સ્વાધ્યાયલોક—૬/ધ્વનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘ધ્વનિ’

‘નિરુદ્દેશે’ આ કાવ્ય આખા સંગ્રહની પ્રસ્તાવનારૂપ છે. એનો સંપૂર્ણ અર્થવિસ્તાર મહાનિબંધમાં જ પરિણમે એવું આ કાવ્ય છે એટલે અહીં એનો મિતાક્ષરી અર્થનિર્દેશ જ શક્ય છે. કવિનો ઉદ્દેશ શો? એનો એકમાત્ર ઉત્તર છે, કાવ્ય. કાવ્ય એ કવિનું ચરમ અને પરમ લક્ષ્ય છે; પોતે, પ્રસંગો, પાત્રો વગેરે બધું જ માત્ર નિમિત્ત છે. જ્યારે જ્યારે કવિએ કાવ્ય સિવાયનો અન્ય કોઈ પણ ઉદ્દેશ સેવ્યો છે ત્યારે ત્યારે એણે કાવ્યનો ભોગ આપ્યો છે. હા, પણ કાવ્યનો ઉદ્દેશ શો? આ પ્રશ્ન વિવેચકોને પીડારૂપ થઈ પડ્યો છે. જગતમાં જેટલા વિવેચકો નથી એટલા આ પ્રશ્નના ઉત્તરો છે. કોઈ પણ બે વિવેચકો આ પ્રશ્નના ઉત્તર પરત્વે ભાગ્યે જ સંમત થતા જણાય છે. જુદે જુદે સમયે અને જુદે જુદે સ્થળે આ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. આ પ્રશ્નનો સર્વત્ર અને સર્વદા સન્માન્ય, સંતોષકારક, સર્વસ્વીકૃત અને અંતિમ એવો ઉત્તર કોઈ વિવેચકે ઉચ્ચાર્યો નથી ત્યાં લગી વિવેચનનું ભાવિ ઊજળું છે અને વિવેચકોનું અસ્તિત્વ સલામત છે. પણ જો કવિઓને પૂછવામાં આવે કે કાવ્યનો ઉદ્દેશ શો? તો તો આદિકાળથી તે આજ લગીના કવિઓએ સર્વાનુમતે આ પ્રશ્નનો એક જ ઉત્તર આપ્યો છે કે કાવ્યનો ઉદ્દેશ કાવ્ય. એટલે જ સ્તો આપણા કવિએ આ સંગ્રહના પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કહી નાખ્યું : નિરુદ્દેશે. પણ આ નિરુદ્દેશનો અર્થ કંઈક ગીતાની અનાસક્તિના અર્થ જેવો છે. જેમ અનાસક્તિ એટલે કર્મના ફળ પ્રત્યે અનાસક્તિ પણ ઈશ્વર પ્રત્યે તો આસક્તિ તેમ કાવ્યોનો ઉદ્દેશ કાવ્ય, તે ભલે, પણ કવિનો ઉદ્દેશ કવિ સ્વયં નહિ (અહીં રંગદર્શી કવિ ro-mantic poetની ક્ષમા યાચવી રહી) પણ કાવ્ય છે. કાવ્યને કાવ્ય સિવાય ભલે અન્ય કોઈ ઉદ્દેશ ન હોય પણ કવિને તો ઉદ્દેશ છે જ અને તે છે કાવ્ય. કારણ કે કાવ્ય સિવાય અન્યત્ર ક્યાંય કવિનું અસ્તિત્વ જ નથી — કવિ અને કાવ્ય એટલાં અભિન્ન છે, ઓતપ્રોત છે. કાવ્યથી અલિપ્ત એવું પોતાનું અસ્તિત્વ કવિ તો નથી જ કલ્પી શકતો. આ કાવ્યના અંતે કહ્યું છે, ‘હું જ રહું અવશેષે.’ આ ‘હું’ તે માત્ર કવિ નહિ પણ, પહેલી અને છેલ્લી પંક્તિઓની વચમાંની પંક્તિઓમાં વર્ણવી છે તે પ્રક્રિયામાંથી પસાર થયા પછીનો, સહુ સંગ વિલસી રહ્યા પછીનો, રૂપાંતર પામેલો, વિકાસ પામેલો ‘હું’ એટલે કે કાવ્ય. જે પ્રક્રિયામાંથી કાવ્ય જન્મે છે તે પ્રક્રિયા એટલે એક ‘હું’માંથી આરંભ પામતી અને બીજા ‘હું’માં અંત પામતી યાત્રા. ‘ક્યારેક મને આલિંગે છે… સહુ રંગ’ કાવ્ય એ ઇન્દ્રિયરાગની લીલા (sensuous activity) છે. કવિના અંતરજગતનો બહિર્જગત સાથેનો સંબંધ ઇન્દ્રિયો દ્વારા જ સધાય છે. બહિર્જગતના સઘન પદાર્થો (concrete objects) દ્વારા, એમની સહાયથી કવિ એનું આંતરજગત પ્રગટ કરતો હોય છે. આથી જ પ્રતીકો (images, symbols) એ કાવ્યની અનિવાર્ય સામગ્રી છે. કવિને સૌથી વધુ પ્રતીકો પ્રકૃતિએ પૂરાં પાડ્યાં છે. એનું કારણ પ્રકૃતિની વિપુલતા અને વિવિધતા છે. કવિતાનો પ્રશ્ન અંતે તો ભાવપ્રતીકોનો પ્રશ્ન છે. ભાવને અનુકૂળ, અનુરૂપ, ઉચિત અને ઉપકારક એવા પ્રતીકની શોધમાં જ કાવ્યની સિદ્ધિ છે. પ્રતીક વિના ભાવને પ્રગટ કરવો ભાગ્યે જ શક્ય છે. પ્રતીકની આસપાસ જ કવિનો ભાવ ઘનીભૂત થતો હોય છે. આ ભાવપ્રતીકોમાં જગતનો સૌથી વધુ પારંગત કવિ ડેન્ટિ છે. જિજ્ઞાસુઓને પાઉન્ડ અને એલિયટના ડેન્ટિ પરના નિબંધો વાંચવાની ભલામણ છે. આ વિવેચકોએ ડેન્ટિની કાવ્યપ્રતિભાનું રહસ્ય બે જ શબ્દોમાં સમજાવ્યું છે : idea in image. ‘મન મારું… પ્રેમને સન્નિવેશે’ આગળ કહ્યું તેમ, કાવ્ય એટલે એક ‘હું’માંથી બીજા બૃહત્તર, મહત્તર, ગભીરતર, વિશાલતર ‘હું’માં પરિવર્તન. કાવ્ય એટલે ‘હું’ની યાત્રા. જે પંથ પર આ યાત્રા થાય છે તે પંથ છે પ્રેમનો. કવિના આત્મલક્ષી ભાવનો પરલક્ષી પ્રતીકો સાથેનો સંયોગ પ્રેમ દ્વારા જ સધાય છે. પ્રેમ એ ‘કેટેલીસ્ટ’ છે, સંવાદનું તત્ત્વ છે, રસાયણ છે. એ દ્વારા કવિનું આંતરજગત અને બહિર્જગત એકરસ, એકરૂપ, એકાકાર, ઓતપ્રોત થાય છે. પ્રેમ દ્વારા જ અભેદ, અભિન્નતા, એકત્વ તદ્રૂપતા, તાદાત્મ્ય શક્ય છે. આ પ્રેમના મંત્રથી જ એક ‘હું’ એટલે કે કવિનું બીજા ‘હું’ એટલે કે કાવ્યમાં પરિવર્તન થાય છે. કવિને કોઈ વાડો નથી, વળગાડ નથી, રસસમાધિ એ પણ ‘સહજ સમાધિ’ છે. એથી જ કવિને કોઈ ‘સ્કીમ’ ‘સ્ટ્રેટેજી’, ‘પ્લેન’ કે ‘પ્રોગામ’ નથી. એનું તો હોય છે મુગ્ધ અને મુક્ત ભ્રમણ. કવિને મન પ્રત્યેક ક્ષણ સ્વયંપર્યાપ્ત છે એટલે કે સનાતન છે. ક્ષણેક્ષણનું આગવું સૌંદર્ય એ અનુભવે છે. એટલે તો એ વિરોધોને, વિસંવાદને પણ વહાલથી સ્વીકારે છે. કારણ કે એની વચમાં જ સંવાદ પ્રગટવાનું એના પ્રેમમાં સામર્થ્ય છે. આત્મવિરોધ એ તો કવિનો જન્મસિદ્ધ અધિકાર છે (Self-contradiction is poet’s birthright) નકલી કવિ જગતનો ન્યાય તોલે છે, નર્યો કવિ જગતને માત્ર નિહાળે છે. કવિની યાત્રા નિરુદ્દેશ છે, એનું ભ્રમણ મુગ્ધ છે. એથી એની વીણા પ્રસન્ન છે, એ બ્રહ્માનંદ સહોદર જેવો કાવ્યાનંદ અનુભવે છે, કાવ્ય અનુભવે