‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશે : જયંત ગાડીત
જયંત ગાડીત
[સંદર્ભ : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૯, ‘અનઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની સમીક્ષા, ચંદ્રકાન્ત ટોપીવાળા]
૧ ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ અંગે–’
પ્રિય રમણભાઈ, જુલાઈ-સપ્ટે. ૯૯ના ‘પ્રત્યક્ષ’ના અંકમાં ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશેની બે સમીક્ષાઓ વાંચી. એક જ ગ્રંથની બે સમીક્ષાઓ બે અભ્યાસીઓ પાસે કરાવી તે આ ગ્રંથનું મહત્ત્વ તમારે હૈયે કેટલું વસ્યું છે એની પ્રતીતિ કરાવે છે. એ બદલ મારી આનંદની લાગણી વ્યક્ત કરું છું. બે સમીક્ષાઓમાં ચંદ્રકાન્ત ટોપીવાળાની સમીક્ષા અંગે કંઈક વધારે વિચારવિમર્શ કરવાનું મન થતાં આ પત્ર લખવા પ્રેરાયો છું. પણ સૌ પ્રથમ બન્ને સમીક્ષાઓ સંબંધી વાત : ૧. બન્ને સમીક્ષકોને શીર્ષકના ‘અનુઆધુનિક’ વિશેષણ સામે વાંધો છે. બન્ને સમીક્ષકોએ એ સંજ્ઞાને મૂલ્યબોધક સંજ્ઞા તરીકે ઘટાવી છે. વસ્તુત : સંપાદકોના મનમાં એ સમયવાચક સંજ્ઞા છે. ૧૯૬૦ પછી જે વિભાવનાઓ યુરપીય વિવેચનમાં પ્રભાવક બની કે પૂર્વપ્રચલિત વિભાવનાઓએ અનુઆધુનિક સમયમાં જે વિચારપરિવર્તન દાખવ્યું છે તેની માહિતી આપવા તરફ ધ્યાન કેંદ્રિત કર્યું છે. બાબુ સુથારે આને કારણે ‘સમકાલીન’ વિશેષણ શીર્ષકમાં વધારે યોગ્ય બનત એવું સૂચન કર્યું છે. પરંતુ ‘સમકાલીન’ વિશેષણ હું યોગ્ય ન ગણું, કારણકે એ સંજ્ઞા વધારે વ્યાપક અર્થની બોધક છે. ‘અનુઆધુનિક’ દ્વારા આધુનિક પછીના કાળનું સૂચન થાય છે. ચંદ્રકાન્ત ટોપીવાળા તો ‘અનુઆધુનિક’ પરથી ’અનુઆધુનિકતાવાદ’ પર સરી ગયા! એટલે એમણે તો સંજ્ઞાના અર્થબોધને ઘણો સંકોચી નાખ્યો. અલબત્ત એમણે કેટલીક જરૂરી સંજ્ઞાઓ આ કોશમાં નથી સમાવી શકાઈ એનો નિર્દેશ કર્યો છે તે આવકાર્ય છે. પુનર્મુદ્રણ વખતે એ અને અન્ય સંજ્ઞાઓને સમાવવાનું વિચારી શકાય. ૨. ચંદ્રકાન્ત ટોપીવાળાએ અધિકરણોમાં અપાયેલી વિભાવનાત્મક સમજમાં રહેલી ત્રુટિઓ તરફ ધ્યાન ખેંચ્યું છે તે આવકાર્ય છે. પુનર્મુદ્રણ વખતે એને વિશે વિચાર કરી શકાશે. ‘વિનિર્માણ’ પરનાં અધિકરણો એમને સૌથી નબળાં લાગ્યાં એ સંદર્ભમાં જાગૃત ગાડીતે પોતે વધુ સ્પષ્ટતા પોતાના પત્રમાં કરી છે. પરંતુ એ અધિકરણો દેરિદાના મૂળ ગ્રંથો વાંચીને લખાયાં છે, માત્ર પરવર્તી આધારો પરથી નહીં એટલું હું ખાતરીપૂર્વક કહી શકું. ૩. ટોપીવાળાએ પર્યાયોસંદર્ભે પોતાના મતભેદ વ્યક્ત કર્યા છે. ‘સમયકાલિક’ વિશે યોગ્ય રીતે એમણે ધ્યાન દોર્યું છે. જો કે એમના પર્યાયો મને સ્વીકાર્ય નથી. Dominant culture માટે યોજાયેલ બે પર્યાયોમાંથી ‘પ્રભુસંસ્કૃતિ’ પર્યાય એમને ઉચિત નથી લાગ્યો એ વાત પણ સ્વીકારું છું. પરંતુ એ સિવાયના અન્ય પર્યાયો વિશે મારા મતભેદ યથાવત્ છે. પર્યાયો નક્કી કરતી વખતે બે બાબત તરફ અમે ધ્યાન રાખેલું. એક, વ્યવહારમાં પ્રચલિત શબ્દને શક્ય હોય ત્યાં સુધી પારિભાષિક અર્થ આપવો. એને કારણે એને એના પ્રચલિત અર્થોનો કેટલોક લાભ મળે. એનાથી પારિભાષિક સંજ્ઞાની અર્થસંકુલતા વધે છે. અંગ્રેજીમાં ઘણા પર્યાય આ રીતે પ્રયોજાય છે. structure કે construction