સ્વાધ્યાયલોક—૨/શેક્સ્પિયર
શેક્સ્પિયરની ચતુર્થ જન્મશતાબ્દી નિમિત્તે આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટે શેક્સ્પિયરનાં નાટકોના વાચન-મનન, ચિંતન અને અધ્યાપનના એમના અઢી દાયકાના સમૃદ્ધ અનુભવના સાર જેવો આ ગ્રંથ રચ્યો છે. ગ્રંથ શબ્દ અહીં બે પૂંઠાં વચ્ચેનાં પૃષ્ઠોમાં સાર્થ થાય છે. એમાં શેક્સ્પિયરની છબી તો ઊઠે જ છે, પણ એની પૂંઠે શેક્સ્પિયરના યુગની છબી પણ છતી થાય છે; તો વળી શેક્સ્પિયરે એમનાં નાટકોમાં મનુષ્યની, કહો કે મનુષ્યજાતિની જે છબી આંકી છે તે પણ ઊપસે છે. આ ત્રણ છબીઓમાંની પ્રત્યેક છબી સુગ્રથિત છે એટલું જ નહિ પણ આ ત્રણે છબીઓનું અહીં સુગ્રથન થયું છે. અંગ્રેજી ભાષામાં શેક્સ્પિયર પરનું વિવેચનસાહિત્ય જેટલું વિપુલ છે એટલું વિવિધ છે. સમકાલીન કવિનાટકકાર બેન જૉન્સને એનો આરંભ કર્યો છે. એમની ગદ્યકંડિકા અને પદ્યપ્રશસ્તિ પ્રસિદ્ધ છે. એમણે ગદ્યકંડિકામાં દોષદર્શન અને પદ્યપ્રશસ્તિમાં ગુણદર્શન કર્યું છે. ત્યારથી આજ લગી શેક્સ્પિયર પરના વિવેચનસાહિત્યની બે પરંપરાઓ સતત રહી છે. ૧૭મી અને ૧૮મી સદીમાં ડ્રાયડન, પોપ અને ડૉ. જૉન્સને બેન જૉન્સનની ગદ્યકંડિકાની પરંપરામાં મુખ્યત્વે કૃતિલક્ષી વિવેચન કર્યું છે. આ વિવેચનમાં ક્લાસિકલ રુચિ છે. ૧૯મી સદીમાં કોલરિજ, લૅમ્બ અને હૅઝલિટે બેન જૉન્સનની પદ્યપ્રશસ્તિની પરંપરામાં મુખ્યત્વે પાત્રલક્ષી વિવેચન કર્યું છે. આ વિવેચનમાં રોમેન્ટિક રુચિ છે. ૨૦મી સદીમાં શેક્સ્પિયરનાં નાટકોના ક્વાર્ટો અને ફૉલિયો પરથી નાટકોની વાચના અને આનુપૂર્વી; શેક્સ્પિયરનું નાટકોના સર્જન માટે બાઇબલ, ક્લાસિક્સ આદિ આધારગ્રંથો અને સંદર્ભગ્રંથોનું વાચન; શેક્સ્પિયરનાં નાટકોની ભાષા, એનું વ્યાકરણ, એનો શબ્દકોશ, એની વાક્યવ્યવસ્થા અને એનાં વિરામચિહ્નો; શેક્સ્પિયરના સમયમાં મુદ્રણપદ્ધતિ અને નિયંત્રણનીતિ વગેરેના સંશોધન દ્વારા તથા શેક્સ્પિયરનાં નાટકોનો યુગસંદર્ભ — ભૌગોલિક, ઐતિહાસિક, આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક, આધ્યાત્મિક તથા ધાર્મિક, શેક્સ્પિયરનું અંગત જીવન અને એની પ્રમાણભૂત વિગતો, શેક્સ્પિયરના સમયમાં રંગભૂમિ અને એની રૂઢિપ્રણાલી તથા પ્રેક્ષકો અને એમની રસરુચિ વગેરેના સંશોધન દ્વારા તથા શેક્સ્પિયરનાં નાટકોમાં કલ્પન, પ્રતીક, કાવ્યનાટકનું સ્વરૂપ, કવિતા, કલા વગેરેના વિવેચન દ્વારા આ બન્ને પરંપરાઓનું શોધન થયું છે. આજે આ બન્ને પરંપરાઓ વધુ વિશુદ્ધ રૂપે જીવંત છે. કર્તાએ આ બન્ને પરંપરાઓનો પૂરેપૂરો લાભ લીધો છે. ૧૯૬૪માં જે થવું ઇષ્ટ, કહો કે અનિવાર્ય તે આ ગ્રંથમાં થયું છે. આ ગ્રંથમાં આ બન્ને પરંપરાઓનો અપૂર્વ સુંદર સમન્વય થયો છે. છતાં કર્તાના હૃદયનો આનંદ અને એમની શૈલીનો ઉત્સાહ ‘શેક્સ્પિયર’ને કૉલરિજની પરંપરાનો ગ્રંથ ગણવા પ્રેરે છે. ગુજરાતી ભાષામાં શેક્સ્પિયર પરનો આ પ્રથમ સળંગ ગ્રંથ છે. ગુજરાતી ભાષામાં શેક્સ્પિયર પર માર્મિક વિવેચન નથી એવું મહેણું હવે પછી કોઈ મારી શકશે નહિ.
(આચાર્ય સન્તપ્રસાદ ભટ્ટના ગ્રંથ ‘શેક્સ્પિયર’ના ઉપરણા પરનું લખાણ, ૧૯૭૦)