‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘બાકી, કોયડો અકબંધ રહે!’ : સુમન શાહ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩ ક
સુમન શાહ

[સંદર્ભ : ઑક્ટો.-ડિસે. ૨૦૦૧, ‘સાહિત્યિક અર્થનો કોયડો’ની સમીક્ષા, હેમન્ત દવે]

બાકી, કોયડો અકબંધ રહે!

‘પ્રત્યક્ષ’ના ઑક્ટો.-ડિસે. ૨૦૦૧ના અંકમાં મારા ‘સાહિત્યિક અર્થનો કોયડો’ પુસ્તકની હેમન્ત દવેએ કરેલી સમીક્ષા વિશે તમને આ પત્ર પ્રકાશિત કરવા લખું છું. શું સર્જનાત્મક કે શું વિવેચનવિષયક ગંભીર પ્રયાસો વ્યક્ત કરતાં પુસ્તકોની સમીક્ષા આપણે ત્યાં જવલ્લે જ થાય છે. થાય છે ત્યારે ગંભીર ભાવે નથી થતી. વળી ગંભીર ભાવે થાય છે એવું લાગે ત્યારે એ ‘સમીક્ષા’ નથી હોતી – ત્યારે કાં તો હકારાત્મક, સ્તુતિ હોય છે અથવા તો પછી નકારાત્મક, નિંદા. એ જોતાં, શ્રમ અને ખંતથી આટલું બધું લખવા બદલ સમીક્ષકને તથા દસ પાનાંની તે માટે જગ્યા ફાળવવા બદલ તમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું.

મારા પુસ્તકમાંથી સમીક્ષકે શોધી કાઢેલા વિરામચિહ્ન, સૂચિ, છપાઈ, લિપ્યંતરણ, પર્યાયરચના વગેરે વિશેના દોષોમાંના કેટલાક ખરેખરા દોષો છે ને તે હું ખેદપૂર્વક સ્વીકારું છું. આભાર સાથે સ્વીકારું છું. કેટલાક દોષ જો કે ચર્ચાસ્પદ છે, કેમ કે તત્સંલગ્ન લાંબો શાસ્ત્રાર્થ થયેલો છે. એમાં વધારો કરવાનો મને આ ક્ષણે કશો ઉપરકારક અભરખો નથી થતો. પણ એમણે દર્શાવેલા કેટલાક એવા છે જે ખરેખર દોષ નથી. જેમકે ‘aesthetic’નો ઉચ્ચાર ‘ઍસ્થેટિક જ છે. સમીક્ષક કહે છે તેમ ‘ઇસ્થેટિક’ નથી ‘e’નો ઉચ્ચાર કદાપિ ‘ઍ’ થતો નથી એવી ઘોષણા કરીને તેઓ વટ પાડી શક્યા છે. પણ ‘aesthetic’ શબ્દ ‘e’થી શરૂ નથી થતો. તે તો ‘દેખાય’ તેટલું સ્પષ્ટ નથી? કોશકારોએ આ શબ્દનું ‘esthetic’ એવું બીજું રૂપ માન્ય રાખ્યું છે તેથી લાગે છે કે સમીક્ષક દોરવાઈ ગયા હોય. માન્ય રાખ્યું છે ખરું, પણ દ્વૈતીયિક, ગૌણ સ્થાને – એ પણ નિર્ણાયક ગણાવું જોઈએ. વિદ્વાનો વડે ભોગવાતી ગુણીજનમાન્ય કોઈ પણ ડિક્શનેરી જોવાથી આ ઉપરાંત એ વાતનું ય સમર્થન મળી રહેશે કે ‘hegemony’નો ઉચ્ચાર ‘હેજીમની’ જ છે – અથવા ‘હેજીમનિ’ કે ‘હેજિમનિ’ જ છે. પરંતુ સમીક્ષક કહે છે તેમ ‘હિગેમનિ’ નથી. વગેરે. અંગ્રેજી શબ્દો પ્રત્યે મને મોહ છે કે