‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/માર્ટીન મેકવાનનાં વિધાનો વિશે
સુભાષ દવે, ડંકેશ ઓઝા, રજનીકુમાર પંડ્યા, મધુસૂદન વ્યાસ, કાન્તિ પટેલ
[સંદર્ભ : ઑક્ટો.-ડિસે., ૨૦૦૪, ‘સાચું કામ’ એટલે બાળવું કે સમજવું?]
માર્ટીન મેકવાનનાં વિધાનો વિશે
૫ ક
સુભાષ દવે
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષીય’ (વર્ષ-૧૩, અંક-૪, ઑક્ટો.-ડિસે. ૦૪, સળંગ અંક પર)માં વ્યક્ત થયેલી તમારી નિસ્બત સમયોચિત છે. ‘દલિતશક્તિ’ સામયિકના નવે. ૦૪ના અંકમાં શ્રી ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ અંગે શ્રી માર્ટિન મેકવાને કરેલાં વિધાનો વિદ્રોહી મિજાજનાં છે પણ આવો વિદ્રોહ મારી દૃષ્ટિએ તો ‘સૂઝ વિના અંધારું’ જેવો છે. શ્રી મેકવાનના લખાણમાં મૂળ વાર્તાઓમાં આલેખાયેલી પ્રસંગ-પરિસ્થિતિઓની કેવી અવગણના થયેલી છે, તે વિશે એક અભ્યાસીની સૂઝથી તમે ‘પ્રત્યક્ષીય’માં અજવાળું કર્યું છે. ‘પ્રત્યક્ષીય’ની પાદનોંધ પણ સંપાદકીય દૃષ્ટિને ઉજાગર કરનારી છે. સાહિત્યના ઇતિહાસકાર અને સંશોધકનો યુગપત્ ધર્મ તમે દાખવ્યો છે. એથી એક સાહિત્યપ્રેમી તરીકે તમારો આભાર માનું છું. શ્રી મેકવાનના વિદ્રોહી સૂરમાં માનવીય વેદના ઉદ્દીપન વિભાવ હશે જ, એવો વિશ્વાસ રાખીએ. વળી, પાઠ્યપુસ્તકોનાં સંપાદનોમાં સંપાદકો એમના લખાણો લોકશાહીને અભિપ્રેત માનવગરિમાને યોગ્ય પરિમાણોમાં અભિવ્યંજિત કરે છે કે નહિ, તે વિશે સજાગ રહે એવી અપેક્ષા પ્રગટ કરીએ. પરંતુ, શ્રી ગિજુભાઈની દલિતોને નિરૂપતી તમામ બાળવાર્તાઓને બાળી મૂકવાનો શ્રી માર્ટિનનો નારો તેમના આક્રોશની મુદ્રા નહિ, બાલિશતાને જ છતી કરે છે. એમ દુઃખ સાથે કહેવું પડે છે. તેમની આ બાલિશતા લોકશાહીના ધારકપોષક બળ સમા વિચાર-સ્વાતંત્રના મૂળભૂત હક્કોનો સ્વચ્છંદી ખપ નહિ પુરવાર નહીં થાય તો જ નવાઈ. જીવનવિકાસ એ જ સાંસ્કૃતિક માનવની નિસ્બત હોવી જોઈએ; વિદ્રોહી નારા એ સર્વતોભદ્ર મનુષ્યનો સ્વભાવ ન હોય, ન હોવો જોઈએ.
