સ્વાધ્યાયલોક—૬/પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતમાં કવિની ભૂમિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતમાં કવિની ભૂમિકા

પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતના એક મોટા ગજાના કવિ સુબ્રમણ્ય ભારતીની પ્રથમ જન્મશતાબ્દીના ઉત્સવ પ્રસંગે સાહિત્ય અકાદમી કવિના જ પ્રદેશની રાજધાનીમાં એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજે અને એ માટે ‘પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતમાં ભારતીય કવિની ભૂમિકા’નો વિષય પસંદ કરે એમાં પૂરેપૂરું ઔચિત્ય છે. આ સદીના આરંભે સુબ્રમણ્ય ભારતીએ એક ભારતીય કવિ તરીકે આદર્શ ભૂમિકા ભજવી હતી. એ ભૂમિકા એવી તો આદર્શ હતી કે આજે એક મોટા ગજાના કવિ તરીકે એમનો સ્વીકાર થયો છે. એમનો અવાજ કોઈ સત્તા — જગતના ઇતિહાસમાં સૌથી સમર્થ એવા સમ્રાજ્યની સત્તા પણ — મૂગો કરી શકી ન હતી, તો નિર્વાસન, કારાવાસ, નિર્ધનતા કે યાતના પણ ચૂપ કરી શકી ન હતી. એ અવાજથી એમણે ભારતની સ્વતંત્રતાનું સ્તવન કર્યું હતું, આહ્વાન કર્યું હતું અને સૌ ભારતવાસીઓને ભૂતકાળના એમના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું સ્મરણ કરાવ્યું હતું. આજે અહીં આવા કવિની પ્રથમ જન્મશતાબ્દીના ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત થવું એ મારે માટે, સાચ્ચે જ, ગૌરવ અને આનંદનો અનુભવ છે. આ પરિસંવાદમાં ભાગ લેવા માટે અને એક મોટા ગજાના ભારતીય કવિને અંજલિ અર્પણ કરવામાં તમારી સાથે સહભાગી થવા માટે મને આમંત્રણ આપવા માટે સાહિત્ય અકાદમીનો હૃદયથી આભાર માનું છું. મારી ભાષા — ગુજરાતી — માં જેમણે કવિતા રચી છે એવા કવિઓના સંદર્ભમાં મને ‘પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતમાં ભારતીય કવિની ભૂમિકા’ વિશે તમારી સમક્ષ વક્તવ્ય રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. મારું વક્તવ્ય રજૂ કરું તે પૂર્વે, વિશેષભાવે કોઈપણ કવિઓની ભૂમિકા વિશે વક્તવ્ય રજૂ કરું તે પૂર્વે આજનો વિષય સામાન્યપણે કવિની ભૂમિકા વિશે જે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરે છે તેના ઉત્તર આપવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતમાં ભારતીય કવિની શી ભૂમિકા હોય? અને એમ તો ક્યાંય, ક્યારેય કોઈપણ કવિની શી ભૂમિકા હોય? અને એ ભૂમિકાનો નિર્ણય કોણ કરે? કવિને આધ્યાત્મિક, નૈતિક, સામાજિક અને રાજકીય ભૂમિકામાંથી કોઈપણ એક અથવા બે અથવા એમાંની સૌ ભૂમિકા હોય. પણ એનો નિર્ણય તો કવિ સ્વયં જ કરે. એના વતી અન્ય કોઈ તો એ નિર્ણય કરી જ ન શકે. એને આમાંથી એકેય ભૂમિકા ન હોય તો એને અન્ય એક ભૂમિકા તો હોય જ અને તે સૌંદર્યવિષયક, કવિતાવિષયક ભૂમિકા. એ ભૂમિકા તો એના કવિ હોવાની આધારશિલા (raison