માતૃભાષાની પ્રત્યાયનશક્તિ પરત્વે મને અવિશ્વાસ છે એવી સમીક્ષકે કલ્પના કરી જોઈ છે. હકીકતે બંને છે. અથવા બંને નથી. હું શુદ્ધ સંસ્કૃત કે ગુજરાતીની આસપાસ અંગ્રેજી શબ્દો મૂકતો હોઉં તે ખરેખર તો એક કામચલાઉ પ્રક્રિયા રચવાને – જે પ્રક્રિયા જતે દિવસે પ્રત્યાયનયોગ્ય પર્યાયો રચનારને મદદમાં આવી શકે. મારી એવી શારત્રદૃષ્ટિને લીધે જ્યાં પર્યાયો સૂઝ્યા છે ત્યાં મૂળ અને પર્યાય બંને આપ્યા છે. મારા પુસ્તકને ગુજરાતીમાં લખાયેલું કહેવાની ઉદારતા દાખવવાને સમીક્ષકે પોતાના સમર્થનમાં મારું બાયનરી ઑપોઝિશન્સ અંગેનું દૃષ્ટિબિંદુ પૂરું અવતરિત નહીં કરીને ચતુરાઈ વાપરી છે. એમની દર્શકતામાં રાચતી કાતરે દરેક ઑપોઝિશનના મેં રચેલા ગુજરાતી પર્યાયોને જ કાતરી લીધા! અન્યથા, ‘ઍક્ટ-ફેક્ટ’ કે ‘ટેન્શન’ જેવા શબ્દોને સ્વીકારી વાતનો મર્મ પામવામાં લાગલી જ મદદ મળી ગઈ હોત! શું મને પૂછવાનો અધિકાર ખરો કે સમીક્ષકે પોતાના એટલા અમસ્તા લખાણમાં ય ‘વિકર અવ બ્રેઇ’નો, ‘પ્રત્યુત’નો, ‘પરિતમ્‌’નો પર્યાય કેમ નથી રચ્યો? આ ત્રણેયને સમકાલીનોમાંનું કોણ સમજે છે વારુ? શું સંસ્કૃત કે શું અંગ્રેજી, અરે, ગુજરાતી પણ નિષ્ઠાથી વાંચનારા આજે નહીંવત્‌ છે ત્યાં પેલી બહુસંમતિ કે પેલો બહુવપરાશ ખોળવા ક્યાં જવું? સાર એ છે કે ભાષાશુદ્ધિ જાળવ્યા પછીયે, શાસ્ત્રપૂત વાનાંથી લખાણ મંડિત દીસે તે પછીયે, મામૂલી હોઈ શકે છે, ઉપરઉપરની ટાપટીપમાં ખરચાયેલું-વેડફાયેલું ક્ષુલ્લક હોઈ શકે છે. એ સંભવ સ્વીકાર્ય બનવો જોઈએ. એ સ્વીકારનાર સહેજે, કશી ઊંડી સમજની તમા રાખશે અને એમ ડહાપણ કેળવશે. અલબત્ત, આ વાત હું મારા દોષોને છાવરવા નથી જ કહેતો તે સુજ્ઞો જોઈ શકે છે. જગતની કોઈ પણ ભાષાની કોઈપણ લિપિ ઉચ્ચારણ = લિપિ એવા સમીકરણે નથી હોતી. ન હોઈ શકે. બંને વચ્ચે હંમેશાં એક ‘અંતર’ રહેવાનું, એક ‘ડિસ્ક્રિપન્સી’ આ ‘અંતર’ નામનું તત્ત્વ ભાષાની પ્રકૃતિમાં છે અને તેવી પ્રકૃતિ ભાષાનાં સર્વ સ્તરે પ્રસરેલી છે એ ‘અંતર’ અર્થના કોયડાનું એક મહત્તમ કારણ છે. જો કે આ વાત પર હું છેલ્લે આવું છું. અંગ્રેજીના ગુજરાતીમાં બોલાઈ-લખાઈને રૂઢ થયેલા ‘વૉઝ’ને બદલે સમીક્ષક ‘વઝ’ લખે. ‘ઑફ’ને ‘અવ’ લખે ‘વે’ને ‘વેઈ’ લખે તે સાચું ભાસતું હોય તો પણ, તે પણ, વાચકને ભુલાવામાં નાખી દઈ શકે છે.

