‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘કૂવાઓ ખાલી છે પછી હવાડામાં શું આવે?’ : શરીફા વીજળીવાળા
શરીફા વીજળીવાળા
‘કૂવાઓ ખાલી છે પછી હવાડામાં શું આવે?’
પ્રિય ગુરુ, તમારું આ વખતનું ‘પ્રત્યક્ષીય’ અદ્ભુત. તમારી શૈલી પર આફરીન જે વિદ્યાર્થીના મોંમાં તમે આ પ્રશ્નો મૂક્યા છે એવા વિદ્યાર્થીઓ હજી આજે પણ છે જ, પણ પ્રશ્નો અધ્યાપકોના પક્ષે વધુ ગંભીર છે. અપવાદને બાદ કરતાં મોટા ભાગના અધ્યાપકો ગાંધીયુગથી આગળ ઇતિહાસ ભણાવતા જ નથી. વળી આટલું ભણાવવા માટે એમને ધીરુભાઈ ઠાકરના કે એવા કોઈ ગ્રંથની જરૂર નથી પડતી એમને એમની પીળી નોટ જ કાફી લાગે છે. ૨૦-૨૫ વર્ષ પહેલાં એમણે જે લખ્યું હતું એ જ અત્યારે તેઓ લખાવે છે. તમે જાણો છો ગુરુ કે અમારી દશે લોકો મધ્યકાળ અને અર્વાચીન કાળ એમ બેઉ ઇતિહાસનાં પેપર કેમ ભણાવે છે? કારણ કે આ બે પેપર ભણાવનારને પછી આજીવન બીજું કશું વાંચવું નથી પડતું! કૃતિઓ કે સર્જક ભણાવે તો બે વર્ષે બદલાઈ જાય અને તે વાંચવું પડે. મેં લગભગ ૮૦થી ૯૦% અધ્યાપકોને ‘પ્રત્યક્ષ’, ‘શબ્દસૃષ્ટિ’ કે ‘પરબ’ તો ઠીક પણ ‘નવનીત સમર્પણ’ કે ‘અખંડાનંદ’ સુધ્ધાં વાંચતા નથી જોયા. ને છતાં બધા હિંમતભેર ગુજરાતી ભણાવે છે!! પ્રશ્નો પૂછનાર વિદ્યાર્થીના હાલહવાલ કરવા અધ્યાપકોની સંખ્યા જરાય નાની નથી. આમાં બાકી વિદ્યાર્થી શું કરે? મરે? દોઢસોના વર્ગમાં પાંચ-સાત વિદ્યાર્થી બેસે તોય આ ‘ગુરુ’ઓના પેટનું પાણી હાલતું નથી. ને સરકાર તો સમદૃષ્ટિ ને સર્વસમાનના ધોરણે સૌને સરખો જ પગાર આપે છે ને? એમ. ફિલ., પીએચ.ડી.નું ડિંડવાણું તો ગુરુ, ભારે છે. અદ્દલ સાટાપેટા રિવાજ જેવું. તું મારાને ડિગ્રી અપાવ, હું તારાને અપાવીશ. ગુરુ તમે જરા આ અધ્યાપકોના હાથ નીચે થયેલા એમ.ફિલ. / પીએચ.ડી.ની સંખ્યા તો ગણી જુઓ. મેં હમણાં પાંચ-સાતની ગણી તે બેભાન થતાં થતાં રહી ગઈ. ૩૫-૬૦ ને ૪૦ સુધી આંકડા પહોંચાડનારા વીરો છે આપણે ત્યાં. વિદ્યાર્થી જેટલું જ માર્ગદર્શકે પણ વાંચવું પડે એવો મને તો અનુભવ છે. આખી જિંદગીમાં એક અધ્યાપક પાંચ કે સાત ટકોરાબંધ વિદ્યાર્થી આપી શકે પણ અહીં તો સંખ્યા ૩૫-૪૦ પર જઈ પહોંચી છે. આ વસ્તીવધારાની વિત્તમાં વધારો થતો હોય તો તે સમજ્યા, પણ એ તો તળિયે જઈ બેઠું છે. ગુરુ, મને આ વાંચીને હું ભણતી એ દિવસો યાદ આવી ગયા. વર્ગમાં અને વર્ગની બહાર મને કેટલું ભણાવી તમે બધાએ? તમે, નીતિનભાઈ, શિરીષભાઈ, સિતાંશુભાઈ, સુભાષભાઈ અને હર્ષદ ત્રિવેદીને તે કેવી રીતે ભુલાય? જેટલા વર્ગો ભરી શકી એ તો સ્વર્ગની અદકેરા લાગેલા. આપણે અભ્યાસક્રમની કેટલી ઓછી વાતો કરતાં? એ તો આમેય પરીક્ષા નિમિત્તે તૈયાર થાય જ. પણ તમે