૬-૨-૨૦૦૫, વડોદરા
– સુભાષ દવે
[જાન્યુઆરી-માર્ચ ૨૦૦૫, પૃ. ૪૪]
૫ ખ
ડંકેશ ઓઝા
પ્રિય રમણભાઈ, ગત અંકના ‘પ્રત્યક્ષીય’ બદલ અભિનંદન. કર્મશીલ શ્રી માર્ટિને ગિજુભાઈની વાર્તાઓને ‘બાળી મૂકવા’ સુધીનો જે આક્રોશ પ્રગટ કર્યો છે તેની, આપે બરાબર તપાસ હાથ ધરી છે. યશવંત મહેતાએ તે સામયિકમાં સાચું જ કહ્યું છે કે આ બાળવાર્તાઓ મૂળે ગિજુભાઈની છે જ નહિ અને હતી જ નહિ! કાઠિયાવાડી લોકસમુદાયોમાં પરાપૂર્વથી કહેવાતી આવેલી એ કથાઓ હતી. સ્વયં ગિજુભાઈએ શરૂઆતમાં એમનાં પુસ્તકો માત્ર ‘બાળવાર્તાઓ’ નામથી છપાવેલાં. જો કે યશવંત મહેતા આધુનિક મૂલ્યોના સંદર્ભમાં વાર્તાઓના ‘નવલેખન’ના તરફદાર છે. આપે ગિજુભાઈની બાળવાર્તાઓથી પોષાયેલા કવિ શ્રીધરાણી, ચિત્રકાર સોમાલાલ શાહ અને સમાજશાસ્ત્રી સતીશ કાલેલકર જેવા કિશોરોના ઉલ્લેખ કરીને. તેમના પર માર્ટિન કથિત વિપરીત અસર ન પડી હોવાનો યોગ્ય સંદર્ભ આપ્યો છે. હવે આ ચર્ચાને ગુજરાતના પાક્ષિક વિચારપત્ર ‘નિરીક્ષકે’ પણ ઉપાડી લીધી છે અને તેમાં તાજેતરના (૧૬/૨) અંકમાં હવે કર્મશીલ અને પૂર્વ સનદી અધિકારી અનિલ શાહે ૭૦ વર્ષ પહેલાંના દક્ષિણામૂર્તિના બાળમંદિરિયાના સમયને યાદ કરીને લખ્યું છે કે આળા માણસોની લાગણીને સાચવવા જતાં ગિજુભાઈના બાળસાહિત્યમાં એક જમાનાનું બૃહદ્, રૂઢિગત સમાજને જીવંત કરવાનું જે ભાષાકર્મ છે તેને આંચ ન આવે તેની કાળજી લેવાવી જોઈએ.’ તેમણે બહુ સરસ મુદ્દો કરતાં લખ્યું છે કે ‘નૂતન માર્ટિન મેકવાનો ગિજુભાઈના સાહિત્યે ઝીલેલી રૂઢિગત સમાજની વિચિત્રતાઓને હોંશભેર માણી શકે એ માટે એનું જતન કરવું રહ્યું.’ રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગર્વનર ડૉ. આઈ. જી. પટેલે પણ નોંધેલું તેવું જ નિરીક્ષણ અનિલભાઈનું છે : ‘બ્રાહ્મણના ઘેર જમવા જવાનું થાય ત્યારે હું વાણિયો એટલે અલગ બેસાડે.’ પરંતુ આ મરજાદીપણાથી આપણે હવે ઘણા આગળ નીકળ્યા છીએ. વિકસવાનું જો કે હજુ બાકી છે. રેશનાલિસ્ટ અને મનોવિજ્ઞાની ડૉ. ભાનુભાઈ પરીખે ‘નિરીક્ષક’માં સાચું લખ્યું છે કે ‘દલિતોના નામે થતી ચળવળો, આંદોલનો, રાજકારણ દલિતો માટે તત્કાલીન લાભ અપાવતા હશે. પરંતુ મોટાભાગે આ પ્રવૃત્તિઓમાં આક્રમકતા તેમ જ આક્રોશ વધારે હોય છે, પરિણામે તે બૃહદ સમાજ સાથે દલિતોને સાંકળવાને બદલે સમાજમાં ભેદભાવ અને વર્ગઅંતર વધારવાનું કામ કરે છે.’ રા. વિ. પાઠકની વાર્તા ‘ખેમી’ પાઠ્યક્રમમાંથી કાઢી નાખવા અને વિશ્વનાથ મ. ભટ્ટનો પાઠ ‘નર્મદનો જમાનો’ અભ્યાસક્રમમાંથી દૂર કરવા સમાજના રુઢિચુસ્તોએ જે હલચલ કરેલી તે પણ અયોગ્ય હતી અને આજ માર્ટિનની વાત પણ એટલી જ અયોગ્ય છે. સામાજિક ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે આપણા પૂર્વજોએ કરેલી ભૂલો આપણે ન કરીએ તેની સાથે સંપાદકીય ચેડાંની કોઈ આવશ્યક્તા નથી. હા, વાર્તાના સમયસંદર્ભને સ્પષ્ટ કરતી જરૂરી નોંધ ચોક્કસ મૂકી શકાય અને મૂકવી જ જોઈએ. ભૂતકાળને યથાસ્થાને રહેવા દઈને વર્તમાનને જ વધારે ચોખ્ખો, વધારે સ્પષ્ટ રાખવા મથવું એ બહેતર નથી? એવો પ્રશ્ન આપે અંતભાગે યોગ્ય રીતે કર્યો જ છે. આપે એ જ વાર્તાઓમાંના બાળશિક્ષણસંકેત, શિક્ષકવલણ અને ભેદ-વિનષ્ટિ સંકેત સરસ રીતે મૂકી આપ્યા છે ત્યારે આ હોબાળો એ ‘ચાના કપમાંનું તોફાન’ બનીને શમી જશે એવું ઇચ્છું.
૨૧-૨-૨૦૦૫, ગાંધીનગર
– ડંકેશ ઓઝા
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૫ પૃ. ૪૪-૪૫]
૫ ગ
રજનીકુમાર પંડ્યા
પ્રિય રમણભાઈ, શ્રી માર્ટીન મેકવાને ‘દલિતશક્તિ’માં આલેખ કર્યો એ પહેલાં શ્રી ઉર્વીશ કોઠારીએ ‘ગુજરાત સમાચાર’માં તીખી કલમે લખ્યું હતું તે વાંચેલું ત્યારે અનેકોએ એમને આપેલા અભિનંદનોથી વિપરિત એમની સમક્ષ મારો વિરોધી, બલકે નારાજગીભર્યો સૂર વ્યક્ત કરેલો. (હું અન્યથા એમનો પ્રશંસક મિત્ર હોવા છતાં.) હવે તમે ‘પ્રત્યક્ષ’માં મારા મતને વધુ શાસ્ત્રીય રીતે છણતો હોય એવો તંત્રીલેખ લખ્યો છે, એનો આનંદ છે. દલિત ચળવળના કાર્યકરોના વધુ પડતા આળાપણાનો મને હમણાં જે અનુભવ થયો તેના વિશે અલગથી મેં લેખ લખ્યો છે. (ને પ્રગટ કર્યો છે) તેથી એની વાત અહીં દોહરાવતો નથી. ભાઈશ્રી માર્ટિન બહુ ઊંચા કૌવતવાળા કર્મનિષ્ઠ દલિત ચળવળના અગ્રણી છે. હા, અગ્રણી ‘કાર્યકર’ શબ્દ વાપરતો નથી કેમ કે કાર્યકર કરતાં અગ્રણીની જવાબદારી અનેકગણી વધી જાય છે. એણે કોઈ નિષ્કર્ષ પર આવ્યા પછી પણ એની ફેરચકાસણી કરવી જોઈએ ને બીજા ક્ષેત્રોના વિચક્ષણો સાથે વિચારવિમર્શ કરવો જોઈએ ને પછી એને