‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘વિદ્યાર્થી-અધ્યાપક નિષ્ક્રિયતાની વ્યંગ્યાત્મક રજૂઆત’ : ઇલા નાયક
ઇલા નાયક
વિદ્યાર્થી અધ્યાપક – નિષ્ક્રિયતાની વ્યંગયાત્મક રજૂઆત
પ્રિય રમણભાઈ, પત્ર લખવાનું સરસ નિમિત્ત તમે આપ્યું. જુલાઈ-સપ્ટેમ્બર-૨૦૦૮ના ‘પ્રત્યક્ષ’નું પ્રત્યક્ષીય વાંચીને હું ટટાર થઈ ગઈ. મનમાં જે વાત ઘણા વખતથી ઘોળાયા કરતી હતી તે આવી સરસ રીતે મુકાયેલી જોઈ, વાંચી મઝા આવી ગઈ. ‘પ્રત્યક્ષ’ હાથમાં આવે એટલે સૌ પ્રથમ હું ‘પ્રત્યક્ષીય’ વાંચું, ત્યાર બાદ ચન્દ્રકાન્ત ટોપીવાળાનું ‘વરેણ્ય’ વાંચું અને ધીમે ધીમે ‘પ્રત્યક્ષ’ સમક્ષ થતી જાઉં. સાંપ્રત સાહિત્યિક ઉદાસીનતાના વાતાવરણ વચ્ચે ગ્રંથાવલોકનનું સામયિક ચલાવવાનું અઘરું કામ તમે એકનિષ્ઠાથી સુપેરે પાર પાડી રહ્યા છો તે માટે અભિનંદન! દૃષ્ટિપૂર્વકના સંપાદકીય લેખો હવે ક્યાં મળે છે! આ માટે મંજુબહેન ઝવેરીને ખાસ યાદ કરવાં પડે. જયેશ ભોગાયતા ‘તથાપિ’ના અંતે ‘સંવાદ’માં વિચારણીય લેખો લખે છે. ‘ખેવના’ના આરંભે સુમન શાહ પણ આવા મુદ્દાઓને સ્પર્શતા રહ્યા છે તે સહેજ. ‘પ્રત્યક્ષીય’માં સાહિત્ય અને શિક્ષણજગતના અવનવા વિચારપ્રેરક મુદ્દાઓ તમે છેડતા રહ્યા છો તેવી જ રીતે આ વખતે વિદ્યાર્થી-અધ્યાપકની જુગલબંદી યોજીને બન્ને પક્ષે ચાલતી નિષ્ક્રિયતાને વ્યંગ દ્વારા ધારદાર રીતે પ્રગટ કરી છે. તમારી ઝીણી નજરમાંથી એક પણ મુદ્દો છટક્યો નથી. “જો હું તમારો વિદ્યાર્થી હોઉં અધ્યાપકસાહેબ, તો તમને જંપવા ન દઉં’ કહીને વિદ્યાર્થીમુખે જ સાહિત્યનો અધ્યાપક વર્ગમાં શું કરે છે અને તેની પાસે શી અપેક્ષાઓ હોઈ શકે તેનો ખુલ્લો ચિતાર આપ્યો છે. સાહિત્યનો અધ્યાપક બેફિકર, લહેરી, આરામી, સર્વપ્રિય થવા માગતો માણસ છે. વિદ્યાર્થીઓ વર્ગમાં આવે, ન આવે તેની તેને પરવા નથી. વિદ્યાર્થી પ્રશ્નો પૂછે નહીં અને સાહેબ ભણાવે નહીં એટલે બન્ને સલામત. “અમે સારા, તમે સારા”ની આ રાજકારણીય નીતિ બન્નેને ફાવી ગઈ છે. રમણભાઈ, મારા એક શિક્ષકમિત્ર કહેતા, “ઇલાબહેન, વિદ્યાર્થીને પરીક્ષામાં માર્ક્સ વધુ આપવા એટલે તે કોઈ જ પ્રકારની ફરિયાદ નહીં કરે.” આ આખો ખેલ જે રીતે ચાલી રહ્યો છે તેનું તમને દુઃખ છે એ અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. અધ્યાપક