બધા બાકીનું જગત કેવું ખોલી આપતા? કેબિનમાં કે કમાટીબાગમાં બેસીને શિરીષભાઈએ ગ્રીક ટ્રેજેડીની દિવસો સુધી કેવી માંડીને વાત કરી હતી! તે તમે અમને બધાને કૉલેજ પૂરી થયા પછી કેવી સરસ રીતે છંદો શિખવાડતા? નીતિનભાઈ રોજેરોજ થેલી ભરીને ઠાલવ્યા જ કરે પુસ્તકો... તાકાત હોય એટલાં વાંચ્યે જાઓ.... સારા-નબળાનો ભેદ શીખવાડ્યો, લખતાં-મઠારતાં પણ શીખવાડ્યું. માત્ર ગુજરાતી નહીં, ભારતીય અને વિશ્વસાહિત્યના દરવાજા અમારા માટે ખોલી નાખેલા તે અમે વિસ્મયના માર્યા એ બધું ઊંડળમાં લેવા મથતા હતા ત્યારે તમે બધા દૂર રહીને અમારું ધ્યાન તો રાખતા જ હતા. મને બરાબર યાદ છે પીએચ.ડી. વખતે શિરીષભાઈને એકાદ સંદર્ભ પૂછતી તો બે-ત્રણ થોથાં લાવીને મૂકી દેતા. ‘વાંચો અને જાતે શોધો.’ ‘The sound the fury’ નવલકથા ત્રણ વાંચને પણ ન સમજાઈ તોય સીધી મદદ નહીં જ... ‘હજી વધુ એક વાર વાંચો. ઊઘડશે જ.” હું તો દૃઢપણે માનું છું ગુરુ કે વિદ્યાર્થીની રુચિના ઘડતરમાં એને પ્રથમ વર્ષમાં ભણાવનાર શિક્ષકોનો ફાળો બહુ મોટો છે. એને સાહિત્યમાં રસ લેતો કરવો કે બગીચાની દિશામાં વાળવો એ અધ્યાપકે નક્કી કરવાનું છે. તમે બધાએ અમને એવી રીતે વાંચતા કર્યા, રસલેતા કર્યા, પ્રશ્નો પૂછી ઉકેલ શોધતા કર્યા કે આજે હું, રાજેશ, કિશોર, સમીર કે મીનળબહેન એ બધું અમારા વિદ્યાર્થી સુધી પહોંચાડવાની મથામણ કરી શકીએ છીએ. અધ્યાપકોએ જ રુચિનું, મૂલ્યોનું, પેઢીનું આ બધાનું ઘડતર કરવાનું છે. પણ ગુરુ અત્યારે તો હાલત દયાજનક છે. અને છતાંય હું માનું છું કે વાંક વિદ્યાર્થીનો ઓછો, ભણાવનારનો વધુ છે. કૂવાઓ ખાલી છે પછી હવાડામાં શું આવે? ને ચિંતા તો એ વાતની છે કે આ બધા નહીં વાંચનારા, નહીં ભણાવનારા પણ વ્યવહારમાં એટલા તો ચતુર છે કે એમનું એમ.ફિલ., પીએચ.ડી.વાળું તરકટ તો પૂરજોશમાં આજેય ચાલે જ છે. વિદ્યાર્થી અતિશય નબળો થઈ ગયો છે તોય એને પદવી અપાવનારા બહુ બધા છે. પણ ગુરુ આ આપણું અરણ્યરુદન છે. સાંભળવા નવરું કોણ છે? જરાક એકડો તો માંડજો, કેટલા ગુજરાતીના અધ્યાપકો ‘પ્રત્યક્ષ’ વાંચે છે? પછી એમને શી ચિંતા? પણ ગુરુ, અમે તો તમારા બધાના આભારી છીએ કે તમે અમને ટકોરાબંધ ઘડ્યા, કોઈ કચાશ ન છોડી ને જાતે રસ્તો કરી શકીએ એવી દૃષ્ટિ આપી. – શરીફાનાં વંદન [બધા મિત્રો આ રીતે પ્રતિભાવિત થયા એ એમની વિદ્યા-પ્રીતિ જ આખરે તો બતાવે છે. જોકે જેટલું ઝીણવટથી, રસથી અધ્યાપક ‘એક’ ઉપર સૌનું ધ્યાન ગયું એવું અધ્યાપક ‘અનન્ય’ ઉપર પણ ગયું હોત. ...‘અનન્ય’ ગમે ત્યારે, ક્યાંથી પણ આવી પહોંચવાનો છે – ભીડ વીંધીને. - સંપાદક
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૮, પૃ. ૫૨-૫૩]