અથવા અને/એક ઘરગથ્થુ દૃશ્ય

Revision as of 01:10, 29 June 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક ઘરગથ્થુ દૃશ્ય| ગુલામમોહમ્મદ શેખ}} <br> <br> <poem> ઘેર આવીને પહેલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક ઘરગથ્થુ દૃશ્ય

ગુલામમોહમ્મદ શેખ



ઘેર આવીને પહેલું કામ
મેં ખમીસ ઉતારવાનું કર્યું.
આખો દિવસ એણે મારા ધડની ગંદી નકલ કરેલી
એવો ખ્યાલ આવતાં ફેંક્યું ચીડમાં.
એ ખૂણામાં ટૂંટિયું વાળીને પડ્યું,
એની સળમાં
મારું નાક,
મારું કપાળ,
મારી આંખ નીચેના ખાડા,
મારા મરડાયેલા હોઠ
અને મારા વાળ પણ
જરાતરા દેખાયા.
મેં ગભરાઈને ગરદન પર હાથ મૂક્યો
ગરદન શોધી લઉં તે પહેલાં તો
મારા હાથ આંખની જેમ ઊઘડીને
ટગરટગર જોવા લાગ્યા,
આંગળીઓ હોઠની જેમ મરડાઈ
સિસ્કાર કરી ઊઠી.

૧૯૬૧
અથવા