છે. કાવ્ય અને આનંદ એકમેકના પર્યાયો છે. ‘હું જ રહું વિલસી…હું જ રહું અવશેષે’ કાવ્ય એટલે વ્યક્તિત્વના વિલોપન દ્વારા વ્યક્તિત્વનો વિસ્તાર અને વિકાસ. કવિ એની જાતને જગતમાં ખોઈ દે છે એટલે કે એ સહુ સંગ વિલસી રહે છે. આત્મવિલોપન વિના આમ વિલસવું અશક્ય છે. કીટ્સ એના એક પત્રમાં આ પ્રક્રિયાને negative capability કહે છે. પણ પછી આ પ્રક્રિયા દ્વારા જ એ જાતને ખોળી લે છે એટલે કે અવશેષમાં પોતે જ રહે છે. ‘હું એ હું કાઢ્યો ખોળી’ એ કાવ્યનો અનુભવ છે. પ્રેમ દ્વારા, ‘હું’ના વિલોપન દ્વારા બહિર્જગત સાથે કવિ એના આંતરજગતનો સંયોગ સાધે છે, પરિણામે કાવ્ય જન્મે છે. અને એ કાવ્ય દ્વારા જ પાછો એ ‘હું’ને પામે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ અને અવિરત પુનર્જન્મની પ્રક્રિયા એટલે કાવ્ય. પ્રત્યેક કાવ્યના ગર્ભમાંથી નવજન્મ પામીને કવિ પ્રગટ થાય છે. કાવ્ય એટલે આત્મવિલોપન દ્વારા આત્મસાક્ષાત્કાર અથવા તો એકીસાથે આત્મવિલોપન અને આત્મસાક્ષાત્કાર. ‘તમસો મા…’, ‘કને નવ શું માહરી?’, ‘રહસ્યઘન અંધકાર’, 
‘સંધિકાળ’, ‘તંતુ શો એકતાનો!’, ‘હે દીપજ્યોતિ’ આ છ કાવ્યોમાં વસ્તુનું સામ્ય છે. પ્રકાશમાં નહિ પણ અંધકારમાં થતાં રહસ્યના દર્શનનું એમાં કથન છે. આગળ કહ્યુંને કે આત્મવિરોધ એ કવિનો જન્મસિદ્ધ અધિકાર છે! ‘નિરુદ્દેશે’ કહીને પછી તરત જ કવિ સંસારના અનુભવોના રહસ્યનું, વાસ્તવથી પર અને પારના પ્રદેશનું દર્શન કરવાનો ઉદ્દેશ સેવે છે. જીવનસરમાં દૃષ્ટિનું પદ્મ ઊગ્યું છે પણ એના સરવ દલને અંધારનો ભાર અને કારમો બંધ લાગ્યો છે. અને નેણ દર્શનોત્કંઠ છે એટલે પ્રાર્થે છે : ‘વીંધી તિમિર શરથી અંશુનાં, આવો કાન્ત… આવો હે સૂર્ય! આવો મખમલ પગલે…’ વળી પૂછે છે : ‘કને નવ શું માહરી?’ બધું જ છે, માનવ, પ્રકૃતિ અને બ્રહ્માંડનો અનુભવ છે, પણ એ અનુભવના રહસ્યના દર્શન વિના ક્યારેક બધું જ નિરર્થક લાગે છે. ‘કને સકલ માહરી… રહસ્ય વિણ એકલો ક્વચિત્ ઝૂરતો તો ય રે’. પણ દૃષ્ટિના પદ્મની આસપાસ જેનો કારમો બંધ છે તે અંધકારમાં જ કવિને રહસ્યનું દર્શન થાય છે. પણ તે કેવું રહસ્ય? અમિત કરુણાથી ભરેલું, નિરાળું. આમ, અંધારું જ્યાં ખડક સમ દુર્ભેદ્ય ત્યાં તેજનો શો ઉઘાડ થાય છે! અને નયન કીધ જ્યાં બંધ ત્યાં રૂપહીન ન્યાળ્યો અંભોધિને તેજ-પુંજે. કવિએ તેજના અંભોધિને રૂપહીન કહ્યો કારણ કે અંધારનાં અનેક રૂપ જોયાં છે. ઘડીકમાં ‘કાયા એને નથી તદપિ શો ભાર અંધારનો છે’ તો ઘડીકમાં ‘એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે’ તો વળી ઘડીકમાં ‘અંધારું જ્યાં ખડક સમ દુર્ભેદ્ય’. અહીં કહ્યું છે ‘કાયા એને નથી’ અને છતાં ય ‘શ્રાવણી મધ્યાહ્ને’માં ‘તિમિર ઘુંમટના ઝળુંબે’ અને ‘યામિનીને કિનાર’માં ‘અરવ પગલે ઊતરે અંધકાર’ એમ પણ કહ્યું છે. આવા અંધકારમાં કવિનાં નયન જે રહસ્ય ન્યાળે છે તે સાચે જ નિરાળું નહિ તો અમિત કરુણાથી ભરેલું તો છે જ અને કવિ પૂરતું નિરાળું પણ છે. એ રહસ્ય છે : ‘મેં સંધિકાળ દીઠ આવત ને જનારનો, 
આનંદનો કરુણ-વિહ્વલ ક્રંદના તણો : 
મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ 
મેળો થતો જ્યહિ નિરંતર જન્મ-મૃત્યુનો.’ આમ, કવિને વિરોધોની વચમાં વસતા સંવાદના રહસ્યનું દર્શન થાય છે. ‘ન્યારાં છે પાત્ર (કુસુમ અને ભ્રમર) તો યે અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો!’ આવત ને જનારનો, આનંદ ને ક્રંદનાનો, જન્મ અને મૃત્યુનો અને અનેક વિરોધોનો સંધિકાળ, સંવાદ એ છે કવિનું નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય. ‘હૃદય હે!’, ‘સ્વપ્ન-જાગૃતિ’, ‘હું છું ગયો ખોવાઈ’ આ ત્રણ કાવ્યોમાં સંગ્રહના પ્રથમ કાવ્યની અંતિમ પંક્તિના વિચારનું પુનરાવર્તન છે, અલબત્ત અર્થવિસ્તાર અને અર્થપલટા સાથે. અહીં કાવ્યવસ્તુની અસર કાવ્યસ્વરૂપ પર પડી છે (કાવ્યનાં વસ્તુ અને સ્વરૂપ અભિન્ન છે) ‘હું’ની મુક્તિની સાથે સાથે છંદ પણ મુક્ત વહ્યો છે. ‘અનાગત!’ ‘પ્રલંબ તવ પુચ્છની ઝપટ માત્રથી ઢાળતો’ આ પંક્તિમાં બલવન્તા ‘પૃથ્વી’ની શક્તિનો પરિચય થાય છે. પુચ્છની જેમ ‘પૃથ્વી’ની પણ ઝપટ વાગે છે. ‘ને એ જ તું?!’ ‘(…ગુંજરતો વહ્યો ધ્વનિ 
તરંગ આવૃત્ત અનંત શાન્તિમાં)’ આ પંક્તિઓ કવિએ કૌંસમાં એટલે કે કાનમાં કહી છે. અને છે પણ એમ જ કહેવા જેવી. ધ્વનિ એટલે આ સંગ્રહ અંતે તો અનંત શાંતિમાં જ શમવાનો છે (ને શું નથી શમવાનું?) આથી જ શું કવિએ આરંભમાં કહ્યું હશે કે ‘નિરુદ્દેશે’? ભલે અંતે અનંત શાંતિમાં ‘ધ્વનિ’ વહેવાનો હોય પણ તે પહેલાં એ શાંતિને તરંગ-આવૃત્ત તો કરશેને? અને ગુંજરતો વહેશે ને? બસ, તો તો અમે રસિકજનો ન્યાલ થઈ ગયા! આ એક જ પંક્તિથી આ કવિની સમગ્ર શબ્દશક્તિનો કયાસ કાઢી શકાય કારણ કે આ પંક્તિમાં કવિએ શબ્દોનો પૂરો કસ કાઢ્યો છે. આ પંક્તિના ઉપજાતિનું સૌંદર્ય ન્હાનાલાલની ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ એ પંક્તિના વસંતતિલકાના સૌંદર્યનું સ્મરણ કરાવે છે. સમસ્ત આધુનિક કવિતામાં શબ્દની શક્તિનો આવો પરિચય, શબ્દના સૌંદર્યની આવી પરખ, શબ્દના સંગીતની આવી સૂક્ષ્મ સમજ વિરલ છે. શબ્દના ધ્વનિ – સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને – ની આ સૂઝ આ સંગ્રહનું નામ સાર્થ કરે છે. આ પંક્તિમાં અર્થ અને વાણીનો પૂર્ણ યોગ થયો છે. જે અર્થ પ્રગટ કરવા અહીં શબ્દો યોજ્યા છે એ એવા શબ્દો છે કે એમના ધ્વનિ-ઉચ્ચાર માત્રથી પણ એ અર્થ પ્રગટ થાય છે, જોડણીકોશમાં શબ્દોનો અર્થ જોવાની જરૂર જ નથી રહેતી. ‘ગુંજરતો વહ્યો ધ્વનિ.’ કયાં વહ્યો? અનંત શાંતિમાં. આ શાંતિ તે કઈ? આ પંક્તિનો પાઠ કરી રહ્યા પછી જે પ્રગટ થાય છે તે શાંતિ અને આ ધ્વનિ તે કયો? આ પંક્તિનો પાઠ કરતાં કરતાં જે પ્રગટ થાય છે તે ધ્વનિ. વળી આ શાંતિ તે કેવી? તરંગ-આવૃત્ત. આ પંક્તિનો પાઠ કરતાં પહેલાં જે શાંતિ હતી તે આ પંક્તિનો પાઠ કરતાં સ્વાભાવિક જ તરંગ-આવૃત્ત થાય છે. આટલું તો જાણે સમજ્યા. પણ કવિએ ઇલમ તો એ અજમાવ્યો છે કે આ પંક્તિમાં જે શબ્દો યોજ્યા છે એથી આ તરંગો પ્રત્યક્ષ થાય છે. કવિની આ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. આ કારણે જ કવિ સાચી રીતે સૌંદર્યનો ઉપાસક છે. કીટ્સ જેવા કવિઓમાં શબ્દોની જે મદલોલ મસ્તી, શબ્દોનું જે સૌંદર્ય, શબ્દોનું જે જાદુ (word-magic) છે; અને બલવન્તરાય જેને શબ્દોનો અર્થાનુસારી લય કહે છે તે આ પંક્તિમાં છે. ચાર શબ્દોની આ એક પંક્તિમાં પ્રત્યેક શબ્દમાં એક ‘ત’ અને એક જોડાક્ષર એટલે કે એક જ પંક્તિમાં ચાર ‘ત’ અને ચાર જોડાક્ષરોનો (અને સાત શબ્દોઓની દોઢ પંક્તિમાં પાંચ ‘ત’ અન સાત જોડાક્ષરનો) ઉપયોગ થયો છે એથી એનો પાઠ કરતાં ચાર વાર અલ્પ વિરામ લેવો પડે છે. એટલે કે ચાર વાર ખચકા લાગે છે, કાન પર ચાર વાર તરંગો અથડાય છે, એટલે કે તરંગો પ્રત્યક્ષ થાય છે. મેથ્યુ આર્નલ્ડની કાવ્ય પરીક્ષણપદ્ધતિ પ્રમાણે જો એક જ પંક્તિથી આ કવિની સમગ્ર કાવ્યપ્રતિભાનો કયાસ કાઢવો હોય તો આ પંક્તિથી વધુ યોગ્ય એવી પંક્તિ સારા યે સંગ્રહમાં ભાગ્યે જ હશે. ‘આયુષ્યના અવશેષે’ આ સંગ્રહની સૌથી વધુ મહત્વાકાંક્ષી કૃતિ છે. આધુનિક ગુજરાતી કવિતાની એક સિદ્ધિ છે. વળી આ કવિની અત્યંત લાક્ષણિક અને પ્રતિનિધિત્વ ધરાવતી કૃતિ છે. એના ભાવ, વિચાર અને વસ્તુ; વિકાસ, સંકલના અને સ્વરૂપ; ચિત્રો, ઉપમાઓ અને સુશ્લિષ્ટ સુગ્રથિત એકતાને કારણે આ કાવ્ય કલાકૃતિના નામનું અધિકારી છે. આ કાવ્ય વિશે બલવન્તરાય સાથે જે વાર્તાલાપ થયો હતો તે કાવ્યના રસાસ્વાદને ઉપકારક હોવાથી અહીં ઉતાર્યો છે. ૧૯૫૦માં બલવન્તરાયને આ કાવ્ય વંચાવ્યું. હીંચકે બેઠા બેઠા વાંચતા જાય ને ડોલતા જાય, એટલો એમાં એમનો રસ અને આનંદ. કવિતા બલવન્તરાયને ડોલાવી શકતી. વાંચી રહ્યા પછી કહે : ‘રેશમના પટ પર કિનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રે આબાદ પકડ્યો છે.’ પછી કાવ્યનાં સૉનેટ-સ્વરૂપ, ચિત્રો, ઉપમાઓ વગેરે વિશે ચર્ચા ચાલી. વચમાં મેં એમને એમ સૂચવ્યું કે આપણા એક કવિ-વિવેચકનો એવો મત છે કે ‘આયુષ્યના અવશેષે’માં રાજેન્દ્રે ‘જૂનું પિયેરઘર’નો તંતુ આગળ ચલાવ્યો છે (વાચકોને બલવન્તરાયના ‘ભણકાર’માં ‘પ્રેમનો દિવસ’નું એક સૉનેટ ‘જૂનું પિયેરઘર’ વાંચવા અને આ કાવ્ય સાથે સરખાવવા ભલામણ છે.) તરત જ બલવન્તરાય કહે : (‘Absurd! Mine is a psychological probability, while Rajendra has re-mained within the range of his experience. Nothing more could be said in such a short span.’ (મારું કાવ્ય તો એક કાલ્પનિક બુટ્ટો છે જ્યારે રાજેન્દ્ર તો એમના વાસ્તવિક અનુભવની મર્યાદામાં રહ્યા છે. અને એમણે જે કહ્યું છે એથી વિશેષ કશુંય આટલી (૭૦ લીટીની) મર્યાદામાં રહીને કહી શકાય એમ જ નથી.) પોતાને સવાયા લાડકા એવા સૉનેટ પ્રકારમાં વસ્તુ અને સ્વરૂપની આવી સિદ્ધિના દર્શનથી પ્રો. બલવન્તરાયને જે હરખ થયો હશે તે આ વાર્તાલાપમાં એમના ઉદ્ગારો પરથી કલ્પી શકાય છે. ‘ઘર ભણી’માં ડમણી, ચીલો, તમિસ્ર, ઘુઘરી (એનો રણકાર), ઠંડી, સમીર, દીવડો, સીમા, પંખી, તારા આદિ ઝીણી ઝીણી વીગતોથી ભર્યું ભર્યું એક સુરેખ ચિત્ર પરોઢના વાતાવરણને કેવી સરળતાથી સજીવ કરે છે અને ‘આયુષ્યના અવશેષે’ ‘ઘર ભણી’ જતા પાત્રના મનોગતને કેવી સહાનુભૂતિથી પ્રગટ કરે છે. ‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’ જીવનના એક ગહન દર્શનમાં અંત પામતી કૃતિની આરંભની પંક્તિ કેટલી તો સાદી, સામાન્ય, સ્વાભાવિક અને વાસ્તવિક છે! આ ડમણી કાવ્ય — સમગ્રના સંદર્ભમાં, એક વાર આખું કાવ્ય વાંચ્યા પછી ફરી વાંચતાં, જાણે કે નાયકના ચિત્તનું આબેહૂબ પ્રતીક (symbol) બની રહે છે. જે ડમણીમાં પોતે બેઠો છે તે ડમણીની જેમ એનું ચિત્ત પણ આખા કાવ્ય દરમ્યાન અનેક સ્મરણોથી ખખડ થતું અને કાળના વાંકાચૂકા ચીલાઓ પર ખોડંગાતું રહે છે. વળી ડમણી પણ એના વયને અનુરૂપ એવી ‘જૂની’ છે. આયુષ્યના અવશેષે આવી પહોંચેલા પાત્રનો જીવનપથ પણ લગભગ વિજન જેવો છે અને કોનું ભવિષ્ય તમિસ્ર જેવું નથી? વળી તમિસ્રમાંથી રહસ્યદર્શન લાધે છે એમ કવિએ આગળ કહ્યું છે. આ કાવ્યને અંતે દર્શન લાધે છે તે આ તમિસ્રમાંથી પસાર થયા પછી. આમ, પ્રથમ પંક્તિમાં જ કવિએ સંગ્રહનું નામ સાર્થ કર્યું છે, ‘ડમણી’નો બેવડો અર્થસૂચવીને. એક અર્થ તદ્દન વાસ્તવિક અને સ્વાભાવિક અને બીજો અત્યંત