સ્વાધ્યાયલોક—૩/ઍક્લૉગ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘ઍક્લૉગ ૪’: વર્જિલ

(વર્જિલે આ કાવ્ય ઈ. પૂ. ૪૦માં રચ્યું હતું, ઈશુના જન્મના ૪૦ વર્ષ પૂર્વે રચ્યું હતું. વર્જિલનું અવસાન ઈ. પૂ. ૧૯માં થયું હતું, ઈશુના જન્મના ૧૯ વર્ષ પૂર્વે થયું હતું. વર્જિલે આ કાવ્ય એમના મિત્રકવિ અને એમના જન્મસ્થાનની આસપાસના પ્રદેશના વ્યવસ્થાપક (Consul) પોલિઓના પુત્રના જન્મ અંગે રચ્યું હતું. અથવા ઑગસ્ટસના સંભવિત પુત્રના જન્મ અંગે અને એ પુત્ર દ્વારા સુવર્ણયુગ અંગે રચ્યું હતું અને પોલિઓને અર્પણ કર્યું હતું. ઑગસ્ટસ પ્રથમ રોમન સમ્રાટ તરીકે ઈ. પૂ. ૨૭માં પ્રતિષ્ઠિત થયા હતા, એટલે કે ઈશુના જન્મના ૨૭ વર્ષ પૂર્વે પ્રતિષ્ઠિત થયા હતા. આ કાવ્યમાં પાયથાગોરસની ફિલસૂફી અને હિબ્રૂ સાહિત્યનો પ્રભાવ છે. પણ પછીથી ઈ. ૪થી સદીમાં, એટલે કે ઈશુના જન્મના ૪૦૦ વર્ષ પછી, પ્રથમ ખ્રિસ્તી રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને આ કાવ્ય વર્જિલે ઈશુના જન્મના ૪૦ વર્ષ પૂર્વે ઈશુના જન્મ અંગે અને ઈશુ દ્વારા ખ્રિસ્તી ધર્મના સુવર્ણયુગ અંગે રચ્યું હતું એવું અર્થઘટન કર્યું હતું અને ઇતિહાસ રચ્યો હતો. આ અર્થઘટનને કારણે અને પછીથી સેન્ટ ઑગસ્ટીન, કવિ ડેન્ટિ આદિએ આ અર્થઘટનનું સમર્થન કર્યું હતું એ કારણે સદીઓ લગી ખ્રિસ્તી જગતમાં વર્જિલનું એક પયગંબર તરીકે, ‘પ્રકૃતિથી ક્રાઇસ્ટ પૂર્વેના ખ્રિસ્તી’ તરીકે અને આ કાવ્યનું ભવિષ્યવાણી તરીકે, આર્ષદર્શન તરીકે બહુમાન થયું હતું. ખ્રિસ્તી જગતમાં સદીઓ લગી આ કાવ્ય ‘Messianic Ec-logue’ પયગંબરી કાવ્ય તરીકે પ્રસિદ્ધ હતું. આપણા યુગમાં પણ એલિયટે ‘પયગંબરીતા’ અને ‘પ્રેરણા’ના સંદર્ભમાં આ કાવ્ય પરમેશ્વરના પુત્રના જન્મ અંગે, ઈશુના જન્મ અંગે અને ઈશુ દ્વારા ખ્રિસ્તી ધર્મના સુવર્ણયુગ અંગે હોય, અને સ્વયં વર્જિલ એ વિશે અજાણ કે અભાન હોય તો નવાઈ નહિ એવું સૂચન કર્યું છે.) સિસિલીની કાવ્યદેવી ! હવે હું કંઈક ઉદાત્ત એવું કાવ્યવસ્તુ અજમાવીશ. વૃક્ષો અને નમ્ર વેલીઓ સહુના રસનો વિષય નથી. પણ જો મારે વનભૂમિની જ કવિતા રચવી હોય તો એ વનભૂમિ ઉચ્ચ રાજ્યાધિકારીને પાત્ર હોવી જોઈએ. સિબીલની ભવિષ્યવાણી પ્રમાણે આપણે એક યુગચક્રના અંતિમ સ્તબકમાં છીએ, કાળના ઓધાનમાંથી હવે એક નવા મહાન યુગચક્રનો આરંભ થાય છે. ચિરકૌમાર્યવંતી ન્યાયદેવી પાછી પધારે છે, સુવર્ણયુગનું પુનરાગમન થાય છે, એનો પ્રથમ શિશુ સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરી રહ્યો છે. પવિત્ર લ્યુસિના ! તું આ શિશુના જન્મનું સસ્મિત સ્વાગત કર ! એના આગમનની સાથે જ કથીર હૃદયના મનુષ્યો અદૃશ્ય થશે અને પૃથ્વી પર સર્વત્ર સુવર્ણ હૃદયના મનુષ્યોનું અસ્તિત્વ થશે. હા, હવે ઍપોલોનું રાજ્ય થશે. અને તમે, પોલિઓ, તમે જ્યારે ઉચ્ચ રાજ્યાધિકારી છો ત્યારે આ ઉજ્જ્વળ યુગનો ઉદય થશે. અને એના મહાન માસ-પ્રતિમાસની આગેકૂચનો આરંભ થશે. તમારા નેતૃત્વ નીચે આપણા ભૂતકાળનાં કુકર્મોનું કલંક ભૂંસાઈ જશે અને માનવજાત એના જુગજૂના ભયમાંથી મુક્ત થશે. આ શિશુ દેવોના જેવું જીવન જીવશે, એ દેવોનું પ્રાચીન મહાપુરુષોની સંગતમાં દર્શન કરશે અને દેવો