સ્વાધ્યાયલોક—૩/પૅરિસની નાગરિકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પૅરિસની નાગરિકતા

૧૯૮૨ના ઑક્ટોબરની ૪થી ને સોમવારે સવારે સાડા દસ વાગ્યે પૅરિસમાં ઝાર્દાં દ્યુ લુક્ઝમ્બુર્ગમાં હતો. પૅરિસનો આ સુન્દરમાં સુન્દર બાગ છે. એનો રોમાંચક ઇતિહાસ છે. એના પર અનેક કાવ્યો રચાયાં છે. બરોબર આઠ દિવસ પર અહીં પહેલી વાર આવ્યો હતો. આ બાગના દક્ષિણપશ્ચિમ ભાગમાં એક વૃક્ષની નીચે ચોમેર લીલોતરી (લૉન)ની વચ્ચે એક ઊંચી પીઠિકા પર બૉદલેરની પ્રતિમા છે. એ ત્યારે જોઈ હતી. આ બીજી વાર બાગમાં ગયો ત્યારે એનો ફોટોગ્રાફ પાડવો હતો અને પીઠિકા પર જે લખાણ હતું તે મારી ડાયરીમાં નોંધવું હતું. બાગમાંના રસ્તાથી આ પ્રતિમા કંઈક દૂર હતી. એટલે ફોટોગ્રાફ તથા નોંધ માટે લીલોતરી પર ચાલીને પ્રતિમાની પાસે જવું અનિવાર્ય હતું. એથી પ્રતિમાની પાસે જવા હું લીલોતરી પર ચાલતો હતો. ત્યાં પાછળથી એક અવાજ આવ્યો, ‘Gentleman !’ (શ્રીમાન !). પાછળ જોઉં તો મધ્યમવર્ગના મધ્યમવયના સૂટ-ટાઇમાં સજ્જ એવા એક પારિસિઆં — Parisien — પૅરિસવાસી સજ્જનનો એ અવાજ હતો. (એ અંગ્રેજી જાણતા હશે). અવાજમાં પારાવાર વિનય હતો. પૅરિસની પ્રજા એની politesse — પોલિતેસ માટે, એના વિનય માટે પ્રસિદ્ધ છે. જગતભરમાં અનન્ય છે. મારા હાથમાં છત્રી, ઓવરકોટ, કૅમેરા, મિશેલાંની પૅરિસ વિશેની ગીદ વેર (લીલી માર્ગદર્શિકા), ખભે લટકાવવાની ચામડાની નાની બૅગ વગેરે હતાં. એ પરથી હું પરદેશી પ્રવાસી છું એટલું તો એ પામી જ ગયા હશે. (એથી સ્તો એમણે અંગ્રેજીમાં સંવાદ કર્યો હતો). પણ હું બૉદલેરની કવિતાનો પ્રેમી છું એ તો એ ક્યાંથી જ પામી શકે ? મેં એ સજ્જન સામે જોયું, એટલે એમણે એટલા જ વિનયથી આગળ કહ્યું, ‘One does not walk on lawn in Paris.’ (પૅરિસમાં કોઈ લીલોતરી પર ચાલતું નથી). મેં કહ્યું, ‘Yes, one does not, but I want to write down in my diary what is written on that pedestal. And one cannot read it from such distance even in Paris.’ (હા, પૅરિસમાં કોઈ લીલોતરી પર ચાલતું નથી. પણ પેલી પીઠિકા પર જે લખ્યું છે તે મારે મારી ડાયરીમાં નોંધવું છે. અને આટલે દૂરથી કોઈ એ વાંચી ન શકે, પૅરિસમાં પણ). એટલે એમણે કહ્યું, ‘Yes, in that case, you have to walk on the lawn in Par-is.’ (હા, તો તો તમારે પૅરિસમાં લીલોતરી પર ચાલવું જ રહ્યું). આટલું કહીને એ આગળ ચાલ્યા, અને હું પણ લીલોતરી પર આગળ ચાલ્યો. અને બૉદલેરની પ્રતિમાની છેક પાસે ગયો. આનું નામ નગરપ્રેમ ! વિનય-વિવેકપૂર્વકનો નગરપ્રેમ ! પૅરિસવાસીના આ પૅરિસપ્રેમ પર, નગરપ્રેમ પર હું વારી ગયો. અને બૉદલેર મારી પર વારી ગયા હશે એવું પછી જ્યારે હું એમની પ્રતિમાનો ફોટોગ્રાફ પાડતો હતો અને ત્યારપછી પીઠિકા પરનું લખાણ મારી ડાયરીમાં નોંધતો હતો ત્યારે મને સતત લાગતું હતું. ‘લે પારિસિઆં’ — પૅરિસવાસીઓ — પૅરિસને કેટલું ચાહે છે ! પણ મારા જેવા પરદેશીઓ પૅરિસને સવાયું ચાહે છે! છેલ્લાં બે હજાર વરસમાં પૅરિસવાસીઓએ પૅરિસને સાતેક વાર બાળ્યું છે. પણ પછી પ્રત્યેકવાર એમણે પૅરિસને સાતગણું ચાહ્યું છે ! પૅરિસ, માત્ર પૅરિસ, જગતભરમાં એકમાત્ર પૅરિસ જ આટલું ચાહવા જેવું નગર છે. પૅરિસ ચાહવા માટે સર્જાયું છે.

૧૯૯૦


*