પ્રચુર દોષદર્શન-પ્રદર્શનથી પહેલી નજરે, આમ, સમીક્ષા ઘણી શાસ્ત્રપૂત દીસે છે. ક્રમવાર મુદ્દાઓ-પેટા મુદ્દાઓનું ગાણિતિક ચોકસાઈવાળું વસ્તુવિભાજન, નોંધો અને સંદર્ભસૂચિને લીધે સમીક્ષક પણ પૂરા વસ્તુલક્ષીતાને, શાસ્ત્રબુદ્ધિ-શુદ્ધિને વરેલા કડક શિક્ષક જેવા અને કશું ચલાવી નહીં લેનારા લાગે છે – એટલે લગી કે જોડણીદોષ માટે મને જોડણીકોશનો નિયમ નંબર, નંબર ૬, ધરવા લગી...! આ બધું જોઈને-જાણીને સાચે જ મને લાભ થયો છે છતાં, મને ખોટું એ વાતનું લાગી રહ્યું છે કે આટલી બધી ઝીણી દૃષ્ટિના સમીક્ષકને મારા પુસ્તકના ગુણપક્ષે એક પણ શબ્દ, હા, એક પણ શબ્દ કહેવાનો જડ્યો નથી...! ને છતાં, લખાણને સ-મી-ક્ષા તરીકે ગણવા-ગણાવવાનું છે? સમીક્ષકનો એવો શાસ્ત્રબુદ્ધિશુદ્ધિથી ઓપતો ઝભ્ભો અવારનવાર સરી ગયો છે. એમની વસ્તુલક્ષીતા ગગડી ગઈ છે તે પણ ધ્યાનાર્હ બનવું ઘટે છેઃ પ્રારંભે સમીક્ષકે મારી ઓળખ માટે ‘પશ્ચિમી વિચારધારા પ્રમાણે થતા વિવેચનના અભ્યાસી’ એવું લેબલ લગાવ્યું છે. એમાં કેટલી ધૃષ્ટતા છે તે તો જણાય જ છે. છતાં માનું છું કે આ લેબલ મારી એમને થઈ શકેલી આંશિક ઓળખ અર્થે હશે – અન્યથા, એથી વાચકને ભ્રાન્તિમાં નાખવાનું થાય તે સ્પષ્ટ છે. મેં કુંજુન્ની રાજાના પુસ્તકની ઉપેક્ષા કેમ કરી તે તેઓ જણાવે છે તેમ તેમનાથી કળી શકાયું નથી. હકીકત એટલી જ છે કે એ મારે નહોતું જોવું! શું ‘પસંદગી અને ‘ઉપેક્ષા’ વચ્ચે તફાવત નથી? પણ તો પછી, મેં ‘કુંજુન્ની રાજાના પુસ્તકની પુસ્તકસૂચિના આરંભે આપેલા નિબંધમાંથી થોડી થોડી વિગતો ગાળી લીધી છે.’ એવું એઓ શેને આધારે અને શેને માટે કહે છે? મને ચોર સૂચવવા? કેમકે, એમણે ઉમેર્યું છે તે આ : ‘વિગતદોષોનું કર્તૃત્વ. અલબત્ત, એમનું!’ અરે ભઈ. સૂચિમાંથી હું ગાળણ કરી શકતો હોઉં, તો એટલા નાના સરખા કામમાં વિગતોને અકબંધ સાચવવા જેટલી બુદ્ધિ પણ સમીક્ષક મારામાં નથી જોતા શું? હું ચોર હોઉં, વળી અક્કલ વગરનો, એવી કલ્પના પછી, પોતે ચોરી કેવી તો પકડી પાડી – તેની તાનમાં ને તાનમાં તેઓ આ હદે ધપી ગયા છે. જુઓ, સાંભળો : ‘ઉપરોક્ત ગ્રંથમાંથી પાંચ પાનાં જેટલી સામગ્રીને એનો સીધો જ અનુવાદ કરીને, વ્યાખ્યાતાએ પોતાનાં વ્યાખ્યાનોમાં મૂકી દીધી છે, ને છતાં સંદર્ભસૂચિમાં આ જ પુસ્તકને તેઓ વિસરી ગયા છે!’ આટલો મોટો મને અપ્રામાણિક ઠેરવતો આક્ષેપ સ્વીકારવા હું લગીરેય તૈયાર નથી. બે કારણોથી : એક તો, માહિતી મેં કુંજુન્ની રાજામાંથી લીધી જ નથી અને બીજું, કે સમીક્ષક એમ ઠોકી બેસાડે તેથી તે પુરવાર નથી થતું. માહિતી જેવી માહિતી માટે કુંજુન્ની રાજા જેવા કોઈપણ નાના કે મોટા લેખકને સર્વજ્ઞ અને ઈજારદાર ગણવાની છોકરમતનો સમીક્ષક ભોગ નથી બન્યા? વસ્તુસ્થિતિ એમ છે કે ૧૯૯૦ કે ૧૯૯૧માં હૈદરાબાદની એક ‘ફન્કશનલ લિન્ગ્વિસ્ટિક્સ’ની ‘સમર સ્કૂલ’માં મેં સાંભળેલાં વ્યાખ્યાનોની મારી નોંધો પરથી એ માહિતી મેં લખેલી – ને તેમાં, સમીક્ષકે દર્શાવેલી ભૂલો છે તે હું માથે ચડાઉં છું. સમીક્ષકના મતે, મેં દેરિદાને છૂટથી ટાંક્યા છે. પણ, મારા મતે કહું કે વ્યાખ્યાનસીમામાં રહેવા, લાઘવથી ટાંક્યા છે. તો તેઓ શું કહેશે? મારાં વ્યાખ્યાનોના કેન્દ્રમાં દેરિદા છે, પણ અપ્રત્યક્ષપણે. હું એ અંગે બીજું તો શું કહેવાનો છું? વ્યાખ્યાનસીમા જ મને દેરિદાના ‘ટ્રેસ’ ‘ડિફરાન્સ’ ‘ટેકસ્ટ’ વગેરે વિભાવો સમજાવવાની છૂટ ન આપે ત્યાં એની સ્પષ્ટતાઓ ભરી વાર્તા માંડવાનું શી રીતે બને? સમજાય તેવું નથી? મને સમજાયું નથી કે દેરિદાથી સમીક્ષકને આટલી અકળામણ કેમ થાય છે. દેરિદા કશી શિબિરમાં ગયા હોય એ મેં જણાવ્યું ન હોય તે સ-કારણ હોય. સુવિદિત છે કે એ શિબિર એમની અને અમેરિકા-યુરોપની બદલાયેલી સાહિત્યવિષયક દૃષ્ટિમતિના સંદર્ભમાં પથનિર્ણાયક બન્યો તે એમના વડે એમાં અપાયેલ વ્યાખ્યાનથી. શું શાસ્ત્રબુદ્ધિ સાવ જ સંકુચિત હોઈ શકે કે તેમાં આવી કશી હળવી વાત પણ ન કરાય? ઠઠ્ઠો કરનાર એ જ સમીક્ષક પોતાની સમીક્ષાનાં જ્યારે પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ગણેશ દૈવજ્ઞ અક્ષપાદ હતા તે સૂચવતી દંતકથા ઠઠાડે છે. ત્યારે તેની શી ઉપકારકતાથી પ્રેરાઈને? અને તે પણ, ‘અક્ષપાદ’ શબ્દની સમજૂતી આપ્યા પછીથી, કયા શાસ્ત્રસંવર્ધને? મને