અનુનય/પહેલી વર્ષા

પહેલી વર્ષા

પ્હોળી પલાંઠીએ બેઠેલા
પાંખ વગરના પ્હાડ
આજ તો વાદળ સાથે ઊડે!
સેર-પાતળી નદી આજ તો
હણહણતા જલઘોડામુખનાં
ફીણ ફીણમાં બૂડે!
ભૂખરાં ભરભર ઢેફાં
આજે સુગંધભીનાં
જરા નાકથી ચાખો
કેવાં ગળ્યાં ગળ્યાં!
મૂંગાં મૂંગાં ઝાડ આજ તો
પાન હથેળીમાં ફોરાંની
ટપાક તાળી ઝીલે, પવનથી
અલકમલકની વાતે વળ્યાં!
અને અમે,
છાપરું ગળતું નથીને?!
બધી બારીએ બંધ કરીને?!
કરી ખાતરી
કોરી કોરી પથારીઓમાં પળ્યાં!

૮-૬-’૭૫