d’etre) છે. કવિતા એ અધ્યાત્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર કે રાજ્યશાસ્ત્રનો વિકલ્પ નથી. કવિતા તો સ્વાયત્ત છે. કવિને માટે કવિતા એ સાધન નથી, સાધ્ય છે. કવિને માટે પૂર્વોક્ત સૌ શાસ્ત્રો કવિતાને ખાતર હોય છે, કવિતા એ સોને ખાતર હોતી નથી. કવિતા એ કવિને માટે એનું પ્રથમ અને અંતિમ લક્ષ્ય છે. કવિ પૂર્વોક્ત સૌ શાસ્ત્રોનો સાધન તરીકે ઉપયોગ કરે છે. પણ પછી એ એની વિશિષ્ટ પ્રતિભા કે કલ્પના કે સંવેદના કે સર્જકતા — જે નામ આપો તે — દ્વારા એ સૌનું કવિતામાં રૂપાન્તર કરે છે. અને એ જો આ રૂપાન્તર ન કરે તો એને માટે એ મહતી વિનષ્ટિ! અને તો પછી એ કવિ નહિ પણ પ્રચારક પુરવાર થાય. કવિ સમાજમાં જ વસે છે અને કાર્ય કરે છે. કવિ, અન્ય કલાકારોથી ભિન્નપણે, ભાષાના માધ્યમથી જ કાવ્ય રચી શકે. અને ભાષા એ તો સમગ્ર સમાજની સરજત છે. એથી કવિતા સમાજના એક સભ્ય તરીકે સ્વયં કવિ-સર્જિત સામાજિક સંસ્થા છે. કવિતા પર સમાજનો પ્રભાવ હોય છે. આમ, એ બન્ને વચ્ચે ગતિશીલ, ક્રિયાશીલ સંબંધ છે. કવિ સ્રષ્ટા છે, સર્જક છે, દૃષ્ટા છે. એ કવિતાનું નિર્માણ કરે છે. એ સૌંદર્યનું સર્જન કરે છે. એનામાં વ્યાપક અને વેધક દૃષ્ટિ હોય છે. એ સ્થિરતાથી સમગ્રતાનું દર્શન કરે છે. એ વસ્તુને યથાતથ જુએ છે, ચારેકોરથી જુવે છે. એ ફિલસૂફીનાં સત્યોનું કે નીતિનાં સત્યોનું પુનરુચ્ચારણ કરતો નથી. એ એના કવિદર્શનથી સાક્ષાત્કાર કરે છે. એ એની વિશિષ્ટ વાણીમાં કાવ્યનું સત્ય પ્રગટ કરે છે. એ એના અંગત જ્ઞાન દ્વારા, અંગત અનુભવ દ્વારા સત્યની શોધ કરે છે અને એનાં વિશિષ્ટ લયો અને કલ્પનો દ્વારા એને વ્યક્ત કરે છે. અન્ય શબ્દોમાં કહેવું હોય તો એ કાવ્ય રચે છે, સૌંદર્ય સર્જે છે, દર્શન કરે છે અને સત્ય ઉચ્ચારે છે. એનું સત્ય ફિલસૂફીના સત્યથી અને નીતિના સત્યથી વધુ સત્યમય હોય છે. કવિ સ્વભાવત: અનાસક્ત હોય છે, અલિપ્ત હોય છે. કીટ્સ કહે છે તેમ એને આગવું વ્યક્તિત્વ હોતું નથી, સ્વતંત્ર વ્યક્તિત્વ હોતું નથી. એથી એનામાં નકારાત્મક શક્તિ (negative capability) હોય છે એ આ શક્તિ દ્વારા વસ્તુને એની અખિલાઈમાં જુએ છે. એને માટે સત્યમ્, શિવમ્, સુન્દરમ્ એ ત્રણ ભિન્ન ભિન્ન નથી. એ અવિભક્ત હોય છે, અવિચ્છેદ્ય હોય છે, એકનામ, એકરૂપ હોય છે. એ એકત્વ એ જ કવિતા. એ જ કવિનું સત્ય. આપણી કવિ પાસેથી એક જ આશા-અપેક્ષા હોય અને તે કવિતા. કારણ કે માત્ર કવિ જ કવિતા આપી શકે. આપણા વિષયમાં ‘ભૂમિકા’ અને ‘પ્રાગ્-સ્વાતંત્ર્ય’ આ બે શબ્દોમાં એક ધ્વનિ છે, એક સૂચન છે. આપણે એનું અર્થઘટન કરવું રહ્યું. આ ધ્વનિ, આ સૂચન આ પ્રમાણે છે : ૧૯મી અને ૨૦મી સદીનો ભારતનો સમાજ — એનાં આધ્યાત્મિક સત્યો, નૈતિક સત્યો, એનો ઇતિહાસ અને એનું રાજકારણ — અને આ સૌનો કવિતા સાથેનો સંબંધ. એનું અર્થઘટન આ પ્રમાણે