‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સંપાદકની નોંધ રમણ સોની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩ ચ
રમણ સોની [સંપાદકની નોંધ]

[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટે-ડિસે. ૨૦૦૨, સુમન શાહ, હેમન્ત દવેની પત્રચર્ચા]

સંપાદકની નોંધ

શ્રી સુમન શાહના પુસ્તકની સમીક્ષા વિશે ચાલેલી પત્રચર્ચા હવે, ગ્રંથલેખકના આ ચર્ચાપત્ર સાથે પૂરી થાય છે. પરંતુ આ આખીય ચર્ચા સંદર્ભે એક-બે બાબતો એક સંપાદક તરીકે તેમજ એક વાચક તરીકે અહીં નોંધવી જરૂરી લાગે છે : ૧. અગાઉ (એપ્રિલ-જૂન ૨૦૦૨)ના ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલી સુમન શાહની પત્રચર્ચા, એમની સંમતિપૂર્વક સંપાદિત કરેલી – કેટલાંક પુનરાવર્તનો આદિ નિવાર્ય બાબતોને બાદ કર્યા પછીય એ લાંબી પત્રચર્ચા ૨૦૦૦ શબ્દો જેટલી તો થયેલી જ. જો થોડું ઘણું જ કાટછાંટ-યોગ્ય લાગ્યું હોય તો હું એમજ સંપાદિત કરી લઉં છું પણ વધુ કાટછાંટ હોય તો લેખકને પુછાવું છું. એ રીતે મેં એમને જ ટૂંકું કરી આપવા વિનંતી કરેલી પણ એમણે મારા પર છોડ્યું. એ પછી તો વાત પૂરી થવી જોઈતી હતી પણ એમણે તો ‘ખેવના’-૭૪માં પૃ. ૫૫થી ૬૦ – છ પાનાં ભરીને એ આખીય પત્રચર્ચા છાપી ને એમાં ‘પ્રત્યક્ષ’માં સંપાદિત થયેલાં વાક્યો-પરિચ્છેદો સળંગ અધોરેખિત કર્યાં. એમ કરીને એક સંપાદકના સંપાદકીય નિર્ણયને ન સ્વીકારવાની ચેષ્ટા કરી. હવે મજાની વાત તો એ છે કે એમણે એ જ અંક(‘ખેવના’-૭૪)માં તરત અગાઉના પૃ. ૫૪ ઉપર તંત્રીનોંધ કરી છે. કે, ‘ખેવના’માં ‘લાંબીલાંબી પત્રચર્ચાઓને સમાવવાનું કર્યું નથી’ પણ હવેથી ‘છાપેલાં બે પાનાંની સ્પષ્ટ મર્યાદામાં પત્રચર્ચાઓ પણ આવકાર્ય છે.’ પરંતુ ‘પ્રતિભાવ, પત્રચર્ચા કે પરિચર્ચા અંગેનો કોઈપણ નિર્ણય તંત્રીની તંત્રીય સત્તાને તથા કાપકૂપ વગેરે તંત્રીકાર્યને અધીન હશે.’ ૫૪મા પાના પર આ જે લખ્યું એ તરત પપમા પાના પર(થી) વદતોવ્યાઘાત પુરવાર થઈ રહ્યુ! પોતે ‘તંત્રીય સત્તા’ (બહુ અણગમતો શબ્દપ્રયોગ છે આ) અજમાવવાનો સંકલ્પ કરવો ને, બીજી તરફ, લગભગ બધે જ લાંબીલાંબી પત્રચર્ચાઓ મોકલીને ને ‘છાપો’-આગ્રહ રાખીને બીજા તંત્રીઓની સંપાદન-સ્વાયત્તતાનો ખ્યાલ ન કરવો – એ વિચાર-કાર્યને વિપરિત કરતો અભિનિવેશ એમણે ન દાખવ્યો હોત તો સુમનભાઈ સરખા જાણીતા વિવેચકે પોતાના એક પુસ્તકની સમીક્ષા સામે ‘પ્રત્યક્ષ’ ઉપરાંત (વધારે પ્રમાણમાં તો) પોતાના સામયિકમાં અન્યનાં અને (એથીય વધારે પ્રમાણમાં તો) એમનાં ખુદનાં આટલાંબધાં લખાણો પણ ના છાપ્યાં હોત. ખેર. ૨. એક વાચક તરીકે મને એમ લાગે છે કે લેખન એ જાહેર પ્રવૃત્તિ છે ને એથી ભૂલ/ગોટાળો/સરતચૂક થઈ ગયાં હોય એનો સ્વીકાર પણ લેખકે કરવાનો હોય. એને બદલે સુમનભાઈ વાચકોને કહે છે કે ‘સ્વીકારો’ – કે એમણે માહિતી આદિ કુંજુન્ની રાજામાંથી લીધાં નથી. એ જેને ‘માહિતી’ કહે છે એ કેવળ માહિતી નથી પણ તે લેખકની નિજી મુદ્રા ધરાવતાં નિરીક્ષણો, આકલનો તેમજ વિગત-સંકલનો પણ છે. [હેમન્ત દવેની ‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન પૃ. ૩૫-૩૬ ઉપરની તુલના-વિગતો – ખાસ તો ક્રમ-૧,૫,૭ – જોતાં એ સ્પષ્ટ થશે.] આમ છતાં, સુમનભાઈ કહે છે એ વાચકો તરીકે સમજો કે આપણે સ્વીકારી લઈએ. પણ એ પછીય પ્રશ્ન શમી જતો નથી. આપણને વળતો પ્રશ્ન થાય કે સુમનભાઈ જેવા અનુભવી અભ્યાસીને, હૈદરાબાદ સેમિનારમાં સાંભળેલી ને મળેલી પૂર્તિરૂપ ચર્ચાનોંધો ચકાસવાની (એ નિરીક્ષણો-ચર્ચા કોનાં હશે તે અંગેની) જિજ્ઞાસા પણ ન થઈ? આવા શાસ્ત્રીય વિષયમાં નોંધોથી સંતોષ થઈ શકે? સંસ્કૃતમીમાંસાની ભીતર પણ ઘૂમી વળવાનું રહે એવો એમનો આ વિષય હતો ને એમ કરવાથી એમના પુસ્તકમાંની કેન્દ્રીય ‘આર્ગ્યુમૅન્ટ’ મજબૂત બની હોત. ને એનો વાચકોને આનંદ હોત.

*

સુમનભાઈની એક વાત સંપાદક તરીકે હું સ્વીકારું છું : હેમન્ત દવેએ ‘સુ.શા.’ લખ્યું એ મારે ‘સુમન શાહ’ એમ કરી લેવું જોઈતું હતું. આમ તો, ઉ.જો, સુ.જો., ચં.ચી. આદિ સંક્ષેપો આપણે ત્યાં પ્રચલિત છે ને એ કંઈ તોછડા લાગતા નથી પણ ‘પ્રત્યક્ષ’માં તો આરંભથી જ એવું સ્વીકાર્યું છે કે પૂરાં નામ લખવાં. એટલે આવી, સ્વીકારેલી નીતિ અંગેની, ભૂલ રહી ગઈ એ માટે દિલગીર છું ને સુમનભાઈએ ધ્યાન દોર્યું એ માટે આભારી છું.

[જુલાઈ-સપ્ટે-ડિસેમ્બર, ૨૦૦૨, પૃ. ૪૨-૪૩]