અનુનય/પુષ્પશિશુ
Jump to navigation
Jump to search
પુષ્પશિશુ
હું જોઉં છું આ શિશુ ફૂલફૂલમાં
તે શું હશે કેવળ ભૂલભૂલમાં!
ના, ના; જરા કર ગ્રહી લઈ નાકની કને
એને સૂઘું તો દૂધિયા શરીરને
જાણે રહું સૂંઘી! અડું છું પાંખડી
તે પોપચાં હેઠળ આંખ, આંખડી!
આ પદ્મ તો પાની, હથેલી પોયણું;
–કવિ નથી કે હું અલંકૃતિ ભણું–
જોતાં જ આ તો નરી આંખથી દીઠું,
ચૂમી લઉં તો મધથી મીઠું મીઠું!
આનંદ આ હૃદયને બસ ફૂલદર્શને
ફૂલસુગંધ જેમ
હું ના છુપાવી શકું
શિશુ શરીરના સ્પર્શે જાગ્યા
ભ્રમરગીત શા પ્રકંપિત હર્ષને.
૨૯-૭-’૭૬