‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશે : જાગૃત ગાડીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨ ખ
જાગૃત ગાડીત

[સંદર્ભ : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૯, ‘અનઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની સમીક્ષા, ચંદ્રકાન્ત ટોપીવાળા]

૨. અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ અંગે’

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના પાછલા અંકમાં મુ. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની કરેલી સમીક્ષામાં લખ્યું છે કે ‘સૌથી નબળાં અધિકરણો દેરિદા અને વિરચનવાદ પરનાં છે. અઘરા વિષયને સરળ બનાવવાનું આ અધિકરણલેખકને ફાવ્યું નથી.’ એ અધિકરણો મેં લખ્યાં હોવાથી નીચેની સ્પષ્ટતાઓ જરૂરી બની છે : સૌ પ્રથમ તો કોઈ વિષયને અઘરો કે સરળ કહેવો એ જ એક તત્ત્વકેન્દ્રી અણસમજ છે. છતાં જો વિચારીએ, તો અઘરા વિષયને સરળ કઈ રીતે બનાવી શકાય? તે માટે તેના સારરૂપ કે કેન્દ્રવર્તી વિચારને ઓળખી, અલગ તારવી પછી બીજા શબ્દોમાં સરલીકરણ કરવું પડે. હવે જ્યારે દેરિદા પોતે જ અત્યંત પ્રયત્નપૂર્વક અને ચાલાકીથી પોતાનાં લખાણોમાં કોઈપણ કેન્દ્રવર્તી કે સારરૂપ અર્થ સ્થપાવા ન દેતો હોય, અને એ પ્રયાસ જ તેનો ખાસ પ્રોજેક્ટ હોય ત્યારે શુ કરવું? માટે ‘વિનિર્માણ’ પરના અધિકરણની શરૂઆતમાં જ મેં સ્પષ્ટતા કરેલી છે કે, ‘વિનિર્માણ’ કે ‘ડિફરાંસ’ એટલે શું એમ સીધે સીધું પૂછવું કે સમજાવવું બેમતલબનું છે, કારણકે આવી ચોક્કસ વ્યાખ્યાઓની અસંભવિતતા દર્શાવવામાંથી જ આ સંજ્ઞાઓ(ખ્યાલો નહીં) ઉદ્‌ભવી છે. એટલે જ આ લખાણમાં ‘વિનિર્માણ’ની સીધી વ્યાખ્યા કરવાને બદલે એ કયા મહત્ત્વના પ્રશ્નો ઊભા કરે છે. અને આપણને અત્યંત સ્વાભાવિક લાગતી કઈ માન્યતાઓને હચમચાવે છે તે દર્શાવવાનું લક્ષ્ય રાખ્યું છે!’ (પૃ. ૧૭૭-૭૮). આમ વિનિર્માણ અને તેને લગતાં બીજાં અધિકરણો લખવાનો અભિગમ આ કોશનાં તે સિવાયનાં અધિકરણોના લેખનના વિશ્લેષણમૂલક અભિગમથી જુદો જ છે, તે આટલી સ્પષ્ટતા પછી પણ સમજી શક્યા નથી એમ લાગે છે. અવતરણો અનૂદિત હોવા સામે એમણે વાંધો લીધો છે. પણ દેરિદાનાં લખાણો અનુવાદ કરવામાં અઘરાં હોવાથી, ક્યાંક તેમની માર્મિકતા ઓછી થાય એ ભયે અનુવાદ કરવાનું ટાળ્યું છે. પણ જ્યારે મોટાભાગની સંદર્ભ અને વિશેષવાચનની સામગ્રી અંગ્રેજીમાં જ હોય ત્યારે ‘ગુજરાતી કોશમાં સામગ્રી અનૂદિત થઈને જ આવવી જોઈએ.’ એ મને મિથ્યાગ્રહ લાગે છે. એ સ્થિતિ ખરેખર ઇચ્છવાયોગ્ય છે, પણ ત્યાં પહોંચતાં હજુ થોડી વાર લાગશે. અને જો નવી પેઢીમાંથી અંગ્રેજી ભૂંસાતું જાય છે એ સંજોગોમાં એમને સહાયક થવાની સંપાદકની નેમ હોય, તો થોડાં અંગ્રેજી અવતરણો કદાચ યોગ્ય ઉદ્દીપક સાબિત થશે. હવે જે મુદ્દાએ સમીક્ષકને કદાચ સૌથી વધુ આઘાત આપ્યો છે તે જોઈએ. ગુજરાતીમાં deconstruction માટે ‘વિનિર્મિતિ’, ‘વિરચન’, ‘વિગ્રથન’ અને ‘વિઘટન’ જેવી ચાર સંજ્ઞાઓ પ્રયોજાયેલી હોવા છતાં ‘વિનિર્માણ’ કેમ? આ પ્રશ્ન અત્યંત સ્વાભાવિક છે અને બીજા સમીક્ષક(બાબુ સુથાર)ને પણ કદાચ થયો છે. પણ તેમ કરવા માટે મારાં નીચે જણાવેલાં ચોક્કસ કારણો પડેલાં છે. (કોશના સંપાદકશ્રીએ પણ એ તર્ક તેમના ગળે ઊતર્યા પછી જ આ સંજ્ઞા સ્વીકારેલી) : અમુક ચાવીરૂપ સંજ્ઞાઓના શબ્દાર્થ કે બોલચાલમાં રૂઢ થયેલા ભાવનું વિચારપ્રણાલીઓમાં કેવી રીતે લક્ષણાકરણ (metaphorization) થાય છે તે દર્શાવવાનું દેરિદાનું ખાસ લક્ષ્ય હોય છે. અને તેનાં શરૂઆતમાં મોટા ભાગનાં લખાણોનું સીધું યા આડકતરું નિશાન ’૬૦ના દાયકામાં ખૂબ બળવાન બનેલા ‘structuralism’ અને તેના ‘structure’નો ખ્યાલ હતો. દેરિદાના મતે ‘structure’ના ખ્યાલ સાથે મુખ્યત્વે આવાસ કે ઇમારતના બાંધકામને લગતા સ્થાપત્ય(architecture)નો સંબંધિત ભાવ જોડાયેલો છે. અને આ ભાવનું પછી કઈ રીતે આ કહેવાતા ‘structuralism’માં લક્ષણાકરણ થયું છે, એ છતું કરવાનો તેનો ખાસ ઉદ્યમ રહ્યો છે. માટે તે ‘deconstruction’ સંજ્ઞા પ્રયોજે છે. કારણકે ‘construction’ તેમની ભાષામાં બાંધકામ વગેરે કામો માટે રૂઢ થયેલો શબ્દ છે. હવે એ જ ભાવ માટે ગુજરાતી અને હિન્દી બંનેમાં નિર્માણ શબ્દ ઘણો વપરાશમાં છે. એટલે દેરિદાનું ખાસ લક્ષ્ય હોય એવો ભાવ જો ‘નિર્માણ’માં સહેલાઈથી ઉપલબ્ધ હોય, તો બીજી સંજ્ઞાઓ શા માટે લેવી? અને આ પ્રમુખ ભાવ નજર સામે રાખતાં કોઈને પણ તરત જ સમજાશે કે ‘નિર્મિતિ’, ‘રચન’, ‘ગ્રંથન’ કે ‘ઘટન’ તેની ક્યાંય નજીક નથી. માટે મારી દૃષ્ટિએ ‘વિનિર્માણ’ સંજ્ઞા જ સૌથી વધુ યોગ્ય છે. છતાં આખરે પસંદગી વિદ્વાનો અને વાચકોની સુજ્ઞતા પર જ રહેશે. બીજી સ્પષ્ટતા એ કરવાની કે મુ. શ્રી ટોપીવાળા ‘વિનિર્માણ’ની પાછળ ‘વાદ’ લગાડીને જ ચાલે છે. જે વિનિર્માણના વ્યાપક સંદર્ભમાં યોગ્ય નથી. વિનિર્માણ પરના અધિકરણના આરંભમાં જ મેં એ વાત લખી છે કે તે કોઈ વાદ(ism) કે પદ્ધતિ(method) નથી. તેને ‘વાદ’માં ફેરવવું એ તો વિનિર્માણની ખાસ શક્તિઓને જ હણી નાખવા બરાબર છે. જો કે અમુક પાશ્ચાત્ય વિદ્વાનો ‘વિનિર્માણવાદ’ (deconstructionism) એવી સંજ્ઞા પ્રયોજે છે. પરંતુ તે અમેરિકન યુનિવર્સિટીઓમાં ફેશનેબલ બનેલી સાહિત્યવિવેચનની એક ચળવળ પૂરતી જ મર્યાદિત