અનુનય/હેલી પછી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હેલી પછી

સાત સાત દિવસ પછી, હાશ–
આજે સૂરજ ઊગ્યો ખરો!
ભીનાં પાનની હથેળીઓમાં ચમકે
શત શત મોંઘા મૂલના મણિ!
ચાંદીની પાટોની પાટો
ઉપરતળે થતી
વહી જાય દરિયા ભણી!
લીલી ફ્રેમે મઢ્યાં તલાવડીઓનાં દર્પણ
ઝગમગ ઝગમગ
આંગણામાં આડિયું ભરીને વેરેલા કણ
પાંખોની ફડફડ, ચાંચોની ચણ ચણ
ભીનાં પીછાં પર ભભરાવેલો તડકો
તગતગ તગતગ
પ્રલયનાં ઓસરતાં પાણીમાં સરે
ધીરે ધીરે તરંગની તરી
સૂરજનો સફેદ સઢ ફરફરે!

૯-૯-’૭૩