‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/હર્ષવદન ત્રિવેદીની સમીક્ષા વાંચીને આનંદ થયો : શિરીષ પંચાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪ ક
શિરીષ પંચાલ

[સંદર્ભ : જુલાઈ-સપ્ટે., ૨૦૧૨, ‘સંરચનાવાદ, અનુ-સંરચનાવાદ અને...’ (વિવેચન અનુવાદ : સુનીતા ચૌધરી)ની સમીક્ષા, હર્ષવદન ત્રિવેદી]

પ્રિય સંપાદકશ્રી રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના જુલાઈ-સપ્ટે. ૨૦૧૨ અંકમાં હર્ષવદન ત્રિવેદીની સમીક્ષા વાંચીને ઘણો આનંદ થયો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાચા અર્થમાં ‘સમીક્ષા’ લખવાનું ટાળવામાં આવે છે. જે પુસ્તક ન ગમતું હોય તેના વિશે મૌન પાળવું એવો જાણે કે રિવાજ થઈ ગયો છે. સાથેસાથે કેટલાંક ઉત્તમ પુસ્તકો વિશે પણ મૌન પાળવામાં આવે છે – પણ એ વાત જવા દઈએ. સાહિત્ય અકાદેમીની એક પરંપરા છે કે અકાદેમી-પુરસ્કૃત ગ્રંથોના બધી ભાષાઓમાં અનુવાદ કરાવવા. ધારો કે કોઈ પુસ્તક ઍવૉર્ડ યોગ્ય ન હોય અને છતાં જો તેને બીજાં કેટલાંક કારણોસર એવૉર્ડ અપાયો હોય તો પણ એનો અનુવાદ બધી ભાષાઓમાં થઈ જાય. સર્જનાત્મક કૃતિઓના અનુવાદ બધી ભાષાઓમાં થાય તે આવકાર્ય પણ વિવેચનગ્રંથોના અનુવાદ બીજી ભાષાઓમાં કરવા જતાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થવાની, પ્રાદેશિક સાહિત્યસંદર્ભોનો ખ્યાલ અન્યભાષીઓને આવી ન શકે. ગોપીચંદ નારંગના પુસ્તકની ગુણવત્તાની વાત બાજુ પર રાખીએ. હર્ષવદન ત્રિવેદીએ ખૂબ મહેનત કરીને, બીજા કેટલાક વિવેચકોની સહાય વડે એ પુસ્તકની ચર્ચા તો કરી જ છે અને એમાંથી જે વાચક પસાર થાય તેને આ ચર્ચાની સત્યતાની પ્રતીતિ થશે. અકાદેમીએ જ્યારે આ ગ્રંથનો અનુવાદ ગુજરાતીમાં પ્રકટ કરવાનું ઠરાવ્યું ત્યારે એના પરામર્શનની જવાબદારી મને સોંપી હતી – ત્યારે પ્રકાશ ભાતંબરેકર મંત્રી હતા. મને આઠ-દસ પાનાં મોકલ્યાં પણ હતાં. એ હસ્તપ્રતની સામે મેં રજૂઆત કરી. મારી અપેક્ષા કોઈને કદાચ વધારે પડતી લાગે છતાં એ અનિવાર્ય હતી. મેં આટલી અપેક્ષાઓ રાખી હતી : ૧. જે વિષયને લગતો ગ્રંથ હોય તેની પૂરતી જાણકારી અનુવાદકને હોવી જોઈએ – માત્ર બંને ભાષાની જાણકારી ન ચાલે. ૨. એ વિષયને લગતું જે સાહિત્ય ગુજરાતીમાં ઉપલબ્ધ હોય તેમાંથી અનુવાદક પસાર થયેલા હોવા જોઈએ. ૩. મૂળ હિંદીમાં પ્રચલિત વિભાવનાઓ-ભાષાપ્રયોગોનો અને એવી જ રીતે ગુજરાતીમાં પ્રચલિત આવી સામગ્રીનો પરિચય હોવો જોઈએ. ૪. ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચનના સંબંધોની અનેક ચર્ચાઓ અમદાવાદમાં ચંદ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહે કરી છે તો તેમની સહાય કીમતી પુરવાર થશે. પરંતુ આ બધી જ સૂચનાઓ એળે ગઈ, પછી તો અકાદેમીએ એ બારામાં મારી સાથે કશો પત્રવ્યવહાર ન કર્યો. એનું પૂરેપૂરું પરામર્શન કોણે કર્યું હશે તેની જાણ નથી. વાસ્તવમાં તો આ અંગેની સ્પષ્ટતા પણ અનુવાદ-ગ્રંથમાં થવી જોઈએ. વળી, આવા ગ્રંથની સમીક્ષા પણ અધિકારી વ્યક્તિ દ્વારા થવી જોઈએ. આમ પરામર્શક, અનુવાદક, આ ત્રણેય અધિકારી હોવા જોઈએ. આ કિસ્સામાં સમીક્ષક પૂરેપૂરા અધિકારી છે. આ સમીક્ષામાં બે સ્તરે કામ થયું છે – એક તો મૂળ ગ્રંથની સમીક્ષા પણ થઈ છે અને બીજા સ્તરે અનુવાદની ‘સમીક્ષા’, ભલે આકરી લાગે પણ એ તટસ્થતાથી થઈ છે – કશું જ મભમ મભમ કહેવામાં આવ્યું નથી. સ્પષ્ટવક્તા બનીને કહેવાથી આપણા સાહિત્યિક વાતાવરણની આબોહવા સુધરે છે અને મૂળ લેખકને પણ ભૂલોનો ખ્યાલ આવે છે. કોઈ પણ ભાષાના વિવેચનમાં કેટલીક પરિસ્થિતિઓ એકસમાન હોય છે. આપણે બીજાની આકરી સમીક્ષાઓ કરીએ પણ કોઈ આપણી ટીકા કરે તે આપણાથી વેઠાતી નથી. જોકે સમીક્ષાના પૂર્વાર્ધમાં શ્રી ગોપીંચદ નારંગની અસહિષ્ણુતા, કિન્નાખોરીનાં અનેક દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે (ગુજરાતી સાહિત્યકારો આટલી હદે જતા નથી એનો આનંદ છે). આટલી બધી વિગતવાર ચર્ચા કરવાનો હેતુ સ્પષ્ટ છે. અનુવાદકાર્ય હાથ ધરતાં પહેલાં ગ્રંથની ચકાસણી કરવી જોઈએ. સામાન્ય રીતે અનુવાદોની ઝાઝી સમીક્ષાઓ થતી નથી. અહીં વાચકોને પ્રતીતિ થાય એટલા માટે મૂળ હિંદી અને એના અનુવાદના કેટલાક નમૂના આપવામાં આવ્યા છે. (કિશનસિંહ ચાવડાએ બંગાળી / હિંદીમાંથી કરેલા અનુવાદની સમીક્ષા વાંચ્યા પછી પોતાની ભૂલોનો જાહેર એકરાર કર્યો હતો) અકાદેમીએ હવે પુનર્વિચાર કરવો જોઈએ – ઘણીબધી બાબતે. સાથે સાથે ગુજરાતી વાચકોએ, નવા સમીક્ષકોએ કશાયથી ચલિત થયા વિના સત્યશોધન માટે જ મથતા રહેવું જોઈએ. આપણી ભાષામાં હર્ષવદન ત્રિવેદી, હેમંત દવે જેવા વધુ ને વધુ સમીક્ષકો / વિચારકો પાકવા જોઈએ તો જ આપણી આવતી કાલ હિરણ્યમયી બનશે.

વડોદરા, ૩-૧૨-૧૨

– શિરીષ પંચાલ

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૨, પૃ. ૫૮]