ્પષ્ટ તો હતું જ. પણ ત્યાર પછી ૧૯૩૩થી આજ લગીમાં આ કવિઓનાં પૃથ્વીમાં અનેક કાવ્યો — અને આ સૌ કાવ્યો તો લઘુમધ્યમ કદનાં કાવ્યો છે — રચાયાં છે એથી એ વધુ ને વધુ સ્પષ્ટ થતું રહ્યું છે. ભવિષ્યમાં પૃથ્વીમાં પદ્યનાટક અને મહાકાવ્ય નહિ તો અનેક સુદીર્ઘ કાવ્યો પણ જ્યારે રચાશે ત્યારે એ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. આમ, પૃથ્વીમાં અંગ્રેજી બ્લેંક વર્સનાં મોટા ભાગનાં ગુણ-લક્ષણો — યથેચ્છ મધ્યયતિ, સંપૂર્ણ મધ્યયતિસ્વાતંત્ર્ય, યથેચ્છ અંત્યયતિ, સંપૂર્ણ અંત્યયતિસ્વાતંત્ર્ય અર્થપ્રવહણ; યથેચ્છ વાક્યાન્ત, સંપૂર્ણ વાક્યાન્તસ્વાતંત્ર્ય, મહાવાક્ય અને વાક્યોચ્ચય શક્ય છે. એથી સ્તો બલવંતરાયે ૧૯૪૨માં ‘ભણકાર’માં ‘ટિપ્પણ’માં ‘આરોહણ’ પરના ટિપ્પણમાં વિધાન કર્યું છે, ‘...ઇંગ્રેજી આયમ્બ-ધારા જે ગુણોને લઈને બ્લેંક વર્સનું ઉત્તમ વાહન બની રહી છે તે ઘણે અંશે મુક્ત પૃથ્વીમાં પણ પ્રકાશી શકે.’ ૧૯૭૮

*