ચોર કે અપ્રામાણિક સૂચવવાની સમીક્ષકની એક ઑર ચેષ્ટા પણ દર્શાવે છે કે એમનામાંનો શાસ્ત્રકાર ચળી ગયો છે. મારા ત્રીજા વ્યાખ્યાનમાં ‘મિ. જૉન અને તેમની છત્રી’નું ઉદાહરણ મેં પોતે મારી સર્જકતા ખરચીને રચ્યું છે એમ કહેતાં મને સંકોચ નથી થતો, પણ સમીક્ષકને કારણે, ફરજ પડે છે તે દુઃખદ છે તેઓ લખે છે : ‘જો કે એમણે આપેલા ઉદાહરણમાં ‘મગન’ અને ‘લીલી’ના સ્થાને ‘જૉન’-‘મૅગી’ જેવાં પાત્ર કેમ છે તે ન કળાય તેવું છે આમાં, કળવા બેસવું પડે એવી તે શી મુશ્કેલી પડી? સમીક્ષકની હઠની આ હદ છે. એમને ‘જૉન-‘મેગી’ વિદેશી નામો છે તેનો દુઃખાવો છે? બાકી, ઉદાહરણ સમજવામાં અને ઉદાહરણથી વ્યાખ્યાન સમજવામાં સમીક્ષકને રસ પડવો જોઈએ કે નહીં? પણ આ સ્થાનેથી પણ તેમણે મારા પર હુમલો કરવાની તક – એવી તકો મળ્યા કરેલી તેથી છકી જઈને – ઝડપી છે. જુઓ, સાંભળો એમને : (બને કે ઉદાહરણ એમણે ક્યાંકથી લીધું હોય. પણ સંદર્ભના અભાવે આપણે એ વિશે કલ્પના જ કરવાની રહે!)’ સમીક્ષક આ સ્થાને ખાસ્સા ચલિત અને મને ધરાસાત કરવાની યુયુત્સાને વરેલા દીસે છે. વાચકોની જાણ માટે ઉમેરું કે ૧૯૯૨માં હું યેલ યુનિવર્સિટી, અમેરિકામાં વિઝિટિન્ગ ફેલો તરીકે મારા આ જ વ્યાખ્યાનવિષયનો પ્રોજેક્ટ લઈને ગયેલો. અને ત્યારે પ્રોજેક્ટનો પ્રસ્તાવ અંગ્રેજીમાં હતો, અને એ પ્રસ્તાવ સાથેનાં કેટલાંક વ્યાખ્યાનો પણ અંગ્રેજીમાં હતાં. એ સામગ્રીમાંનો એક અંશ હતો. આ ઉદાહરણ, જેનું અંગ્રેજી શીર્ષક ‘મિ. જૉન ઍન્ડ હિઝ અમ્બ્રેલા’ હતું. એ વ્યાખ્યાનો મેં લંડન યુનિવર્સિટીમાં આપ્યાં ત્યારે પણ એ જ ઉદાહરણ હતું. એને અમદાવાદમાં પહેલીવાર સાંભળીને મારા સર્જકમિત્ર ચિનુ મોદીએ કહેલું, સરસ વાર્તા જેવું લાગે છે..! સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કે વ્યાકરણની ચર્ચાઓમાં, ‘દુષ્યંત’-‘શકુન્તલા’ કે ‘દેવદત્ત’ જેવાં નામો ઉદાહરણમાં પ્રયોજાય છે ત્યારે કોઈ એવું નથી કહેતું કે એમાં ‘મગન’ ‘મણિ’ કે ‘છગન’ કેમ નથી! જરૂરી ઉદાહરણ તો મને હસ્તામલક હોય છે ને એ માટે કશે ભિક્ષાપાત્ર લઈ ભમવું પડે એવો કંગાળ હું નથી.