છે : કવિ એની આસપાસના સમાજ વિશે કવિતા રચી શકે, રચવી રહી. અને તો કેવી રીતે? અને શા માટે? હું માનું છું કે આ પ્રશ્નોના ઉત્તરો હમણાં જ આપ્યા છે, અલબત્ત, ભાંગી-તૂટી ભાષામાં આપ્યા છે. પણ એ ઉત્તરોમાં જે સૂઝસમજ છે એને આધારે હવે પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતમાં ગુજરાતી કવિની ભૂમિકા વિશે હું મારું વક્તવ્ય રજૂ કરીશ. ૧૮૧૭માં ખીડકીના યુદ્ધમાં મરાઠાઓ પર અંગ્રેજોનો વિજય થયો. અને પરિણામે ૧૮૧૮માં અમદાવાદમાં ગાયકવાડની હવેલી પર અંગ્રેજોનો ધ્વજ ફરકતો થયો. તે પૂર્વે ૧૮૧૨માં મુંબઈમાં ફરદુનજી મર્ઝબાને મુદ્રણાલય સ્થાપ્યું હતું અને પછી ૧૮૨૨માં મુંબઈમાં પ્રથમ ગુજરાતી દૈનિક ‘મુંબઈ સમાચાર’ પ્રગટ કર્યું હતું. ૧૮૨૬માં સુરતમાં અને મુંબઈમાં પ્રથમ અંગ્રેજી પ્રાથમિક શાળાઓ સ્થાપવામાં આવી હતી અને પ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. ૧૮૪૦માં સુરતમાં દુર્ગારામ મહેતાજીએ પ્રથમ સામાજિક સંસ્થા ‘માનવ ધર્મ સભા’ અને ૧૮૪૮માં અમદાવાદમાં દલપતરામે પ્રથમ સાંસ્કૃતિક સંસ્થા ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ (હવે ‘ગુજરાત વિદ્યાસભા’) તથા ૧૮૫૧માં મુંબઈમાં નર્મદે એવીજ એક સંસ્થા ‘બુદ્ધિવર્ધક સભા’ સ્થાપી હતી. ૧૮૫૦માં અમદાવાદમાં દલપતરામે પ્રથમ ગુજરાતી સાહિત્યિક સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ પ્રગટ કર્યું હતું. ગુજરાતમાં આ બૌદ્ધિક આંદોલનોની પરાકાષ્ઠા રૂપે ૧૮૫૭માં મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ૧૮૫૮માં રાણી વિક્ટોરિયાએ ઢંઢોરો જાહેર કર્યો હતો. ૧૮૫૮થી ભારત અંગ્રેજ સરકારના સીધા શાસનમાં આવ્યું હતું. ૧૯મી સદીના આરંભમાં અંગ્રેજોના આ આગમનથી ગુજરાતનાં જીવનમાં અને સાહિત્યમાં નવજાગૃતિના યુગનો આરંભ થયો હતો. પશ્ચાત્દર્શનથી અંગ્રેજોની રાજકીય સત્તાને આશીર્વાદ રૂપે નહિ પણ શાપ રૂપે જોઈ શકાય. પણ સમગ્ર ૧૯મી સદી દરમ્યાન ગુજરાતની પ્રજાએ એને શાપ રૂપે નહિ પણ આશીર્વાદ રૂપે જ જોઈ હતી. એ માટે એને કારણ હતું. લાંબા સમયથી એણે માત્ર રાજકીય અરાજકતા, આર્થિક અવ્યવસ્થા, સામાજિક અધોગતિ અને અધ્યાત્મિક અધ:પતનનો જ અનુભવ કર્યો હતો. અંગ્રેજોના આગમન સમયે ગુજરાતમાં સર્વત્ર અતંત્રતા અને અંધાધૂંધી જ હતી. જાનમાલની કોઈ સલામતી ન હતી. આવા જગતમાં અંગ્રેજોનું આગમન થયું. એમણે પ્રથમ તો કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ રચ્યું. એથી પ્રજાને નિરાંત અને નિશ્ચિંતતાનો અનુભવ થયો. એથી એણે અંગ્રેજોનો વિરોધ ન કર્યો. એનામાં અંગ્રેજોના રાજકીય શાસનનો વિરોધ તો ન હતો પણ એ અલ્પ સમયમાં જ અનિવાર્યપણે આર્થિક અને સાંસ્કૃતિક શાસનમાં પરિણમશે એની શંકા સુધ્ધાં ન હતી. એથી યે વિશેષ તો અનેક પ્રજાજનો — સૌ કવિઓ સુધ્ધાં — એ પોતાને અને પોતાના આધ્યાત્મિક જીવનને એક નવા જ પ્રકાશમાં જોવાનો આરંભ કર્યો. આ નવા પ્રકાશના પ્રભાવથી ગુજરાતનાં જીવનમાં અને સાહિત્યમાં આમૂલ પરિવર્તનો થયાં. આ નવો પ્રકાશ તે અંગ્રેજોની — બલકે યુરોપની — સંસ્કૃતિ, પુનુરુત્થાન (Renaissance)ની સંસ્કૃતિ. આ નવો પ્રકાશ એમને યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત થયો હતો. અંગ્રેજોની યુનિવર્સિટીઓને યુરોપના પુનરુત્થાનની પરંપરાઓનો, એક મહાન બૌદ્ધિક આંદોલનની પરંપરાઓનો, બુદ્ધિવાદ, વિજ્ઞાનવાદ, બિન-સાંપ્રદાયિકતાવાદ, માનવતાવાદ અને ઉદારમતવાદની પરંપરાઓનો વારસો પ્રાપ્ત થયો હતો. આમ, અંગ્રેજોનું રાજ એટલે માત્ર રાજકીય પરતંત્રતા જ નહિ, પણ બૌદ્ધિક સ્વતંત્રતા. અંગ્રેજી રાજનો વિરોધાભાસ, એની વક્રતા તો એ છે કે એણે ભારતને પરાધીન કર્યું પણ એ પ્રક્રિયામાં જ ભારતની સ્વાધીનતાનું બીજ પણ વાવ્યું. સ્વતંત્રતા, રાજકીય સ્વતંત્રતા, અંગ્રેજો જે રીતે સમજતા હતા અને અનુભવતા હતા તે રીતની સ્વતંત્રતા ભારતની પ્રજાની સમજમાં અને એના અનુભવમાં હતી જ નહિ. એને માટે તો એ કોઈ નવીન જ વસ્તુ હતી, નવો જ પ્રકાશ હતો, નવું જ જીવન હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના જે યુવાનો — અને કેવા યુવાનો! પ્રચંડ મનોઘટનાશાલી યુવાનો — નું શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં થયું તે સૌ યુવાનો — નર્મદાશંકર, ગોવર્ધનરામ, નરસિંહરાવ, મણિલાલ, મણિશંકર, રમણભાઈ, આનંદશંકર, બલવન્તરાય, ન્હાનાલાલ આદિ — ના ચિત્તને આ નવા વિચારો અને નવા આદર્શોએ ચમકાવ્યું હતું. એમનાં જીવનમાં અને કાર્યમાં આ પુનરુત્થાનની ચેતનાની, આ સ્વાતંત્ર્યની ચેતનાની, આ બૌદ્ધિક સ્વાતંત્ર્યની ચેતનાની પ્રેરણા હતી. આ નવી ચેતનાના પ્રકાશમાં એમણે એમની પ્રજાના સામાજિક અને આધ્યાત્મિક જીવનનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યું, એના ભૂતકાળનું વિશ્લેષણ અને વિવેચન કર્યું, અને ભાવિનું દર્શન કર્યું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સૌ શિક્ષિત બૌદ્ધિકો — સવિશેષ તો જેમનું શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં થયું હતું તે બૌદ્ધિકો — ની મુખ્ય પ્રવૃત્તિ હતી સમાજ સુધારા માટેનો સંઘર્ષ અને પોતાના આધ્યાત્મિક મૂળાયાંની શોધ, સાંસ્કૃતિક ઉત્થાન અને ધાર્મિક ઉત્કર્ષ (એક પ્રાર્થના સમાજના અતિચારો અને અતિરેકોના અપવાદ સાથે). એને કારણે આ સમયનું ‘સાક્ષરયુગ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. એનું ‘સમન્વયયુગ’ — પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના અને હિન્દુધર્મ અને ખ્રિસ્તીધર્મના સમન્વયનો યુગ — એવું નામાભિધાન પણ કરવામાં આવ્યું છે. આ યુગના કવિઓ — સવિશેષ આ યુગના સર્વશ્રેષ્ઠ કવિ ન્હાનાલાલ — ને