અનુનય/કહેણ (બાળપણને)

કહેણ (બાળપણને)

પાસેના વગડામાં
પેલી પરી મળે તો
ક્હેજે કે એની પાંખનું એક પીછું
મારી પાંપણોમાં પરોવાઈ ગયું છે–
ક્યારેક મને બધું રંગબેરંગી દેખાય છે.
સામેના ડુંગરાની અંધારી ગુફામાં
પેલો રાક્ષસ મળે તો
ક્હેજે કે એનો એક દાંત
મારી ખોપરીમાં ખૂંપી ગયો છે–
ક્યારેક મને સણકો ઊઠે છે.

નદીકાંઠાના પીપળાના ઝાડમાં
પેલો બાબરો ભૂત મળે તો
ક્હેજે કે એનાં બાબરાંની એક લટ
મારા વાળમાં ગૂંચવાઈ ગઈ છે–
ક્યારેક ખાઉં ખાઉં કરતા વાયરામાં
હુંય ધૂણી ઊઠું છું.
ને ક્હેજે કે
મારે એમને બધાંને મળવું છે–
પણ... કદાચ... હવે તો…
બીજા અવતારમાં

૬-૧૦-’૭૪