અથવા અને/જેસલમેર

Revision as of 22:13, 2 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જેસલમેર | ગુલામમોહમ્મદ શેખ}} <poem> ૧ મરુથલે મોતીમઢ્યું આ નગર,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જેસલમેર

ગુલામમોહમ્મદ શેખ



મરુથલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોનાં તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડ્હેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતાં ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

જાન્યુઆરી, ૧૯૬૩




કઠણ પથરા કાપી ચણી ઢાલ જેવી ધીંગી ભીંતો,
ઊંટની ડોક જેવા ઘડ્યા ઝરૂખા,
આંગણાં લીંપ્યાં પૂર્વજોના લોહીથી.
વારસામાં મળેલ
સૂરજનો સોનેરી કટકો વાટી
ઘૂંટ્યો કેસરિયો રંગ,
પટારેથી ફંફોસ્યું કસુંબીનું પાત્ર,
પછી સંભારણાં ગટગટાવતા
વૃદ્ધ પડછાયા ઢળી પડ્યા.

માર્ચ, ૧૯૬૩




કોટના કાંગરામાંથી માથું કાઢી નગરી નીચે જોતી’તી.
નમણાં દેખાય બે બાજુનાં ઘર
અને એથીય નમણી અર્ધીપર્ધી હવેલીઓ વચ્ચેની ગલી.
જાજરમાન નગરી નીચે તાકી રહી હતી.
ત્યારે
ઉત્તરેથી ડમરીના ડંકા સાથે ચડી આવ્યાં ઊંટ
ભૂખરાં, કથ્થાઈ, તેજીલાં ઊંટ
વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં
અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં.
અવાચક, નગ્ન
નગરી
બે ઘડી હેબતાઈ, ઊભી
પછી નફ્ફટ થઈને ડમરીની પૂંઠે ચાલી નીકળી.

માર્ચ, ૧૯૬૩




તપ્યો તપ્યો સૂરજ બારે મુખે
અને ઢળ્યો તો ઠારી ગયો બારેય લોકને.
રેતી સૂઈ રહી અનાથ
વાદળાં નાસી ગયાં લાગ જોઈ
નપુંસક તારા હસી રહ્યા
ત્યારે
રણને છેડે બેઠેલાં બધાં ઘર
મરેલાં ઊંટોને કાંધે નાખી ચાલી નીકળ્યાં.
પોઠો પડી વેરાઈ રેતીમાં,
પાઘડાં અસવારોનાં
ચિરાઈ
ઊડ્યાં, ખવાયેલ પક્ષીનાં પીંછાં જેવાં
અને
અધખુલ્લા આદમી
ખુલ્લા મોઢે
ગળચી રહ્યા
રણની કાંટાળી હવાને.

જાન્યુઆરી, ૧૯૬૩




પથરા વચ્ચે ભીંસાયેલા સફેદ ચૂનાના વાટાઓને પૂછ્યું,
ગેરુ રંગની દીવાલોને પૂછ્યું,
પૂછ્યું ઝેરી લીલાશ પકડતી તોતિંગ બારણાંની ભોગળોને,
પૂછ્યું હમણાં ફેંકેલા પૂર્વજના જર્જરિત સાફાને,
પાંપણોની છત્રીવાળા ઝરૂખાની કોતરણીમાં
ઢળેલી ઘાટીલી હવાને પૂછ્યું.
કિલ્લાની રાંગે લટકતા ચણિયાનાં ચીંથરાંને,
સૂતેલા મહેલને દરવાજે નિર્લજ્જ નખરા કરતી ગલીઓને પૂછ્યું.
ગોળગોળ આંખોની બાજુમાં
સુકાતી જતી રેખાઓને,
બાવળને વેંઢારી વસૂકી ગયેલી ધરતીને,
ભાંગેલા ઘુમ્મટના ભુક્કા વચ્ચે સંભોગરત કપોતયુગલને પૂછ્યું.

બધા પ્રશ્નો બપોર ભાંગતાં સુધીમાં ભુક્કો થઈ ગયા.
સાંજની સાથે શાન્તિ પૂરની જેમ ધસી આવી
અને જોતજોતાંમાં મારા નાક લગી છલકાઈ ગઈ.
મેં આકાશમાં હમણાં ફૂટેલા તારાઓ તરફ
દયામણી નજર નાખી
કે તરત બન્ને કબૂતર મારી પાંપણોમાં પુરાઈ ગયાં.

માર્ચ, ૧૯૬૩




રાતાં રાતાં
લોહીથી ઘેરાં
રણ.
પીળાં પીળાં
આવળથી પીળાં
ઘર.
ધોળો ધોળો હોલા જેવો ગભરુ સૂરજ.
કાળા કાળા
નિસાસાથી ઊંડા બુરજના પથ્થર.
ઝાંખી ઝાંખી
પગના તળિયાથી લીસી પગથી.
ધીમી ધીમી
આછી આછી
ભૂરી ભૂરી
બધી
ગઈ ગુજરી.

માર્ચ, ૧૯૬૩
અથવા