માટે ભારતમાં અગ્રેજોનું આગમન એ વિધાતાનો સંકેત હતો. કોઈપણ સંસ્કૃતિને, સૌ સંસ્કૃતિઓને સ્વીકારવી અને આત્મસાત્ કરવી એ તો ભારતની સંસ્કૃતિની પરંપરા છે. એ તો એનો આત્મા છે. ભારતનો ઇતિહાસ ભારતની સંસ્કૃતિના આ સત્યનો સાક્ષી છે. આ કારણે તો ભારતની સંસ્કૃતિ એ સંસ્કૃતિઓની સંસ્કૃતિ છે. અંગ્રેજોના આગમનથી પૂર્વ અને પશ્ચિમ, પ્રાચીન અને અર્વાચીન, નૂતન અને પુરાતનનું મિલન થશે અને આ મિલનમાંથી એક નવી જ સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિનું સર્જન થશે — આ યુગના ગુજરાતના કવિનું આ દર્શન હતું, પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતના સર્વશ્રેષ્ઠ કવિ રવીન્દ્રનાથે ૧૯૧૦માં ‘ભારતતીર્થ’ કાવ્યમાં એમની અપૂર્વ સુન્દર વાણીમાં આ દર્શન વ્યક્ત કર્યું છે : ‘પશ્ચિમે આજિ ખુલિયાછે દ્વાર, 
 સેથા હતે સબે આને ઉપહાર 
દિબે આર નિબે, મિલાબે મિલિબે, યાબે ના ફિરે — 
એઈ ભારતેર મહામાનવેર સાગરતીરે.’ અને જ્યારે એમણે એમની યુનિવર્સિટીનું ‘વિશ્વભારતી’ એવું નામાભિધાન કર્યું ત્યારે એનો ધ્યાનમંત્ર પસંદ કર્યો હતો : ‘યત્રૈવવિશ્વંભવત્યેકનીડમ્’ અંગ્રેજોના આગમનથી, મુદ્રણવિજ્ઞાનની સ્થાપનીથી અને ગદ્યના ઉદ્ભવથી ગુજરાતી કવિતાનો અર્વાચીન બિન-સાંપ્રદાયિક કવિતા રૂપે નવજન્મ થયો. એમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં ક્રાંતિકારી પરિવર્તન થયું. કવિતા ગાવાનું ચાલુ રહ્યું પણ હવે એનું પઠન અને વાચન થયું. છંદ અને લયમાં જે પરિવર્તન થયું એમાં આ નવી સ્વતંત્રતાનો મિજાજ એના સૂક્ષ્મ સ્વરૂપમાં પ્રગટ થયો. કવિઓએ એમની કવિતામાં પરંપરાગત છંદો યોજવાનું ચાલુ રાખ્યું હતું, પણ હવે, અનેક ભારતીય ભાષાઓના કવિઓથી અન્યથા, એમણે પ્રશિષ્ટ સંસ્કૃત છંદો યોજવાનો અને એમને પ્રવાહી કરવાનો આરંભ કર્યો. પૂર્વે મુખ્યત્વે ધર્મના વસ્તુવિષયની જ કવિતા હતી. હવે બિન-સાંપ્રદાયિક એવા વસ્તુવિષય — પ્રેમ અને પ્રકૃતિ — ને કવિતામાં એમનું અધિકારપૂર્વકનું સ્થાન પ્રાપ્ત થયું. મોટા ગજાના કવિઓએ મહાકાવ્ય અને પદ્યનાટક રચવાનો પણ પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્ન ભવ્યકરુણ નિષ્ફળતા પુરવાર થયો. પણ ઊર્મિકવિતામાં એ કવિઓની ભવ્યસુન્દર સફળતા હતી. અંગ્રેજી ઊર્મિકાવ્ય — મુખ્યત્વે સ્તોત્ર અને સૉનેટ — લગભગ સૌ કવિઓ માટે આદર્શ સ્વરૂપ રહ્યું. સંસ્કૃત, પર્શિયન, ગુજરાતી અને, અલબત્ત, અંગ્રેજી પ્રશિષ્ટ ગ્રંથો તથા લોકવૃત્તનો અભ્યાસ એ એમની પ્રેરણા અને પ્રોત્સાહનનું આદિમ સ્થાન હતું, કવિઓને એમાં પાંચ ભિન્ન ભિન્ન એવી પરંપરાઓ પ્રાપ્ત હતી અને પ્રત્યેકે પોતપોતાની રુચિ અને પ્રકૃતિ અનુસાર એમાંથી એક અથવા એકાધિક પરંપરામાં પોતાની કવિતાનું સર્જન કર્યું. પુનરુત્થાનની આ વૈજ્ઞાનિક ચેતના માત્ર સાહિત્યના સર્જનમાં