ધ્વનિમય અને કાવ્યમય. વળી પથ વિજન છે અને તમિસ્ર ઘન છે અને ડમણી ચીલે ચીલે જાય છે એટલે એના અવાજનું અને એની હાલકડોલક ગતિનું તીવ્ર ભાન થાય જ. ‘ખખડ થતી’ શબ્દોથી ડમણીનો અવાજ અને ‘ખોડં-ગાતી’ (શબ્દના ઉચ્ચારમાં વચમાં વિરામ અનિવાર્ય છે) શબ્દથી એની હાલકડોલક ગતિ પ્રત્યક્ષ થાય છે. વળી, જૂની ડમણીની ગતિ વેગીલી હોય (સીધા ચીલા પર) ત્યારે ખખડ થાય અને ગતિ મંદ હોય (વાંકાચૂકા ચીલા પર) ત્યારે ખોડંગાય; આ વેગીલી ગતિ ‘ખખડ થતી’માં એકસાથે પાંચ લઘુ અક્ષરોથી અને મંદ ગતિ ‘ખોડંગાતી’માં એક સાથે ચાર ગુરુ અક્ષરોથી સ્પષ્ટ થાય છે. ‘સ્વપ્ન મધુરી… મીઠા રણકારથી’ આ અંજન સાચે જ મીઠા રણકારથી ધોરીની ઘુઘરી ભરતી હશે કે પછી અનેક આછા ઘેરા ભણકારથી ભર્યો ભર્યો ભૂતકાળ ભરતો હશે? ‘ચરમ પ્રહરે… પ્રસરી રહી’ સ્મૃતિદુઃખનો આમ તો ઉપમા રૂપે જ ઉલ્લેખ થયો લાગે છે. પણ ઉપમા દ્વારા અત્યંત ધ્વનિપૂર્ણ રીતે અહીં છાની વાત છતી થાય છે, રહસ્ય પ્રગટ થાય છે. નાયકના મનમાં સ્મૃતિદુઃખ વ્યાપી જ વળ્યું છે. ‘લઘુક દીવડે… પડખું ફરી’ કવિએ અહીં એક અદ્ભુત, જીવંત અને ગતિશીલ (dy-namic) ચિત્ર આંક્યું છે. એથી ડમણીની ગતિ વધુ પ્રત્યક્ષ થાય છે. આટલા પરથી સ્પષ્ટ થાય છે કે કવિએ નાયકના ભાવને અનુકુળ, એના ચિત્તની સ્થિતિને અનુરૂપ એવા પદાર્થો-પ્રતીકોનો ઉપયોગ કર્યો છે અને એ દ્વારા આંતરજગત અને બહિર્જગતનો સુભગ સંયોગ કર્યો છે. એક સ્થિતિમાંથી, એક સૃષ્ટિમાંથી વિદાય અને બીજી સ્થિતિમાં, બીજી સૃષ્ટિમાં પ્રવેશની વચ્ચે સંક્રાંતિકાળનું સુરેખ નિરૂપણ આ સૉનેટમાં છે. ‘પ્રવેશ’માં ધુમ્મસ, ઉજેશ, મોટેરાં, વહુવારુઓ, બાળકો, શ્વાન, તાળાં, દ્વાર, હવા, પાત્રો આદિ ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરનારની મનોદશા અને એની નજરે જેનું દર્શન થાય છે તે દૃશ્ય તાદૃશ કરે છે. ‘ત્યહીં ધુમસથી… દિશા અનુકંપને’ ભર્યા ઘરની યાદ લઈને સૂના ઘરમાં પ્રવેશનાર, એના રજોમય આંગણે આયુષ્યના અવશેષની લઘુક ગઠડી મૂકનારના ભીતરમાં પણ બહારની જેમ જ વિષણ્ણ ઉજેશની ટશર લાગે છે અને તે ઉજેશ પણ ધુમ્મસે છાયેલો જ હોય છે. (આમ ‘ગગન’ એટલે ચિત્તરૂપી ગગન એવો ધ્વનિ અહીં સ્પષ્ટ છે). વળી દિશાએ દિશા આવા પાત્ર પ્રત્યે અનુકંપાથી ન જાગે તો જ નવાઈ! આખું ગગન અને બધી દિશાઓ, ચોમેરની પ્રકૃતિને કવિએ અનુકંપા અનુભવતી વર્ણવી છે. વર્ષો પછી ઘરે પાછા ફરતાં મનુષ્યના ઉરમાં ઉંબર ઓળંગતાં જ ઉઘાડ થાય અને એ જ ક્ષણે પૂર્વગગનમાં ઉષાનો ઉઘાડ થાય એનો અર્થ એ જ કે ફરીને આ સૉનેટમાં પણ કવિએ હૃદયનો ભાવ અને પ્રકૃતિની વચ્ચે અનુકંપા દ્વારા સુમેળ સ્થાપ્યો છે. ‘ખબર પૂછતાં… નિજ મોચન’ મોટેરાં, વહુવારુઓ, બાળકો અને શ્વાન એ સૌ પરિચિત અને અપરિચિત જીવોનો આ ઉલ્લેખ, એમના વર્તનનું આ ઝીણી વીગતનું વર્ણન માનવરસથી તરબોળ છે, એ કેટલી ઉષ્માથી ધબકે છે! તાળાં ઊઘડ્યાં તે દ્વારના મુખથી જ માત્ર ઊઘડ્યાં છે? ક્રન્દન કર્યું તે દ્વારે જ માત્ર કર્યું છે? અચલ સ્થિતિમાં જડાઈ ગયાં હતાં તે દ્વારનાં જ ગાત્રો માત્ર જડાઈ ગયાં હતાં? ભીતરથી હવા ધસી તેમ નાયકના ભીતરમાંથી સ્મૃતિ પણ તક લાધતાં નથી ધસી શું? અને હવાની જેમ એ સ્મૃતિ પણ ભીની-વાસી અને હવે જ જેણે નિજ મોચન લહ્યું એવા પ્રેત જેવી નથી શું? ‘કિરણ પરશે… નિરખ્યાં ફરી’ સુદૂર, અગમ્ય, અનંત સૃષ્ટિમાં, કર્મોની પ્રફુલ્લિત સૃષ્ટિમાં આયુષ્યભર ભ્રમણ કરતા અસામાન્ય મનુષ્યને પણ ખાટ, પરસાળ, વલોણું, સીકું, મેડી આદિ ‘જૂનાં’ અને અત્યંત સામાન્ય પાત્રોનું કેવું અજબ આકર્ષણ હોય છે! ગમે તેવા મનુષ્યનો ઉત્કટમાં ઉત્કટ જીવનરસ આવાં પાત્રોમાં જ પર્યાપ્ત હોય છે. ‘સ્વજનોની સ્મૃતિ’માં આ પાત્રો અને પિતાજી, મા, પ્રિયતમા આદિ સ્વજનોનો હૃદયના અત્યંત ભાવોદ્રેકથી ઋણસ્વીકાર કર્યો છે. ‘સીકું વિના દધિ ઝૂરતું’, ‘મેડી જોને કશી વલખી રહી’, ‘ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી’ જેવાં વર્ણનોમાં હૃદય કેવું ઠાલવ્યું છે! ભાવ કેવો ઠાંસોઠાંસ ભર્યો છે! ‘પરિવર્તન’માં અત્યાર લગીનાં ત્રણ સૉનેટનો વિચાર વળાંક લે છે. જેમ ૧૪ પંક્તિના એક સ્વતંત્ર સૉનેટમાં ૮મી પંક્તિ પછી વિચાર વળાંક લે તેમ ૫ સૉનેટના ગુચ્છમાં ૩જા સૉનેટ પછી વિચાર આમ વળાંક લે છે એથી કવિએ પ્રમાણભાન, ઔચિત્ય સાચવ્યું છે એ સ્પષ્ટ થાય છે. કવિને સૉનેટ-સ્વરૂપની સૂઝ છે એની પ્રતીતિ થાય છે. આ સૉનેટમાં ઝરૂખાનું, એ ઝરૂખામાંથી ચીલાના દર્શનનું અને એ દર્શનથી હૃદયમાં જાગૃત થતા તલસાટના ભાવનું કથન કેવી સુન્દર, કાવ્યમય અને સુરંગીન કલ્પનાપ્રચુર, ‘જેની અપૂર્ણ કથા તણા ધુમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના’ એવી પંક્તિથી વિરમે છે! વર્તમાનની સ્થિતિ અને ગતની સ્મૃતિ માટે બીન અને સ્વરની કેવી ઉચિત ઉપમા યોજી છે! અત્યાર લગીની ગતિ ભવિષ્યકાળમાં હતી (અલબત્ત, એમાં ભૂતકાળની સ્મૃતિ સામેલ હતી.) પણ જેમ મેડીના દર્શનથી યૌવન તેમ ઝરૂખાના દર્શનથી શૈશવનું સ્મરણ થતાં જ ગતિ ભૂતકાળમાં થાય છે. અને ‘અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાંત નિમજ્જન’ પછી અંતના સૉનેટ ‘જીવનવિલય’માં ગતિ એકસાથે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં થાય છે. વર્તમાનની ક્ષણમાં ભૂતકાળ અને ભવિષ્યકાળનો સમન્વય અથવા વિલય થાય છે. નાયક કાળથી પર થાય છે. એને હૃદયના શૂન્યે પ્રશાંત નિમજ્જન લાધે છે. આજ લગીનું એનું આયુષ્ય શૈશવ, યૌવન અને વાર્ધક્યમાં ખંડિત નહિ પણ અખંડિત લાગે છે. આદિ અને અંત વિના, નિજાનંદે રૂપની રમણામાં ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા કોઈ ચિરંતન તત્ત્વનું એ દર્શન કરે છે; અને તે પણ હવે જ જે શક્ય છે તે રીતે, અલિપ્ત રહીને, કાળથી પર થયા પછી, આઘે રહીને આ ગહન દર્શન કવિએ શબ્દ અને ધ્વનિ તથા બીજ અને પર્ણની સર્વાંગસુન્દર અને સર્વથા સમુચિત ઉપમાઓ દ્વારા કાવ્યના એક અનિવાર્ય અને આંતરિક અંશ રૂપે, કાવ્યના સારતત્ત્વ રૂપે નહિ પણ દર્શનના કાવ્યતત્ત્વ રૂપે પ્રગટ કર્યું છે એમાં કવિની કવિ લેખે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. કાવ્યની પરાકાષ્ઠા પણ ‘નિધિ’, ‘મોજું’, અને ‘ઘનવર્ષણ’ એવાં ઉચિત પ્રતીકો દ્વારા જ સિદ્ધ કરી છે. (આ કાવ્યની અંતિમ પંક્તિ પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે’ની અંતિમ પંક્તિનું જ અભિનવ સ્વરૂપ છે). આમ આ કાવ્યમાં ચિંતન અને રસ એકબીજાથી અલગ ન પાડી શકાય એટલાં ઓતપ્રોત છે, તાણાવાણાની પેઠે વણાઈ ગયાં છે. એથી જ આ કાવ્ય એ સઘન રસથી ભરપૂર એવી એક વજનદાર કલાકૃતિ છે. આ કાવ્યના વાહન રૂપે કવિએ હરિણી છંદ યોજ્યો છે. બલવન્તરાયે એ વિશે જે કહ્યું હતું એનો આગળ ઉલ્લેખ થયો છે. ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રે આબાદ પકડ્યો છે.’ ઘરડા માણસના મનમાં સહસા સ્મરણ જાગે છે, ઓચિંતી જ ભૂતકાળની યાદ આવે છે. આ વેગીલી ક્રિયા હરિણીના પહેલા ઘટકમાં, લલલલલગામાં, પાંચ લઘુ અક્ષરો એકસાથે આવતાં જે દ્રુત લય પ્રગટ થાય છે એથી સૂચવાય છે. સહસા જાગતાં સ્મરણ, ઓચિંતી આવતી યાદ ઘરડા માણસનું મન માણવાને રોકાય છે અથવા તો ઘરડા માણસનો ભૂતકાળ અતિશય લાંબો હોવાથી એકસાથે અસંખ્ય સ્મરણ, યાદ ટોળે વળે છે. અથવા તો ઘરડા માણસનું મન નબળું હોય છે એથી સહસા સ્મરણ જાગે, એ ઓચિંતી યાદ આવે ને તરત અદૃશ્ય થાય છે; ગમે તે કારણે પણ પેલી વેગીલી ક્રિયામાં મંદતા આવે છે. આ મંદ ક્રિયા હરિણીના બીજા ઘટકમાં, ગાગાગાગામાં ચાર ગુરુ અક્ષરો એક સાથે આવતાં જે વિલંબિત લય પ્રગટ થાય છે એથી સૂચવાય છે, અને અંતે ઘરડા માણસના મનમાં આ વેગીલી અને મંદક્રિયાના મિશ્રણના પરિણામરૂપ જે એક ક્રિયા ચાલે છે તે હરિણીના ત્રીજા ઘટકમાં, લગાલલગાલગામાં, લઘુ અને ગુરુ અક્ષરોનું મિશ્રણ થતાં જે દ્રુત-વિલંબિત લય પ્રગટ થાય છે એથી સૂચવાય છે. વળી હરિણી છંદના પહેલા ઘટકમાં, લલલલલગામાં દ્રુત લય; બીજા ઘટકમાં, ગાગાગાગામાં વિલંબિત લય; અને ત્રીજા ઘટકમાં લગાલલગાલગામાં દ્રુત અને વિલંબિત લયનું મિશ્રણ છંદના લયનો આ વિકાસ કાવ્યના વસ્તુના વિકાસનું આબેહૂબ પ્રતિબિંબ પાડે છે. છંદમાં બે વિસંવાદી લય અને અંતે એનો સંવાદ છે તેમ કાવ્યના વસ્તુમાં પણ વર્તમાનની ક્ષણ, કાવ્યના આ ઉદ્ગારની ક્ષણ પછીના આયુષ્યના અવશેષનો, ભવિષ્યકાળનો તથા તે પહેલાંનાં શૈશવ અને યૌવનનો, ભૂતકાળનો વિસંવાદ અને અંતે એમાંથી જન્મતો સંવાદ છે. આમ કાવ્યસમગ્રનો અર્થ (એના વસ્તુનો વિકાસ, એના વસ્તુની સંકલના) છંદના લયમાંથી જ પ્રગટ થાય છે. એટલે કે કાવ્યનાં વસ્તુ અને સ્વરૂપમાં સંપૂર્ણ સંવાદ છે જે કવિની સૌંદર્યદૃષ્ટિનો દ્યોતક છે. ‘શેષ અભિસાર’ આ કાવ્ય પણ સંગ્રહની એક મહત્ત્વની કૃતિ છે. મૃત્યુના મિલનનું આ કાવ્ય છે. ‘સંધિકાળ’માં જીવનના અનુભવનું રહસ્યદર્શન કરતાં કવિએ કહ્યું છે, ‘મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ/મેળો થતો જ્યહીં નિરંતર જન્મ-મૃત્યુનો’, જેમાં ‘આદ્યંત જીવનનો જય ગર્જે’ છે એવા ‘આયુષ્યના અવશેષે’ પછી તરત જ જેમાં મૃત્યુના મિલનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે એવા ‘શેષ અભિસાર’નો ક્રમ કવિએ રચ્યો છે એમાં પણ પેલો જન્મ-મૃત્યુનો મેળો થયો છે. આરંભમાં જ મૃત્યુની વેગીલી ગતિનું પ્રાણવાન વર્ણન અને મૃત્યુની રહસ્યમય આકૃતિનું રમણીય ચિત્ર કવિએ આપ્યું છે. ‘ચૂપ હો’થી શાંતિનો અનુરોધ કરતી મરનાર સ્ત્રીની મૃત્યુ પ્રત્યેની લાગણી ‘લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભૂરેખ ઢાંકતો:/લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જ્યમ’ જેવી સુરેખ પંક્તિઓ દ્વારા વ્યક્ત કરી આપી છે. સ્ત્રીની માંગલ્યની ઘડી માટેની આતુરતા, અધીરાઈ, મૃત્યુના મિલનની ઉત્કંઠા, લગ્નની ક્ષણની ઉત્સુકતા આદિ મૃત્યુની પ્રેયસીના પ્રેમના વૈભવને વ્યક્ત કરતી લલિતમધુર વાણી દ્વારા અને વચમાં અનુષ્ટુપ છંદના ખંડકો દ્વારા કવિએ વહાવી છે. ‘કિન્તુ શાને રે શ્વાન… ખમ્મા ય એહને…’ મૃત્યુ સમયે શ્વાનના રુદન વિશેના પ્રચલિત વહેમનો અહીં કવિએ કેવો કાવ્યમય ઉપયોગ કર્યો છે! આવી લોકમાન્યતા પાસેથી પણ કવિતાનું કામ કવિએ કઢાવી લીધું છે. એને પણ કાવ્યની સામગ્રી રૂપે યોજી છે. સર્વસમર્પણ, વિસર્જન સમયે, માંગલ્યની ઘડીએ, લગ્નની ક્ષણે આ રુદન વિક્ષેપરૂપ લાગે છે, વિલંબકારી લાગે છે, અસહ્ય લાગે છે, એટલે તો