સ્વાધ્યાયલોક—૩/પૅરિસમાં ગ્રીક — ગુજરાતી સંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પૅરિસમાં ગ્રીક — ગુજરાતી સંવાદ

૧૯૮૨ના સપ્ટેમ્બરની ૧૬મીથી ઑક્ટોબરની ૧૬મી લગી બરોબર એક મહિનો હું પૅરિસમાં હતો. રોજ લગભગ સવારના આઠ-નવ વાગ્યાથી રાતના અગિયાર-બાર વાગ્યા લગી સમગ્ર પૅરિસમાં લગભગ વીસે વિસ્તારો– આરોંદિસ્માં — રાજમાર્ગો અને ગલીઓમાં તથા બુલવાર, આવન્યૂ, ર્‌યુ, પ્લાસ કે ઝાર્દાં વગેરેમાં રોજના બાર-પંદર માઈલ પગે ચાલીને ફર્યો હતો. જેણે પગે ચાલીને પૅરિસ — આમ તો કોઈપણ નગર, પણ સવિશેષ પૅરિસ — જોયું નથી તેણે પૅરિસ જોયું જ નથી એમ હું અનુભવ પરથી કહું છું. હું જ નહિ પણ સ્વયં પૅરિસવાસીઓ પણ પોતાને વિશે એમ કહે છે. એથી સ્તો પૅરિસવાસીઓ માટે ફ્રેંચ ભાષામાં Flaner — ફલાને–ક્રિયાપદનો મોટો મહિમા છે. Flaner એટલે રખડવું. La Flanerie — લા ફલાનરી — રખડપટ્ટી એ પૅરિસની એક મહાન સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. રખડપટ્ટી એ પૅરિસની એક મહાન નાગરિક પરંપરા છે. Le Flaneur — લ ફલાનર — રખડુ એ પૅરિસનો એક વિશિષ્ટ નાગરિક છે. પૅરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખનો જે મહિમા છે એથી યે વિશેષ કલાકાર, વિદ્યાર્થી અને રખડુનો મહિમા છે. પૅરિસમાં અનેક મહાન રખડુઓ થયા છે; સવિશેષ ૧૯મી સદીના મધ્યભાગથી. એમાં સૌથી મહાન રખડુઓ છે પ્રસિદ્ધ કવિઓ શાર્લ બૉદલેર અને ગીલોમ આપોલિનેર. પૅરિસના આ બે મહાન રખડુ કવિઓએ પૅરિસમાં એમની રખડપટ્ટીનો અનુભવ કેટલીક ગદ્યપદ્ય કૃતિઓમાં પ્રગટ કર્યો છે, બૉદલેરે Tableaux Parisiens — તાબ્લો પારિસિઆં-પેરિસનાં ચિત્રો તથા ‘Petits Poemes en Prose’ — પતી પોએમ આં પ્રોઝ–ગદ્યકાવ્યો–માં અને લેઓં-પૉલ ફાર્ગે ‘Le Pieton de Paris’ — લ પિએતોં દ પારિ–પેરિસનો પદયાત્રી-માં તથા આપોલિનેરે ‘Le Flaneur des Deux Rives’ — લ ફલાનર દે દ રિવ–બે તટનો રખડુ — માં. એક બપોરે હું Boulevard St. Michel — બુલવાર સેં મિશેલ પર ફરતો હતો. બુલવાર સેં મિશેલ એ સેન નદીના વામ તટ પરનું પૅરિસવાસીઓનું સૌથી લાડીલું બુલવાર છે. પૅરિસવાસીઓએ એને Boul Mich — બુલ મિશ એવું હુલામણું નામ આપ્યું છે. એના દક્ષિણ છેડે બુલવાર દ્યુ મોંપાર્નાસ, બુલવાર પોર્ત રોયાલ અને આવન્યૂ દોબ્ઝર્વાત્વાર છે. બુલવાર સેં મિશેલ અને બુલવાર દ્યુ મોંપાર્નાસના ખૂણા પર પ્રસિદ્ધ રૅસ્ટોરાં La Closerie des Lilas — લા કલોઝરી દે લિલા છે. આ રેસ્તોરાં એ ૧૯મી સદીમાં