‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/કડક ધોરણે જ બધું તપાસાવું જોઈએ : ડંકેશ ઓઝા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ડંકેશ ઓઝા

કડક ધોરણે જ બધું તપાસાવું જોઈએ

‘પ્રત્યક્ષ’ વિવિધ વિષયનાં બહુચર્ચિત પુસ્તકોની પણ સમીક્ષા કરે એ મને જરૂરી લાગે છે. લોકોમાં જે સ્વીકૃત બને છે એની તપાસ ને જે સ્વીકૃત બનવું જોઈએ એની ચર્ચા આવશ્યક છે. શરીફાબહેન વીજળીવાળાની ‘પ્રસ્તુત’ (લે. પ્રવીણ દરજી) વિશેની ટીકા અત્યંત પ્રસ્તુત છે. કોલમો લખનારા કલમઘસુઓનો રાફડો ફાટ્યો છે. તેઓ કોલમો લખી રોકડી કરી લે છે અને પછી વળી તેના સંગ્રહો લઈને આવે છે. પોતાની ઉંમર કરતાં પણ વધુ પુસ્તકો પ્રગટ કર્યાં હોવાની જાહેરાતો અને શેખી કરતાં તેઓ શરમાતા નથી. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. લેખકોમાં આવા ઘણા વધી પડ્યા છે. ખેડૂત ખેડ્યા કરે એમ લેખકો લખ્યા કરે એવું સુરેશ જોષી મારી સાથેની અંગત વાતચીતમાં આપણા થોડા સમકાલીનોનાં નામ આપીને કહેતા હતા. એટલે, પોતાના જ પુસ્તકની સમીક્ષા ઉપનામ હેઠળ પોતે જ કરનાર અને વળતરમાં પુરસ્કાર લઈને પોતાને બન્ને અર્થમાં પુરસ્કૃત કરનાર લેખકને શું કહીશું? એક બીજા લેખકે તો એક જાણીતા લેખક-વિવેચકના નામ હેઠળ પોતાના પુસ્તકની પ્રસ્તાવના પોતે જ લખીને પોતાને પન્નાલાલ પટેલ પછીના મહત્ત્વના નવલકથાકાર ઠેરવ્યા હતા! નામ વટાવાયેલું એ લેખક બિચારા વિરોધ કે અસંમતિ પણ ન દાખવી શકે તેવો તાકડો રચાયેલો! હવે એ વિવેચક લેખક-મૂલ્યોનાં ધોવાણની તારસ્વરે રજૂઆત પોતાના સામયિકના પ્રત્યેક અંકોમાં મોઘમ રીતે કર્યા કરે છે! આમ, પડે છે ત્યારે સઘળું પડે છે. મારી ચિંતા કહો કે બળાપો એટલો જ છે કે સાહિત્ય પાસે સમાજને કદાચ છેલ્લી એટલે કે આખરી આશા હોય છે.

અન્ય ક્ષેત્રે કૃતમ્‌ પાપમ્‌, તીર્થક્ષેત્રે વિનશ્યતિ |
તીર્થક્ષેત્રે કૃતમ્‌ પાપમ્‌, વજ્રલેપો ભવિષ્યતિ ||

તીર્થક્ષેત્રનાં પાપોની જિકર તેથી કરીને શરીફાબહેન કરી રહ્યાં છે અને હું તેથી જ આ પાપોને દર્શાવવા તાકું છું. એક બીજી વાત પણ કહેવી છે : સાહિત્ય અકાદમીએ નવોદિતો માટે પુસ્તક-પ્રકાશનની યોજના શરૂ કરી ત્યારથી જે કંઈ સાહિત્યના નામે પ્રકાશિત થયું તેના મૂલ્યાંકનની ખૂબ જ જરૂરત છે. સાહિત્યના નામે આપણે જીવદયામંડળીઓ કાઢીને બધાને સંતોષવા નીકળી પડવાની જરૂર છે? મૂલ્યોનું ગુણવત્તાનું ધોવાણ ધીરે ધીરે થતું આવતું હોય છે અને જો સાવચેત ન રહ્યા તો આપણે એ કળણમાં એવા તો નીચે ઊતરતા જઈએ છીએ જ્યાંથી આપણે તો બહાર નીકળી શકતા નથી અને કોઈ આપણને કાઢી પણ શકતું નથી. કડક અને સખત ધોરણોથી આ બધું તપાસાવું જ જોઈએ. મર્યાદિત સાધનોનો દુરુપયોગ કરતાં શરમાવું જોઈએ. સાહિત્યના ક્ષેત્રે પણ તડ અને ફડ નહીં કહીએ તો આપણે પણ તેમાં સામેલ હોવાની છાપ પડશે જે દૂર કરવી મુશ્કેલ થશે. આપણે શું કરીએ છીએ અને શું કરવાનું છે એની બહુ મોટી સભાનતા જરૂરી છે. મેનેજમેન્ટના શબ્દોમાં કહું તો role clarity પણ આપણી પાસે નથી. કોઈપણ ક્ષેત્રમાં કડક ધોરણો સાચવનારાંને અગ્રેસર કરવામાં સમગ્ર સમાજને જ ફાયદો છે. ‘પ્રત્યક્ષ’ તેમ જ કરતું રહે તેવી આશા-અપેક્ષા સહ –

૯ માર્ચ ૧૯૯૪

– ડંકેશ ઓઝા

[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૪, પૃ. ૩૫]