જ નહિ, પણ ભાષાના અભ્યાસમાં પણ પ્રેરણારૂપ હતી. કવિઓ અને વિદ્વાનોએ ગુજરાતી વ્યાકરણ, કોશ, અને પિંગળનું પણ સંશોધન અને સંપાદન કર્યું. દલપતરામ અને નર્મદાશંકર ૧૯મી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાર કવિઓ છે. સામાજિક પરિવર્તન એ એમનાં જીવન અને સાહિત્યનો મુખ્ય પુરુષાર્થ હતો. પ્રત્યેકે પોતાની મર્યાદિત કવિત્વશક્તિને આ હેતુ માટે યોજી. પ્રત્યેકે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભારતના સમાજનાં દોષો અને દૂષણોનું વિશ્લેષણ અને વિવેચન કર્યું. અને પોતપોતાની રુચિ અને પ્રકૃતિ અનુસાર પોતાની સ્વકીય શૈલીમાં એને વ્યક્ત કર્યું. દલપતરામને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું. એમને યુનિવર્સિટીનું ઔપચારિક શિક્ષણ પણ પ્રાપ્ત થયું ન હતું. પણ ફાર્બસ એમના મિત્ર અને માર્ગદર્શક હતા. એમની પરંપરાગત રુચિ અને રૂઢિગ્રસ્ત પ્રકૃતિ હતી. નર્મદાશંકરને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હતું, એમને યુનિવર્સિટીનું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત થયું હતું. એમની રોમેન્ટિક રુચિ અને ક્રાન્તિકારી પ્રકૃતિ હતી. દલપતરામનું અર્વાચીન નહિ, વિશેષ તો મધ્યકાલીન માનસ હતું. નર્મદાશંકરનું મધ્યકાલીનથી વિશેષ તો અર્વાચીન માનસ હતું. દલપતરામ નવી ચેતનાની સપાટી પર રહ્યા, નર્મદાશંકર એના ઊંડાણમાં ઊતર્યા. દલપતરામે ‘હુંનરખાનની ચઢાઈ’ (૧૮૫૧) કાવ્ય રચ્યું. આ કાવ્યમાં એમણે એમના દેશબંધુઓને યંત્રોના આક્રમણ અંગે અને એના પ્રતિકાર અંગે ઉદ્બોધન કર્યું. આમ, એ અંગ્રેજોના આર્થિક વર્ચસ્ વિશેની ભવિષ્યવાણીનું કાવ્ય છે. એમણે ‘વેનચરિત’ (૧૮૬૮) દીર્ઘ કથનોર્મિકાવ્ય રચ્યું. એમાં વિધવાવિવાહનો પુરસ્કાર છે. આમ, આ સામાજિક ક્રાંતિનું કાવ્ય છે. એમણે કેટલાંક બુદ્ધિચાતુર્ય, હાસ્ય તથા ડહાપણ-શાણપણનાં મુક્તકો રચ્યાં છે. નર્મદાશંકરે ‘હિન્દુઓની પડતી’ (૧૮૬૬) દીર્ઘ રૂપકાત્મક, કથનાત્મક કાવ્ય રચ્યું. આ ઇતિહાસ, રાજકારણ અને ધર્મ વિશેનું કાવ્ય છે. એમણે ‘વીરસિંહ’ (૧૮૬૭) અપૂર્ણ વીરરસનું કાવ્ય રચ્યું. અને એમના દેશબંધુઓને વીરત્વ માટે ઉદ્બોધન કર્યું અને સમકાલીન ભારતના સમાજના સામાજિક, રાજકીય અને ધાર્મિક અધ:પતનનું નિરૂપણ કર્યું. એમણે પ્રેમશૌર્યનાં કેટલાંક સુન્દર ઊર્મિકાવ્યો રચ્યાં છે. એમણે ‘સ્વદેશાભિમાન’ શબ્દ યોજ્યો છે. મધ્યવયે જ્યારે એ પરિપક્વ થવામાં હતા અને એમનામાં આધ્યાત્મિક પરિવર્તન થયું ત્યારે કવિતા અદૃશ્ય હતી. અને પછી ટૂંક સમયમાં જ એમનું અવસાન થયું. નર્મદાશંકરે એ કાર્ય ગોવર્ધનરામ — એક પ્રતિભાશાળી સર્જક — ને સુપરત કર્યું. આ બન્ને કવિઓના મોટાભાગનાં કાવ્યો પદ્ય-નિબંધો અથવા પદ્ય-તંત્રીલેખો જેવાં લાગે છે. પણ એમનાં કેટલાંક આત્મલક્ષી કાવ્યો અને કેટલાંક