જાહેરમાં મૂકવા કે નહીં તે નક્કી કરવું જોઈએ... સૌથી પહેલી વાત એ છે કે આ આખા પ્રશ્નની અનેક બાજુઓ છે પણ માર્ટિનભાઈએ પહેલો સીધો જ ઘા ગિજુભાઈ ઉપર કર્યો. તેમને ‘મૂછાળી મા’ના લોકદીધા આસન પરથી ચ્યુત કરીને ‘મૂછાળો બ્રાહ્મણ’ તરીકે ઓળખાવવાનું દાંતભીંસણું બતાવ્યું છે. માર્ટીનભાઈની આ દાઝ પુસ્તકો બાળી મૂકવા સુધી આવી પહોંચી છે. અત્યારના સંદર્ભમાં પુસ્તકો ફરી છાપવા જેવાં ન લાગે તો પણ આપણા આ શીર્ષસ્થ બાળસાહિત્યકારનાં સર્જનો તરીકે એનું આર્કાઈવલ મૂલ્ય છે. માર્ટિનભાઈ માફ કરે, પણ આ હોળી કરવાની.. વગેરે ચેષ્ટાઓ બહુ પ્રાકૃત કક્ષાની ગણાય. ટોળામાં એ ઉન્માદ પ્રેરે છે. જ્યોતિબા ફૂલે કે એવા અન્ય પ્રાંતોના સન્માન્ય સમાજસુધારકો સાથે બાળસાહિત્યના એક પાયોનિયર સર્જકની સરખામણીની કોઈ સમાન ભૂમિકા છે જ ક્યાં? ગિજુભાઈએ ૮૫ વર્ષ પહેલાં જે લખ્યું તેનો ઉદ્દેશ તેમના સંપાદકીયમાં એમણે સ્પષ્ટ કર્યો જ છે તે ઉદ્દેશ કેટલી હદે સિદ્ધ થયો છે, યા ક્યાં ક્યાં તે ચીલો ચાતરી ગયા છે તે આખો એક અલગ, સાહિત્યક્ષેત્રના પરિસંવાદનો, મુદ્દો છે. હું જો કે એમ સમજું છું કે આજે બાળસાહિત્ય વિકસ્યું છે ને વિજ્ઞાનયુગમાં જે બાળસાહિત્યની પ્રસ્તુતતા છે એમાં ગિજુભાઈનું કામ (પાયાનું હોવા છતાં) આજે ચિરંતન લાગે એમ નથી. એટલે એના પુનર્મુદ્રણની અનિવાર્યતા, બાળસાહિત્યની રીત, કેટલી એ પ્રશ્ન થાય એટલે એને કદાચ કોરાણે મુકાય પણ એમાં કાંડી મૂકવાની વાત તો ગલત છે.*
૪-૨-૨૦૦૫, અમદાવાદ
– રજનીકુમાર પંડ્યા
- શ્રી રજનીકુમાર પંડ્યાનો લાંબો પત્ર અહીં એમની સંમતિથી ટુંકાવીને મૂક્યો છે. – સંપાદક.
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૫ પૃ. ૪૫]
૫ ઘ
મધુસૂદન વ્યાસ
પૂ. રમણભાઈ ગિજુભાઈની બાળવાર્તાઓ અંગેના એક લેખના સંદર્ભે તમારો સ્પષ્ટ-નિર્ભિક-અભિપ્રાય તમે ‘પ્રત્યક્ષીય’માં વ્યક્ત કર્યો એ તમારી શાળેય શિક્ષણ સાથેની નિસબતને સૂચવે છે. એમાં હું સૂર પુરાવું છું. એક નિષ્ઠાવાન હરિજન (વણકર) પ્રાથમિક શિક્ષકનો અભિપ્રાય એવો છે કે આજના સંદર્ભમાં હવે એ વાર્તાઓની શૈલી વિશેના પ્રશ્નો શિક્ષકોની પોતાની અણઆવડતને લીધે ઊભા થાય છે તેથી કેટલાક લોકો વિતંડાવાદી વલણ અપનાવે છે.
