અથવા અને/માણસો

Revision as of 00:03, 29 June 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| માણસો | ગુલામમોહમ્મદ શેખ}} <br> <br> <poem> (રોબર્ટ હાન્સેનનાં ચિત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
માણસો

ગુલામમોહમ્મદ શેખ



(રોબર્ટ હાન્સેનનાં ચિત્રો)

એમને મોઢાં નથી.
છે તેમને અંદર છે.
એમને પગ છે, હાથ છે, છાતી છે, આંગળાં છે.
પણ એ એમનાં પોતાનાં જ છે કે બીજા કોઈનાં
એની એમને જાણ નથી,
તેથી કોઈ વાર તેઓ સાથીદારનો પગ, બાળકની છાતી
અને ઘરડાં માથાં પહેરી ઊભા હોય એવું લાગે છે.
એમના પાઇપ જેવાં શરીરોમાં લોહી બચ્યું હશે
તો એનો રંગ સફેદ હશે.
એમનાં હાડકાં બાફેલ કરચલાના પંજાઓ જેવાં કૂણાં લાગે છે.
પગ આરસના કાદવમાં ખૂંચેલા છે.
માથાં ક્રોસની જેમ આડું જોઈ શકતાં નથી.

કોઈક ત્યાં પર્વતની જેમ ઊભેલો
પાતળા, પંગુ અનુજને તુચ્છકારે છે.
કોઈ વસ્ત્રદેહી, કોઈ શરીર વગરના માથાવાળો,
કોઈ ઊડતા દેવદૂતનો સંદેશ ઠંડે કલેજે સાંભળે છે.
કોઈ કસાઈખાને લટકતા લોચા જેવો ટપકે છે.

ક્યાંક તેઓ ટોળે મળીને
પોતાનામાંના કોઈને કુતૂહલથી નીરખે છે,
તો ક્યાંક મરેલા આકાશનું ખોળિયું પહેરી
દૂધના ઝાડ જેવા નિશ્ચેષ્ટ ઊભા છે
અને ક્યાંક
વધેરાયેલાં અંગોના ઉકરડામાં
કબર પરના થોરની જેમ થીજી ગયા છે.

જાન્યુઆરી, ૧૯૬૨
અથવા