શબ્દો કેટલા જાણીતા છે! એમને પારિભાષિક બનાવવાથી પારિભાષિક સંજ્ઞાને લાભ થાય છે. સાવ અપરિચિત શબ્દોને પારિભાષિક બનાવવાથી એવી સંજ્ઞાઓ સમગ્ર અભિવ્યક્તિમાં ઓગળ્યા વગર ગાંગડાની જેમ અર્થબોધમાં ખાસ્સી તકલીફ ઊભી કરે છે. અતિ સંસ્કૃત શબ્દોને પારિભાષિક સંજ્ઞાઓ તરીકે ઉપયોગમાં લેવા અંગે મને ચેતવા જેવું લાગે છે. અલબત્ત અમે પણ પહેલેથી સ્વીકૃત પારિભાષિક સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં અધિકરણોની વિભાવનાઓ સ્પષ્ટ કરતી વખતે ભાષા ભારઝલ્લી ન બની જાય તેની કાળજી લીધી છે. (‘ગુજરાતી સાહિત્યકોશ-૩’ અમે નથી જોયો એ ટોપીવાળાની વાત સાચી નથી. સરતચૂકથી સૂચિમાં એનો ઉલ્લેખ કરવાનું રહી ગયું છે.) પર્યાયો નક્કી કરતી વખતે બીજી વાત એ ધ્યાનમાં રાખી કે એક પર્યાય પરથી આવશ્યક જણાય ત્યારે પ્રત્યયો લગાડી બીજી સંજ્ઞાઓ બનાવી શકાય. ‘અંક’ ‘સંહિતા’ને મુકાબલે મને વધુ ઉચિત લાગે છે. એના પરથી ‘અંકન’ ‘વિઅંકન’ એવી બીજી સંજ્ઞાઓ બનાવી શકાઈ છે. અંતરંગ/બહિરંગ સંરચના માટે કે કેન્દ્રગામી/કેન્દ્રાપગામી માટે અંગ્રેજી પર્યાયો સરતચૂકથી ખોટા મુકાઈ ગયા છે. કેટલીક જગ્યાએ મુદ્રણદોષથી ભૂલો રહી ગઈ છે. વાંચનાર એ સમજી જાય છે. પરંતુ આવાં કામોમાં એવી ભૂલો ન રહેવી જોઈએ એમ હું માનું છું. એટલે ટોપીવાળાએ એ તરફ ધ્યાન ખેંચ્યું તે બદલ એમનો આભાર. ૪. વિદેશી નામોના ઉચ્ચારોમાં ટોપીવાળાએ અધિકારપૂર્વક કેટલાક સાચા ઉચ્ચાર સૂચવ્યા છે. સારું છે. પરંતુ ‘ગુજરાતી સાહિત્યકોશ-૩માં એમણે ગેરાર જેનેત(પૃ. ૭૪) ઉચ્ચાર કર્યો છે. અહીં તેઓ ‘ઝેરાર જેનેત’નું સૂચન કરે છે. એમના ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’માં એમણે ‘ફ્યુકો’ ઉચ્ચાર કર્યો છે, પરંતુ ‘ગુજરાતી સાહિત્યસંજ્ઞાકોશ-૩’માં ‘ફકો’ કરે છે. મને લાગે છે કે વિદેશી નામોના ઉચ્ચારમાં બહુ સંવેદનશીલ થવાની જરૂર નથી, કારણકે અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, સ્પેનીશ, રશિયન, ઈટાલિયન એમ વિવિધ ભાષાઓનાં કોઈપણ નામનો સાચો ઉચ્ચાર આપણે આપણી ભાષામાં ભાગ્યે જ યથાવત્ લાવી શકીએ. ભૂતકાળના અનુભવો પણ કહે છે કે એ અંગે વિવાદ રહ્યા કરે. જો કે IPAની મદદથી મૂળ ઉચ્ચારની આપણે કેટલાક નજીક જઈ શકીએ મહત્ત્વની વાત એ છે કે કોઈપણ વિદેશી નામનો ગ્રંથમાં સમાનરૂપે એક ઉચ્ચાર લેખક રાખે અને કૌંસમાં મૂળ વિદેશી નામ મૂકે એટલે પર્યાપ્ત છે. તો વાચકને વાંચવામાં સરળતા રહે, બાકી અમુક જ ઉચ્ચાર સાચો કે અધિકૃત એ ખ્યાલ વિદેશી નામો પૂરતો વિવાદાસ્પદ જ બને. અરે, પરભાષાના શબ્દોના ઉચ્ચાર પણ મૂળ જેવા આપણે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. અગત્યની બાબત એકવાક્યતાની છે. એનાથી વાચક માટે સુગમતા ઊભી થાય છે. આ કોશમાં એનું ધ્યાન સતત રાખ્યું છે. ‘શાવટર/શટવર’એ મુદ્રણદોષ છે. ટોપીવાળાની સમગ્ર સમીક્ષા વાંચતાં મન પર એવી છાપ પડી કે સપાટી પરની સ્થૂળ ભૂલો બતાવવામાં એમણે વધારે રસ લીધો છે. આવા ગ્રંથોમાં એનું પણ મહત્ત્વ છે, અને એ તરફ ધ્યાન ખેંચવા બદલ હું એમનો આભાર માનું છું.
વડોદરા, ૨૫-૧૧-૯૯
– જયંત ગાડીત
{{right|(ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૯, પૃ. ૩૮-૩૯]