૨૧-૨-૨૦૦૫, મોડાસા
– મધુસૂદન વ્યાસ
૫ ચ
કાન્તિ પટેલ
પ્રિય રમણભાઈ. પ્રત્યક્ષીયમાં તમે વિચારણીય મુદ્દાઓ રજૂ કર્યા છે. માર્ટિનભાઈના વિચાર-વલણને સમભાવથી સમજવાની સાથે એમાંથી ઊઠતા પ્રશ્નોની પણ તમે ઉચિત સમીક્ષા કરી છે. વાર્તાઓના અમુક ભાષાપ્રયોગો આજે ‘આઉટડેટેડ’ લાગે પણ ખરા. કેટલીક વાતો વિચારણીય પણ લાગે. અલબત્ત આપણો પ્રયત્ન એ બાબતોનો ઉચિત સંદર્ભ સાથે જાણવાનો તથા તેને સમભાવૂપર્વક તપાસવાનો હોવો જોઈએ. ખાસ કરીને કથાકૃતિઓમાં પાત્રો-પ્રસંગો-વાતાવરણનું વિશેષ મહત્ત્વ હોય છે. એમાંથી ઊપસતો ધ્વનિ એ વાર્તાનું ઉચિત અને અંતિમ લક્ષ્ય હોય છે. સરવાળે સમગ્ર કૃતિનો ધ્વનિ જાણવાનો રહે છે. કોઈ ઉદ્ગાર, ભાષાપ્રયોગ કે વાક્યને સંદર્ભબહાર ટાંકીને તેના વિશે ઉતાવળિયાં તારણો બાંધવાં નહીં જોઈએ. ગિજુભાઈની બાળવાર્તાઓ કલ્પનાશક્તિની કેળવણી બનવાની સાથે નૈતિક મૂલ્યબોધ પણ કરે છે. વાર્તા કહેનાર, સાંભળનારના આસપાસના પરિવેશને આધાર બનાવીને તેમાં કથાઘટકો તૈયાર કરાયા છે. આ વાર્તાઓ વિશેષતઃ વાર્તાકથનના ઉદ્દેશ્યથી રચાયેલી છે. બોલચાલની ભાષાનો સર્જનાત્મક વિનિયોગ તેમાં જોઈ શકાય છે. શિક્ષકો, ઘરના વડીલો તથા રસિક કથાકારો આ વાર્તાઓને પોતાની રીતે બાળશ્રોતાઓને કહે એ એના રચનારને ઉદ્દીષ્ટ છે. તેથી પણ લખાયેલા શબ્દોને ચુસ્તપણે વળગી રહેવાનું ઇચ્છનીય નથી. વાર્તા કહેનાર પ્રસંગ-પરિસ્થિતિ-પરિવેશ અનુસાર ઉચિત ફેરફાર સાથે વાર્તા કહેવા સ્વતંત્ર છે. જે શબ્દો કે વાક્યપ્રયોગો વાંધાજનક લાગતા હોય તો રસતતત્ત્વને પોષક બને એ રીતે બદલી શકે છે. પાઠ્યપુસ્તક માટે કૃતિ લેવાની હોય તો સંપાદક પોતાનો વિવેક વાપરીને એ વાર્તા ઓડિટ જરૂર કરી શકે, તમારી એતો વાતો સાથે હું સંમત છું. વાંધાજનક ઉદ્ગારો શોધવા જઈએ તો ‘સરસ્વતીચંદ્ર’ જેવી પ્રશિષ્ટ કૃતિઓમાંથી પણ પુષ્કળ મળી આવે. કોઈપણ કૃતિ પોતાના કાળની નીપજ હોય છે. તેના સમયની ચેતના તેમાં પડઘાતી હોય છે. વળી આજે પ્રગતિશીલ લાગતો વિચાર પણ આવતી કાલે જૂનવાણી લાગે તેવું બની શકે. કથાકૃતિઓમાં પાત્રોનાં પહેરવેશ, વ્યવહાર તથા ઉદ્ગાર ‘તત્કાલીન’ જ હોવાના. છતાં સરવાળે વાર્તામાંથી ઊઠતો ધ્વનિ સર્વકાલીન હોઈ શકે. કૃતિના વાચ્યાર્થની સાથે તેના ધ્વન્યાર્થને સાંભળવા-સમજવા આપણે કાન સરવા રાખીએ તો કૃતિ તથા કર્તાને અન્યાય કરવાની પરિસ્થિતિમાંથી આપણે ઉગરી જઈએ.
૧૫-૩-૨૦૦૫, કાંદિવલી, મુંબઈ
– કાન્તિ પટેલ
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૫, પૃ. ૪૬]