વર્લેન, રન્વા, તુલુસ લોત્રેક અને પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયમાં આલ્ફેદ ઝારી, આપોલિનેર, પિકાસો, જિદ આદિનું મિલનસ્થાન હતું, અને હૅમિંગ્વેએ એમની પ્રસિદ્ધ નવલકથા ‘The Sun Also Rises’ આ રેસ્ટોરાંના ટેબલ પર લખી હતી. એના ઉત્તર છેડે La Seine — સેન નદી, પોં સેં મિશેલ (પુલ), પ્લાસ સેં મિશેલ (ચોક) અને કે સેં મિશેલ (પાળ) છે. કે સેં મિશેલ અને બુલવાર સેં મિશેલના ખૂણા પર પ્રસિદ્ધ રેસ્તોરાં Le Depart — લ દેપાર છે. આ રૅસ્તોરાં પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયમાં આપોલિનેર, પિકાસો આદિનું મિલનસ્થાન હતું. અહીં એમણે સુર્રિયાલિઝમ, ક્યુબિઝમ આદિ વિશે વાદવિવાદ કર્યો હતો. પ્લાસ સેં મિશેલ(ચોક)માં દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે ફ્રેંચ પ્રતિકાર-સૈન્યે જર્મન વિજેતા સૈન્ય સામે પૅરિસની મુક્તિ માટે યુદ્ધ કર્યું હતું. બુલવાર સેં મિશેલ પર ઝાર્દાં દ્યુ લુક્ઝમ્બુર્ગ — જેમાં બૉદલેરની પ્રતિમા છે અને જેમાં બૉદલેર બાળક તરીકે રહ્યા હતા તે પાલે દ્યુ લુક્ઝમ્બુર્ગ (મહેલ) છે તે પૅરિસનો સુન્દરમાં સુન્દર બાગ, પાંથેઓ જેમાં હ્યુગો, ઝોલા, વોલ્તેર, રુસો આદિની કબરો છે તે પૅરિસનું ભવ્ય કીર્તિમંદિર, સોર્બોન યુનિવર્સિટી આદિ પ્રસિદ્ધ સ્થળો અને સંસ્થાઓ છે. એક બપોરે આ બુલવાર પર ફરતો હતો ત્યારે ઝાર્દાં દયુ લુકઝમ્બુર્ગની સામેની ફૂટપાથ પર આઇસક્ન્ીમનો ગલ્લો જોયો. આઈસક્રીમ ખાવાનું મન થયું. આઇસક્ન્ીમનો ગલ્લો ? ! ગલ્લો ? ! પૅરિસમાં ? અને તે પણ બુલવાર સેં મિશેલ પર ? ! હા, પૅરિસમાં બુલવાર સેં મિશેલ પર આઇસક્ન્ીમનો ગલ્લો જોયો. પૅરિસમાં ગલ્લા છે. અનેક સ્થળે ગલ્લા છે. પણ પૅરિસના ગલ્લા એ પૅરિસના ગલ્લા છે. પૅરિસ એ પૅરિસ છે. જગતમાં એક જ પૅરિસ છે, એકમેવઅદ્વિતીયમ્ છે. બીજા પૅરિસની જરૂર નથી, એવું એક પૅરિસ છે. એટલું સુંદર છે પૅરિસ. પૅરિસ એ માત્ર ફ્રાન્સની જ રાજધાની નથી, પણ જગતના સૌ દેશોની રાજધાનીઓની પણ રાજધાની છે. પૅરિસ એ માત્ર નગર નથી, પણ નગરોનું નગર છે. નગર એટલે શિસ્ત અને વ્યવસ્થા. એથી જ ગ્રીક પુરાકલ્પનમાં શિસ્ત અને વ્યવસ્થાનો દેવ ઍપોલો એ નગરોનો પણ દેવ છે. અને પૅરિસ એ સાચ્ચે જ સંપૂર્ણપણે નગર છે. પૅરિસનાં પ્રજાજનો, રાજમાર્ગો, ગલીઓ, ફૂટપાથો, વૃક્ષો, બગીચાઓ, ઇમારતો, દુકાનો, મકાનો, વાહનો બધું જ, ગલ્લાઓ સુધ્ધાં બધું જ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ છે, બધું જ સ્વચ્છ, સુઘડ અને સુન્દર