આ પ્રશ્ન પૂછવો પડ્યો છે. આ પ્રશ્ન દ્વારા સ્ત્રીની મૃત્યુના મિલન માટેના તલસાટની માત્રા વધારી મૂકી છે. શેષાભિસારના નૃત્યના તાલમાં ભંગ પડાવવા મથતા ધર્મરાજના અંતિમ સાથીના આ પિતૃદ્રોહી વંશજ પ્રત્યે પણ સ્ત્રી કેટલું હેત પ્રગટ કરે છે! એને પણ ક્ષમા કરી શકે એવી ઉદારતાથી એનું હૃદય ભર્યું ભર્યું છે. આ ક્ષમાવૃત્તિ પ્રગટાવીને કવિએ મૃત્યુનો મહિમા જ ગાયો છે. જે વિક્ષેપરૂપ છે, વિલંબકારી છે, અસહ્ય છે એને પણ ક્ષમા આપવી એવી સ્ત્રીના હૃદયની આ વિશાલતાનું, એના આ વિકાસનું કારણ મૃત્યુ જ છે. મૃત્યુ સમયે મનુષ્ય સૌથી વધુ ઉદાર હોય છે. મૃત્યુના પવિત્ર સાન્નિધ્યમાં મનુષ્ય શું માફ નથી કરતો? વળી આ ક્ષમા એ સ્ત્રીના અનહદ આનંદનું, એની પરમ શાંતિ(મૃત્યુના મિલનની પ્રતીક્ષાને કારણે)નું પરિણામ છે. જેણે આનંદ અને શાંતિ નથી અનુભવ્યાં તે શું માફ કરવાનો હતો? આમ, શ્વાનના રુદનના ઉલ્લેખ દ્વારા સ્ત્રીની અધીરાઈ, આનંદ અને શાંતિના અનુભવમાંથી જન્મતી ઉદારતા, ક્ષમા તથા મંગલકારી મૃત્યુનો મહિમા કવિએ વ્યક્ત કર્યો છે; એટલે કે એક પ્રચલિત વહેમનો પૂરો કાવ્યમય ઉપયોગ કર્યો છે. ‘અહો શી પગલી… ખર્યું, જાણે ખર્યું…’ સ્વજનોના ઉદ્ગારો દ્વારા મૃત્યુશૈયાની આસપાસનું વાતાવરણ કવિએ જીવંત કર્યું છે. મૃત્યુ સમયે ધીરે ધીરે શિથિલ થતા જતા દેહનું વર્ણન અને હવે ક્ષણમાં, અરધી ક્ષણમાં ક્યારે પ્રાણ દેહનો ત્યાગ કરશે, એ માટેની તંગદશા (suspense) પીપળાના પર્ણની ઉપમાને કારણે કેવી સફળ થઈ છે! ‘ના, ના, ગતિ શી…રે ગઈ ઢળી,’ ૧લું સ્વજન હજુ તો કહે ‘ખર્યું, જાણે ખર્યું’ ત્યાં તરત જ બીજું સ્વજન ‘ના, ના’થી વિરોધ કરે છે. જાણે કે દેહને ત્યાગીને ચાલ્યો ગયેલો પ્રાણ પાછો ફરે છે. જીવનનો ફરી સંચાર થાય છે તે ચપલા અને ઝંઝાની ઉપમાઓથી વ્યક્ત કર્યો છે. આમ, આ ઉદ્ગારો સ્વજનોનું વિસ્મય વધારી મૂકે છે અને વાતાવરણને વધુ ઉપસાવી આપે છે. ‘થીજેલું જલ પીગળી… સ્વધા, સ્વધા!’ સ્વજનોના આ ઉદ્ગારો સ્ત્રીના મૃત્યુ સમયના છે. સ્ત્રી અને મૃત્યુના મિલનની સ્વજનો પરની અસર આ દ્વારા કવિએ વ્યક્ત કરી છે. એને માટે પણ કવિએ થીજેલા જલની અને મધુની ઉપમા યોજી છે. મૃત્યુમાં થતી જાગૃતિની ક્રિયાની થીજેલા જલની પીગળવાની ક્રિયા સાથેની સરખામણી કેટલી ઉચિત છે. મૃતદેહની નીરવ શાંતતા, એનું અનિર્વચનીય સૌંદર્ય અને એનું પરમ પાવનકારી દર્શન આલિંગન, નેત્ર, હોઠ આદિના ઉલ્લેખથી કેવું સહાનુભૂતિપૂર્વક અત્યંત ઋજુ હૃદયે વ્યક્ત થયું છે. ‘આપણે ત્યાં જવું… વસ્ત્ર હો પરું’ મૃત્યુ એટલે મુક્તિ. વસ્ત્ર પણ એમાં બંધનરૂપ છે. અનેક કાવ્યોમાં જીવનના રહસ્યના દર્શનની જેમ આ એક જ પંક્તિ ‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું’ દ્વારા કવિએ મૃત્યુ એટલે મુક્તિ એવું મૃત્યુના રહસ્યનું કેવું અદ્ભુત સુંદર દર્શન કર્યું છે, એટલું જ નહિ, કિંતુ મૃત્યુ પણ સહર્ષ સ્વીકારી લે એવી કાવ્યમય વાણીમાં કર્યું છે. ‘મારા શેષાભિસારની… ડૂસકું ત્યારે?…’ જીવનની અંતિમ ક્ષણે સ્ત્રીનું આ અંતિમ શ્રવણ છે. ત્યાર પછી તો મૃત્યુ સિવાય એ કોઈની વાણી કાને ધરતી નથી. અંતિમ શ્રવણમાં ડૂસકું? મૃત્યુ એ શોકનો નહિ, આનંદનો પ્રસંગ છે એથી આ આશ્ચર્ય થાય છે. આગળ શ્વાનના રુદનથી તેમ અહીં સ્વજનના ડૂસકાથી પ્રશ્ન થાય છે. ‘સ્પર્શનું વસ્ત્ર હો પરું…તું ને હું’ મૃત્યુ એટલે સર્વ ઇન્દ્રિયોનો અને પોતાને સૌથી વધુ વહાલા એવા પ્રાણનો પણ ત્યાગ, સર્વત્યાગ. આ સર્વત્યાગ પછી જ સાચો આત્મસાક્ષાત્કાર થાય છે, મૃત્યુ પછી જ સાચો જન્મ થાય છે. આનું નામ તે મરીને જીવવાનો મંત્ર. આથી જ સ્ત્રીએ પોતાના મૃત્યુની ક્ષણને ‘ધન્યવેળા સુમંગળ’ કહી. ‘શાન્તિ હો ગતને… શાન્તિ शान्ति હો…’ ત્રણ વાર ‘શાંતિ’ શબ્દના ઉચ્ચાર સાથે, જેમ જીવનનો તેમ જ, કાવ્યનો અંત થાય છે. મૃત્યુ એટલે સાક્ષાત્ શાંત રસની મૂર્તિ. જીવનના સૌ રસો જેમાં વિરમે છે, એમનું જેમાં પર્યવસાન થાય છે, મધુર મિલન થાય છે તે શાંત રસ મૃત્યુનો રસ છે. મૃત્યુ એટલે મુક્તિ એવા સ્ત્રીના અનુભવની અસર કવિએ આ ઉક્તિઓમાં યોજેલા અનુષ્ટુપ પર પણ પડી છે (છંદ પણ મુક્તિ અનુભવે છે) એ કાવ્યની સચ્ચાઈનો પુરાવો છે. ‘યોગહીણો વિયોગ’ આ સૉનેટને ફ્રેન્ચ કવિ શાર્લ બૉદલેર (Charles Baude-laire)ના ‘A Une Passante’ (To a Passer-by) નામના સૉનેટના રૉથ કેમ્પબેલના નીચેના અંગ્રેજી અનુવાદ સાથે સરખાવતાં બન્ને સૉનેટનો આસ્વાદ કંઈક ઔર આવશે, એક જ વિષય પરનાં, બન્ને કવિના મૌલિક મિજાજને કારણે, સ્વતંત્ર વિકસતાં આ બે સૉનેટ છે. TO A PASSER-BY The deafening street roared on. Full, slim, and grand 
In mourning and majestic grief, passed down 
A woman, lifting with a stately hand 
And swaying the black borders of her gown; Noble and swift, her leg with statues matching; 
I drank, convulsed, out of her pensive eye, 
A livid sky where hurricanes were hatching, 
Sweetness that charms, and joy that makes one die. A lighting-flash — then darknes! Fleeting chance 
Whose look was my rebirth — a single glance! 