પરલક્ષી કાવ્યોના ખંડોમાં સાચી કાવ્યસિદ્ધિ છે. બાલાશંકર, મણિશંકર, કલાપી, બલવન્તરાય અને ન્હાનાલાલની ઊર્મિકવિતા એ આ યુગની મુખ્ય કવિતાસિદ્ધિ છે. મણિશંકર ઉત્તમ ઊર્મિકવિ છે. બલવન્તરાય અને ન્હાનાલાલ ૨૦મી સદીમાં એમની ઉત્તમ કવિતાનું સર્જન કરવાના હતા. આ બન્ને કવિઓમાં વધુ સર્વગ્રાહી કવિમાનસ હતું. આ નવી ચેતનાનું, નવા દર્શનનું મહાકાવ્ય પદ્યમાં નહિ, ગદ્યમાં રચાવાનું હતું. ગોવર્ધનરામમાં મહાકવિની પ્રતિભા હતી. એમનામાં ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં દૂર જોવાની અને વર્તમાનમાં આરપાર જોવાની એક મંત્રદૃષ્ટાની દૃષ્ટિ હતી. એમનામાં વસ્તુના મૂળ લગી અને અસ્તિત્વના આદિમ લગી જવાનું સાહસ હતું. ‘સરસ્વતીચન્દ્ર’માં મહાકાવ્યની શ્રીમત્તા અને ઊર્જિતતાનું દર્શન થાય છે. બે સંસ્કૃતિઓના સમન્વયનું મહાકાવ્ય પદ્યમાં નહિ, ગદ્યમાં રચાયું એ અર્વાચીન યુગની કવિતાની એક વિધિવક્રતા છે. આ દર્શન ગમે તેટલું પૂર્ણ અને અખંડિત લાગે તો પણ એ અપૂર્ણ અને ખંડિત દર્શન હતું. ભારતની પ્રજાનાં જીવનમાં અને સાહિત્યમાં કશુંક ખૂટતું હતું, અર્થપૂર્ણ અને મૂલ્યવાન એવું કશુંક ખૂટતું હતું, જેની અનુપસ્થિતિમાં બધું જ અર્થહીન અને મૂલ્યહીન પુરવાર થાય એવું કશુંક ખૂટતું હતું. એ હતું સ્વાતંત્ર્ય, રાજકીય સ્વાતંત્ર્ય. સમત્વ વિના બંધુત્વ નહિ, અને સ્વાતંત્ર્ય વિના સમત્વ નહિ. બે અસમ વસ્તુઓ વચ્ચે બંધુત્વ ક્યાંથી હોય? સ્વામી અને સેવક વચ્ચે સમત્વ ક્યાંથી હોય? આ દર્શન પૂર્ણ અને અખંડ થવાનું હોય તો ગાંધીજીનું આગમન અનિવાર્ય હતું. આ દર્શનને એનો અંતિમ અર્થ અર્પણ કરવા ગાંધીજીનું આગમન થયું. ૧૯મી સદીના ઉત્તરાર્ધના સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિના માળખામાં એમણે ૨૦મી સદીના પૂર્વાર્ધમાં એમની રાજકીય અને આર્થિક ક્રાંતિનું નિર્માણ કર્યું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના કવિઓએ જે પુરુષાર્થ કર્યો હતો એની એમાં પરાકાષ્ઠા છે. સ્વરાજ અને સ્વદેશી, રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય, સૌ જ્ઞાતિ, જાતિ, કોમ, ધર્મના મનુષ્યો વચ્ચે સમત્વ, ભારતના પ્રજાજનો અને અંગ્રેજો વચ્ચે સમત્વ એ સૌ ભારતવાસીઓ — સવિશેષ ગાંધીજીને જેમણે નિષ્ઠા અર્પણ કરી હતી તે ભારતવાસીઓનો — પુરુષાર્થ હતો. એથી આ યુગનું ‘સ્વાતંત્ર્યયુગ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. સત્યાગ્રહ એટલે સક્રિય પ્રેમ અને કરુણા. ગાંધીજી એટલે ભારતનો આત્મા, સદેહે વિચરતો-વિહરતો આત્મા, ગાંધીજી એટલે કવિઓનું સાકાર એવું સ્વપ્ન. ૨૦મી સદીના કવિઓ માટે ગાંધીજીનું આગમન એ ૧૯મી સદીના કવિઓ માટે અંગ્રેજોના આગમન સમાન હતું, એમાં પણ વિધાતાનો સંકેત હતો. પશ્ચિમના બૌદ્ધિક જગતમાં રશિયાની ક્રાંતિ અને માર્ક્સના