માત્ર નોટ્સ ઉતરાવે અને તે પણ બાબા આદમના સમયની. આવા અધ્યાપક પાસે સંદર્ભ પુસ્તકોના વાચનથી તૈયાર થવાની અપેક્ષા કેમ રાખી શકાય? વર્ગમાં તે અસ્પષ્ટતાવાળું, વિવેચનના અઘરા-અટપટા શબ્દોવાળું વ્યાખ્યાન આપે. ‘સાંગોપાંગ કવિ’ ‘કલ્પનજન્ય પ્રતીકોનું વહન જેવા શબ્દો વિદ્યાર્થી ક્યાંથી સમજે! અને એને પણ ક્યાં સમજવું છે! એ ‘પ્રત્યક્ષીય’ના વિદ્યાર્થી જેવો જાગ્રત નથી. જાગ્રત હોય તો એણે પણ મહેનત કરવી પડે ને! વ્યાખ્યાનમાં અઘરા શબ્દો યોજી વિદ્યાર્થી પર વિદ્વત્તાની છાપ પાડવા માગતો આ અધ્યાપક કેવો ઘાસફૂસથી ભરેલો છે તે તમે અહીં પ્રત્યક્ષ કરાવ્યું છે. એણે કરેલાં સંશોધનોમાં એનો પોતાનો અવાજ કે દૃષ્ટિબિંદુને તો ક્યાં શોધવાં? આ બધી જ વાત તમે હળવી રીતે લખી છે પણ એ હળવાશ પછીતે રહેલો આકરો અને ગંભીર વ્યંગ તમારી નિસબત અને ચિંતાને જ વ્યક્ત કરે છે. તમને આખી પરિસ્થિતિ કોરી ખાય છે તે વાત અહીં શબ્દે શબ્દે પ્રગટી છે. આ માટે તમે ભાષાની ત્રિવિધ શક્તિઓને હથિયાર તરીકે ખપમાં લીધી છે. એમાં આવતા પ્રેમાનંદ, મકરંદ દવે, અખો, બળવંતરાય ઠાકોર કે ઉમાશંકર જોશીના આડકતરા સંદર્ભો સંપાદક તરીકેની તમારી સજ્જતા દાખવે છે. ‘વિદ્યાનિઃસ્પૃહા’ સમાસમાં રહેલો કટાક્ષ, ‘નથી નડવાના, નથી કનડવાના’માંની વિડંબના આદિ આસ્વાદ્ય જ નથી પણ વિચારપ્રેરક પણ છે. ગંભીર વિચારને તર્કબદ્ધતાથી હળવી શૈલીએ રજૂ કરવામાં તમે સફળ રહ્યા છો. ગ્રંથનિમજ્જન, વ્યવધાન, રોમહર્ષ પ્રકાશ થાઓ, છિન્નસંશય જેવા કેટલાય શબ્દોના વિશિષ્ટ પ્રયોગો ‘પહેલા રમણભાઈ’નું સ્મરણ કરાવે છે. આ સાથે તમે બચાડા, કોરો ને કોરો, લોચો, દોદળો આદિ વ્યવહારશબ્દો દ્વારા પણ વિચારને સોંસરો અને અસંદિગ્ધ રીતે મૂકી આપ્યો છે. વિચારપ્રવાહને હળવે રૂપે વહેવડાવી સારા ચાબખા વીંઝ્યા છે અને વસ્તુસ્થિતિને તાદૃશ કરી આપી છે. આમ તમે વ્યંગરીતિએ પરિસ્થિતિની સમીક્ષા કે પરીક્ષા કરી છે. પણ, મને એક પ્રશ્ન થાય છે કે જેમના માટે આ લેખ લખાયો છે તેમાંના કેટલાને ‘પ્રત્યક્ષ’ સામયિકની જાણ હશે?... પણ તમારા જેવો જાગ્રત સંપાદક-વિવેચક ડાંડિયાકાર્ય કર્યા વિના કેમ રહી શકે? કુશળ હશો.
લિ. ઇલા નાયક
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૮, પૃ. ૫૧-૫૨]