દસ પાન ભરીને કરાયેલી આ સમીક્ષા આમ સંવાદની તક નથી રચતી તે ડાળાં-પાંદડાંમાં અટવાઈ છે, થડ-મૂળ લગી પહોંચી શકી નથી. સમીક્ષકે, મારે શું કરવું જોઈએ તે પ્રશ્ન પાછળ ખાસ્સી મહેનત કરી છે. પણ, મેં શું કર્યું છે તે જાણવાની તસ્દી નથી લીધી. મારું દરેક વ્યાખ્યાન એક એક આર્ગ્યુમેન્ટ છે અને બધાં વ્યાખ્યાનો ભાષા નામની માનવીય શોધ-સગવડને વિશેના એક સુગઠિત દર્શને પ્રગટાવેલા સંશયને વ્યંજિત કરે છે, એ દાર્શનિક પીઠિકાને સમીક્ષક સ્પર્શી શક્યા નથી. જ્યાં જ્યાં એમ કરવા ગયા છે ત્યાં ત્યાં બહુ પ્રાથમિક વરતાયા છે. જેમકે – એક સ્થાને તેઓ લખે છે : ‘કર્તા શું કહેવા માગે છે તે સમજવાનો પ્રયત્ન... એટલે જ અર્થઘટન.’ અર્થઘટન આટલું સીધું હોત, તો સાહિત્ય-સંસારમાં એને અંગેની આટલી પ્રચંડ ડિબેટ થોડી ઊભી થઈ હોત? બીજે કહે છે : ‘...છેવટે તો જે તે અર્થઘટન કૃતિને સમજવામાં જ ઉપકારક નીવડે છે.’ એવું થાય ત્યારે તે સાહિત્ય ‘સંસ્થાની’ રીતેભાતે, તેના નીતિ-નિયમે અને તેની દીક્ષા-શિક્ષાના વાયુમંડળ હેઠળ થાય છે તે ભૂલવું જોઈએ નહીં, એટલે તો, માર્ક્સવાદી, ફેમિનિસ્ટ, રેસિસ્ટ કે ડિકન્સ્ટ્રક્શનિસ્ટ વાંધા, આક્ષેપો કે આક્રમણોને ખાળી શકાતાં નથી. સંસારના સૌ માર્જિનલાઈઝ્‌ડ સૅકશનોને સાહિત્યિક અર્થઘટનોથી લાધતો કલારૂપી અર્થ ગળે નથી ઊતરતો તેનું કારણ પણ તેનું ‘સંસ્થા’ સ્વરૂપ છે. પોસ્ટમૉડર્નિઝમની એ દિશાની આક્રમકતાને નજરઅંદાજ નહીં કરાય. મેં બીજા વ્યાખ્યાનમાં અર્થઘટનોની સમીક્ષા આપીને સૂચવ્યું છે કે તેનો ઇતિહાસ હકાર-નકારથી, લાભાલાભથી, સિદ્ધિ-મર્યાદાથી ઘડાતો રહ્યો છે. તાત્પર્ય એ કે અર્થઘટનને સર્વાંગસ્પર્શી અને પૂર્ણ બનાવવાનું અશક્ય છે – એમ કરવા જતાં તે ભરચક અને ચક્રાકાર બની બેસવાનો ભય મોટો છે. સંરચનાવાદી અર્થઘટન કેવું હોય તે જાણવા રોલાં વાર્થ, તોદોરોવ પાસે જવું રહે, જોનાથન કલર જેવા ભાષ્યકાર પાસે નહીં. વળી, ‘સંરચનાવાદી અર્થઘટન’તે મેં મારેલું કશું ગપ્પું થોડું છે?

આ વ્યાખ્યાનોને વ્યાખ્યાનોરૂપે રજૂ કર્યાં છે, કશા સંશોધનગ્રંથ રૂપે નહીં – એટલે કે, ‘ડિસ્સેમિનેશન’ માટે. અને ત્યારે, મને આમ નિરાશ થવાનું શી રીતે પરવડે? સુજ્ઞોને એ અંગે હાર્દિક વિનંતી. સમીક્ષક કહે છે તે સાચું છે કે મેં સર્વત્ર પ્રથમ પુરુષ એકવચનમાં વાત કરી છે – કેમકે આ મારી વાત છે, આ મને થયેલો કોયડો છે. છતાં એક વચન સામે બીજું એક વચન પ્રગટે, તો સંવાદ શરૂ થાય – બાકી, કોયડો અકબંધ રહે!

અમદાવાદ; ૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૨
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૨, પૃ. ૩૯-૪૧]