‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘આવતા જન્મે તમ વિદ્યાર્થી થાઉ’ : અરુણા જાડેજા
અરુણા જાડેજા
‘આવતા જન્મે તમ વિદ્યાર્થી થાઉં’
આદરણીય સોનીસાહેબ, હા, જાણું છું કે આપને ‘સાહેબ’ કહું તે ગમતું નથી. (એ તો અમારી દરબારી ટેવ.) પણ આજે તો સાહેબેય કહેવું પડે અને સલામેય મારવી પડે એવો સમો. આમ તો બેએક દિવસથી ‘પ્રત્યક્ષ’ આવી ગયેલું પણ એનું ‘પ્રત્યક્ષીય’ આજે હમણાં જ જોયું. (પહેલાં અમારા કચ્છવાળાના બે લેખ વાંચી ગઈ’તી.) ‘પ્રત્યક્ષીય’ વાંચી હું તો રીતસરની ગળગળી. અધ્યાપક ખડો બાઝારમેં.... સોનીસાહેબ, ‘ઘરેથી તેઓ’ કાયમ કહે : ‘પહેલાં પોલીસખાતામાં ‘છીએ’ એમ કહેતાં શરમ થતી, હવે ‘હતા’ એમ કહેતાં.’ આપનો આક્રોશ બેઠ્ઠો એવો જ. ’૬૬થી ’૭૦ દરમ્યાન હું કૉલેજમાં, સ્વામિનારાયણ (કૉલેજ)માં. ચિનુભાઈ મોદી, રોહિતભાઈ પંડ્યા, ઇલાબહેન નાયક અમારાં અધ્યાપકો. એમનો એકેય પિરિયડ ગુમાવવો અમને ગમે નહીં, અને પોસાય પણ નહીં. એમનેય એવું જ. અમને પોષનારાં ને પોંખનારાં એ બધાં. આજે ત્રીસ વર્ષ પછી પણ એ અધ્યાપકો પોતાના વિદ્યાર્થીનો વાંસો થાબડવા કેવા આતુર ને કેવા રાજી! ભણતી-ભણાવતી વખતે વર્ગમાં જવાબ માટે સૌથી વધુ આંગળીઓ ઊંચી થાય એ માટે બન્ને પક્ષની તત્પરતા. હું આજે પણ વિદ્યાર્થીઓને કહું, શિક્ષક તરીકે, કે ‘અમને નીચોવી કાઢો, છેલ્લા ટીપા સુધી.’ આ મારાવાળી બે વાત આપના આ લેખમાં પણ રૂબરૂ જોવા મળી. આથી કાગળ લખવા બેઠી. બાકી આપના જેવું અઘરું અઘરું લખવું મારું કામ નહીં. હા, પણ આવતા જન્મે તમ વિદ્યાર્થી થાઉં, એવું જરૂર ઇચ્છું.
અમદાવાદ, ૧૬-૧૧-૦
– અરુણા જાડેજાનાં વંદન
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૮, પૃ. ૫૧]