છે. ગલ્લાઓ પણ વ્યવસ્થિત, શિસ્તબદ્ધ, સ્વચ્છ, સુઘડ અને સુન્દર છે. ગલ્લાઓની આસપાસ ક્યાંય ધૂળ નહિ, પાણી નહિ, કાદવકીચડ કે કચરો નહિ. ગલ્લાઓના માલિકો પણ એટલા જ વ્યવસ્થિત, શિસ્તબદ્ધ, સ્વચ્છ, સુઘડ અને સુન્દર છે. ગલ્લાઓ અને ગલ્લાઓના માલિકો પણ પૅરિસની નાગરિકતાનું, નાગરિક સંસ્કૃતિનું પ્રતીક છે. નાનકડો ગલ્લો હતો. ગલ્લાનો માલિક ત્રીસ-પાંત્રીસેક વર્ષની વયનો સશક્ત યુવાન હતો. મેં એને ફ્રેંચમાં કહ્યું, ‘Une glace.’ એના ગલ્લામાં પાંચેક પ્રકારના આઇસક્રીમ હતા એથી એણે મને પૂછ્યું, ‘Quelle glace?’ મેં એને કહ્યું, ‘Vanille.’ ગલ્લો, ગલ્લાનો માલિક, વાતાવરણ વગેરે જોઈને મને બેવડો આઇસક્રીમ ખાવાનું મન થયું. એટલે મેં ઉમેર્યું, ‘Double.’ એણે મને બિસ્કિટના બોલમાં આઈસક્રીમ આપ્યો. મેં એને દસ ફ્રાંની નોટ આપી. આઇસક્રીમની કિંમત જેટલાં ફ્રાં બાદ કરીને બાકીનાં ફ્રાં પાછા આપીને એણે બિન-અંગ્રેજી ઉચ્ચારોમાં અંગ્રેજીમાં મને પૂછ્યું, ‘Are you Pakistani ?’ મેં એને કહ્યું, ‘No, I am Indian from Gujarat.’ ત્યાં તો તરત જ અતિ ઉત્સાહ અને ઉત્તેજના સાથે એણે મને પૂછ્યું, ‘How is Mrs. Gandhi ?’ મેં કહ્યું, ‘She is fine. How are you ?’ એણે મને કહ્યું, ‘I am also fine.’ મેં એને પૂછ્યું, ‘Are you French ?’ એણે મને કહ્યું, ‘No, I am Greek.’ ત્યાં તો તરત જ અતિ ઉત્સાહ અને ઉત્તેજના સાથે મેં એને પૂછ્યું, ‘Next month I am going to Greece. Any message for Greece ?’ એણે મને કહ્યું, ‘Yes, tell everybody I am fine. મેં એને કહ્યું, ‘I certainly will.’ સ્વયંસ્પષ્ટ છે આ સંવાદ. પૅરિસમાં જ આ સંવાદ શક્ય છે. આ છે પૅરિસનો મખમલી, મલમલી, મોજીલો મિજાજ. ક્યાં હું ? ક્યાં ગલ્લાનો માલિક ? ક્યાં ભારત ? ક્યાં ગ્રીસ ? ક્યાં પૅરિસ ? અને છતાં બધું જ આ ક્ષણે અહીં એકરૂપ-એકરસ. મનુષ્યજાતિની એકતા અને અખંડિતતા, વસુધૈવકુટુમ્બકમ્‌, યત્રૈવ વિશ્વમ્ ભવત્યેકનીડમ્ સિદ્ધ થશે તો આવા અસંખ્ય સંવાદો દ્વારા થશે. આ સંવાદની સુખદ મધુર સ્મૃતિ સાથે હું સેન નદીની દિશામાં ઉત્તર દિશામાં ચાલ્યો ગયો. ચાલતા ચાલતા આઇસક્રીમ ખાતો હતો અને આઇસક્રીમ ખાતા ખાતા ચાલતો હતો. આ સંવાદ પછી મધુર આઇસક્રીમ વધુ મધુર લાગ્યો. સુન્દર પૅરિસ વધુ સુન્દર લાગ્યું. ક્ષણેક તો હું પણ મને પોતાને મધુર અને સુન્દર લાગ્યો. આજે પણ આ સંવાદનું અહીં સ્મરણ કરું છું તે ક્ષણે પણ હું મને પોતાને ફરી એકવાર મધુર અને સુન્દર લાગું છું.

૧૯૮૫


*