એનું દર્શન કરશે, અને એના પિતાનાં સત્કર્મોને કારણે જે શાંતિ અનુભવી રહ્યું છે તે જગત પર એ સત્તા ભોગવશે. હે શિશુ ! તારી પ્રથમ જન્મતિથિએ કુંવારકા ભોમકા તને ભેટસોગાદો ધરશે — ફળ, ફૂલ, વૃક્ષ, વેલી, આદિ નાની નાની ભેટસોગાદો. ઘેટાં ભરવાડની સહાય વિના જ ઘરે પાછાં ફરશે, એમનાં આઉ દૂધથી ભર્યાં ભર્યાં હશે. બળદ સિંહથી ડરશે નહિ. તારા પારણામાંથી રેશમસુંવાળી મંજરીઓ મહોરશે અને એ તારી પર ઝરશે. પણ સર્પો તથા મોહક વિષમય વૃક્ષો નાશ પામશે. મરીમસાલા અને માદક મહેકથી સર્વત્ર ખેતરો મઘમઘી ઊઠશે. પછી તું જ્યારે મોટો થશે, પ્રસિદ્ધ પુરુષો વિશે અને તારા પિતાનાં સત્કર્મો વિશે તું વાંચી-વિચારી શકે અને પૌરુષ એટલે શું એ વિશે તું શોચી-સમજી શકે એટલો મોટો થશે, ત્યારે મુલાયમ સુવર્ણનો મૃદુ આવેશ વિશાળ મેદાનોને મઢી દેશે, કાંટાળાં વૃક્ષો પર મત્ત રાતૂડી દ્રાક્ષની લૂમો ઝૂમશે. અને ઓક વૃક્ષોની રુક્ષ છાલમાંથી ઝાકળની જેમ મીઠું મધ ઝરશે. છતાં ત્યારે પણ આપણા આદિ સ્ખલનનાં આછાં ઇંગિતો પણ અસ્તિત્વમાં હશે અને એ આપણને નૌકાઓમાં સમુદ્રને નાથવા માટે, આપણાં નગરોની આસપાસ કોટકિલ્લા ચણવા માટે અને ધરતીને હળ વડે ફોડવા માટે પ્રેરી રહેશે. ચુનંદા વીરપુરુષોના વૃન્દ સહિત દ્વિતીય આર્ગો સમુદ્રયાત્રા કરશે અને દ્વિતીય ટિફીસ એનું સંચાલન કરશે, મહાન ઍકિલીસ પણ પુનશ્ચ ટ્રોય પ્રતિ પ્રયાણ કરશે. પછી વર્ષો વહી જશે, અને તું પ્રૌઢ વયનો થશે. ત્યારે શાહસોદાગરો એમણે વેપાર અર્થે પાઇન વૃક્ષના કાષ્ઠમાંથી બાંધેલાં જહાજોમાં સમુદ્ર પરનાં એમનાં સાહસોમાંથી નિવૃત્ત થશે. પ્રત્યેક પ્રદેશ સ્વાશ્રયી હશે. ધરતીને હળ વડે ખેડવાની નહિ હોય, દ્રાક્ષની વેલીઓને છરી વડે છેદવાની નહિ હોય. ખડતલ ખેડૂત છેવટે એમના બળદોને ધૂંસરીમાંથી મુક્ત કરશે. આપણે ઊનને કૃત્રિમ રંગથી રંગવાનું નહિ હોય, ઘેટાંઓ જાતે જ એમની રુંવાંટીનો રંગ બદલશે — ઘડીકમાં મોહક જાંબુડી, તો ઘડીકમાં ઘેરો કિરમજી. વિધાતાના અંતિમ અફર નિર્ણયને અધીન-અનુરૂપ એવો આદેશ દૈવે આપી દીધો છે ઃ ‘કાળચક્રની શાળ, ભવિષ્યકાળનું આવું વસ્ત્ર વણજો !’ સત્વરે પધાર, હે દેવોના પ્યારા પુત્ર ! હે જ્યુપિટરના મહાન વારસ ! સત્વરે પધાર ! સમય પાકી ગયો છે. તારી ઉજ્જ્વળ કારર્કિદીનો આરંભ કર ! જો, આ સમગ્ર ગૌરવભર્યું વિશ્વ તને વંદન કરવાને ઝૂકી રહ્યું છે — આ વિશાળ પૃથ્વી, આ અફાટ સમુદ્ર, આ અતલ આકાશ. જો, સમસ્ત બ્રહ્માંડ આ નૂતન યુગના આગમનથી ઘેલું ઘેલું બની ગયું છે. મારા લાંબા આયુષ્યના અંતિમ દિવસો જો સહેજ વધુ લંબાય અને મારા કંઠમાં તારું કીર્તન કરવાનું જોર હોય તો…તો પછી સ્તવનસ્પર્ધામાં થ્રેસિયાનો ઑર્ફિયસ કે લિનસ મને જીતી શકશે નહિ, પછી ભલેને ઑર્ફિયસને એનો પિતા ઍપોલો અને લિનસને એની માતા કેલિયોપી સ્વયં સહાય કરે ! અને ભલેને સ્વયં પૅન મારો પ્રતિસ્પર્ધી હોય અને સમગ્ર આર્કેડી નિર્ણાયક હોય તોપણ પરાજય તો એમનો જ હશે. તો હે શિશુ ! તારી માતાનો સસ્મિત તું સ્વીકાર કર ! દસ માસથી પ્રતીક્ષા કરી કરીને એ હવે થાકી છે. આરંભ કર ! હે શિશુ ! જે એની માતાનો સસ્મિત સ્વીકાર ન કરે તે દેવની સાથે સહભોજનને અને દેવીની સાથે સહશયનને પાત્ર નથી.

૧૯૮૪


*