સિદ્ધાન્તો પછી સમાજવાદ અને સામાજિક ન્યાયનાં મૂલ્યોનો પ્રચાર-પ્રસાર અને બે વિશ્વયુદ્ધોની સાથે સાથે મનુષ્યજાતિના ઇતિહાસમાં ગાંધીજી નામની ઘટના ઘટી છે. આ યુગના પ્રમુખ કવિઓ છે સુન્દરમ્ અને ઉમાશંકર. પણ મેઘાણી (એમની સર્જકશક્તિ વિશે આપણે મોટો દાવો ન કરીએ તો પણ) ચોથા દાયકામાં કવિની આદર્શ મૂર્તિ સમા હતા. (આ બોલનાર ત્યારે શાળાનો વિદ્યાર્થી હતો. પણ ‘યુગવન્દના’નાં કેટલાંયે કાવ્યો એને કંઠસ્થ હતાં.) એમનામાં જે કંઈ સર્જકશક્તિ હતી તે એમણે લોકવૃત્ત અને અનુવાદને અર્પણ કરી હતી. અન્યનાં પુષ્પોનાં સંચય અને સંવર્ધન માટે એમણે એમનું સર્વસ્વ, સમગ્ર જીવન અને કાવ્યનું સમર્પણ કર્યું હતું. ગુજરાતના લોકવૃત્ત અંગેના કાર્યમાં એમનો ભૂમિપ્રેમ અને અન્ય રાષ્ટ્રોની કવિતાના અનુવાદમાં એમનો રાષ્ટ્રપ્રેમ પ્રગટ થાય છે. ગુજરાતની પ્રજાએ એમનો ‘રાષ્ટ્રીય શાયર’ના હુલામણા નામથી નવાજ્યા છે. સુન્દરમ્ અને ઉમાશંકરનાં પરલક્ષી કાવ્યોમાં જે પ્રેમ અને કરુણા છે, સ્વાતંત્ર્ય અને બંધુત્વનો જે આદર્શ છે તે જ રામનારાયણ પાઠક, કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચન્દ્ર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ અને રાજેન્દ્ર શાહનાં સુકુમાર, ઋજુમધુર આત્મલક્ષી કાવ્યોમાં છે. ગાંધીજીનાં જીવન અને કાર્ય સાથે સંલગ્ન થયા વિના જ ૨૦મી સદીના પૂર્વાર્ધમાં બલવન્તરાય ઠાકોર અને ન્હાનાલાલે એમની ઉત્તમ આત્મલક્ષી અને પરલક્ષી કવિતાનું સર્જન કર્યું છે. ૧૯૩૮માં ન્હાનાલાલે એમની ઇતિહાસ અને રાજકારણ વિશેની રૂપકાત્મક નવલકથા ‘સારથી’ પ્રગટ કરી છે. એમાં એમણે બે સંસ્કૃતિઓના સમન્વયમાં એમની શ્રદ્ધાનું પુનરુચ્ચારણ કર્યું છે. એક દાયકા પછી ૧૯૪૮માં બલવન્તરાયે ‘ચોપાટીને બાંકડે’ કાવ્ય પ્રગટ કર્યું છે. એમાં એમણે જે સમુદ્ર માર્ગે અંગ્રેજોનું ભારતમાં આગમન થયું તે જ સમુદ્ર માર્ગે ૧૯૪૭માં અંગ્રેજો વિદાય થયા પછી, એક જ વરસ પછી પ્રશ્નો પૂછ્યા છે, ‘અંગ્રેજો ભારતમાંથી વિદાય થયા છે. હવે બે સંસ્કૃતિઓના સમન્વયનું ભારતનું સ્વપ્ન સિદ્ધિ થશે? કે પછી અંગ્રેજોના આગમન પૂર્વે ભારત જેવું હતું તેવું થશે? સામાજિક અને આધ્યાત્મિક અધોગતિમાં અને અધ:પતનમાં પાછું સરી જશે? ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં દ્વિતીય નવજાગૃતિના યુગમાં ભારતના કવિએ ન્હાનાલાલની શ્રદ્ધાનો પ્રતિભાવ અને બલવન્તરાયના પ્રશ્નોનો પ્રત્યુત્તર આપવાનો રહેશે. આપણે એને શુભેચ્છા પાઠવીએ અને એ બે સંસ્કૃતિઓના સમન્વયનું મહાકાવ્ય રચે એવી આશા રાખીએ!

(સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હીના ઉપક્રમે મદ્રાસમાં ‘પ્રાગ્-સ્વાતંત્ર્ય ભારતમાં ભારતીય કવિની ભૂમિકા’ વિષય પરના પરિસંવાદમાં અંગ્રેજી વક્તવ્યનો અનુવાદ. ૧૪ ડિસેમ્બર ૧૯૮૨.)

*