Through endless time shall I not meet with you? Far off! too late! or never! — I not knowing 
Who you may be, nor you where I am going — 
You, whom I might have loved, who know it too! ‘સુધામય રાગિણી’ ‘અચર તરુનાં પાણી… પલક વિસર્યાં નેત્રે’ પુલિન પરના તરુનું વિરલ વર્ણન, નિરીક્ષણથી નવાજેલું આ ચિત્ર અદ્ભુત છે, કારણ કે એથી તરુઓ પ્રેમીજનોનાં પ્રતીક બની ગયાં છે. આવી ચિત્રાત્મકતા આ કવિની આગવી શક્તિ છે. ‘અધિક સરક્યાં પાસે… મળ્યા જીવ ચુંબને’ આ કાવ્યમધુર ચિત્ર કવિનો ઇન્દ્રિયરાગ (sensuousness) પ્રગટ કરે છે. આ પ્રકારનાં ચિત્રાત્મકતા અને ઇન્દ્રિયરાગથી સભર ભર્યાં D.G. Rossettiનાં ‘The House of Life’નાં સૉનેટો વાંચી જવા રસિકજનોને આગ્રહ છે. ‘એક ફૂલ એવું’, ‘પ્રેમના મંત્રનું કૈંક ગુંજન’, ‘ગાયાવિની’, ‘પ્રાસાનુપ્રાસ’ આ ચારે કાવ્યોમાં, એકનાં એક જ પ્રેમીજનો છે. બન્ને પ્રેમીજનો, સ્ત્રી અને પુરુષ, એકસરખાં ચતુર છે. એમની બુદ્ધિના ચમકારા એમના તરલચંચલ સંવાદમાં ક્ષણેક્ષણે અનુભવવા મળે છે. એમનાં તોફાન, મસ્તી, ઠઠ્ઠા-મશ્કરીને પૂરતો અવકાશ મળે તેવા પરંપરિત હરિગીત, પરંપરિત ઝૂલણા, મુક્ત મિશ્રોપજાતિ અને મનહર છંદ કવિએ યોજ્યા છે. પ્રેમીજનોના સ્વમુખે પ્રેમના રહસ્યનું ઉદ્ઘાટન એ આ કાવ્યોનો વિષય છે. પરસ્પરનો પરાજય અને પછી જ પુરસ્કાર એ પ્રેમીજનોનો પ્રિય વ્યવહાર છે. પ્રેમ એટલે જીતવું કે જિતાવું એ પ્રેમનો સનાતન કોયડો છે. આ ચારે કાવ્યો જ્હોન ડનની ‘મેટાફીસિક્લ’ કવિતાની શૈલીનાં છે. આ ચારે કાવ્યોનો હળવો ઉપાડ અને ભારેખમ અંત છે; બુદ્ધિની ચાલાકી, રમત, રમૂજ, ચાતુરી, ચંચળતામાંથી વિકસતા ભાવોદ્રેકમાં કે ચિંતનમાં, ગાંભીર્યમાં કે રહસ્યદર્શનમાં વિરમે છે. ચિત્તની તરલતા અને બુદ્ધિની ગહનતાનો એમાં સુભગ સમન્વય છે. ‘સમયની ગતિ…’ વિવિધ સમયે મનની સકારણ વિવિધ દશાનું કાવ્યમાં નિરૂપણ છે. એનું સ્વરૂપ અને લાઘવ ‘ચાઇનીઝ’ પ્રકારનું છે. ‘વિજન અરણ્યે’ પંચ તત્ત્વોનું સાહચર્ય અને સર્વનો સંગ પામ્યાના આનંદનો આ ઉદ્ગાર છે. વૃક્ષ, વનસ્પતિ, કિરણોનો શાંત વૈભવ, વાયુ આદિની વન્ય રિદ્ધિ એટલે કે પ્રકૃતિ અને ‘જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ’ એવા અતીત સાથે કવિનો મેળ છે એટલે તો કાવ્યનું ધ્રુવપદ છે ‘એકાકી હું નહિ’ અને આહ્વાન છે ‘એકાકી તો પણે… હૈયાનો મેળ ના જ્યહીં.’ ‘મને તો દાખવે… સરે સૌંદર્ય સર્પનું’ કવિને કાનનમાં સાકાર સુન્દરનાં દર્શન થાય છે. કારણ કે સૌંદર્ય એટલે સંવાદ, અભેદ, એકત્વ. કવિને કોમળાંગી મૃગોનાં ટોળાં અને હિંસ્ર પ્રાણીની ગર્જના બન્ને એકસરખાં ગમે છે. વિરોધ, વિસંવાદની વચ્ચે આ સંવાદ સ્થપાય છે. કારણ કે પંચ તત્ત્વોના સાહચર્ય અને સર્વના સંગમાં, પ્રકૃતિ અને અતીતમાં કૈં ખૂટતું હોય તો કવિએ એના હૈયાનો, જેની આનંદ-ઘોષણા ગાજી રહી છે એવો, પ્રેમ એમાં પૂર્યો છે. એથી તો આ સંવાદ સ્થપાયો છે, સુન્દર સાકાર બન્યો છે. કવિ કહી શકે છે, ‘એકાકી હું નહિ નહિ.’ જેની પાસે પ્રેમની પૂંજી છે એ એકાકી રહી જ શકતો નથી, એ સહુમાં વિલસી રહે છે. પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે’નો વિચાર વળી પાછો અહીં પ્રગટ થાય છે. કવિને જે સૌંદર્યનો અનુભવ છે એ દર્શન, સ્પર્શ, શ્રવણ, સ્વાદ અને ગંધ, એમ પાંચે ઇન્દ્રિયો દ્વારા થતો પંચ તત્ત્વોના સૌંદર્યનો અનુભવ છે. ડાળીએ ડાળીએ પંખી નહિ પણ પંખીના છંદનો રવ ઊડે છે, રેખાળી ગતિમાં સર્પ નહિ પણ સર્પનું સૌંદર્ય સરે છે. આ બન્ને પંક્તિઓનું લાવણ્ય કેવું સ્વયંસિદ્ધ છે. કવિએ આગળ કહી દીધું છે, ‘મને તો દાખવે સંધે બન્યો સાકાર સુન્દર’. પંખી અને સર્પની એટલે કે સાકારની પછવાડે જે સુન્દર એટલે કે છંદનો રવ અને રેખાળી ગતિમાં સૌંદર્ય વસે છે એનું દર્શન એને અહીં થાય છે. અનુષ્ટુપમાં જે શબ્દો અને જે ક્રમમાં એ શબ્દો યોજ્યા છે એ એવો લય પ્રગટ કરે છે કે આપણે પંખીના છંદનો રવ ડાળીએ ડાળીએ ઊડતો અને સર્પનું સૌંદર્ય રેખાળી ગતિમાં સરતું પ્રત્યક્ષ અનુભવીએ છીએ. થાણા પાસેનાં જંગલોમાં આ કવિએ લાકડાંના વ્યવસાયનો અનુભવ લીધો છે એમાં બીજી જે કંઈ કમાણી કરી હોય તે તો કવિ જાણે પણ આપણે એટલું જાણીએ કે આ કાવ્ય પણ એની જ કમાણી છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’ આ કાવ્ય પણ આ કવિની એક અત્યંત લાક્ષણિક અને મહત્ત્વની કૃતિ છે. કવિના જન્મસ્થાન કપડવણજથી શ્રાવણના કોઈ મધ્યાહ્ને ઉત્કંઠેશ્વર લગી પદયાત્રા કરો (કવિએ અનેકવાર અને આ લખનારે કવિના જ સંગમાં એકવાર કરી છે અને આ કાવ્ય પ્રત્યક્ષ અનુભવ્યું છે, એનો સાક્ષાત્કાર કર્યો છે) તો પ્રતીતિ થશે કે પગલે પગલે કાવ્ય પથરાયેલું પડ્યું છે; ઠેર ઠેર આ કાવ્યનાં ચિત્રો નજરે ચડે છે. આ ગામ, ભીનો પંકિલ દુર્વાથી છાયો, વાડ થકી દબાયો વન્ય પંથ, વેલ તણી ઝૂલ, કંકાસિની, ખેતર, બાજરી, ખંજન, કીર, લેલાં, મોર, મહિષી-ધણ, દાદુર, બાવળ, તળાવ, અશ્વત્થ અને શંભુનું સદન — બધું જ કવિએ સગી આંખે જાણ્યું, માણ્યું અને પ્રમાણ્યું છે એટલે તો આ કાવ્યમાં કવિએ અપૂર્વ મનહર અને મનભર ચિત્રાત્મકતા સિદ્ધ કરી છે. વસંતતિલકા છંદ પરનું પ્રભુત્વ પણ એટલું જ અસાધારણ છે. ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત 
