‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/નાટ્યશબ્દને મુક્ત કરીએ! : હસમુખ બારાડી
હસમુખ બારાડી
નાટ્યશબ્દને મુક્ત કરીએ!
પ્રિય સંપાદકશ્રી, વિવેચકથી તટે-સ્થિત ન રહી શકાય એવા આપણા દેશકાળમાં નાટ્યશબ્દ ઉપર દાયકાઓથી તોળાઈ રહેલા ભય તરફ આંગળી ચીન્ધું? ૧૮૭૬માં અંગ્રેજ સંસ્થાનવાદે, એમને એ કાળે સ્વાભાવિક લાગી હશે તે, રાષ્ટ્રવિરોધને નાથવા શરૂ કરેલ થિએટર-સેન્સરશીપ, આજે સવાસો વરસે, મોટા ભાગે એજ નિયમો અને ધારાધોરણે, પોલીસ કાયદા હેઠળ, આપણી ભાષા અને થિએટરમાં પ્રવર્તે છે. આજના એ સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડના નિયમો તો શબ્દથી નાટ્યને નાણી રહ્યા છે, સ્ક્રિપ્ટ તપાસી પર્ફોમન્સ કલ્પી શકવાનો અહમ્ ધરાવે છે! ગુજરાતી નાટ્યવિવેચને ‘સાહિત્યિક’ અને ‘તખ્તાલાયક’ એવાં લેબલો મારી નવ્ય નાટ્યકર્મ સામે કરેલા પાપ (વધુ ચર્ચા ‘બુદ્ધિપ્રકાશ’ ડિસે. ’૯૨ પૃષ્ઠ ૪૬૧-૬૩) કરતાંય, આજે નાટ્યશબ્દને ‘સેન્સર’ કરવાના સરકારી/તરકારી તંત્રો સામે મૌન રહેવામાં મોટું પાપ થશે. ચં.ચી., જશવંત ઠાકર, ગોવર્ધન પંચાલ અને અનેક સર્જકો/રંગકર્તાઓએ અગાઉ એ સામે બાખડી જોયું હતું. પણ સત્તા શાણી હોય છે. આર્થિક હિતો મધુરાં હોય છે, સભ્યપદ આદરપાત્ર ગણાય છે, મારગચાતરુ અળખામણાં બનતાં હોય છે, દાખ અને દંડ અનેક રૂપેરંગેગંધે અવતરતાં હોય છે. એટલે મારાતમારા અનેક સર્જકવિવેચકરંગકર્મી મિત્રો નાટ્યશબ્દને નાથવા કલમબદ્ધ થઈ એમાં જોડાયા છે. ‘અશ્લીલતા, કોમવાદ અને હિંસાની ઉશ્કેરણી’ રોકાવાનો એમનો ઝંડો છે. ‘ગુજરાતી’ નાટ્ય, પ્રસ્તુતિવ્યાકરણ, પ્રેક્ષકનાં રસ-રુચિ એમાં કેન્દ્રો નથી. કારણકે અશ્લીલતા રોકાતી નથી. (એની વ્યાખ્યા જ અશક્ય છે), અને હિંસા કોમવાદ માટે નાટ્યશબ્દ કરતાં અન્ય પરિબળો જ વધુ જવાબદાર છે. હકીકતે તો આ બોર્ડનું ચાલે તો ચાણક્યે કર્યું હતું તેમ નટને તડીપાર જ મોકલી દે! Banish the actor! મૂળે આવશ્યકતા છે સમગ્રતયા સાંસ્કૃતિક નીતિ ઘડવાની : holistic approachથી જેમાં ગુજરાતી પ્રેક્ષક કલાત્મક નાટ્યશબ્દ પામે, મંચન અને સમૂહ કલાઓ સ્થળકાળને સુસંગત પ્રદાન કરે; અધિકારીવર્ગ (બ્યૂરોક્રેટ નહીં) એને નાણે, પ્રેક્ષકો જ સ્વીકારે/ઇન્કારે. પ્રેક્ષકોમાં મંચન-સાક્ષરતા (perfomance literacy) વિકસે, નાટ્ય શબ્દ મુક્ત બને. રંગકર્મી અને નાટ્યસર્જકોની સાથો-સાથ આ પ્રશ્ન જેટલો અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો છે, એટલો જ નાટ્ય-વિવેચનાનો ય છે. ઝીણુંઝીણું કાંતતાં આપણા વિવેચકો આ વિશે, ગમે તે કારણેય મૌન રહે એ મને ઉચિત નથી જણાતું. બોર્ડમાં બેઠેલાઓનેય આ ચર્ચામાં સામેલ કરીએ, તેઓ કહે એટલું ઝીણું કાંતી, નાટ્યજગતના આ પાયાના મુદ્દા વિશે વિચારી, નાટ્યેતર (Extra-dramatic) રસહિતોને ફગાવી દઈ, ‘નાટ્ય’ને મુક્ત શ્વસવા દઈએ! અને તેય રમણભાઈ, અને સાથી તંત્રીઓ, ‘હ.બા. લખી જણાવે છે’ કહી, માત્ર આ છાપવાને બદલે, ભલે એકાદ પંક્તિમાંય, તમારો અભિપ્રાય આપજો, અન્યોને સામેલ થવા નિમંત્રજો, પ્લીઝ, જેથી મને હૂંફાળું હૂંફાળું લાગે!*
અમદાવાદ, ૧૭-૧-૯૪
નિવાસી નાટ્યકાર, ગેરેજ સ્ટુડિયો થીએટર
– હસમુખ બારાડી
* સાહિત્યસર્જન, વિવેચન, અને રંગભૂમિ ત્રણેને સ્પર્શતી આ ચર્ચામાં બીજા મિત્રો પણ સામેલ થાય, અન્ય મત અને સહયોગી મત પ્રગટ થતા રહે ને એમ આ મુદ્દે સંવિવાદ જાગે એને સંપાદકો આવકારે છે – સં.
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૪, પૃ. ૩૪-૩૫]