ઉપયોગિતા ધરાવે છે, વિનિર્માણના વ્યાપક તત્ત્વજ્ઞાનીય દેરિદીઅન સંદર્ભમાં નહી તેથી ‘વિનિર્માણ’ની પાછળ ‘વાદ’ લગાડવાનો તેમનો આગ્રહ જોતાં તેઓ વિનિર્માણને ફક્ત ઉપર જણાવેલ મર્યાદિત સંદર્ભમાં જ સમજતા હોય એમ લાગે છે. બાકી મારી દૃષ્ટિએ ‘વિનિર્માણ’ સંજ્ઞા જ સ્વપર્યાપ્ત અને યાગ્ય છે. તે સિવાય, differanceનો પર્યાય મેં ‘ડિફરાંસ’ જ રાખ્યો છે. કારણકે તે અનનુવાદ્ય છે. જે ભાષામાં એક જ ક્રિયાપદ ‘ભેદ કરવો’ અને ‘વિલંબ કરવો’ એ બંને અર્થ ધરાવતું હોય તે જ ભાષામાં તેનો અનુવાદ કદાચ શક્ય બને. આ સમીક્ષક દ્વારા ગુજરાતી સાહિત્યકોશ ભાગ-૩માં વાપરવામાં આવેલ ‘વ્યતિરેક/વ્યાક્ષેપ’ એ પર્યાય તરીકે મૂળભૂત રીતે ખોટો છે. કારણકે ડિફરાંસમાં બંને અર્થ ‘એકી સાથે એકી સમયે’ અને તે પણ એક જ સંજ્ઞામાં અભિપ્રેત છે. જ્યારે, વ્યતિરેક/વ્યાક્ષેપ એ ‘વ્યતિરેક અથવા વ્યાક્ષેપ’ જેવો ભાવ ધરાવે છે. અને બંને સંજ્ઞાઓ પણ અલગઅલગ છે. માટે જ અંગ્રેજીમાં to differ અને to defer અલગ હોવાથી તેમણે diffranceનો અનુવાદ ‘differ/defer’ જેવો કર્યો નથી પરંતુ differance(જે ફક્ત ફ્રેંચમાં જ શક્ય છે તે) સંજ્ઞાને સીધેસીધી સ્વીકારી છે. આટલી સરળ વાત પણ સમીક્ષકના ધ્યાનમાં નથી. વળી, કલ્પનાના કયા વિહારથી તેઓ logocentrismનો પર્યાય ‘તત્ત્વવિચારકેન્દ્રિતા’ કરે છે તે સમજાતું નથી. કારણકે મૂળ ગ્રીક એવા ‘logos’નો ભાવ મૂળતત્ત્વ કે પરાતત્ત્વ જેવો થાય છે. કોઈ રીતે તેનો અર્થ ‘તત્ત્વવિચાર’ને મળતો નથી. ‘તત્ત્વવિચાર’ એ તો મનુષ્ય દ્વારા કરવામાં આવતી એક સભાન પ્રવૃત્તિ છે. માટે જ મેં logocentrismનો ‘પર્યાય ‘તત્ત્વકેન્દ્રિતા’ કર્યો છે. આ બધી ભૂલો સુધારવાની કોઈ શાબાશી સમીક્ષકે મને આપી નથી. ઉપરથી તેમની ફરિયાદ છે કે ‘ગુજરાતી સાહિત્યકોશ ભાગ-૩’ની સામગ્રીનો ઉપયોગ થયો નથી. પણ કમ સે કમ વિનિર્માણ અને તેને લગતાં લખાણો મેં તો તેમાં જોયાં જ હતાં, પણ conceptsની દૃષ્ટિએ ઘણાં ખામીયુક્ત હોવાથી તે સામગ્રીનો ખાસ કોઈ ઉપયોગ શક્ય જ ન હતો. ખરેખર તો દેરિદાનાં લખાણો આવા કોઈ કોશની જરૂરત કે અસ્તિત્વ વિશે જ પાયાના પ્રશ્નો ઊભા કરે તેમ છે. માટે જ તેના પર કોશનાં અધિકરણો લખવાં એ એક સઘનપણે આંતરવિરોધી(paradoxical) પ્રવૃત્તિ છે. અને આ આંતરવિરોધની પૂર્ણ સભાનતા જાળવીને અધિકરણો લખવાનું કામ ખરેખર મુશ્કેલ છે માટે આ અધિકરણોમાં ઘણી મર્યાદાઓ અને ઊણપો છે જ. પરંતુ તે દર્શાવવા માટે ઘણા વધારે ઊંડાણ અને સજજતાની જરૂર પડે તેમ છે.

– જાગૃત ગાડીતનાં વંદન
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૯ પૃ. ૩૮-૪૧]