ધીરે ધીરે સરતી ગોકળગાય જેમ’ આખું કાવ્ય જાણે કે આ પ્રથમ પંક્તિનો જ વિસ્તાર અને વિકાસ છે. આ એક પંક્તિમાંથી જ જાણે કે આખું કાવ્ય પ્રસર્યું છે. અલસતા અને પ્રશાંતિ માત્ર મધ્યાહ્નની વેળમાં જ નહિ, ક્ષણે ક્ષણમાં જ નહિ, પણ ગામથી તે શંભુના સદન લગી સર્વત્ર અણુએ અણુમાં વ્યાપી વળી છે. એટલે કે સ્થળ અને કાળ બન્નેમાં વ્યાપી વળી છે. બીજી પંક્તિમાં ગોકળગાયની ઉપમાથી આ અલસતા અને પ્રશાંતિ કેવાં પ્રત્યક્ષ થાય છે. વળી ‘ધીરે’ શબ્દના પુનરાવર્તન અને ગોકળગાય શબ્દમાં ગો – કળગાય એમ વચમાં અલ્પવિરામ લેવો જ પડે એવા સ્થાને એની યોજનાને કારણે આ અલસતા અને પ્રશાંતિ છંદના લય દ્વારા પણ પ્રત્યક્ષ થાય છે. ‘ફોરાં ઝરે દ્રુમથી ર્‌હૈ રહી એક એક’ દ્રુમથી એકે એકે રહી રહીને ઝરતાં ફોરાંના આ ઉલ્લેખથી અલસતા અને પ્રશાંતિને ઉપસાવી છે. ‘એક’ શબ્દના પુનરાવર્તન અને ‘ર્‌હૈ રહી એક એક’માં છંદના અતિવિલંબિત લય દ્વારા વળી પાછી વધુ ઉપસાવી છે. દ્રુમથી જેમ ફોરાં તેમ કવિની કલમમાંથી શબ્દો પણ ર્‌હૈ રહી એક એક સરે છે. ‘ભારો ઉતારી શિરથી…. નિજમાં નિમગ્ન’ શ્રાવણ મહિનામાં વિસામો લેતા ગામનું આ વર્ણન અને બે ભરતીની મધ્ય જલધિની આ ઉચિત ઉપમા પ્રથમ પંક્તિના પ્રશાંત શબ્દને સાર્થ કરે છે. ‘કર્તવ્ય કોઈ અવશેષમહીં… હતા ન સૂના’ એ જ સમયે કવિના મનની સ્થિતિનું આ વર્ણન માત્ર બહિર્જગતમાં જ નહિ પણ કવિના આંતરજગતમાં પણ કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે, બહિર્જગત અને કવિના આંતરજગત વચ્ચે, પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે કેવો સુમેળ સધાયો છે એની પ્રતીતિ કરાવે છે. ‘મેં સ્હેલવા મન કરી… પ્રસૂન વડે પ્રફુલ્લ’ વન્ય પથ અને કવિના સ્હેલતા મનનું વીગતભર્યું સુરેખ ચિત્ર. ‘ઝીલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિ રંગ’ પંક્તિમાં પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે’નો એક વિચાર વળી પાછો અહીં વ્યક્ત થયો છે. આ પંક્તિ કવિમાત્રનો મિજાજ રજૂ કરે છે. અને એથી કાવ્યસંગ્રહના પ્રથમ પાને ટાંકી શકાય એવી છે. ‘ત્યાં પંકમાંહિ મહિષી-ધણ સુસ્ત બેઠું 
દાદુર જેની પીઠપે રમતાં નિરાંતે.’ આ સંગ્રહમાં પાને પાને પ્રગટ થતાં ચિત્રોમાં આ ચિત્રનું સૌંદર્ય અપ્રતિમ અને અતિવિરલ છે. કવિએ પ્રથમ પંક્તિમાં જ મધ્યાહ્ન વેળને અલસ અને પ્રશાંત કહી છે. ગામનું વર્ણન જેમ ‘પ્રશાંત’ શબ્દને સાર્થ કરે છે તેમ આ મહિષી-ધણ અને દાદુરનું ચિત્ર ‘અલસ’ શબ્દને સાર્થ કરે છે. પંકમાં મહિષી-ધણ સુસ્ત બેઠું છે એમ કવિ તો કહે છે પણ એનો પુરાવો? એના જીવતા પુરાવા જેવા જોઈ લ્યો આ દાદુર! મહિષી-ધણ એવું તો સુસ્ત છે કે આ પીઠપે નિરાંતે રમતાં દાદુરને દૂર કરવા પૂછડું તે વળી કોણ હલાવે? હવે તો માનવું જ રહ્યું કે ‘મહિષી-ધણ સુસ્ત બેઠું’ છે અને મધ્યાહ્નની વેળ અલસ છે. આ પંક્તિઓ આ કવિની એક અસાધારણ સિદ્ધિ છે. ‘ઘંટારવે યદપિ ના રણકાર કીધો’ અલસતા અને પ્રશાંતિ વાતાવરણમાં એવાં તો વ્યાપી વળ્યાં છે કે શંભુના સદનમાં ઘંટારવ કરવો એ પણ જાણે કે આ પવિત્ર શાંતિનો ભંગ કરવા જેવું, આ શાંત વાતાવરણને કલુષિત કરવા જેવું કવિને લાગે છે. ‘ટેકો દઈ ઋષભ… તો ય સર્વ, આગળ કવિના મનની સ્થિતિના વર્ણનથી જેમ કવિના આંતરજગતમાં કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે તેમ ફરીથી કવિના મનની સ્થિતિના આ વર્ણનથી કવિના આંતરજગતમાં કેવી અલસતા વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે. કવિ ઋષભ-નંદિની પાસ ટેકો દઈને બેસી જાય છે, પક્ષ્મરોમે હવાને હલમલતી અનુભવે છે અને અંતે દિવાસ્વપ્નમાં સરી જાય છે. આમ બીજા અને ત્રીજા શ્લોક દ્વારા પ્રશાંતિ અને અંતના બે શ્લોક દ્વારા અલસતા બહિર્જગત અને કવિનાં આંતરજગત બન્નેમાં વ્યાપી વળ્યાં છે એની કવિએ એવી તો દૃઢ પ્રતીતિ કરાવી છે કે હવે કબૂલ કર્યા વિના છૂટકો જ નથી કે ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત.’ ‘યામિનીને કિનાર’ આ કાવ્યમાં કવિએ અંધકારમાં ‘રહસ્ય અંધકાર’ અને ‘હે દીપજ્યોતિ’માં કહ્યું છે તે રહસ્ય કે તેજનો ઉઘાડ નહિ પણ અંધકાર જ જોયો છે. એટલે આ dark night of the soul ‘આત્માની અંધકારરાત્રિ’નો ફિલસૂફી અંધકાર નથી પણ નર્યો વાસ્તવિક અંધકાર છે. પ્રથમ છ પંક્તિમાં અરવ પગલે ઊતરતા અંધકારમાં યામિનીને કિનારે રમતાં સજીવ છાયાચિત્રોનું વર્ણન ગ્રેની જગપ્રસિદ્ધ એલેજીનું સ્મરણ કરાવે છે. અંધકારની જેમ સંધ્યાના ગહનગભીર સ્તબ્ધધેરા વાતાવરણને અનુકૂળ થવા વિશ્વની મંદ ગતિ સાથે તાલ મિલાવવા છંદ પણ અરવ પગલે ધીરે ધીરે વહે છે. બીજી, સાતમી અને આઠમી પંક્તિમાં ‘ધીરે’ (બન્ને ગુરુ અક્ષરોના) શબ્દનું ત્રણ ત્રણ વારનું પ્રત્યેક પંક્તિમાં પુનરાવર્તન વાતાવરણને વધુ ઉપસાવે છે. ‘ને ગાણાના ધ્વનિત પડઘા… ફૂટતા તારલાઓ’ આ તરંગ (fancy) ફરીથી પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે, બહિર્જગત અને કવિના આંતરજગત વચ્ચે જે સંવાદ છે તેનું પ્રતિપાદન કરે છે. ‘હૈયે જાગે સ્વપનમય કો રાગિણીનાં તુફાન’ અને તારલાઓ વચ્ચેનો સંબંધ, તારલાઓને ગાણાના ‘ધ્વનિત પડઘા’ કહીને કવિએ સાધ્યો છે. ‘તરલ ધવલા ફૂટતા તારલાઓ’માં કવિએ ત્રણ ‘ત’ના ઉપયોગ દ્વારા એક પછી એક ઝડપભેર ફૂટતા અને અંધકારમાં વધુ ધવલ લાગતા તારલાઓનો ગાણાના ધ્વનિત પડઘારૂપ હોવાથી આખા આકાશમાં ગાજતો અવાજ સાંભળતા આપણને કરી મૂક્યા છે. વળી ‘વ્યોમે’ ‘વ્યોમે’ એમ બે વાર વ્યોમ શબ્દના ઉપયોગથી એમ સૂચવ્યું છે કે વ્યોમ એક જ નથી, અનેક છે; જેટલા તારલાઓ છે એટલાં વ્યોમ છે. સંધ્યા સમયે ફૂટતા તારલાઓ નીરખતાં જે અનુભવ થાય છે એ કવિએ આ ‘વ્યોમે વ્યોમે’માં બે વાર વ્યોમ શબ્દના ઉપયોગ દ્વારા પ્રત્યક્ષ કર્યો છે. આ તારો ફૂટ્યો, ઓ ફૂટ્યો. અહીં ફૂટ્યો, ત્યાં ફૂટ્યો; એમ આપણે ચકિત ચકિત નેત્રે નિહાળીએ છીએ અને તારાનું વ્યક્તિત્વ પણ ત્યારે એવું હોય છે કે પ્રત્યેક તારો પોતાનું એક સ્વતંત્ર વ્યોમ રચે છે. આમ આ પંક્તિમાં આપણે સંધ્યા સમયના તારાઓનું દર્શન પ્રત્યક્ષ અનુભવીએ છીએ. ‘હે અંધકાર!’ સળંગ અત્યંત સંવાદી છંદ દ્વારા સજીવ વાતાવરણમાં વાસ્તવિક અંધકારનું દર્શન કર્યા પછી તરત જ જેમ સંગ્રહના આરંભમાં પૂર્વોક્ત છ કાવ્યોમાં તેમ જ સંગ્રહનાં છંદકાવ્યોના અંતમાં અંધકારમાં ફરીને રહસ્યનું દર્શન કર્યું છે, અંધકારનું ગૌરવ કર્યું છે.

(રાજેન્દ્ર શાહના કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’નું વિવરણ. મે ૧૯૫૫.)

*