‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘આપણા સાહિત્યિક સંમારંભોની ચાલચલગત’ : વિજય શાસ્ત્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

વિજય શાસ્ત્રી

[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૨૦૦૫, નાટ્યપર્વ અને આપણી નિસબત]

‘આપણા સાહિત્યિક સમારંભોની ચાલચલગત’

પ્રિય ડૉ. રમણભાઈ, ‘પ્રત્યક્ષ’નો જાન્યુ.-માર્ચ, ૨૦૦૫નો અંક મળ્યો. ‘પ્રત્યક્ષીય’માં તમે નાટ્યોત્સવ વિશે આપેલા હેવાલને છેડે કરેલી કેટલીક ટકોર ગમી. આપણા સમારંભોની હવે તો જાણીતી થઈ ચૂકેલી ચાલચલગત વિશે તમારો અણગમો યોગ્ય છે. વક્તાઓની સંખ્યા બાપ રે બાપ! હું તો નિમંત્રણપત્રિકામાં છપાયેલી વક્તાનામાવલિ જોઈને જ હેબતાઈ જાઉં છું. વળી ઉદ્‌ઘાટન સમારંભમાં સાવ ફોતરા જેવાં વક્તવ્યોથી કંટાળી ગયેલો શ્રોતા પછીની ખરેખરી બેઠકો દરમિયાન અધમૂવો થઈ જાય છે. હવે તો આભારવિધિમાંયે કેટલાક વક્તાઓ લટકામટકાં કરતા થઈ ગયા છે. સમય અને વક્તાનું કોઈ સમીકરણ જ હોતું નથી. મારા નમ્ર મતે પ્રત્યેક સેશનમાં વધુમાં વધુ બે વક્તા, પ્રમુખ સહિત હોવા જોઈએ. આયોજકોનાં વહાલાંઓને ભાડાંભથ્થાં રળાવી આપવાની ખોટી દાનતમાંથી નામોની સંખ્યા લોભે-લોભે વધતી જ જાય છે. ‘આપણા’ બધા જ માણસોને ‘બોલાવી લેવા! એ ભાવના! સારી છે પણ એક જ બસમાં બધા ચડી બેસે તેના કરતાં પાછલી બસમાં થોડાક આવે તો બધાને સારું રહે. આપણા સાહિત્યિક સમારંભો પોતાની આ જૂની અને જાણીતી ચાલચલગત નહિ બદલે તો સુજ્ઞ શ્રોતાઓ તો એને ટાળશે પણ સુજ્ઞ વક્તાઓ પણ ટાળતા થઈ જશે. જો કે આયોજકોને સુજ્ઞ વક્તાઓની કેટલી ગરજ હોય છે એ પ્રશ્નનો જવાબ અઘરો છે. એકના એક વક્તાઓ કર્મકાંડી ગોરમહારાજની ભૂમિકામાં લ-ગ-ભ-ગ બધે જ મોજૂદ હોવાના. તેમના ચવાઈ ગયેલા વિચારો ને અદાછટાઓથી નવા નિશાળિયાઓ અલબત્ત મુગ્ધ થશે પણ ફરી પેલા સુ-જ્ઞ શ્રોતાને તકલીફ શરૂ થશે.

સુરત [એપ્રિલ-જૂન, ૨૦૦૫, પૃ. ૪૧]